સંધિકાળ
વીતી ગઈ મિલનની રજની જતાં જતાં
ચંદ્રે દીધું ચરમ ચુંબન શ્વેત પદ્મને
ને એ કપોલ પરના લઘુ મૌક્તિકે હતું
માધુર્ય વિશ્વભરનું વિલસી રહેલ રે !
નિઃશ્વાસ ત્યાં થકી સુણ્યો ઉરની વ્યથા તણો.
પંખીગણે નવ પ્રભાતનું ગાન હર્ષથી
રેલાવિયું દ્રુમ દ્રુમે પૃથિવી નભે વળી :
પ્રાચી મહીં પિયળની સુરખી છવાઇ ને
વ્યાપી વસંતની પરાગ સમીરણે ભળી.
ઉલ્લાસનો નિધિ ત્યહીં ભરતીથી ઊછળ્યો.
મેં સંધીકાળ દીઠ આવત ને જનારનો
આનંદનો કરુણ-વિહ્વલ ક્રંદના તણો
મેં સંધીકાળ દીઠ ભૂમિ પરે અપાર્થિવ
મેળો થતો જ્યહિં નિરંતર જન્મ મૃત્યુનો.
– રાજેન્દ્ર શાહ
( ધ્વનિઃ આદર્શ પ્રકાશન, પુનઃમુદ્રણ 2006)
ગાંધીબોધથી વ્યાપ્ત ગુજરાતી કવિતા પ્રહલાદ પારેખ અને કૃષ્ણલાલ શ્રીધરાણીથી વહેણ બદલે છે. આ બંને કવિઓ ઉપરાંત રવીન્દ્રનાથનો સૌંદર્યરાગી પ્રભાવ ઝીલતી કવિતા સાથે એ પછીના સમયગાળામાં આપણા સમર્થ કવિ રાજેન્દ્ર શાહનું આગમન થાય છે. આ આગમન મઘમઘતી વસંત જેવું છે. સ્વાતંત્ર્ય સંગ્રામ, બે વિશ્વયુદ્ધો અને ગ્લાનિ પૂર્ણ જગતથી અલિપ્ત એવી પ્રણય, પ્રકૃતિ અને અધ્યાત્મચિંતન રસિત સૌંદર્યરાગી કવિતાનો એક નવો યુગ એમના નામે આરંભાય છે.
કવિ રાજેન્દ્ર શાહનો ‘કુમાર’ અને બુધસભા સાથે અવિનાભાવી નાતો રહ્યો છે. ઇ.સ. 1937માં ઉચ્ચ અભ્યાસાર્થે અમદાવાદ પધાર્યા ત્યારથી બુધસભા સાથે થયેલો સંગ એમને છંદના સમૃદ્ધ વારસા તરફ દોરી જાય છે. આ સમૃદ્ધિ એ હદ સુધી તેઓ અર્જિત કરે છે કે કવિશ્રી ઉમાશંકર જોશી ‘સંસ્કૃતિ’ના મે-જૂન 1952ના અંકમાં ‘ધ્વનિ’ સંગ્રહની સમીક્ષા કરતાં લખે છેઃ ‘…રાજેન્દ્રનો સર્વાંગી પરિચય છંદોબદ્ધ કૃતિઓમાં સહજપણે થાય છે. રાજેન્દ્રની છંદોબદ્ધ કૃતિઓમાં એક જાતની પૌઢિ, પક્વતા પણ છે.’ આમ પૌઢિ અને પક્વતા સાથે જ પ્રારંભ કરનાર આ કવિની મનોહર પ્રકૃતિ ચિત્રણા સાથે વિચારતંતુનું રસાળ સંયોજન ધરાવતી એક સૉનેટરચના ‘સંધિકાળ’ માણવાનો આશય છે અહીં.
કવિ રાજેન્દ્ર શાહની મોટાભાગની સૉનેટરચનાઓ શેક્સપિયરિયન સ્વરૂપની છે. બાકીની પેટ્રાર્કન, એટલે કે અનિયમિત પંક્તિઘટકો ધરાવતી રચનાઓ છે. ‘સંધિકાળ’ સૉનેટ સ્વરૂપની દૃષ્ટિએ અનિયમિત પ્રકારનું છે. બે પંચક અને એક ચતુષ્કથી બનેલ પંકતિઘટકોનું આ સ્વરૂપ સૉનેટના હાર્દને પ્રગટાવવામાં પણ અહીં સહાયભૂત બને છે. વળી વસંતતિલકામાં ઉપાંત્ય એક લઘુ ઉમેરવાથી બનતો મૃદંગ છંદ અહીં પ્રયોજાયો છે. વસંતતિલકાના સહજ વહ્યે જતા લયમાં ઉપાંત્યે ઉમેરાયેલો આ લઘુ ભાવકને ઘડીભર અટકાવે છે. કોઇના ઘરમાં પ્રવેશતાં ઉંબર પર લાગતી નાનકડી ઠેસ જેમ આગંતુકને સભાન કરી દે છે તેમ અહીં પણ ભાવકને એ લયહિલ્લોળમાં તણાતો અટકાવી વિચારતંતુ સાથે તેનું સાયુજ્ય રચી આપે છે. અહીં છંદ સ્હેજ ગદ્યાળુ બને છે. આમ પંક્તિઘટક ને છંદમાં કવિ ઉફરા ચાલે છે.
અહીં કલ્પના, ભાવ અને ચિંતનનું રસાયણ કવિને મૃદંગ જેવો છંદ પ્રયોજવા આકૃષ્ટ કરે છે. કવિએ પ્રકૃતિના ગાઢ, ગૂઢ અને ગહન રહસ્યોનું કરેલ આકંઠ પાન અહીં પંક્તિ પંક્તિએ નીતરતું અનુભવાય છે. એમાં પણ પ્રકૃતિની લીલાને ભાવસંવેદન અને ચિંતનનો પાસ લાગે છે ત્યારે વાસ્તવ કરતાં પણ વધુ મનહર અવનવીન રૂપો સર્જાય છે. પોતે અનુભવેલી સૃષ્ટિ આલંકારિક બનીને શબ્દસ્થ થતી રહે છે. એમાં કાંઇ કમાલ હોય તો તે છે કવિની સૌદર્યરાગી કાવ્યદૃષ્ટિની! અહીં માધુર્ય અને નિઃશ્વાસને વિરોધાવીને પ્રથમ પંચકનો ઉપાડ કઇ ઊંચાઇએ મૂકી આપ્યો છે તે જુઓ-
વીતી ગઈ મિલનની રજની જતાં જતાં
ચંદ્રે દીધું ચરમ ચુંબન શ્વેત પદ્મને
ને એ કપોલ પરના લઘુ મૌક્તિકે હતું
માધુર્ય વિશ્વભરનું વિલસી રહેલ રે !
નિઃશ્વાસ ત્યાં થકી સુણ્યો ઉરની વ્યથા તણો.
અહીં રાત્રીના છેલ્લા પ્રહરનો મોહક પરિવેશ નિરૂપણ પામ્યો છે. એક પુકુરમાં ખીલેલાં શ્વેત પદ્મ સાથેની ચંદ્રની મિલનક્ષણોનું મધુરતાપૂર્ણ ચિત્રણ રાત્રીની રમ્યતાને કલાત્મક બનાવે છે. આ રમ્યતામાં ભળેલો વિરહનો સંકેત કાલિદાસની ખ્યાત પંકિત न ययौ न तस्थौની લગોલગ મૂકી આપે છે. અહીં મિલન અને વિરહના સંધિકાળ સાથે રાત્રીના અંતિમ પ્રહર અને પરોઢનો સંધિકાળ પણ નિર્દેશિત થયો છે. વળી ચોથી પંક્તિમાં આવતો ‘રે !’ માત્ર છંદપૂરક લટકણિયું ના બની રહેતાં કાવ્યવસ્તુને ઉપકારક એવો વ્યથા નિર્દેશક ઉદ્ગાર બની રહે છે.
પ્રથમ પંચકમાં વિદાયમાન રાત્રી છે તો બીજું પંચક નવલું પરોઢ લઇને આવે છે. મનમાં અંકિત મિલનની મજા વિરહના મિશ્ર ભાવો સાથે પ્રાચી(પૂર્વ દિશા)માં પિયળ(કપાળમાં કરેલી કંકુની અર્ચા) સાથે સાંકેતિક રીતે દૃશ્યમાન બને છે. સૂર્યોદયનું પિયળ સાથે સાયુજ્ય રચી કવિએ કેવી કલાત્મક પ્રતીકયોજના કરી છે! જુઓ,
પંખીગણે નવ પ્રભાતનું ગાન હર્ષથી
રેલાવિયું દ્રુમ દ્રુમે પૃથિવી નભે વળી :
પ્રાચી મહીં પિયળની સુરખી છવાઇ ને
વ્યાપી વસંતની પરાગ સમીરણે ભળી.
ઉલ્લાસનો નિધિ ત્યહીં ભરતીથી ઊછળ્યો.
ઘડી પહેલાં જ્યાં ઉરની વ્યથાનો નિઃશ્વાસ હતો ત્યાં ઉલ્લાસ ફરી વળે છે. જીવન પણ આવા વિરોધાભાસોની વચ્ચે જ અંકુરિત થતું હોય છે. रात्रीर्गमिश्यति भविश्यति सुप्रभातम्નો ભાવ પણ અહીં વ્યક્ત થાય છે. કવિએ આ બીજા પંચકમાં સહજપણે પ્રભાતનું ગતિમય ચિત્ર આલેખી દીધું છે. પરંતુ સર્ગશક્તિનો આ ઔઘ કવિને ‘વસંતની પરાગ’ એવો ભાષાદોષ પણ કરાવે છે. સૃજનની ગતિમાં ભળેલો પ્રકૃતિનાં સૌંદર્યનો પાસ જાણે શબ્દના લિંગ તફાવતને પણ વળોટી જાય છે !
અંતિમ ચતુષ્કમાં કવિ માધુર્ય-નિઃશ્વાસ, આવનાર-જનાર, આનંદ-કરુણ, જન્મ-મૃત્યુ જેવા વિરોધી ભાવો વચ્ચે પણ જીવનની નિરંતરતા સાથે સંવાદનું દર્શન કરે છે. આ સંવાદ એ જ તો સંધિકાળ ! આ સંધિકાળ ના હોત તો જીવનના દ્વંદ્વો વચ્ચે માધુર્યની અપેક્ષા જ ન રાખી શકાત !
મેં સંધીકાળ દીઠ આવત ને જનારનો
આનંદનો કરુણ-વિહ્વલ ક્રંદના તણો
મેં સંધીકાળ દીઠ ભૂમિ પરે અપાર્થિવ
મેળો થતો જ્યહિં નિરંતર જન્મ મૃત્યુનો.
રાત્રીના મધુર વર્ણનથી શરૂ થયેલું સૉનેટ જીવનના સંધિકાળ સુધી આવીને સૌંદર્ય અને ચિંતનની અદ્ભુત ક્ષણોનો સાક્ષાત્કાર કરાવી જાય છે! આ સાક્ષાત્કારને મનોહર બનાવવા માટે કવિએ યોજેલી – રજની, પદ્મ, ચુંબન, કપોલ, ઉર, પિયળ, પ્રાચી, દ્રુમ, સમીરણ, નભ, ક્રંદના, અપાર્થિવ જેવી – તત્સમ શબ્દસૃષ્ટિ કવિના ભાષાસામર્થ્યનો પણ ખ્યાલ આપે છે. આ શબ્દો કવિએ પોતાનું ભાષાજ્ઞાન પ્રદર્શિત કરવાના હેતુથી પ્રયોજ્યા હોય એવું લગાર પણ આ સૉનેટમાંથી પસાર થતાં અનુભવાતું નથી.
આમ આ સૉનેટમાં પ્રકૃતિના સહજ સૌંદર્ય સાથે ભાષાનું સૌંદર્ય પણ ઉઘડી આવે છે. કલ્પનોત્થ ઉડ્ડયન સાથે જીવાતુભૂત સાંવેગિક સંચલનો પણ નવું પ્રભાત તાણી લાવે છે. કવિ સુરેશ દલાલે ‘કાવ્યવિશેષ : રાજેન્દ્ર શાહ’ની પ્રસ્તાવનામાં સાચું જ કહ્યું છેઃ ‘રાજેન્દ્રની કવિતા એટલે પ્રેમની, પ્રસન્ન દાંપત્યની અને મૃત્યુના માંગલ્યની તથા જીવનના ચાંચલ્યની, સ્થિરતાની કવિતા છે. અહીં સ્પંદને ધબકતાં પ્રકૃતિચિત્રો છે, આ ચિત્રોમાં હળવી પીંછીનો આલેખ છે. ભડકાવનારા રંગો નથી પણ આંખ અને કાનને શાતા આપે આવી રંગચિત્રણા છે.’ ખરે જ ‘સંધિકાળ’ પણ ભાવકના આંખ અને કાનને શાતા આપે એવું સૉનેટ છે. ભાવ, ભાષા અને ચિંતનના ત્રિવેણીસંગમ જેવું આ સૉનેટ આપણી ભાષાનું એક ગણમાન્ય સૉનેટ બની રહે છે.
* * * – જયંત ડાંગોદરા
e-mail: jayantdangodara@gmail.com
( કવિલોકઃ માર્ચ – એપ્રિલ, 2022માં પ્રકાશિત )
Wah jayantbhai wah
વાહ દાદા…
વાહ, યુગ પ્રવર્તક કવિની રચના આપની સશકત કલમ દ્વારા ઉઘાડ પામે છે.
Wah
અતિ સુંદર
.
ક્યારેક તમે આવો
ક્યારેક અમે આવીએ
ક્યારેક તમે કંઈક મોકલાવો
ક્યારેક અમે કંઈક મોકલાવીએ
ચાલોને યાર સ્વાર્થ વગર
આપણે મનથી સબંધ નીભાવિએ.
હવે કેટલા વરસ જીવશું ?
ને કેટલું સાથે લઈ જશું ?
ઈર્ષ્યા અહંકાર મુકિને
હ્રદયથી એકમેકને સ્વિકારીએ
તમે આમ કરો તો જ સારા
અમે આમ કરીએ તો જ સારા
આવા સ્વભાવને હવે
ગંગામાં પધરાવીએ
નફો નુકસાન હવે જવાદો
પહેલા શું થયું ? રહેવા દો
_જીવનના *અંતીમ પડાવને*_
_સુખદ સુમનથી સજાવીએ_
_ચાલોને *આપણા સ્વભાવને*_
_હવે શાંત સરળ બનાવીએ._
*…… ચાલો ને આપણે મિત્રો બનીએ અને બનાવીએ…..*
*મારા હૃદય ના ધબકારા જેવા મિત્રો ને સમર્પણ*
. *હસમુખ કિડેચા ના જય શ્રી કૃષ્ણ*