7. જીએ તો કૈસે?
બારામુલામાં કદીરભાઈના ઘરે અમારી રાહ જોવાઈ રહી હતી. અજાણ્યા પ્રદેશમાં અજાણ્યા લોકોની અજાણ્યા લોકો દ્વારા રાહ જોવાતી હોય એ ઘટના જ અકલ્પનીય હતી. બારામુલાની મોટી ગલીઓ, પતરાંની બનેલી બે પડાળી ઊંચી છતવાળાં બેઠા ઘાટનાં મકાનો, અખરોટનાં ઊંચાં વૃક્ષો અને ગુલાબના છોડ પરથી વહી આવતી મીઠી સુગંધ વચ્ચેથી પસાર થતાં થતાં અમે કદીરભાઈની પાછળ પાછળ દોરાઈ રહ્યા હતા. બસસ્ટેન્ડથી શરૂ કરીને બારામુલાના ઉસ્કરા નામનાં પરામાં આવેલા કદીરભાઈના ઘર સુધીની પગપાળા સફર જાણે પગલે પગલે કાશ્મીરી પ્રજાના પ્રેમની સુગંધમાં તરબોળાઈને દિલને તરબતર કરી રહી હતી. કદીરભાઈના ઘરે પહોંચ્ય કે તરત જ સૌનું રસગુલ્લાથી મોં મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું. જાણે વર્ષોથી એકબીજાને ન ઓળખતા હોઈએ એમ અમે કાશ્મીરી-ગુજરાતી બાથ ભરી ભરીને મળ્યા! ઘર નાનકડું પણ સુંદર હતું. ઘરનું ભોંયતળિયું ઠંડીથી બચવા માટે સંપૂર્ણપણે મખમલી કારપેટથી ઢંકાયેલું હતું. દેવદારનાં લાકડાંથી મઢેલું ઘરનું ધાબું અને બરફવર્ષા સમયે ઘરને રક્ષવા ધાબા પર પતરાનું બે બાજુ ઢળતું ત્રિકોણાકાર છાપરું અહીંના ગૃહનિર્માણનો એક આદર્શ નમૂનો રજૂ કરતું હતું. આસપાસ ચોતરફ ગુલાબથી લથબથ ફળિયું ને ઠંડી હવા! સ્વર્ગ શોધવા જવું પડે એમ નથી. હાથવેંત છેટું એમ પણ કહી શકાય એમ નથી! બસ સ્વર્ગમાં જ આવી પડ્યા છીએ.
ત્યાં હાજર મહંમદ અશરફ રાધર, અલી મહંમદ, કવિ ઇરફાન અને બીજા ઘણા યુવાન મિત્રોનો પરિચય કરી રહ્યા ત્યાં મસ્ત ગરમાગરમ ચા આવી ને આપણા રામ રાજીના રેડ થઈ ઊઠ્યા. હાશ, સ્વર્ગમાંય ચા પાણીની વ્યવસ્થા છે ખરી! ચા પીધા પછી અવનવી વાતોનો દોર ચાલ્યો. કદીરભાઈ કહે છે કે મેં અઢાર વર્ષથી શરણાગતિ સ્વીકારી છે. ત્રણ વર્ષ સજા ભોગવી છે અને હવે નવેસરથી જિંદગી જીવવાનો પ્રયત્ન કરું છું. શરણાગતિ સ્વીકાર્યા પછી પણ મારા પર જે ટૉર્ચરિંગ થયું છે તેની તો શું વાત કરું? અહીં 671 જેટલાં ટૉર્ચરિંગ સેન્ટરો છે. પાંચથી છ લાખ લોકો એનો ભોગ બન્યાં છે. શા માટે આ બધું? આપકી લડાઈ તો પાકિસ્તાન કે સાથ હૈ, ઉનકે સાથ લડિયે ના? હમ કમજોરોં કો ક્યું માર રહે હો? કદીરભાઈ બોલતાં બોલતાં ભાવુક બની જાય છે. અમને પણ શું બોલવું તેની ગતાગમ પડતી નથી. કયા શબ્દોમાં આશ્વાસન આપવું તે સમજાતું નથી. વાતાવરણ થોડું ભારઝલ્લું થઈ જાય છે. પરંતુ અંદરથી ભોજન માટે અવાજ આવતાં જ ભારેખમ વાતાવરણ જાણે એક પળમાં હળવું થઈ જાય છે.
પંગતમાં જમવા બેઠા તો કાઠિયાવાડી મહેમાનગતિ યાદ આવી ગઈ. થાળી પણ ગુજરાતી ખાણાં જેવાં જ વ્યંજનોથી ભરપૂર. શાક, રોટલી, દાળ-ભાત, રસગુલ્લા બધું જ જાણે કોઈ ગુજરાતણે બનાવ્યું હોય એવું! નવું કાંઈ હોય તો કદીરભાઈએ ઘરઆંગણે પકવેલી રાજમાની દાળ. બહેનોએ તાણ કરી કરીને જમાડ્યા. અમે પણ ઘણા દિવસે ઘરનું ખાતા હતા. પછી તો વાત જ શી કરવી? બોલો!
જમ્યા પછી અમારે ત્રણ જૂથમાં વહેંચાઈ જવાનું હતું. પ્રભુદાસનું જૂથ કદીરભાઈના ઘરે રહેશે, અશ્વિનભાઈનું નજીક આવેલા શોપુર મુકામે જશે અને મારી આગેવાનીવાળું ત્રીજું અશરફભાઈના ઘરે જશે. જૂથમાં વહેંચાઈને, આયોજન મુજબ મારી ટીમ લઈને હું તો નીકળી પડ્યો અશરક્ભાઈ સાથે. એક ગલી વટાવીને થોડા આગળ ગયા હોઈશું ત્યાં તો અશરફભાઈના મોબાઇલ પર કદીરભાઈના ઘરે પાછા ફરવાની સૂચના મળી. અશરફભાઈના ચહેરા પર ચિંતાની ઝાંખી રેખાઓ ઊપસી આવી, પણ અમને એ વિશે ઝાઝો ફોડ ન પાડ્યો. અમે કદીરભાઈના ઘરે પાછા ફર્યા ત્યાં સુધીમાં તો ખબર મળ્યા કે બારામુલા માર્કેટમાં ગોળીબાર થયો છે. અશ્વિનભાઈ જવાના હતા તે શોપુરમાં પણ ધડબડાટી બોલી ગઈ છે. કોઈએ કહ્યું કે આપણી નજીકમાં જ પથ્થરબાજી ચાલી રહી છે! અમારા ચહેરાઓ પ્રશ્નાર્થ અને આશ્ચર્ય ચિહ્નમાં ફેરવાઈ ગયા! થોડી ક્ષણો પહેલાં મહેમાનગતિનો લુત્ફ ઉઠાવી રહેલા અમે ધડામ કરતા વાસ્તવિકતાની ધરતી પર પટકાયા. અમે ક્યાં છીએ તેનું ભાન થતાં જ આંખે જાણે અંધારા આવી ચડ્યાં!
જોકે કદીરભાઈ પીઢ આદમી છે. એક વખત આખા કાશ્મીરમાં ત્રાડતો હતો તે આદમી છે. અમે તેના મહેમાન છીએ અને ગુજરાતથી આવ્યા છીએ તે માત્ર PRMના સભ્યો જ જાણે છે એવું નથી. અહીંની પોલીસ અને આર્મીની નજર પણ અમારા પર ફરતી રહે છે. અમારા વિશેની પૂછતાછ અમે કદીરભાઈના ઘરે બેઠા હતા ત્યારે જ થઈ ગઈ હતી. એટલે અમારો વાળ પણ વાંકો ન થાય તેની પૂરી ચિંતા અમારા યજમાનોને છે જ. અને એટલા માટે જ અમારો શોપુર જવાનો આગ્રહ હોવા છતાં ત્યાંની ટીમ વિખેરીને બે ટીમ કરી નાખવામાં આવી. અશ્વિનભાઈ અને થોડા બીજા યુવાનો હવે મારી સાથે હતા.
અફડાતફડી ઓછી થતાં ફરીથી અમે અશરફભાઈના ઘરે ચિના૨બાગ જવા નીકળ્યા. પરંતુ આ વખતે મેઈન બજારમાંથી જવાના બદલે પાછળના રસ્તેથી જવાનું જ મુનાસિબ માન્યું. ઉસ્કરાથી ચાલતાં ચાલતાં ચિનારબાગ પહોંચવાનું છે. ગુલાબની વાડ ધરાવતાં ફળિયાં, કલ કલ કરતાં નાના મોટાં ઝરણાં અને રસ્તા વચ્ચે આવતી આર્મીની પ્રેક્ટિસ રેન્જમાંથી પસાર થતાં અમે ચિનારબાગ પહોંચ્યા. અહીંનું સૌન્દર્ય હકીકતમાં મારકણું છે. સનનન છૂટતી ગોળીઓ અને નિર્ભેળ સુંદરતા; બંને જાણે એક જ સિક્કાની બે બાજુઓ જેવાં થઈ ગયાં છે.
અશરફભાઈના ફળિયામાં પ્રવેશતાં જ ખોબામાં પણ સમાય નહીં એવડાં મોટાં મોટાં રંગબેરંગી ગુલાબોએ અમારું સ્વાગત કર્યું. અહીં ફળિયું એટલે સમથળ જગ્યા નહીં પણ ખેતરમાં કરેલા નાના નાના ક્યારા જેવડાં પગથિયાં ધરાવતી પહાડી પરની થોડી બગીચા જેવી જગ્યા. બગીચામાં ભાતભાતનાં ફૂલો, ચેરીના છોડ પર લટકતી લાલચટાક; મોઢામાં પાણી લાવી દે તેવી લલચામણી ચેરી અને શિશુ અવસ્થામાં ઝૂલી રહેલાં ગોળમટોળ સફરજન! ઘર, બગીચો, પગ પાસેથી સરકી જતું ઝરણું, ઠંડી હવા ને સ્નેહીજનની હૂંફ; જિંદગીમાં હવે બાકી શું રહ્યું? પણ કાશ્મીરમાં આટલું હોવા માત્રથી ‘હાશ’ બનતી નથી. આ ધરતી હજીયે કંઈક વિશેષ માંગે છે. તે વિશેષ એટલે શું તે તો કાશ્મીરના આવા અંતરિયાળ પ્રદેશો ખૂંદવાથી જ ખબર પડે એવું છે.
અશરફ રાધર પણ એક્સ મિલિટન્ટ છે. તેમણે પણ હથિયાર હેઠાં મૂકીને શાંતિ સ્વીકારી છે. શરણાગતિ સ્વીકાર્યા પછીની સજા ભોગવી ચૂક્યા છે. તેઓ ભીંતના ટેકે પગ લાંબા કરીને; બેઠાં બેઠાં જ ઊંઘી શકે છે. આડા પડખે પડીને ઊંઘ આવતી નથી. જેલ ભોગવતી વખતે જે સહન કરવું પડેલું તેનો એ પ્રભાવ છે એમ તેમનું માનવું છે. મહેંદી કલરનું જિન્સ, ચેક્સવાળો ક્રીમ કલરનો શર્ટ, કાળાધોળા વાળવાળી લાંબી દાઢી, મૃદુ વાણી અને મોઢા પર સતત રમ્યા કરતું સ્મિત જોઈ કલ્પના પણ ના આવે કે આ માણસે કોઈ દિવસ હાથમાં બંદૂક પણ ઝાલી હશે! કાશ્મીર ઘાટીમાં સુખ-દુઃખ, ટાઢ-તડકો, દિવસ-રાત કે પૂર પ્રકોપને ગણકાર્યા વગર સતત રઝળપાટ કર્યા પછી કસાયેલું શરીર હવે પ્રૌઢી પકડતાં જાત ભાતનાં દુઃખાવાનું પોટલું થઈ પડ્યું છે. પોલીસ અને આર્મીથી બચવા માટે અપનાવેલા વિવિધ પ્રકારના ખેલ અને યુક્તિઓની વાતો કરતાં કરતાં સાંજનાં પાંચ વાગી જાય છે. અશરફભાઈ ફરી ગરમાગરમ ચા અને નાસ્તો કરાવી અમને બારામુલાની શેરીઓમાં ઘૂમવા લઈ જાય છે.
બહાર નીકળીને થોડા આગળ વધ્યા ત્યાં રિયાઝભાઈ મળ્યા. અશરફભાઈને સાથે જોઈને પૂછ્યું ‘મેહમાન હૈ?’ અશરફભાઈએ જણાવ્યું કે ‘ગુજરાત સે આયે હૈ. હમારે દુઃખ મેં શરીક હોને કે લિયે.’ અને ત્યાં તો રિયાઝભાઈ અસ્લામ વલેકુમ અસ્લામ વલેકુમ કરતાં કરતાં ભેટી પડે છે. અમને ખેંચીને એમના ઘરે ચા પીવા દોરી જાય છે. જાણે બીજું કાઠિયાવાડ જ જોઈ લો ને! અમે માત્ર પાણી પીવાની શરતે જઈએ છીએ તો ઠંડા પીણાની બોટલો અને નાસ્તો હાજર! નાસ્તામાં ચેરી, અખરોટ ને સૂકા મેવા! અમારા જેવા અજાણ્યા ગુજરાતી સાથે તેમણે કેવો મજાનો – પૂર્વગ્રહરહિત વ્યવહાર કર્યો ! અમે કોણ એના સગા હતા કે ચા પીવા લઈ જાય? અરે, અહીં તો પડોશીને પણ ચા પીવડાવતાં વર્ષો વહી જાય છે ત્યારે આમની સાથે તો માત્ર હસ્તધૂનન કર્યું કે ચા-નાસ્તો હજર! અમે વાતો વાતોમાં ‘કાશ્મીર કી વર્તમાન હાલાત આપકો કૈસી લગતી હૈ?’ પૂછ્યું ને એની વાણીનો બંધ છૂટી ગયો. મોઢામાંથી ધાણી ફૂટે એમ હ્રદયની વાત નીકળવા માંડી. અમને મળવાનો જે ઉમળકો બતાવ્યો હતો એના કરતાં અનેક ગણો ધિક્કાર આપણી આર્મીના જવાનો પ્રત્યે એના મુખમાંથી ફૂટી નીકળ્યો. ઘરમાં જઈને દસ-બાર વર્ષનાં બે બાળકોના સુંદર મજાની ફ્રેમમાં મઢેલા ફોટા લઈ આવ્યા. ફોટામાંનાં બાળકો તેની બહેનનાં હતાં. બાળકોના ચહેરા પરની કાશ્મીરી કોમળતા વિશે અમે કંઈ બોલીએ તે પહેલાં જ એમની આંખમાંથી આંસુ ધસી આવ્યાં. વાતાવરણ ગમગીન થઈ ગયું. આંખો લૂછતાં કહે ‘આર્મી કે જલ્લાદોને ઉસકી જાન લે લી, સ્કૂલ પે જા રહે થે. ક્યા બિગાડા થા યે માસૂમોંને ઉસકા?’ અમારી આંખો પણ છલકાઈ પડી. શું બોલવું?
ભારે હૈયે બહાર નીકળ્યા ત્યાં રસ્તામાં મકબૂલખાન મળ્યો. અશરફભાઈએ ‘દિલજલે’ કહીને ઓળખ આપી. અમે પણ ‘કૈસે હો?’ કહીને હાથ લંબાવ્યો. થોડી ઘણી ઔપચારિકતા પછી અશરફભાઈએ જ વાત આગળ વધારવાના ઇરાદે કહ્યું – ‘સુના હૈ આપ દો સાલ જેલમેં કાટ આયે, ક્યું?’ મકબૂલખાને આંખો ચકળવકળ કરતાં કહ્યું – ‘સચ સચ બતા દું?’ અને અશરફભાઈ તરફથી નિર્ભયતાની ખાતરી મળતા કહ્યું – ‘કાશ્મીર કી મુક્તિ કે લિએ.’ એને આપણા દેશ પ્રત્યે ખૂબ જ નફરત હતી. અને પોતે આઝાદીનો લડવૈયો હોય એ રીતે વાત કરતો હતો. મેં કહ્યું કે ‘તો ફિર હથિયાર ક્યું ડાલ દિયા?’ તો બોલ્યો ‘દો બચ્ચેં હૈ, મા-બહન ભાઈ હૈ, મેરે યે બચ્ચે કો (પોતાની સાથે રહેલા નાના બાળક પર હાથ મૂકીને) અચ્છા ભવિષ્ય દેના હૈ. ઇસિ લિયે દો સાલ જેલમેં કાટ કે મજબૂરન છોડ દિયા. મગર આઝાદી તો આજ ભી ચાહતા હું.’ અને હિન્દુસ્તાની સરકાર પર રોષ ઠાલવતાં ઠાલવતાં શરીર પર સજાનાં નિશાન બતાવવા લાગ્યો. આ રીતે બારામુલાની ગલીઓમાં એક પછી એક લોકોને મળતા જઈએ છીએ ને આપણા કાનને ન ગમે તેવી પણ વાસ્તવિકતાની એકદમ નજીક એવી ઘટનાઓથી અવગત થતા જઈએ છીએ.
એક નાનકડી કેડી જેવા રસ્તેથી પસાર થઈએ છીએ તો ઘણાંયે વર્ષોથી અવાવરું પડેલું હોય એવું એક મોટા વરંડાવાળું વિશાળ મકાન જોયું. વરસાદ અને બરફનો માર ઝીલી ઝીલીને દીવાલો કાળી પડી ગયેલી. છત પર જૂની ઢબના મજબૂત નળિયાં હતાં. વરંડામાં ચિનાર ને અખરોટ ક્યારેક પવનનો ઝોલો ખાઈને એકબીજા સાથે હસ્તધૂનન કરી લેતાં હતાં. દીવાલો પર તથા આખા ચોગાનમાં જ્યાં જુઓ ત્યાં લીલાં સૂકાં ઘાસના થર પર થર બાઝી ગયેલા. એના વિશે અશરફભાઈને પૂછ્યું તો કહે કે ‘હમારે પંડિત ભાઈ કા મકાન હૈ. જગમોહન કે કારન યે લોગ કાશ્મીર છોડ કે ચલે ગયે. આજ ભી ઐસા લગતા હૈ જૈસે હૃદય કો ચીર કે એક ટુકડા હમ સે જુદા હી ગયા હો.’ પંડિતોએ કાશ્મીર છોડ્યું એનું કારણ ગમે તે હો પણ મારી નજર સામેનું પંડિતનું મકાન અવાવરુંપણાંને બાદ કરતાં હજુ પણ એવું ને એવું જ છે. મકાનની હદમાં કોઈ જાતનો પગ પેસારો થયો નથી કે મકાનને કોઈ જાતનું નુકસાન પણ પહોંચ્યું નથી. કદાચ કારમીરી પ્રજાની ખરી ખાસિયત તો આ જ છે, બહાર જે દેખાય છે તે ઓળખ તો તેમણે ઉછીની લીધેલી છે.
કેડી પર ચાલતાં ચાલતાં અમે સુલેમાન સા’બના ઘર તરફ રંગારવા મહોલ્લામાં જઈ રહ્યા છીએ. વચ્ચે એક હાજી અને મૌલવી સા’બ પણ મળી જાય છે. એ જ પાછો ઘરે આવીને ચા પીવાનો આગ્રહ! મને હવે શંકા જાગે છે કે ક્યાંક કાઠિયાવાડ અને કાશ્મીરી પ્રજાના વડવાઓ એક જ ના હોય! સુલેમાન સા’બના ઘરે પહોંચ્યાં તો જાણે કોઈ ગુજરાતી ઘરનો જ નમૂનો જોઈ લો. ડેલીબંધ મકાન, નાનું એવું ફળિયું, ફળિયામાં ગુલાબ અને બીજા કાશ્મીરી ફૂલછોડથી હર્યોભર્યો બગીચો, ઘરમાં પ્રવેશતાં આવકાર અને થોડી અલકમલકની વાતો પછી આવતી ગરમાગરમ ચા. જાણે ગુજરાતમાં જ હોઈએ એવું લાગે! સુલેમાન સા’બ સાથે ઘણી વાતો થઈ. ચા પીવરાવવાની રસમ બાબતે ગુજરાત સાથે સરખામણી કરી તો આનંદ વ્યક્ત કરતાં કહેવા લાગ્યા – ‘અગર મિલિટરીવાલે હમારે સામને હમારે આદમી કો ગોલી માર દેતા ઔર બાદ મેં ઘર પર આતા તો ભી હમ ચાય પિલાતે.’ વળી કાશ્મીરી પ્રજાની સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિનું વર્ણન કરતાં કહ્યું – ‘હમારી સ્થિતિ તો બડી ખતરનાક હૈ. એક ઓર મિલિટન્ટ, દૂસરી ઓર મિલિટરી ઔર બીચ મેં હમ રૈયત. મિલિટન્ટ જબરદસ્તી બંદૂક દિખા કર હમારે ઘર મેં ઘુસ જાતે હૈ. અગર પનાહ ના દે તો ગોલી માર દેતે હૈ. ઔર દૂસરી ઓર મિલિટરીવાલે હમેં મિલિટન્સી કો પનાહ દેને વાલે સમજ કર હમારે સાથ ભી મિલિટન્ટ જૈસા હી વ્યવહાર કરત હૈ. જીએ તો કૈસે જીએ?’ વાતોમાં ને વાતોમાં રાત્રીના સાડા નવ તો ક્યારે વાગી ગયા તેની ખબર જ ન પડી. વળી અધૂરામાં પૂરું મહોલ્લામાં લાઈટ પણ ન હતી. અમને તો રાત્રી બેઠકમાં મજા પડી પણ અશરફભાઈની ચિંતા અંધારું વધે એમ વધતી હતી. આ ગુજરાત નથી કે તમે ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકો!
છેવટે અંધારામાં ચાંદનીના અજવાળે દસ વાગ્યે ચિનારબાગ પાછા ફર્યા. કાશ્મીરી દાવત તૈયાર જ હતી. એક પંગતમાં અમે સૌ બેસી ગયા. જમવાની થાળી મૂકવા માટે અમારી આગળ દસ્તરખાં પાથરામાં આવ્યું. દસ્તરખાંના વસ્ત્રમાં સુંદર મજાનું કાશ્મીરી ભરતગૂંથણ કરેલું હતું. સૌરાષ્ટ્રમાં જે રીતે ચાકળા ગૂંથવામાં આવે છે બસ તેવો જ એક લાંબો ચાકળો જોઈ લો જાણે! એ પછી અશરફભાઈએ તાસ અને નેવર દ્વારા અમારું હસ્તપ્રક્ષાલન કરાવ્યું. નેવર એટલે મોગલાઈ ચિત્રોમાં જોવા મળે છે એવી લાંબી નળીવાળી કીટલી. ને તાસ એટલે સાધુના કમંડળ માથે ગોળાનું ઢાંકણ ઊંધું મૂકી વચ્ચે કાણાં પાડી દેવામાં આવે અને જે ઘાટ રચાય તે. આટલી વિધિ પછી ભોજન પિરસાયું. અમારા ગુજરાતીપણાનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવ્યો હતો. છતાં એક વાનગી ઇંડાંની પણ હતી. એક બે મિત્રોએ ટેસ્ટ કરી. હું તો રહ્યો શુદ્ધ શાકાહારી. પણ ઈંડાં જોઈ મારું ટીચકું ન ચડ્યું. ભોજન કર્યા પછી થાળીમાં હાથ ધોવાને બદલે ફરી પાછું તાસ-નૈવર દ્વારા પ્રક્ષાલન. પછી અનાજનો એક દાણો પણ પગમાં ના આવે તે માટે, કપડાંની ગડી કરતા હોઈએ એ રીતે અશરભાઈના ચિરંજીવ શાહિદે દફ્તરખાં સંકેલ્યું. કોઈ સારા પ્રસંગે આવી સંપૂર્ણ વિધિ કરવામાં આવે છે. આજે અમે એ વિધિના હકદાર બન્યા હતા. એક એક્સ મિલિટન્ટ આટલી પ્રેમભરી દાવત આપે તે વાત મારા માટે આશ્ચર્ય ઊપજાવનારી હતી. એ જે રીતે આગ્રહપૂર્વક જમાડતા હતા તે જોઈને કોઈ ન કહી શકે કે એમણે ભૂતકાળમાં ખળભળાટ મચાવ્યો હશે!
એમની પણ એક લાંબી દાસ્તાન છે. કાશ્મીરનો ખૂણે ખૂણો ગાજતો કર્યો હતો. RDXનો અનેક પ્રકારનો ઉપયોગ તે કરી ચૂક્યા છે. RDXમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ; જેવી કે બૂટ, બૅગ, બરણી, તેલના ડબ્બા વગેરે બનાવીને કઈ રીતે તેનો ઉપયોગ ધડાકા માટે કરવામાં આવતો તેની દિલધડક વાતો તેમણે ખૂબ જ ખુલ્લા દિલે કરી. વળી તે ન મળે તો ફર્ટિલાઇઝર અને ડિટરજન્ટ સાબુના ઉપયોગથી પણ ધડાકાઓ કરી શકાય તેની પેટ છૂટી વાતો કરી. મેં તે બનાવવાની રીત પૂછી તો તેમણે એ વાત હસીને ટાળી દીધી.
જમ્યા પછી આવી ઘણી વાતો અમે સાંભળી. સાંભળતા જ રહી જઈએ એવી રોચક દાસ્તાન છે, પણ રાત ઘેરાય ચૂકી છે. આંખો પણ ધીરે ધીરે એને અનુસરી રહી છે. અશરફભાઈ પણ હવે તો બેઠાં બેઠાં જ ઘરની ભીંતને ટેકો લઈ ગયા છે. આવતીકાલની સવાર આંખમાં આંજીને સૂતાં પહેલાં પ્રાર્થના કરું છું: ‘હે બારામુલાની રમ્ય રાત્રી, સૌને શાંતિ આપ. સલામતી આપ.’ ***
– જયંત ડાંગોદરા
( કુમાર: જુલાઈ 2022માં પ્રકાશિત )
e-mail: jayantdangodara@gmail.com
Jordar
ઉતારી દીધાં કાશ્મીરની ભીતરમાં…..