3. કાશ્મીર ભણી….
કાશ્મીરની હાલત વિશે ચિંતા અને ચિંતન કરવામાં આખો દિવસ ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી. કાશ્મીરની ખૂબસૂરતી સાથે આતંકવાદની હવા એટલી હદે ભળી ગઈ છે કે તેમાં કોઈ કોહવાઈ ગયેલાં સુંદર ફૂલની ખાટી વાસ આવી રહી છે. પણ આ ફૂલ તેની ચડતી કળાએ કેવું તો મઘમઘતું હતું! પોતાના મુલકને લાડમાં ‘કશીર’ કહીને પુકારતા લોકોનો આ પ્રદેશ ખરે જ ‘કાશ-મેરુ’ એટલે કે પ્રકાશનો પર્વત – મેરુ હતો. જો હિમાલય ભારતનો માનદંડ હોય તો કાશ્મીર મેરુદંડ છે.
જેલમ અને કિશનગંગા જેવી બે સરિતાઓથી સિંચાયેલો આ પ્રદેશ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. આશરે 22 હજાર ચો.કિ.મી.ની કાશ્મીર ઘાટીમાંથી ભારત પાસે આશરે 16 હજાર ચો.કિ.મી. અને પાકિસ્તાનના ગેરકાયદેસર કબજામાં આશરે 6 હજાર ચો.કિ.મી.નો પ્રદેશ છે. આ પ્રદેશને વિશે એવી લોકકથા પ્રચલિત છે કે ત્યાં પ્રાચીન કાળમાં એક વિશાળ સરોવર હતું, જેમાં પર્વતરાજ હિમાલયની પુત્રી સતી રોજ નૌકાવિહાર કરવા માટે આવતી. આ કારણે સરોવરને સતીસ૨ કે સતી સરોવરના નામથી ઓળખવામાં આવતું હતું. નીલમાતા પુરાણમાં આવતી કથા પ્રમાણે આ સરોવરામાં જલોદ્ભવ નામનો રાક્ષસ રહેતો હતો. સતીના વિહાર કરવાના સ્થાનની ઓથે રહીને તે દેવોને કનડવા લાગ્યો. નીલ નાગરાજે આમાંથી રસ્તો કરવા કશ્યપ ઋષિની સલાહ લીધી. પછી બંનેએ સાથે મળી ભગવાન વિષ્ણુની આરાધના કરી. વિષ્ણુએ આ કામ નિપટાવવાની જવાબદારી ગરુડને સોંપી. ગરુડે ચાંચમાં એક કાંકરો લઈને જલોદ્ભવ પર ફેંક્યો અને એ સાથે જલોદ્ભવનું અચ્યુતમ્ કેશવમ્ થઈ ગયું. પછી એ કાંકરાએ પહાડીનું રૂપ લીધું. જેને આજે હરિપર્વતના નામથી ઓળખવામાં આવે છે.
આ કથામાં એક પાઠાંતર પણ છે. વિષ્ણુએ પ્રસન્ન થઈને જલોદ્ભવના ત્રાસથી દેવતાઓને મુક્ત કરવાની કામગીરી અનંત નાગને સોંપી. નાગે સરોવર ફરતેના પહાડને કોરી નાખ્યો એટલે પાણી વહી ગયું ને છેવટે રાક્ષસ હણાયો. તો બીજી એક કથામાં પહાડ કોરવાનું કામ વરાહે કરેલું એમ પણ કહેવામાં આવે છે. પરંતુ આ બધી કથાઓમા કશ્યપ ઋષિના તપને કારણે જલોદ્ભવના ત્રાસમાંથી છૂટકારો થયો એ વાત સર્વ સામાન્ય છે. અને ત્યારથી આ પ્રદેશને કશ્યપ ઋષિના નામ સાથે જોડી ‘કશ્યપમર’ તરીકે ઓળખવામાં આવતો હતો. કાશ્મીરના સૌંદર્યનું વર્ણન સાંભળીને ખેંચાઈ આવેલા ઘણા પ્રવાસીઓએ પોતપોતાને ગમે એવાં નામની નવાજેશ પણ કાશ્મીરને કરી છે. અષ્ટાધ્યાયીના કર્તા મહાન વ્યાકરણશાસ્ત્રી પાણિની ‘કશેમુર્ર’ કહે છે. ટૉલેમી ‘કાસ્પીરિયા’ તો ચીની પ્રવાસે હ્યુ એન સંગ ‘કા. શી. મી. લો.’ કહે છે.
પુરાતન સમય ભણી નજર નાખીએ તો નીલમાતા પુરાણની કથાઓ કાશ્મીરની ભવ્યતાને સ્પર્શે છે તો કલ્હણનો ‘રાજતરંગિણી’ નામનો ગ્રંથ કાશ્મીરનાં ઐતિહાસિક પૃષ્ઠોને ખોલી આપે છે. મહારાજા ગોનન્દ પ્રથમથી માંડીને બારમી સદીના પૂર્વાર્ધ સુધીનો ઇતિહાસ એમાં સમાયેલો છે. સમ્રાટ અશોક, કુષાણરાજ કનિષ્ક, મિહિરકુલ, દુર્લભવર્ધન, ચંદ્રપીડ, લલિતાદિત્ય, અવન્તિ વર્મન, જયપીડ જેવા બૌદ્ધ-હિન્દુ રાજાઓએ કાશ્મીરની ધુરા સંભાળી છે. તો શાહમી૨ શમ્સુદ્દીન ઇ.સ. 1339માં કાશ્મીરનો પહેલો મુસ્લિમ રાજા બન્યો હતો. એ પછી સિકંદર બુતશિકન મૂર્તિભંજક તરીકે કુખ્યાત થયો. ત્યાર પછી અકબર, જહાંગીર, શાહજહાં જેવા મોગલ સમ્રાટોનો અધિકાર રહ્યો. તો અફઘાન શાસક અહમદશાહ અબ્દાલીએ ઇ.સ. 1752માં કાશ્મીર જીતી લીધું. ત્યાર બાદ 1819માં મહારાજા રણજિત સિંહે જબ્બારખાનને હરાવીને કાશ્મીર પર પોતાનું શાસન સ્થાપ્યું. એમના જ વંશના રાજા ગુલાબસિંહે બ્રિટિશ કાળમાં પોતાની સત્તા ટકાવી રાખી. ગુલાબસિંહના ઉત્તરાધિકારી તરીકે પછીથી મહારાજા રણવીરસિંહ અને તેમના પુત્ર પ્રતાપસિંહે ગાદી સંભાળી. અને છેવટે ઇ.સ. 1925ની 23મી સપ્ટેમ્બરે આઝાદી સમયે ભારત સાથેના જોડાણ માટે instrument of accessionમાં સહી કરવા બાબતે અવઢવમાં રહેનાર કાશ્મીરના અંતિમ મહારાજા હરિસિંહ ગાદી પર આવ્યા. આઝાદી પછીનો ઇતિહાસ સર્વવિદિત છે.
આ ભવ્ય ઇતિહાસનાં પાનાં ઉખેળતાં ઉખેળતાં હું જાણે કે કેટલીયે સદીઓની સફર કરી આવ્યો. ઇતિહાસ રસપ્રદઅને કથાતત્ત્વથી ભરપૂર છે, પણ ચોપડીમાંથી બહાર કૂદીને ગંતવ્ય સ્થાને પહોંચવા માટે હજી ઘણાં વ્યવધાનો પાર કરવાનાં છે. જેટલી સરળતાથી પુસ્તકની લીટી પર આંખને ફેરવી શકાય છે એટલી સરળતાથી કોઈ લક્ષ્યની પગદંડી પર ફરી શકાતું નથી. રાત એના મધ્યાંતરે પહોંચી છે. દિવસના મધ્યાંતરને બપોર જેવું બળબળતું નામ મળ્યું છે પણ રાતના મધ્યાંતર માટે તો કોઈ રસિકે મધરાત એવું સરળ પણ શૃંગારિક અર્થચ્છાયા ધરાવતું મધમીઠું નામ શોધી કાઢવું છે! રાત સાથે મધ શબ્દ જોડીને જોકે એક શબ્દનું કાવ્ય જ રચી દીધું છે! પરંતુ હું જે રાતને કાપવા મથી રહ્યો છું તે તો કોઈ વિરહીજનથી જરા પણ ઓછી પીડાકારક નથી. કમરાની લાઇટ સ્વિચ ઑફ કરી, પરંતુ ઊંઘ સ્વિચ ઑફ ન થઈ. અને એ જ ક્રમમાં પડખાં ફેરવતાં ફેરવતાં આંખ સામે આવીને ઊભી રહી ઉકળાટનુમાં સવાર!
સર્વોદયે આ બે દિવસ રહેવા-જમવાની વ્યવસ્થા કરેલી. તો જમ્મુ તરફ પ્રસ્થાન કરતી વખતે રેલગાડીમાં બપોરના ભોજનની વ્યવસ્થા પણ એમણે જ કરી હતી. નવ વાગતા સુધીમાં બધું તૈયાર થઈ જવાનું છે. ત્યાં સુધી સવાર સવારમાં કલબલાટ કરતાં પંખીને જોયાં કરવાનાં છે. અશ્વિનભાઈ પણ પક્ષીનિરીક્ષણના શોખીન છે. અમે બંને સમાન શોખીન નીકળ્યા. પછી તો વાત જ શી કરવી? વાતે વાતે વિવિધ પ્રકારનાં રંગ, રૂપ અને અવાજવાળાં પંખીઓ હાજર થઈ જાય. પંખીઓના આ ચહચહાટમાં અમે એવા તણાયા કે કાશ્મીરને ભૂલી બેઠા. મોટો અવાજ કરીને પ્રભુજીએ કહ્યું કે ચલો, ભાઈ ચલો, હવે નીકળવાનું છે ત્યારે જ અમે પંખીલોકમાંથી પાછા ફર્યા.
નીકળતા પહેલાં ઘરે ફોન કર્યો. બા ન મળ્યાં. કવિતા અમારા નાનકડા કુળગોર વિપુલદાદાની જાનમાં ગઈ હતી. બાપુજી તથા અનુજ નિમેશ સાથે વાત થઈ. કાશ્મીર પહોંચ્યા પછી અમારા મોબાઇલ ફોન પ્રિપેઈડ કાર્ડવાળા હોવાને કારણે ઠપ્પ થઈ જવાના છે. એટલે ફોનથી સંપર્ક ન થાય તો કોઈએ ચિંતા ન ક૨વી એવી જાણકારી આપી; કાલુપુર રેલવે સ્ટેશન તરફ ૨વાના થયા. પ્રભુજી પોતાની સાથે જબ્બરજસ્ત સામાન લઈને નીકળ્યા છે. બધાયે એમાંથી થોડો થોડો ભાર વહેંચી લીધો. રિક્ષાઓ એક પછી એક એમ સૌને ઠાલવવા માંડી સ્ટેશન પર. છેક સાત નંબરના પ્લેટફોર્મ પર પહોંચવાનું હતું. કુલીઓ છે પણ અમ ગામડિયા એમાં શું જાણીએ? વળી ‘ખિસ્સાકાતરુથી સાવધ રહો’ એવી સૂચનાઓનાં બોર્ડ પણ ડગલે પગલે વાંચવા મળે. તગામાં (છકડો રિક્ષા) મુસાફરી કરવાવાળા અમે વળી રેલવે સ્ટેશનની જટિલતાને શું સમજીએ? ને એવા અમને સૌને લઈને અશ્વિનભાઈ કાશ્મીરના પ્રશ્નો સમજવા નીકળ્યા છે!
પ્લેટફોર્મ પર સામાન ઉતારીને ઊભા ત્યાં નાક ભડકેલા ખૂંટ જેમાં છિંકોટા નાખવા લાગ્યું. પાટા પર નજર નાખી તો આંખ ઓજપાઈ ગઈ. મળમૂત્ર અને પ્લાસ્ટિકની કોથળીઓનું કુત્સિત સામ્રાજ્ય ફેલાઈ ગયેલું ચોતરફ. ગંદા પાણીની નીકો ઊભરાઈ ઊભરાઈ વારંવાર આપણી માનસિકતાનું પ્રદર્શન કરતી હતી. ક્યારે જમ્મુ-તાવી ટ્રેન આવે ને ક્યારે ભાગી છૂટીએ અહીંથી એવી લાગણી થઈ આવી! મને મનોમન એ વાતની દહેશત થઈ કે સ્વર્ગને સારી રીતે સમજવા માટે નર્કની જાણકારી પણ હોવી જોઈએ એવા સંદર્ભનું તો આ પરિણામ નહીં હોય ને?
થોડીવારમાં ગાડી આવી. ધમાચકડી મચી ગઈ ઘડીભર. સૌ પોતપોતાના કોચમાં ગોઠવાયા ન ગોઠવાય ત્યાં પાવો વાગ્યો ને બરાબર 11:10 વાગ્યે જમ્મુ-તાવી એક્સપ્રેસ નામનો રાજાનો ઘોડો ખાણ ખાતો છૂટ્યો. છૂટ્યો તે એવો છૂટ્યો કે અમદાવાદ, એનાં ઉદાસ ઝાડવાંઓ, અવાજોનાં ટોળાં ને સિમેન્ટ-કોંક્રિટનું સામ્રાજ્ય એક પળમાં ઓજલ! અમારા સિવાય બધું જ ગતિશીલ. કોઈ યોગીની સ્થિતિમાં મુકાઈ ગયાનો અનુભવ થયો. દસ બાય દાસની ઓરડીમાં તો એકલપંડે રહેનારો પણ ગૂંગળામણ અનુભવતો હોય છે. પણ કોચમાં બેઠા પછી પચાસ લોકોની વચ્ચે બહારના કોલાહલને અકબંધ રાખી, ભીતરથી સૌ જાણે ધ્યાનસ્થ થઈ ગયા હોય એવી રીતે સ્વ-સ્થ જણાયા. અમે પણ મૈત્રી, પ્રેમ અને શાંતિનો સંદેશ લઈને, સૌને આ સ્વ-સ્થતા પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશથી નીકળી પડ્યા છીએ.
ઉનાળાની બળબળતી લૂનું સામ્રાજ્ય વિસ્તરતું જ જાય છે. કદાચ લૂને પણ અમારી જુદાઈ ગમતી નથી. એન્જિનનો ઘરઘરાટ લૂની થપાટોને બેવડી કરી દે છે તો ઉપર ફરતા પંખાઓ જરા પણ ઉચાટ વગર લૂ કે અમને ખોટું ન લાગે એવી સમતાથી પોતાનું કામ મંથરગતિએ કર્યે જાય છે. બારી બહારનાં દૃશ્યો બદલાતાં રહે છે પણ ઝાંઝવાનો પડદો આંખને ત્યાં સુધી પહોંચવા નથી દેતો. એક પછી એક સ્ટેશન આ ઝાંઝવામાં ઓગળતાં રહે છે. અમીરગઢ આવતાં ગુજરાત છૂટી ગયું. ઇકબાલગઢ, ધનપુર જેવાં ગામડાંઓની સીમમાં લહેરાતી બાજરીની લીલપ આંખને સ્પર્શી પળભર ઠંડકનો અનુભવ કરાવી ગઈ. અરવલ્લીનાં આંગણામાંથી પસાર થવાની પણ એક મજા છે!
આબુરોડથી એક મિત્ર અમારી સાથે જોડાવાના છે. પણ ત્યાંથી માત્ર આ મિત્ર જ નહીં, સ્કાઉટ-ગાઈડની એક આખી ટ્રુપ, પુખરાજી જેવા સહૃદયી શિક્ષક અને રામચરણ સોલંકી જેવા અધિકારી મિત્રનો પણ સહવાસ થયો. પહેલા તો અમે તેમને બેસવા ન દીધા. અમારી રિઝર્વ્ડ સીટ છે. જમ્મુ સુધી અમારો પૂર્ણ અધિકાર છે તેના ઉપર. પરંતુ થોડી જ વારમાં અધિકારભાવ ઓગળી ગયો ને સ્નેહનું ઝરણું ફૂટી નીકળ્યું. અડધી સીટ એમને ફાળવી. જોધપુરના આઈ.ટી.આઈ.માં ઇન્સ્ટ્રક્ટર છે. આબુ કોઈ લગ્ન પ્રસંગે પધારેલા. વિદ્યાર્થીની સ્કિલ ઓળખી તેને કામધંધે વળગાડવા એ જ મુખ્ય ધ્યેય સાથે સ્કિલ ડેવલપમેન્ટનું કામ કરી રહ્યા છે. રામચરણજી બૅન્ક અધિકારી છે. કિસાનોની જમીન ઝૂટવાઈ રહી છે ને ખંધા રાજકારણીઓ લીલાલહેર કરે છે – જેવી રાજકીય ચર્ચા દ્વારા સૌમાં પ્રિય થઈ પડ્યા છે. આ મિત્રોની વાતમાં એક વાત કોમન હતી કે તેઓ બંને મોદીજીને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છતા હતા. અમને કહે કે તમે ગુજરાતીઓ કોઈ બીજાને સી.એમ. તરીકે શોધી લો. મોદીજી તો ભારત માટે નિર્માયા છે. ઘડીભર તો મને થઈ આવ્યું કે જાણે નવા મુખ્યમંત્રીની શોધનો ભાર મારા પર જ ન આવી ગયો હોય! હું શિક્ષક છું એ જાણીને એમનો આનંદ બેવડાયો. પછી તો શિક્ષણની કથળતી સ્થિતિ, પરીક્ષામાં સુ૫૨વાઈઝર્સ દ્વારા જ કરાવાતી ચોરી અને શિક્ષણનું વેપારીકરણ એમ વિવિધ મુદ્દાઓ પર અમારી ચર્ચા ચાલી. વાતોનાં વડાં કરતાં કરતાં સાંજ પડી ગઈ. ઘડિયાળનો કાંટો આઠની નજીક પહોંચી ગયો હતો. પુખરાજી અને રામચરણજી હવે વિદાય લેવાના હતા. જોધપુર આવી ગયું હતું. થોડા સમયમાં તો અમે ગાઢ મિત્રો જેવી લાગણી દર્શાવવા લાગ્યા હતા. માનવ મનની ગૂઢતાનો પાર પામવો મુશ્કેલ છે.
બાજુમાં સ્કૂલની કન્યાઓ અંતાક્ષરી રમી રહી હતી. મધુર કંઠે ગવાતાં ફિલ્મી ગીતો અને મસ્તીભરી હરકતો સૌને આકર્ષિત કર્યા કરે છે. સામે બેઠેલી ચાર કન્યાઓ તોફાન મસ્તી કરતાં કરતાં કોઈ વાતે ખુશ થઈ ગઈ એટલે ચારેયે પ્રથમ તાળીઓ પાડી અને જમણા હાથની આંગળીઓ પશ્ચિમમાં ચીંધી પછી ફરી તાળીઓ પાડી અને આંગળીઓ પૂર્વમાં કરી. એ જ પ્રમાણે ઉત્તર, દક્ષિણ, આકાશ અને ધરતી તરફ કરી અને એ દરમિયાન એ બધી વખત પ્ઉચ્ ફત્ જેવો હોઠની સુંદર અંગભંગીવાળો અવાજ કરી; ખુશીને આખા કોચમાં વહેતી મૂકી. આખુંય દૃશ્ય નયનરમ્ય બની ગયું હતું.
આ બધી ધમાચકડી વચ્ચે ફેરિયાઓ પોતપોતાના વિશિષ્ટ સૂરો પુરાવી જતા હતા તો ક્યાંક તાબોટાનો અવાજ ખનખનિયાં ઉઘરાવતો જોવા મળતો હતો. જાણે એક વિશાળ વસ્તી પાટા પર દોડી રહી છે. આ બધી ધમાલ વચ્ચે જોધપુરથી ચડેલું એક યુવાન દંપતી અમારી સીટ પર આવીને બેસી ગયું. અમને આદેશ આપતાં કહે કે ચાલો ખાલી કરો. અમારું રિઝર્વેશન છે. થોડા સમય પહેલાં જ્યાં આનંદ હતો ત્યાં ચિંતાનાં વાદળો ઘેરાયાં. એક સીટ પર બેનું રિઝર્વેશન કઈ રીતે હોય શકે? પણ આ તો ભારતીય રેલવે. કવિ વિનોદ જોષી કહે છે તેમ ‘એવું પણ હોય એના જેવું પણ હોય.’ અમે અમારું રિઝર્વેશન બતાવ્યું, હવે મૂંઝાવાનો વારો એમનો હતો. યુવાન પોતાની નમણી નવોઢાને અમારા ભરોસે છોડી; રેલ મુસાફરીના એકમાત્ર કષ્ટભંજન દેવ ટી.ટી.ની શોધમાં નીકળી પડ્યો. નવોઢાના ચહેરા પર પથરાઈ ગયેલી મૂંઝવણે, તેણે સજેલા શણગારને એકદમ ફિક્કો બનાવી દીધો. હીરામંડિત કંગન, કાનમાં ઝૂલતાં લટકણિયાં, મંગલસૂત્રની મંગલમયતા, લાલ ચટક હોઠ ને ખુલ્લા મૂકેલા રેશમી વાળ અને નેટની પોપટિયા રંગની સાડી. ખરેખર કોઈ ઉર્વશીને પણ શરમાવે એવી નાજુકાઈ હતી તેના અંગેઅંગમાં! પરંતુ સીટ હરાઈ ગયા પછીની દયનીયતા કરુણા ઉપજાવે એવી હતી.
છેવટે અમારામાંના એકે તેમને મદદ કરી. ત્યાં પેલો યુવાન પણ આવી પહોંચ્યો. ટી.ટી. દેવતાએ કૃપા કરી હતી. હાશ છૂટકારો થયો. કોઈની અગવડતા આમ ક્યાં સુધી જોયા કરવી? ધીરે ધીરે કોચમાં પણ ચહલ પહલ ઓછી થઈ ગઈ અને એન્જિનના અવાજમાં અટવાતી રાત આવતી કાલના સૂર્ય ભણી દોડવા લાગી. ◆
– જયંત ડાંગોદરા
( કુમારઃ માર્ચ, 2022માં પ્રકાશિત )
ખૂબ સુંદર રચના
પ્રત્યક્ષ પ્રવાસ કરતા હોય તેવું લાગી રહ્યું છે સુંદર રચના છે
ખુબ ખુબ અભિનંદન
ખુબજ સરસ
બહુ સરસ.
અભિનંદન. 🌹
Wah wah adbhut
ખુબ જ સુંદર. સજોડે પ્રવાસ કરતા હોય એવુ લાગ્યુ.
👌👌👌👌
વાહ. . મજા પડી. . પણ કાશ્મીર જલદી પૂગાડો હવે
Wah khub j maja padi
મોજ પડી કશ્મિરફાઇલ્સ જોયાં બાદ આ વણૅન the another side & new insite માટે અતિમહત્વનું બની રહેશે.ખુબ સરસ
🌹🙏
*તમારી હરીફાઈ કરનારા,*
*તમારા કામ ની કોપી કરી શકે….*
*પરંતુ, તમારી નિષ્ઠા, પ્રમાણિકતા, ક્ષમતા અને સંસ્કારોની કોપી તો નહી જ કરી શકે…*
સુંદર અતિ સુંદર
* *હસમુખ કિડેચા ના જય શ્રી કૃષ્ણ*
મજા પડી જયંતભાઈ, શૈલી રસાળ અને ચિત્રો ઉભા કરે છે.