શ્રાવણી પૂર્ણિમા
આકાશેથી રજતવરણું રેશમી વસ્ત્ર મોંઘું
આવ્યું નીચે ફરફર અહીં બારીની બ્હાર જોઉં
સામે પેલા ગડવર ઊભા વૃક્ષની ડાળીઓમાં
ગૂંચાતું ને ગહકી ઊઠતો મોર જંપી ગયેલો !
ગોરું ગોરું બદન ઊતરે પૂર્ણિમાનું પ્રફુલ્લ !
કોઢે બાંધ્યા વૃષભ પર ત્યાં પૃષ્ઠભાગે પડે છે
જ્યોત્સ્ના મીઠી, જરીક દૂર ત્યાં ઓસરીમાં મૂકેલા
ખાલી બેડાં મહીં છલકતી ને દીવાલે અધૂરાં
છાયાચિત્રો મધુર રચતી ચાંદની સાવ ચોખ્ખાં.
ટીંપે ટીંપે અવ ટપકતાં ચાંદની શ્વેત શ્વેત !
ગાત્રો ઢાળી શિથિલ, નમણી શ્રાવણી પૂર્ણિમાને !
( વહી જતી પાછળ રમ્યઘોષા )
ભાષાને તોડી મરોડી અર્થની અટપટી ગલીઓમાંથી કવિતાને બહાક કાઢવાનું કામ કવિ લાભશંકર ઠાકરે બખૂબી બજાવી જાણ્યું છે. એમણે શબ્દ-અર્થ-લયનાં મનઘડંત રૂપો સર્જી કવિતાને નવું પરિમાણ બક્ષ્યું છે. ક્યારેક એમાંથી આકૃતિ રચાય છે તો ક્યારેક એ અનાકૃતિ જ રસરૂપ બની જાય છે. એમની કવિતા સરરિયલ ચિત્રોનો કોલાજ છે. પ્રાસની આંગળી પકડીને વિવિધ ભાવ-અભાવ મુદ્રાઓનું સંયોજન કાગળ પર ઉતરતું રહે છે. કાગળ પર ઉતરેલાં શબ્દ,લય,પ્રાસના ટપકાંઓને ભાવક પોતાની ભાવયિત્રી પ્રતિભાના જોરે જોડી શકે તો જ કશુંક પામ્યા કે ન પામ્યાનો આનંદ માણી શકે. અન્યથા લયના ખખડાટમાંથી પસાર થયાનો ભાવાભાસ જ ભાવકના ભાગે આવી ઊભો રહે! કવિની કલમનો કેમેરા ક્યાં સ્થિર થયો છે એ જાણી શકાય તો જ ભાષાની ભાંગફોડમાંથી પરિતોષ પ્રાપ્ત કરી શકાય. જે ભાવક એ જાણી શકે એનો કવિતામાં સાધિકાર પ્રવેશ થઇ શકે. અલબત્ આપણે જે કવિતાની વાત કરવી છે એ તો એમના આવી ભાંગફોડિયા ભાષા પ્રવૃતિ પહેલાની પરંપરા સાથે અનુબંધ ધરાવતા પ્રથમ સંગ્રહ “વહી જતી પાછળ રમ્યઘોષા’ની રચના છે.
શીર્ષક મુજબ શ્રાવણી પૂર્ણિમાની ગાઢ વાદળોથી ઘનઘોર એક રમ્ય રાતે નાયક બારી બહારની લીલાને નીરખી રહ્યો છે. આ નાયકનું દર્શન ભાવકને છેક ત્રીજી પંક્તિના અંતે થાય છે. ત્યાં સુધીમાં કાળા મેઘ જેવી દીવાલોવાળા નભમહેલની છીદ્ર રૂપી બારીમાંથી જ્યોત્સ્નાનું વસ્ત્ર ફરફર કરતું બહાર ફેંકાય છે. નભમહેલમાંથી રૂપાંગના જાણે લહેરિયું ફરકાવી રહી ના હોય ! અને આ વસ્ત્ર ફેંકાયું તો ખરું પણ એ જઇને પડે છે પૃથ્વી પરનાં ગાઢ વૃક્ષની ડાળીઓમાં અને ગૂંચવાઈ જાય છે. એ ગૂંચવણ ખરેખર તો નાયકના મનમાં ફૂટતા વિવિધ ભાવોનું પ્રતીક બની રહે છે. ભીતર જંપી ગયેલી ઇચ્છાઓ ફરી મોર બની ગહેકી ઊઠે છે. આમ પ્રથમ પાંચ પંકિતઓ ચંદિરાનું મનમોહક ચિત્ર તો રજૂ કરે જ છે, પણ સાથે સાથે કાવ્ય નાયકની એકલતાનું પ્રગટન પણ કરે છે.
આકાશેથી રજતવરણું રેશમી વસ્ત્ર મોંઘું
આવ્યું નીચે ફરફર અહીં બારીની બ્હાર જોઉં
સામે પેલા ગડવર ઊભા વૃક્ષની ડાળીઓમાં
ગૂંચાતું ને ગહકી ઊઠતો મોર જંપી ગયેલો !
બીજી સ્તબકમાં સદ્યસ્નાતા ચંદિરાનું માદક ચિત્ર કવિ દોરે છે. કમલસરમાં રજતવરણું અને હવે ગોરું ગોરું બદન અનંગની અનુભૂતિ કરાવે છે. ચંદિરાની પ્રફુલ્લતા સાથે દેહલાલિત્યની કમનીયતા પ્રગટ કરવા માટે બદન જેવો ફારસી શબ્દ અહીં કેવી નજાકતથી ગોઠવાઇ ગયો છે! વળી આ જ દેહભાવને વધું તીવ્ર બનાવવા કવિનો કેમેરા વૃષભના પૃષ્ઠ ભાગ સુધી પહોંચે છે. કોઢ, ઓસરી પરનાં બેડાં અને દીવાલ પર રચાતાં ચિત્રો નાયક ક્યાં પરિવેશમાંથી આવે છે તેનું પણ સૂચન કરી રહે છે. આ ઉપરાંત શ્રાવણી પૂર્ણિમા ક્યાં ક્યાં પગપેસારો કરી ચૂકી છે તેનું દર્શન પણ બારીમાંથી નીરખી રહેલો પેલો નાયક કરે છે. બદન, પૃષ્ઠભાગ, બેડું અને ભીંત પરના ઝાંખાં ઓળા નાયકની મનોસ્થિતિ પ્રગટ કરવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. વળી શૃંગારરસની સાંકેતિકતા પણ કેવી ઔચિત્યપૂર્ણ છે!
ગોરું ગોરું બદન ઊતરે પૂર્ણિમાનું પ્રફુલ્લ !
કોઢે બાંધ્યા વૃષભ પર ત્યાં પૃષ્ઠભાગે પડે છે
જ્યોત્સ્ના મીઠી, જરીક દૂર ત્યાં ઓસરીમાં મૂકેલા
ખાલી બેડાં મહીં છલકતી ને દીવાલે અધૂરાં
છાયાચિત્રો મધુર રચતી ચાંદની સાવ ચોખ્ખાં.
પ્રથમ અને બીજા સ્તબકમાં ચંદિરાનાં જે જે રૂપો ઝીલાયાં છે એમાં જાણે ત્રીજા સ્તબકની બે પંક્તિઓ ઉત્કૃષ્ટતાનું કંકુતિલક કરે છે! વરસીને પોરો ખાય ગયેલા વરસાદની તરત પછીની ક્ષણનું આ દૃશ્ય છે. નેવાં હજી ટપકી રહ્યાં છે અને એ જ પળે નભમાંથી સ્હેજ વાદળ હટ્યું કે ચાંદનીએ મોતી વેરવા માંડ્યાં!
વાહ..અદ્ભુત નજારો ખડો કરી દીધો કવિએ! ભાષાની ભંગિમા તો જુઓ-
ટીંપે ટીંપે અવ ટપકતાં ચાંદની શ્વેત શ્વેત !
ટીંપાં અને ટપકતાંનું અનુરણન કર્ણેન્દ્રીયને વરસાદી ઝરમરની અનુભૂતિ આપી રહે છે. ‘એક એક’ અને ‘શ્વેત શ્વેત’નો પ્રાસ ટપકતાં નેવાની ઝાંખી ઝાંખી ચાંદનીમય ત્રૂટકતા નિર્દેશી રહે છે. ભાષાની ઉથલપાથલમાં રાચનારો આ કવિ કેવું અપૂર્વ કવિકર્મ દાખવે છે !
છેક બારમી પંકતિએ વરસાદી પરિવેશનો અનુભવ કરાવનાર કવિ પછીની બે પંક્તિઓમાં તો સજીવારોપણ દ્વારા ચાંદનીને ઢીલાં ગાત્રે માર્ગમાં ખળખળ વહેતી મૂકે છે. અહીં શિથિલ ગાત્રોમાં ફરી બારી બહાર જોઇ રહેલા નાયકની મનોલીલાનું ઇંગિત પણ પામી શકાય છે. કવિએ નાયકના મનમાં ઉછળતા રતિના ભાવ અને અભાવની આબાદ છબી કંડારી છે!
ગાત્રો ઢાળી શિથિલ, નમણી શ્રાવણી પૂર્ણિમાને !
આમ એક તરફ ચાંદની અને બીજી તરફ નાયકની મનોલીલાને આલેખતું આ કાવ્ય મંદાક્રાંતામાં કેવું મનોહર બની રહે છે! મંદાક્રાંતાને મનહર અને મનભર બનાવવા માટે કવિએ પ્રયોજેલી – ‘સઘન નભ’, ‘રજતવરણું રેશમી વસ્ત્ર’, ‘ફરફર’, ‘ગડવર’, ‘ગૂંચાતું ને ગહકી’, ‘ગોરું ગોરું’, ‘પૂર્ણિમાનું પ્રફુલ્લ’, ‘પર ત્યાં પૃષ્ઠભાગે પડે’, ‘ટીંપે ટીંપે અવ ટપકતાં’, ‘એક એક’, ‘શ્વેત શ્વેત’, ‘જલ પ્રબલમાં’, ‘નમણી શ્રાવણી’ – આ શબ્દસૃષ્ટિ પણ એક નોખી જ તપાસનો વિષય બને છે. યમક અને આંતર પ્રાસના કવિકર્મથી ગૂંથાતું જતું કાવ્ય મંદાક્રાંતાની મનોહારિતાનો પણ ઉત્તમ નમૂનો બની રહે છે. રૂપક,સજીવારોપણ અને સ્વભાવોક્તિથી રચારું કવિતાનું પુદ્ગલ ‘શ્રાવણી પૂર્ણિમા’ને પ્રકૃતિ કાવ્યોમાં એક ડગલું આગળ મૂકી આપે છે.
અહીં મંદાક્રાતામાં પંદરમી પંક્તિએ કાવ્ય પૂર્ણ થાય છે. એકાદ પંક્તિ ઓછી કરીને સૉનેટ બનાવવાનો મોહ કવિએ જતો કર્યો છે. અતબત્ આખા કાવ્યામાં એક પંક્તિ પણ ઓછી કરી ન શકાય એવી સઘનતા કવિએ આ કાવ્યને અર્પી છે. શ્રાવણનાં સરવડાં જેવી ભીની ભીની છાલક આપતું અને ચંદિરાની માદકતામાં પ્રબળપણે વહી જતું આ કાવ્ય ભાવકને હર્ષઘેલો ન કરે તો જ નવાઇ!
– જયંત ડાંગોદરા
( કવિલોકઃ મે – જૂન 2022માં પ્રકાશિત )
ખૂબ જ સરસ આસ્વાદ ! આ કામગીરી ચાલુ જ રાખજો…. હાર્દિક અભિનંદન!
પ્રફુલ્લ પંડયા
પ્રફુલ્લ પંડયા