હું જ સાંભળું મને
હું જ સાંભળું મને
વચ્ચે વચ્ચે કોનો ટહુકો દોડી આવે કને ?
હું જ સાંભળું મને
બપોર આખી જૂનાં દૃષ્યો કેવાં રમણે ચડે
ઢળતા તડકે ધીમી ચાલે દૃષ્યો ઝાંખાં પડે
ઝાંખી ઝાંખી છાયા મારી, મારી સાથે લડે
હું જ સાંભળું મને
સાંજ પડે ત્યાં પંખીમેળો આંગણ આવી રમે
કલરવ વચ્ચે સૂની આંખો છાનીમાની ઝમે
ઝમતી આંખે જોતાં જોતાં આશ સામટી દમે
હું જ સાંભળું મને
– પ્રફુલ્લ રાવલ
( પરબ – માર્ચ, 2019 )
એકલતા અને એકાંતનું સાયુજ્ય રચાય ત્યારે ભીતરમાં અશ્રાવ્ય સંગીતની સૂરાવલીઓ રણઝણવા લાગે છે. વનમાં વહેતાં ઝરણાનું ખળખળવું એ આ જ ઘટનાનું પ્રતીકાત્મક સ્વરૂપ છે. આવી ઘટના બને છે ત્યારે જીવનના બે અંતિમો વચ્ચે સેતુ રચાતો હોય છે. આવી ક્ષણે સ્મૃતિશેષ બનેલ પ્રિયજનનો અભાવ પણ પ્રભાવીપણે અનુભવાતો હોય છે. એકલતાની મૂડી વગરનું એકાંત ચૈતસિક રીતે થકવી નાખનારું હોય છે. જાત સાથેનો સંવાદ આપણી આંતરિક યાત્રાને નવા મુકામે પહોંચાડી શકે એટલો સમર્થ હોય ત્યારે અનાયાસ મન ગણગણી ઊઠે છેઃ ‘હું જ સાંભળું મને’. અહીં સ્વનો જે રણકાર સંભળાય છે તે મનુષ્યજીવનની મૂડી છે. એમાં ઓશો કથ્યા Alone to alone ની ગતિનું સાહસ છે. આ સાહસ ‘મિનોય સાચું કહેતી’તી’ અને ‘ઘોષા ક્યાં છે?’ ના કવિ પ્રફુલ્લ રાવલ ‘હું જ સાંભળું મને’ શીર્ષકનામી ગીતમાં જરા હળવાશથી ખેડી બતાવે છે.
વચ્ચે વચ્ચે કોનો ટહુકો દોડી આવે કને ?
કવિ કોઇ એકાંત સ્થળે પોતાની જાત સાથે સમાધિ લગાવીને બેઠા છે. આસપાસની ભૌતિક અને માનસિક વિટંબણાઓથી ખસીને સ્વ તરફની ગતિમાં પ્રવૃત થયા છે. પોતાની જાત સિવાય કોઇ શેષ નથી. જાણે વોલ્ડનના કાંઠે બેસીને થોરો કહેતા ના હોયઃ I never found a companion that was so companionable as solitude.
પણ એમ કંઇ જગતથી છૂટવું સહેલું છે? વસતીના અવનવીન અવાજો છોડીને અરણ્યમાં જાવ તો ત્યાં પણ ટહુકાઓ વચ્ચે દોડી આવે! સહવાસ વગર જીવન નથી. આ સહવાસ બહુ જિદ્દી હોય છે. એકલતામાં અન્યનો અભાવ હોય એ ખરું, પણ એકાંત તો કોઇની પ્રત્યક્ષ હાજરી વગર પણ ભર્યું ભર્યું હોય છે. એમાં કોઇની સ્મૃતિનો ટહુકો ભળે એટલે કેવા કેવા તરંગોની રંગોળી નીખરી ઊઠે!
પર્ણોની મર્મર, વહેતી હવાનો પમરાટ, કોયલના ટહુકા, પંચમહાભૂતોની વિભૂતિમત્તા અને અજવાળા-અંધારાની સંતાકૂકડીથી રસિત સૃષ્ટિની લીલા આંખ સામે વિલસતી હોય ત્યારે એકલતા પણ એકલી પડી શકતી નથી. એ સમયે રૂમીની વિખ્યાત પંક્તિ યાદ આવે છેઃ Do not feel lonely, the entire universe is inside you. જાણે આખું જગત કવિ કને ટહુકો બનીને આવી ચડે છે!
આપણી એકલતામાં સતત કશુંક તરલપણે ઉમેરાતું રહે છે. સ્મૃતિઓનું રૂપ ધરીને એકાંત આપણી આ એકલતાને છેતરતું રહે છે. કોઇ નથી-નો અભાવ પ્રિયજનની સ્મૃતિઓનું સ્મારક બની રહે છે. વર્ષો પૂર્વેની કોઇ સલૂણી સાંજ, મનગમતો સ્પર્શ કે આંખની નાજુક ભંગિમાના સહારે શેષ જીવન કાળઝાળ તડકામાં પણ શાતા પામતું રહે છે. એટલે તો બપોર ચડે ને કાવ્યનાયકની આંખમાં સ્મરણનાં જાળાં બંધાવા લાગે છે. કવિ એ સ્થિતિને બરાબર પકડી પાડે છે-
બપોર આખી જૂનાં દૃષ્યો કેવાં રમણે ચડે
ઢળતા તડકે ધીમી ચાલે દૃષ્યો ઝાંખાં પડે
ઝાંખી ઝાંખી છાયા મારી, મારી સાથે લડે
હું જ સાંભળું મને
અહીં સાંજ ઢળવાની સ્થિતિ જીવનસંધ્યાના પ્રતીક સ્વરૂપે આલેખન પામી છે. વૃદ્ધત્વ આવે અને આંખમાં મોતિયાનાં ઝાળાં બંધાવાનું શરૂ થઇ જાય! જીવનનાં મધૂર દૃષ્યો એક પછી એક ઝાંખપ પકડવા લાગે અને ઢળતા સૂરજની ઓથે સાંજ સ્મૃતિમાં કેદ બનીને પાકેલા ઘા જેવી રાતી બની જાય! છેક અંતિમ પળે ખ્યાલ આવે કે જેના સહારે હું વિહાર કરતો હતો એમાનું તો કશું જ નથી આ ક્ષણે? લંબાતો છાયો જોઇને જે મજા આવતી હતી એ તો એકાએક વિદાય લેવાની તૈયારીમાં લાગી ગયો ! વિચારનું એક લખલખું ભીતરને ઝકઝોરતું પસાર થઇ જાય કે જેની સાથે લડતાં-ઝઘડતાં, હસતાં-રમતાં દિવસો પસાર કર્યા હતા એ છાયો જ શું આપણો આખરી મુકામ ? આ છાયો ભૂંસાઇ જશે એમ સ્મૃતિઓ પણ ભૂંસાઇ જવાની છે. પછીની લડત માત્ર જાત સાથે જ લડવાની છે. આવી એકલતાને કવિ જગદીશ જોશી આ રીતે વ્યક્ત કરે છેઃ
એકલતા હોય છે બરફ જેવી
નહીં બોલાયેલા હરફ જેવી
તમે જેવું રાખો છો વર્તન
-મારા તરફ
-એના જેવી
આવી એકલતાની મુઠ્ઠીઓ ભરીને જ સૂરજ સામે ઉડાડવાની રમત રમતા રહેવાનું છે આપણે. એના ઉપર સ્મૃતિઓ સવાર થઇને કણાની જેમ આંખમાં હાજર થઇ જાય છે. પીડાનાં પંખીનો કલરવ જાણે સાંજ પડતાં ફરી સ્મૃતિ રૂપે પોતાના માળે પરત ફરે છે. સાંજની ઉદાસીને પ્રિયજન વગરની સૂની આંખમાં આંજવાનું કામ ખૂબ કપરું હોય છે. કવિની અભિવ્યક્તિ કેવી તીર્યક બનીને અહીં ઊભરી છે! જુઓ-
સાંજ પડે ત્યાં પંખીમેળો આંગણ આવી રમે
કલરવ વચ્ચે સૂની આંખો છાનીમાની ઝમે
ઝમતી આંખે જોતાં જોતાં આશ સામટી દમે
હું જ સાંભળું મને
અહીં કલરવ તો છે પણ ભીતરનું એકાંત આંખને સહજ રહેવા દેતું નથી. કલરવ તો પ્રિયજનની ઉપસ્થિતિ હોય તો જ ગમતીલો બને,અન્યથા આશાને દમનાર જ! સ્મૃતિઓ સળવળે ત્યારે કલરવ ભરી સાંજ સહન નથી થતી. ફરિયાદ કરવાનું મન થઇ આવે છે કે તને યાદ નથી કરવી છતાં કેમ ફરી ફરી તું મારી પાંપણે આવી ચડે છે? જાત સાથેનું આવું દમન શાયર જહીર ગાજીપુરીના એક શેરની યાદ અપાવે છેઃ
અજનબી લગતી હે મુજે મેરી જાત ભી,
ઇસ કદર પહેલે તો મેં તનહા ન થા.
આવી સ્થિતિમાં બીજું તો શું થઇ શકે? એટલે તો આપણા કવિ કહે છે- હું જ સાંભળું મને. આમ જ જાત સાથે સંવાદ રચીને એકલતાનું એકાંત શ્વસતા રહેવાનું છે.
પ્રસ્તુત ગીતનું રચના સંવિધાન પણ સહજ છે. ટૂંકા લય સાથે ઉઘડેલી મુખડાની પ્રથમ પંક્તિ બીજી પંક્તિમાં ‘મને’ સાથે ‘કને’નો પ્રાસ રચીને ગીતની સુંદર માંડણી કરી આપે છે. અહીં એકલતા અને એકાંતને ઇંગિત કરવા માટે પ્રકૃતિનાં પ્રતીકો પણ જરૂરિયાત મુજબ બંને અંતરામાં સ્થાન જમાવતાં રહે છે. બંને અંતરાના ‘ચડે-પડે-લડે’ અને ‘રમે-ઝમે-દમે’ પ્રાસ ગીતની સાંગીતિક ક્ષમતા સાથે કાવ્યાત્મકતામાં પણ ઉમેરો કરે છે. ગીતને કર્ણપ્રિય બનાવવામાં કવિની કેળવાયેલી લય સભાનતા અહીં ઉપયુક્ત બની રહે છે. આ ઉપરાંત ‘વચ્ચે વચ્ચે’, ‘ઝાંખી ઝાંખી’, ‘મારી, મારી’, ‘છાનીમાની’, ‘જોતાં જોતાં’ જેવા દ્વિરુક્ત પ્રયોગોનું અનુરણન નાદ સાથે ભાવને દૃઢ કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આમ પ્રકૃતિના પરિવેશથી સભર ગીત ભીતરની એકલતાને રણઝણાવી ભાવકને રસસમૃદ્ધ કરવામાં સક્ષમ બની રહે છે. ‘હું જ સાંભળું મને’ ફક્ત પોતા પૂરતું જ સીમિત ના રહેતાં સાર્વજનિન બની રહે છે. આ જ તો કાવ્યકલાની સમૃદ્ધિ !
– જયંત ડાંગોદરા
———————————————————————————————-
મો. 9974178783 , E-mail: jayantdangodara@gmail.com
( શબ્દસર : મે – 2022માં પ્રકાશિત )
વાહ