શબરીને મન
શબરીને મન બોર નથી કોઇ એઠાં,
તમે નજીવા કારણસર કાં મ્હોં મચકોડી બેઠા?
વન નામે આ સાંપ્રત ફેલ્યો આસપાસ એકાંત,
ઘડીક ગોઠડી માંડો તો પણ મારે મન વેદાંત.
આંસુપાત કે હો મરકલડું, ક્યાં કોઈના નેઠાં !
શબરીને મન બોર નથી કોઇ એઠાં!
ઉપરથી જે લાગે પાકું, ભીતર બિલકુલ કાચું,
ખરું શોધવાની ખાંખતમાં વહી જાય ચોમાસું.
અગનઝાળને જાણી નહીં તો શું નિંભાડે પેઠા ?
શબરીને મન બોર નથી કોઇ એઠાં!
– સંજુ વાળા
લય-લહેકા અને ઢાળની સખાતે કંઠોપકંઠ ઉતરી આવેલી ગાન પરંપરામાં લોકગીતની સાથે પદ, ભજન, ગરબી, ગરબા વગેરેનું પણ અદકેરું સ્થાન છે. સંસ્કૃતિના એ પ્રવાહમાં હ્રદયના કોમળ ભાવોને પ્રગટ કરવામાં ગીત મોખરે રહ્યું, તો એ જ હ્રદયમાં પ્રગટતી પરમની ઝંખનાને ભજન અને એનાં આનુસંગિક રૂપોએ ખોબો ધરીને અર્ઘ્ય આપવાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું ! પરા અને અપરા બંનેને ધારણ કરીને સમૃદ્ધ થયેલી આ પરંપરા પછી તો અનેક કવિઓના કંઠ અને કલમની સાક્ષી બની રહી. લોકકવિથી લઇને આજના આધુનિક – અનુઆધુનિક કવિઓએ ગીતકવિતાની એ કેડીને આજે તો રાજમાર્ગમાં પરિવર્તિત કરી આપી છે. ક્યારેક તો ગીત અને ભજન વચ્ચેનો ભેદ ભુંસાઇ જાય એ હદ સુધી આપણી કવિતાએ નિશાન તાક્યું છે. જ્યારે જ્યારે આ નિશાન પાધરું પડ્યું છે ત્યારે ત્યારે એ ગીતકવિતાએ માત્ર શબ્દાનુપ્રાસ – વર્ણાનુપ્રાસ કે લયનાં ઘોડિયામાં શબ્દને સુવડાવીને હાલાલુલુ હાલાલુલુ કરવાનું સાધન ન બની રહેતાં ભાવોર્મિ અને ચિંતનોર્મિની ઉચ્ચતમ કક્ષાએ ભાવકને મૂકી આપવાનું કામ કર્યું છે.
ભાવ અને ચિંતનની આ જુગલબંધીને અનોખા સ્તરે લઇ જવાનું કામ કરનાર આપણા ગણનાપાત્ર કવિ સંજુ વાળાના એક ગીત ‘શબરીને મન’ ને માણવાનો અત્રે ઉપક્રમ છે. રાગાધીનમ્ સંગ્રહનું આ ગીત પ્રથમ દૃષ્ટિએ શીર્ષક જોઇને એમ જ માનવા પ્રેરે કે રામાયણની શબરીનાં એ જ પુરાકલ્પનને કવિએ શબ્દફેરે રમાડ્યું હશે. પણ જેવા આપણે મુખડાથી ગીતમાં પ્રવેશ કરીએ ન કરીએ ત્યાં જ આપણી આ ધારણા ડગવા માંડે છે અને અંતરા સુધી આવતામાં તો એ ધારણા ભાંગીને ભૂક્કો પણ થઇ જાય છે !
શબરીને મન બોર નથી કોઇ એઠાં,
તમે નજીવા કારણસર કાં મ્હોં મચકોડી બેઠા?
સર્વ સામાન્ય રીતે આપણી ધારણા એવી હોય છે કે શબરી રામને ચાખેલાં બોર ધરે ત્યારે રામ એ અજીઠાં બોરને ખૂબ જ ભાવપૂર્વક આરોગે અને લક્ષ્મણ એ જોઇને આશ્ચર્યવત્ મોં મચકોડે અને મનમાં ઉદ્ભવેલા એ અણગમાની અભિવ્યક્તિ પણ રામ સમક્ષ કરે. જ્યારે અહીં તો આખી વાત જ ઉલટાઇ ગઇ છે ! રામને મન કોઇ બોર એઠું ન હોય એ તો સમજાય, પણ અહીં તો શબરીને મન કોઇ બોર એઠું નથી. શબરી અને રામ જાણે આત્મોપ્મ્ય ભાવે સાવ લગોલગ આવી ગયાં છે!
શબરી પાસે જે જે બોર છે એ એનાં પોતિકાં છે. એણે ખૂબ કાળજીપૂર્વક એને કાંટાળી બોરડીમાંથી વીણ્યાં છે. આ બોરડીરૂપી જગત એની આસપાસ કંઇક કંઇક પીડાઓ લઇને ઊભું છે. એમાંથી મનગમતાં બોર ચૂંટવા એ કંઇ જેવી તેવી વાત નથી! હાથ લોહીલુહાણ થઇ જાય પછીયે કદાચ ઇચ્છેલું બોર મળે તો મળે ! એટલે આ શબરી કહે છે કે મેં વીણેલાં કોઇ બોર એઠાં નથી. અહીં જે શબરી છે એ તો આજની આધુનિક નારીની પ્રતિનિધિ છે, એ કંઇ રામાયણની શબરી નથી. વળી એ જે બોર ચાખીને બેઠી છે એ તો એના આ જગતના ખાટામીઠા અનુભવો છે !
પોતાની પાસે છે એ પોતિકા જણને આપવાની તત્પરતા દાખવતી નાયિકા રીસ ચડાવી બેસેલા નાયકને જરા તોરમાં પૂછે કે તમે કાં મોં મચકોડી બેઠા? એ પ્રશ્નની પડછે એવો ધ્વનિ પણ સંભળાય છે કે તમે તો સ્નેહી છો કે માલિક ? આ મોં મચકોડવાનું કારણ તમારો માલિકીભાવ તો પ્રગટ નથી કરતોને ! ભાવના ઉચ્ચ સ્તરે પહોંચવામાં એ બાધક બની રહે છે. મુક્ત ગગનમાં વિહરતી આજની આધુનિક નારીનો ઉપાલંભ કવિએ કેટલી સહજતાથી વ્યક્ત કરી આપ્યો છે !
પોતાના સ્નેહભાજન સાથે ઘર માંડીને રહેતી આ નારી સંસારમાં અનેક લોકો, પરિસ્થિતિઓ અને સમસ્યાઓના સંસર્ગમાં આવે છે. પરિવારની ધૂરાનું ખભેખભા મિલાવીને વહન કરતી એ સાંપ્રતના ઘોર વનમાં ઘૂમતી રહે છે. ઘરનું કામકાજ આટોપીને પોતાના આર્થિક ઉપાર્જનના સરનામે પહોંચવા દોડતી એ ભીડ વચ્ચે પણ પોતાના માટે અવકાશ શોધતી રહે છે. આવી એ પોતાનું એકાંત અકબંધ રાખીને સાંજે થાકીપાકી પાછી ફરે ત્યારે નાયક જો બે સારા શબ્દો પણ સંભળાવે તો એને મન વેદાંત સાંભળ્યા જેટલું મૂલ્યવાન બની રહે છે.
વન નામે આ સાંપ્રત ફેલ્યો આસપાસ એકાંત,
ઘડીક ગોઠડી માંડો તો પણ મારે મન વેદાંત.
આંસુપાત કે હો મરકલડું, ક્યાં કોઈના નેઠાં !
શબરીને મન બોર નથી કોઇ એઠાં!
જેનો કોઇ જ નેઠો ન હોય એવી હદે સુકાઇ ગયેલી પોતાની આંખોમાં અશ્રુપાતની તો વાત જ નથી રહી, ત્યાં કોઇના સ્મિતની તો આશા પણ ક્યાંથી રાખી શકાય ? એકાદ મરકલડું પણ દુર્લભ બની જાય એવી; સાંપ્રતના વનમાં વલવલતી નારીની આ કથા કેટકેટલાં ઇંગિતો અહીં ચીંધી બતાવે છે !
અહીં શબરી રૂપી નાયિકા બોરનાં પ્રતીકને વિશદ કરતાં કહે છે કે અનેક પ્રકારનાં બોર વીણ્યા છે એમાં કેટલાંક તો કાચા નીકળ્યાં છે. ઉપર ઉપરથી પાકું લાગતું બોર ક્યારેક ભીતરથી સાવ કાચું નીકળે છે. એ સમયે ખ્યાલ આવે છે કે માત્ર લાલ – પીળો રંગ ચડી જવાથી કંઇ પાકું નથી બની જવાતું ! ભીતરનો ગર્ભ પણ પાકવો જોઇએ ! જો ભીતર રહેલું તિમિર પાકી જાય તો તો ચોમેર અજવાળું જ અજવાળું ! ચહેરા પરની ઝળહળ ક્યારેક બનાવટી પણ હોય, પરંતુ હૈયું ક્યારેય કપટી ન બની શકે. જીવનનું એ બોર પાકે ત્યારે ડગલે પગલે મધુરતા જ પ્રગટતી રહે છે. પણ અહીં સુધી પહોંચતાં પહોંચતાં તો કંઇક ચોમાસાં વહી જાય છે.
ભીંજાવાની અને સાથે ભીંજવવાની પૂરી તૈયારી કરીને નીકળ્યા હોઈએ, પણ જીવનની ખાંખત કરવામાં તો ચોમાસું ભૂલી બેસીએ એવું પણ બને ! ત્યારે પ્રહલાદ પારેખની એક પંકતિનું સ્મરણ થઇ આવે-
સારી ધરતીની માગઃ
આજે લાગી છે આગઃ
એને આવી હવે તું ઓલાવ, રે મેહુલિયા.
મેઘ જેવા મેઘને દૂત બનાવીને પોતાનો કાગળ વ્હાલી વામાને પહોંચાડવાની પેરવી કરનાર યક્ષની તુલનાએ અહીં મ્હોં મચકોડનારનું ચોમાસું કેવું રસહિન બની જાય છે ! પછી તો ભીતર બળતરા સિવાય બાકી પણ શું રહે ? તેથી જ નાયિકાથી કહેવાઇ જાય છે કે મારી અગનઝાળ તો તમે જાણી જ નહીં. મારી એક એક પીડાને પીછાણ્યા વગર તમે તો સાવ કાચા રહી ગયા પ્રિતમ ! તમે મારા દેહના નિંભોડે પહોંચી રતિસુખ માણ્યું પણ હ્રદયના ગર્ભ સુધી ના ગયા. કવિએ પીડાને કેવી કલાત્મક રીતે અહીં નિરૂપી છે તે જુઓ –
ઉપરથી જે લાગે પાકું, ભીતર બિલકુલ કાચું,
ખરું શોધવાની ખાંખતમાં વહી જાય ચોમાસું.
અગનઝાળને જાણી નહીં તો શું નિંભાડે પેઠા ?
શબરીને મન બોર નથી કોઇ એઠાં!
આ રીતે શબરીનું પુરાકલ્પન અહીં આધુનિક નારીની પીડાનું પ્રતીક બની જાય છે. આ શબરીની ક્ષરથી લઇને અક્ષર સુધીની પ્રતીક્ષાઓ, ઝંખનાઓનો નાયક સાક્ષી બને છે, પણ સહબાગી બનતો નથી. તે નાયિકાને માત્ર માલિકીભાવના પાશમાં બાંધી રાખી સત્તા જમાવવા ઇચ્છે છે. પણ નાયિકા તો જીવનના અનુભવ રૂપી દરેક બોરને મીઠાં બનાવવાની ઝંખના સાથે વિસ્તરતી રહે છે. એને મન પછી તો કોઇ બોર એઠું રહેતું નથી. એ તો સૌમાં મીઠાશ ભરીને ઘૂમતી રહે છે અને પીડાના પદ્મને સોળે કળાએ ખીલવીને પોતાના રામની સાથે આત્મોપ્મ્ય પામતી રહે છે.
પ્રસ્તુત ગીતમાં કવિએ ‘મ્હોં મચકોડવું’, ‘મરકલડું’, ‘ગોઠડી’, ‘ખાંખત’, ‘નિંભાડો’ વગેરે શબ્દપ્રયોગોનંં એવું તો ગૂંફન કર્યું છે કે સમગ્ર પરિવેશ સાંપ્રતનો પરિચાયક બની રહે છે. તો ‘વન નામે સાંપ્રત’ નું રૂપક પ્રયોજીને પરિવેશ ઉપરાંત એની બિહામણી વાસ્તવિકતાનો નિર્દેશ પણ કરી આપે છે. અહીં પ્રયોજાયેલ ‘સાંપ્રત’ જેવો શબ્દ ભાષાશૈલીગત જુદો પડી જતો અનુભવાય, પરંતુ એ જ શબ્દ ગીતના કથયિતવ્યનું યથાયોગ્ય નિર્વહણ કરવામાં સહાયક બની રહે છે. વળી પદે પદે પીડાની અભિવ્યક્તિ અહીં પ્રયોજાયેલ એઠાં, મચકોડી, બેઠાં, ગોઠડી, માંડો, મરકલડું, નેઠાં, નિંભાડો, પેઠાં જેવાં પદોમાં રહેલ ‘ડ’ અને ‘ઠ’ જેવા ટ વર્ગના કઠોર વ્યંજનો દ્વારા કેવી સહજ અભિવ્યક્તિ પામી છે! કવિએ પ્રયોજેલી ભાષા પણ ગીતના ભાવન માટે અનોખો આયામ સ્થાપી આપે છે. વળી શબરી, વન, બોર વગેરેને વ્યંજક શકિતના સ્તરે સ્થાપીને કવિ ભાવકને એક નરવાં અને ગરવાં ગીતના રસપ્રવાહમાં ખેંચી જવામાં સફળ રહે છે.
આ ગીત ભાષા, ભાવ અને તત્વદર્શનની દૃષ્ટીએ પણ નવતાનું દ્યોતક બની રહે છે. કવિ જ્યારે એક ઊંચાઇ પરથી સમગ્રતાનું દર્શન કરતા હોય ત્યારે આવું બનવું સ્વાભાવિક છે. કલ્પના જ્યારે વિચારમાં સંગોપાયને ઉડ્ડયન કરે ત્યારે જ આવા પરિણામ મળતાં હોય છે.
આમ કવિએ જે કલાત્મકતાથી આ ગીતમાં વિચાર અને ભાવના ઉન્મેષો તાગી બતાવ્યા છે તે નાવીન્ય અને સાથે સાથે ગાંભીર્યનો પણ અહેસાસ કરાવી રહે છે.
– જયંત ડાંગોદરા
e-mail: jayantdangodara@gmail.com
( ‘છેક શિખરની મજા’માં પ્રકાશિત )