૪.પાટે પાટે પમરાટ
જાગીને જોઉં તો જગત દીસે નહીં… નરસિંહે ગાયેલાં પ્રભાતિયાનો સાક્ષાત્કાર મને ટ્રેનમાં થયો. રાત્રે ઊંઘતાં પહેલાં મારી આસપાસ જે ચહેરાઓ ઘૂમતા હતા તેના સ્થાને; સવારે ઊઠીને જોઉં છું તો નવા જ ચહેરાઓ ગોઠવાઈ ગયેલા. રાત્રે અઢી વાગ્યે ક્યાંક ટ્રેન ઊભી રહી ને કોલાહલ જેવું થયું તો લાગ્યું કે સવાર પડી ગઈ છે. ત્યાં વળી પાછી નરસિંહની પંક્તિ આગળ આવી : ઊંઘમાં અટપટા ભોગ ભાસે… બાજુની બર્થવાળાને પૂછ્યું ત્યારે ખબર પડી કે હજી તો અડધી રાત થઈ છે. પણ દોડાદોડ, બેસવા માટેની પડાપડી ને કાન ફાડી નાખે એવા ગોકીરાએ રાતને રાત જેવી રહેવા જ દીધી ન હતી.
રાત્રે સાડા આઠે જોધપુરથી ઊપડીને સવારે પોણા આઠે ભટિંડા પહોંચ્યા ત્યાં સુધીમાં અમે રાજસ્થાન અને રેગિસ્તાન બંને પાર કરી નાખેલું. આંખ ખૂલી ત્યારે અમારું ગતિમાન ઘર રણની ધૂળથી લથબથ હતું. અમે પણ ધૂલીસ્નાન કરેલી ચકલીઓ જેવા થઈ ગયેલા. બર્થ પરથી ઊઠવાનું મન થતું ન હતું. ઉઘાડી આંખે ક્યાંય સુધી નીંભર જેમ પડી રહેવામાં મજા આવી. પણ મારો આ બાદશાહી ઠાઠ મિત્રો સહન ન કરી શક્યા. ઠોંસા મારી મારીને ઊઠાડ્યે પાર કર્યો. મેં પણ ચાદર જોરજોરથી ખંખેરીને દાઝ ઉતારી. છેવટે હું પણ પ્રાતઃવિધિ પતાવી, ધૂળ નિતારી મૂળ અવસ્થામાં પાછો ફર્યો. ફેરિયાઓ ‘ખમનો…. ખમનો…’ની બૂમો પાડતા હતા. એકને બોલાવીને એના વિશે પૂછ્યું તો પંજાબનું એ નાજુક ફળ જ એણે મારા હાથમાં મૂકી દીધું. ચાખવા માટે આગ્રહ કર્યો પણ મેં તો એનાં રૂપને જોઈને આખું પેકેટ જ લઈ લીધું. બાળકના રતુમડા ગાલ જેવી નાજુકાઈ હાથને સ્પર્શી ગઈ. પછી સ્વાદમાં તો શું કહેવાપણું હોય? થોડી થોડી પ્રસાદી સૌ પડોશીઓને વહેંચી. મુસાફરી વખતે સારા પડોશી મળી જાય તો થાક અડધો થઈ જતો હોય છે. મારા પડોશી ભીખાભાઈ પણ એવા જ એક ઉમદા પડોશી છે.
સવારની ચા ભીખાભાઈ સાથે પીધી. તેઓ વીજાપુર તાલુકાના પીલવડ ગામના કડવા પાટીદાર છે. આર્મીમાં ફરજ બજાવતા પોતાના પુત્રને અખનુર મૂકવા જાય છે. સાથે નવી નવેલી પુત્રવધૂ અને ઘરનો સામાન પણ છે. પાટીદારનો દીકરો સૈનિકની ફરજ બજાવવા જઈ રહ્યો છે એ જાણી ગુજરાતીઓ માટે ગર્વ અનુભવાયો. પહેલીવાર અમદાવાદ સ્ટેશન પર ઢેર સારા સામાન સાથે તેમને જોયેલા ત્યારે મનમાં થયેલું કે લોકો પણ આખેઆખું ઘર લઈને નીકળી પડે છે ને કંઈ! પણ હવે મને થાય છે કે કોઈના વિશે કશુંયે ન જાણવા છતાં આપણે કેવા કેવા અભિપ્રાયો બાંધી લેતા હોઈએ છીએ!
ભટિંડા પંજાબમાં પડે છે. ટ્રેનમાં હવે લાલ, પીળી, વાદળી પાઘડીઓનો પ્રભાવ વધ્યો છે. બારી બહાર નજર કરતાં હરિયાળાં ખેતરો પણ રંગીન પાઘડીઓથી ભર્યાં ભર્યાં લાગે છે. ગુજરાત જ્યારે 44-45 ડિગ્રી તાપમાને વરાળમાં ફેરવાઈ રહ્યું છે ત્યારે અહીંના ખેડૂતો નવા પાકની વાવણી કરવા ખેતરમાં પાણી છૂટું મૂકીને કોરવાણ કરી રહ્યા છે. આ બધું લયલીન થઈ માણી રહ્યો હતો ત્યાં મોબાઈલ રણક્યો. ઘરેથી કવિતા ફરિયાદના સૂરમાં કહેતી હતી કે આજ મારા ભાઈની સગાઈ છે ને તમે ભાગી ગયા છો દૂર દૂર. અહીં સગાં વહાલાં વારંવાર તમારી ગેરહાજરીની નોંધ લે છે. મનમાં થયું કે સંસારથી ગમે તેટલા ભાગો પણ સંસાર છોડવાનો નથી આપણને. મેં પણ સાંસારિક દિલગીરી વ્યક્ત કરી, મારા વતી તું બે પેંડા વધારે ખાજે એવું આશ્વાસન આપી; નજર ફરીદકોટનાં ખેતરો ભણી વાળી લીધી. લલિત અને પી. સી. વિરજાએ પણ “ક્યાં પહોંચ્યા?” એવું ટહુકીને મિત્રભાવે કાળજી લઈ લીધી છે તો જીતુરામ પ્રભુજી પાસે આખા કાફલાનો જાયજો લઈ રહ્યા છે. હા ભાઈ, બહુ દૂર જઈ રહ્યા છીએ. કાળજી તો લે જ ને!
આ બાજુ ટ્રેનમાં પણ ભવની ભવાઈ ચાલી રહી છે. એક બાળક થાળીમાં હનુમાનજીની મૂર્તિ શણગારીને દર-બ-દર ભટકી રહ્યો છે. થોડા સિક્કાઓ છબીની આસપાસ વેરાયેલા પડ્યા છે. ગુજરાતમાં ખોડિયારમા થઈને ફરતી બહુરૂપી ભિખારણો મારી સમક્ષ તરવરી ઊઠી. એક છોકરી દોરાવાળી ટોપી પહેરી, દોરીને માથાના ઝટકાથી ગોળ ગોળ ઘુમાવી રહી છે. વળી એ ઘુમાવતાં ઘુમાવતાં એમાંથી રીંગ પસાર કરી રહી છે. આ પણ ભિક્ષાવૃત્તિનો જ એક પ્રકાર છે. આવા માહોલમાં એક ભાઈ આવીને અમારી આસપાસની જગ્યા પર ઝાડુ મારવા લાગ્યો. હું તો ભારતીય રેલવે પર ઓવારી ગયો કે શું વાત છે યાર, યાત્રિકોની કેટલી સંભાળ લેવામાં આવી રહી છે! પણ બે જ મિનિટમાં મારો ભ્રમ ભાંગીને ભુક્કો થઈ ગયો. ઝાડુ મારનારો હવે દરેકના પગ છૂઈ છૂઈને પૈસા માગી રહ્યો હતો. પોતાના કામનું મહેનતાણું માગવાનો એને હક છે પણ આ તો ભિખારીની ન્યાતમાં જ ભળી ગયો હતો! અદ્ભુત છે આ ટ્રેનની દુનિયા!
ખટખટાટ કરતી ટ્રેન દોડી રહી છે. તો ઉપર પંખાઓ પોતાની બીમાર દશાનું બયાન કરતા કણસી રહ્યા છે. કેટલાક મોબાઈલ ફોનને ચાર્જ કરવાની મથામણમાં પડ્યા છે. જમ્મુ ન પહોંચીએ ત્યાં સુધીની માથાકૂટ છે બધી. પછી તો બધા જ મોબાઈલ ડબલું થઈ જવાના છે. આવું બધું વિચારું છું ત્યાં તો ગાડીના અવાજમાં પરિવર્તન આવ્યું. એક નદી આડી પડેલી માર્ગમાં. બાજુમાં બેઠેલા પંજાબીને પૂછ્યું – કૌન શી નદી હૈ? જવાબ મળ્યો – સતલુજ. મારી આંખો પુલિકત થઈ ઊઠી. વર્ષોથી સ્કૂલમાં સામાજિક વિજ્ઞાનને એક વિષય તરીકે ભણાવતો આવ્યો છું અને પંજાબ એટલે પાંચ નદીઓનો પ્રદેશ એવી વ્યાખ્યા કરતી વખતે રાવી, સતલજ, બિયાસ, જેલમ અને ચિનાબનું પારાયણ કરતો રહ્યો છું. આજે પ્રથમ વખત સતલજનાં દર્શન થયાં. અગાઉ આ પ્રદેશમાં આવેલો ત્યારે ચંબાથી હડસર સુધી રાવીના કિનારે કિનારે ગયેલો પણ સતલજનાં દર્શન ચૂકી ગયેલો. વેદોમાં એને શુતુદ્રી કહી છે તો મિસ૨ના ટૉલેમીએ ઝારાડ્રોસ તરીકે ઉલ્લેખી છે. મેં દૂરથી ભાવપૂર્વક હસ્તાંજલિ આપી.
ગિદરપિંડી પસાર થતાં તો પાટાની બંને બાજુ નાની નાની સફેદ કબરો જેવા આકારોની ભરમાર દેખાવા લાગી. અચરજ ફૂલીને ફાળકો થયું. ફરી પેલા પંજાબી મિત્રનો સહારો લીધો. મધપૂડાઓની હાર હતી. ખેતી સાથે પૂરક કમાણી માટે ખેડૂતો મધમાખી ઉછેરનો ધંધો પણ કરી રહ્યા છે. એગ્રીકલ્ચર અને એપિકલ્ચરનો સમન્વય કરીને જગતનો તાત બે છેડા ભેગા કરવાની મથામણ કરતો દેખાય છે. એ પછી તો લોહિયા પાસ, સુલતાનપુર લોધી અને કપુરથલા સુધીમાં એપિકલ્ચરને પૂરક એવાં સૂર્યમુખીના ફૂલોથી લહેરાતાં અનેક વિશાળ ખેતરો જોયાં. ભગવદ્ ગીતાનો दिवि सूर्यसहस्रस्य भवेदयुगपदुत्थिता શ્લોક યાદ આવી ગયો. અહીં તો આકાશમાં નહીં પણ જમીન પર હજારો સૂર્યો પ્રકાશી રહ્યા હતા! વળી વધારે આશ્ચર્ય એ વાતનું હતું કે આ વિસ્તારનાં મોટા ભાગનાં ઘરોની છત પર હાથી, બળદ, ગરુડ વગેરેની મોટી મોટી શિલ્પાકૃતિઓ પણ મૂકેલી હતી. ખરેખર પ્રજા મોજીલી છે. ખેતી કરતાં કરતાં ઠાઠથી જીવે છે.
પંજાબનાં હરિયાળાં ખેતરો, ફળદ્રુપ જમીન અને મહેનતુ ખેડૂતો વિશે તો શું કહેવું? ઘઉંનો પાક લણાઈ જવાથી ખેતરો નવરાં પડચાં છે. ઘઉંનું પરાળ આખા ખેતરને પીઠી ચોળેલી કન્યાનો ઘાટ આપે છે. તો ક્યાંક આ જ પરાળને સળગાવી દેવાના કારણે ખેતર અગ્નિસ્નાન કરી ગયેલી વહુવારુ જેમ દુણાઈને પડ્યું છે. હજી પણ ગરમીનો પારો ઊંચો ને ઊંચો જ છે. એમાં પાછી એક બહેન હોશિયારપુરથી ચડેલા એક દાદાને પૂછે છે; ‘બેટા, તેરે કો કહાં જાના હૈ” દાદાજી પ્રત્યુત્તરમાં હળવાશથી પ્રશ્ન જ પૂછી લે છે; “તેરી ઉંમર કિતની હુઈ બહનજી?” ‘સાઠ સાલ’ બહેને જવાબ આપ્યો. દાદા હસતાં હસતાં બોલ્યા; ‘મેં ચોસઠ કા હુઆ હું ઔર તુમ મૂઝે બેટા બોલતી હો. બડા અજીબ સા લગતા હૈ!’ દાદાજીએ બધાને હળવાફૂલ કરી દીધા. તેઓ જમ્મુના વતની છે. અહીં સૌ એકબીજા સાથે હળીભળી ગયાં છે. તેમણે સૌને ચા પીવડાવી તો અમે એમને થેપલાનો સ્વાદ ચખાડ્યો. કાશ્મીર સાથેની બિરાદરી અહીંથી જ શરૂ થઈ ગઈ લ્યો!
ફરી પાછી એક નદીએ અમને પુલ પરથી પસાર થવાનો લાભ આપ્યો. ઋગ્વેદમાં શુતુદ્રી (સતલજ) જોડે જોડે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે બિયાસનાં દર્શન થયાં.
ફરી પાછી એક નદીએ અમને પુલ પરથી પસાર થવાનો લાભ આપ્યો. ઋગ્વેદમાં શુતુદ્રી (સતલજ) જોડે જોડે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે બિયાસનાં દર્શન થયાં.
प्र पर्वतानामुशती उपस्थादश्वेइव विषिते हासमाने ।
गावेव शुभ्रे मातरा रिहाणे विपाट्छुतुद्री पयसा जवेते ॥
બે સાથે દોડતી ઘોડીઓ કે વાછરડાને મળવા સ્નેહપૂર્વક દોડી રહેલી બે ગાયો સાથે તેની સરખામણી કરવામાં આવી છે. આ બંને પૈકીની એક બિયાસ વિશે તો એવું કહેવાય છે કે સાંજના સમયે આ નદી ફૂલે છે. હિમાલયનો બરફ બપોર પછી ઓગળે એટલે પ્રવાહમાં વધ-ઘટ થતી રહે છે. આમ બંધનરહિત હોવાને કારણે તેના માટે વિપાશ શબ્દ વપરાયો છે. ગ્રીક લોકોએ હાઇફાસિસ, ડાઈપાસિસ કે બિપાસિસ જેવાં નામો પ્રયોજ્યાં છે. ઋગ્વેદમાં ક્યાંક આર્જિકિયા નામથી પણ ઉલ્લેખાઈ છે. પરંતુ આ વિપાશ કે વિપાસાનું મૂળ નામ તો હતું ઉરુન્જિરા. કેટલું સુન્દર નામ!
મીરથલ સ્ટેશન પછી આવતા એક પુલ પરથી નદીનો વિશાળ પટ નજરે પડે છે. પટ વિશાળ છે પણ પ્રવાહ ક્ષીણકાય છે. ભોળાભાઈ પટેલે આવા પ્રવાહ માટે સુંદરીઓની પતલી કમર માટે સંસ્કૃતમાં પ્રયોજાતો ‘મુષ્ટીમેય’ શબ્દ પ્રયોજ્યો છે. બિયાસનો જળપ્રવાહ તથા કન્દરોરી અને પઠાણકોટ વચ્ચેની આમ્રકુંજો મને નાની સરખી નદી હિરણ ને તાલાળાના સુખ્યાત કેસર કેરીના બગીચાઓની યાદ અપાવી ગઈ. સુંદરીના કાને લટકતાં લાંબાં લટકણિયાં જેમ લટકતી કેરીઓ વારે વારે મનને લલચાવે છે. પણ વાહ નસીબ, જલદી જલદી કાશ્મીરનાં દર્શન કરવા હું તો પાટે પાટે પુરપાટ દોડી રહ્યો છું. કેરીઓ રહી ગઈ કેરીના ટેકાણે ને પઠાણકોટ પછી પંજાબનું છેલ્લું સ્ટેશન માધોપુર છોડતા જ રાવી પરનો લાંબો પુલ પસાર કરીને; સપનું જોતો હોઉં એમ આવી પહોંચ્યો કેટલાય દિવસોથી જેની રટણા ચાલતી હતી તે જમ્મુ – કાશ્મીરમાં!
વેદમાં જેને પરુષ્ણી કહી છે અને વિદેશીઓએ હાઈડ્રેટીસ, એડ્રેિસ, ફુએડીસ તરીકે ઓળખાવી છે તે પુરાણકાળની ઇરાવતી એટલે કે રાવી ઓળંગીને જમ્મુમાં પ્રવેશતાં જ આખો નજારો બદલાઈ જાય છે. ગુલાબી હવાના અડલપાં ધીમે ધીમે શરૂ થઈ જાય છે. રેલના પાટા પાથરવા માટે કોતરેલ પહાડનાં સ્તરો પણ લીસી સપાટીવાળા મુલાયમ કંકરો ધારણ કરીને બેઠાં છે.નાની નાની પહાડીઓ, પહાડીઓમાં મોરેલો કેસૂડો ને હરિયાળી ધરતી જોઈ ભીતરમાં કુણો બદલાવ શરૂ થઈ જાય છે. ઘડીમાં કોઈ ગમતીલું નામ ઉદાસી મૂકી જાય છે તો ઘડીમાં ધરતીની માટી માથે મૂકી નાચવાનું મન થઈ જાય છે. હા, આ ધરાની અસર જ એવી છે!
સાંજના ઝાંખાં થતાં જતાં અજવાળામાં ઉજ અને વંઈ નામની મોટાં ઝરણાં સરખી નદીઓ વટાવીને બરાબર પોણા આઠ વાગ્યે જમ્મુની ભગવાન રઘુનાથનાં ચરણોથી પવિત્ર થયેલી રજ માથે ચડાવી. ઝટપટ સ્ટેશનમાંથી બહાર નીકળીને નિયોન લાઈટનું અજવાળું વીંધતાં વીંધતાં પહોંચી ગયા વૈષ્ણવધામના પરિસરમાં. પહેલાં તો સામાનની જેમ તેમ ચકાસણી કરવામાં આવી. બંધ બૅગ્સ ખોલીને જોવામાં આવતી હતી. અમે પણ આવી કડક સિક્યુરિટીને ચકાસવા એક બૅગ ચકાસણી થઈ ગયેલા સામાન સાથે મૂકી દીધી. બૅગને ચકાસાઈ ગયેલી માની લેવામાં આવી. સંપૂર્ણપણે સંવેદનશીલ પ્રદેશમાં આમ ચાલી જતું હોય તો પછી શેષ ભારતની તો વાત જ શી કરવી? આ રીતે આપણા દેશની અદ્ભુતતાઓના નમૂના પળે પળે મળતા રહે છે. પરંતુ આવી બધી વૈચારિક ધમાલમાં ન પડીએ તો વૈષ્ણવધામનું વાતાવરણ આહ્લાદક હતું. 411 નંબરનો રૂમ અમારી વીસ કલાકની મુસાફરીના થાકથી ભરાઈ ગયો. ઠંડી હવા ને થાકેલું અંગ નીંદરડીને વહાલી કરવા ઉકસાવી રહ્યું હતું. પણ સ્નાન કરી સ્વસ્થ થઈ જવું એ કરતાં પણ વધુ જરૂરી હતું. કારણ કે સવારે તો શ્રીનગર તરફ ભાગવાનું છે.
સ્નાનવિધિ પતાવી શ્રીનગર જવા માટેની વ્યવસ્થા કરવા બસ સ્ટેન્ડ ૫૨ ગયા. બસ તો ન મળી પણ બે વીંગર ગાડીની વ્યવસ્થા થઈ. આઠ – દસ કલાકનો રસ્તો છે. ચારસો રૂપિયામાં પહાડી માર્ગની સેર કરવા મળશે. જે મિત્ર આ સેર કરાવવાના છે તેનું નામ પવન છે. આવતી કાલે વહેલી સવારે પવનપાવડીમાં શ્રીનગ૨ ત૨ફ…
– જયંત ડાંગોદરા
( કુમાર: એપ્રિલ-૨૨માં પ્રકાશિત )
–
e-mail: jayantdangodara@gmail.com
Waah sir
વાહ જયંતભાઈ વાહ!!!!!
જયંત ભાઈ, તમારી કલમથી ગુજરાતી ભાષા નું નૂર અને હીર બંને અદ્ભુત રીતે પ્રગટ થાય છે.આ સ્ટાઈલ છોડશો નહીં ્્અ્ભિનંદન.☝️🙏🤗
Wah khub j saras
જયંતભાઈ આપની કલમ માં ગજબ ની તાકાત છે.આપ આપ્રવૃતી ને જાળવી રાખજો જેથી ગુજરાતી ભાષા નું જતન થય શકે.
જય હિન્દ
વાહ દોસ્ત.મજા પડે છે યાત્રામાં
ખુબ સરસ!!! મજા આવી ગઇ.
*સુંદર અતિ સુંદર*
જયંત ડાંગોદરા*
શબ્દો ના સથવારે
સમય આવે એ પહેલાં
બધું સમેટી લેવું જોઈએ
માન સન્માન ઘટે એ પહેલા
જાતે હટી જવું જોઈએ.
કેટલાય નિર્ણયો કલેજા
કઠણ રાખી ને કરવા પડે છે
બારોબાર ઉસેટાઇ જાય
તે પહેલા ઉસેટી લેવું જોઈએ.
ક્યાં સુધી જવાબદારી ની
ઝંઝાળ લઈ ને ફર્યા કરશો
અફસોસ થાય તે પહેલાં
સઘળું આટોપી લેવું જોઈએ.
આ સત્તા,સંપતિ સફળતા
નથી રહેવાના સદા સાથસાથ
હાથમાંથી છીનવાઈ જાય
તે પહેલાં લપેટી લેવું જોઈએ.
લોહીના સબંધો લોહી
ચૂસી ન લે એ સાચવજો
વિશ્વાસે વહાણ ડૂબી જાય
તે પહેલા વિટી લેવુ જોઈએ.
જીવન એક નાટક છે પાત્ર ને
પકડી કેમ બેસી રહેવાય
ઉત્તમ એ જ છે કે રોલ પતે
એટલે રંગમંચ છોડી દેવું જોઈએ.
ખુબ સરસ