2. ટ્રેન, તડકો ને વિદ્યાપીઠ
લગ્નની મોસમ જામી હતી. શરણાઈના સૂરની જગ્યા બૅન્ડ પાર્ટી ને ડી.જે.એ લીધી હતી. નાગિનના ગીતની ધૂન પર જાનૈયાઓ ગોઠણિયાભેર થઈને અંગેઅંગને ઋતુમાં આવેલા સાપ જેમ વળ ચડાવી રહ્યા હતા. હું પણ વધેલા સમયને વાપરવા એક જાનમાં જવા નીકળી પડ્યો. રસ્તામાં મિત્ર ભાવિનભાઈએ મારી રખડપટ્ટીને બિરદાવવા માટે કંઈક તો કહેવું જોઈએ એવું સૌજન્ય દાખવીને પૂછ્યું કે કાશ્મીરથી પાછો ફરે એટલે પ્રવાસ નિબંધ પાકો ને? એટલે મજાક કરતાં મેં કહ્યું કે પાછા ફરીશું તો ચોક્કસ પાકો ને જાનમાં જઈ રહેલા અમે જાન બચાવવાની વાતો કરતાં કરતાં સમયને કટકો કટકો ખાતા રહ્યા!
જમતી વખતે પરસેવાથી રેબઝેબ થયેલો હું થોડો આરામ કરી લેવાના ઇરાદાથી પ્રવાસના યજમાન થયેલા પ્રભુજીના ઘરે પહોંચ્યો તો એમના બે ટેણિયાઓ પ્રવાસને અનુલક્ષીને સજાવેલા પ્રશ્નોનાં તીર ધનુષ પર ચડાવીને પણછ ખેંચવાને તૈયાર જ બેઠા હતા. કાશ્મીર ક્યાં આવ્યું હૈં સા’બ? ન્યાં કોણ રહે છે? મારા પપ્પા કે’તા કે ત્યાં બૉમ્બ ધડાકા બોવ થાય છે ઇ હાસું? આપણને ઇ જોવા મળશે? ટ્રેનની ટિકિટ બતાવોને! એમાં કાશ્મીરનો ફોટો છે? – જેવા અનેક બાળસહજ પ્રશ્નોથી બંનેએ મારી આંખોમાંથી ઊંઘને કણું કાઢતા હોય એમ હળવેકથી ખેંચી કાઢી. પ્રશ્ન પૂછનાર નાના હતા પણ પ્રશ્નો નાના ન હતા. અને આ બધા પ્રશ્નો સમજવા તો આવતી કાલનો એક આખો દિવસ ફાળવ્યો હતો અમે! છતાં એમનું કુતૂહલ શમાવવા પૂરતી થોડી ઉપરછલ્લી વાતો કરીને મેં એમને ‘શક્તિમાન’ અને ‘સકલક બૂમ બૂમ’ જોવા વળગાડી દીધા. મનેય એમના પ્રશ્નોથી ધ્રુજારી ચડી હતી.
રોંઢો ચડવા આવ્યો હતો. બપોરની અલસતા ત્યજીને ઘર આખું કામે વળગ્યું હતું. સૌ કોઈ એકબીજાને વસ્તુઓ યાદ દેવડાવવાની હરીફાઈમાં ઊતર્યાં હતાં. મારી સાથે કશું ઉલાળ ધરાળ ન હતું એટલે બે નાનાં નાનાં થેલકાં લઈને નીકળી પડેલો. પણ પ્રભુજી તો સપરિવાર આવવાના હતા એટલે એમણે તો ઝીણી મોટી અનેક વસ્તુઓ યાદ કરી કરીને ડાલામથ્થા જેવા ત્રણ થેલાઓ તૈયાર કરી દીધા હતા. એક થેલો તો અડધો માત્ર નાસ્તાથી જ ભરી લીધેલો. સંપૂર્ણ શાકાહારી એવા અમને એની ખૂબ ખપત પડશે એ વાતની ખબર થેલો ભરતી વખતે ન હતી!
છેવટે ઇન્ટરમાં અમે બોટાદથી અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. ધુમાડા કાઢતી ટ્રેન અલસ ગતિએ દોડવા લાગી. મે મહિનાની ગરમ લાય જેવી લૂ પણ સાથે થઈ. બારીમાંથી સૂર્યની નાની નાની કણીઓનો પ્રહાર જાણે અમારા ચહેરા ઉપર થવા લાગ્યો! બારી બંધ પણ ન કરી શકાય. બંધ કરો તો ડબ્બામાં આખેઆખા બટાકાની જેમ બફાઈ જાવ ને ખુલ્લી રાખો તો આગ સાથે રમત રમવા જેવું થાય! ગળું અકરાંતિયું થઈને પાણી ઢૂંચવા માંડયું. ઠંડા પાણીની બોટલો ઘરેથી ભરી લીધી હતી પણ થોડુંક અંતર કાપતાં તો એની દશા તુલસીશ્યામનાં ઉષ્ણોદક જેવી થઈ! છેવટે પાણી માટે તો સ્ટેશને સ્ટશને વેચાતી બોટલોનો જ સહારો લેવો પડ્યો. ઉનાળાની નિંદા કરવામાં પણ કોઈ કસર છોડી નહીં. પણ અમારા જેવા મામૂલી મુસાફરોથી એને શું ફેર પડે?
છૂક છૂક કરતા માંડ અમદાવાદ પહોંચ્યા. રાતના સાડા નવ વાગી ગયા હતા. જે જે રીતે પકડી શકાય એ રીતે થેલાઓ પકડીને મારી મૂકી ગાંધી એક્સપ્રેસ ગૂજરાત વિદ્યાપીઠ તરફ. વિદ્યાપીઠની સહયોગ હૉટેલમાં અમારો ઉતારો હતો. આવતી કાલે સર્વોદય દ્વારા કાશ્મીર અને તેના નાગરિક સમાજના પ્રશ્નો સમજવા માટે અભિમુખતા શિબિર ગોઠવ્યો હતો. અમારી સાથે જોડાનાર બીજા મિત્રોનો પરિચય પણ ત્યારે જ થવાનો હતો. મિત્ર અશ્વિન ઝાલા વ્યવસ્થા માટે સૌથી પહેલાં પહોંચી ગયા હતા. અને પછી તો વારંવારના ક્યાં પહોંચ્યની પૃચ્છાના જવાબમાં અમે પણ સાક્ષાત્ તેની સામે પ્રગટ થયા!
સામાન હૉસ્ટેલના એક કમરામાં મૂકી અમે ઝડપથી કેન્ટીનમાં પહોંચ્યા. વાળુનો સમય તો ક્યારનો વીતી ચૂક્યો હતો પણ અન્નદાતાઓએ કાઠિયાવાડને શરમાવે એવી પરોણાગત કરી. ઓડકાર ઉપર ઓડકાર ખાઈને સ્વસ્તિવચન ઉચ્ચારતાં ઉચ્ચારતાં સૌ મંથર ગતિએ શયન કક્ષમાં પહોંચ્યા. વૃક્ષોની ઘેઘૂર ઘટા વચ્ચે હોવા છતાં ગૅસ ચેમ્બરમાં પહોંચી ગયાનો અનુભવ થયો. અમદાવાદની ગરમીનો આવો અનુભવ પહેલવારુકો હતો. ઊંઘવાના તમામ પ્રયત્નો એક પછી એક નિષ્ફળતાને વરવા લાગ્યા. પાંપણો પર મણ મણનો બોજો હોવા છતાં કોઈ વેઠિયાની જેમ કમરાની અંધારી છતને ઉપાડીને આંખો બેમતલબનો ત્રાસ સહન કરતી રહી. એ ત્રાસમાંથી બિચારી આંખોને છોડાવવા માટે મેં ધાબાની દિશા પકડી. ધાબુંય જાણે ધગધગતા તડકાની પાટ! આખી રાત માથા પર ટળવળતાં ચામાચીડિયાને જોતાં જોતાં ભળકડું ક્યારે થઈ ગયું તેની સરત જ ન રહી!
આમ આખી રાત અખંડ જાગરણવાળી રહી. ગ્લોબલ વૉર્મિંગની અસર આખી દુનિયાને ભરડામાં લઈ રહી હોય ત્યાં વિદ્યાપીઠની હૉસ્ટેલના નાનકડા કમરાની શી વિસાત? ન છત પર ઊંઘ આવી કે ન તો કમરામાં. પણ સવાર પડતાં પથારીમાંથી ઊઠીએ; એને ‘જાગવું’ કહેવાય તો હું સવારે છ વાગ્યે જાગી ગયો. સોલર હીટરનો પ્રબંધ ન હોવા છતાં નહાવા માટે આવતું પાણી ફળફળતું જ હતું. એનાથી મેં ભર ઉનાળાની વહેલી સવારે – ગુરુકુલોમાં થતા માઘ સ્નાનની જેમ – વૈશાખ સ્નાન કર્યું. સ્નાન કરતાં કરતાં જ પરસેવો વળી ગયેલો. પણ બહિર્જલ અને અંતર્જલનો સંગમ થતાં સહેજ ઠંડકનો અનુભવ થયો. આ રીતે નિત્યક્રમ પતાવી વિદ્યાપીઠના નાનકડા કૅમ્પમાં હું લટાર મારવા નીકળી પડયો.
વિદ્યાપીઠના આંગણે ઊભેલાં ઉત્તુંગ વૃક્ષોમાં છુપાયેલ કોકિલ પરસેવે નીતરતી સવારને મધુરતા પ્રદાન કરી રહ્યો હતો. આંખો ટહુકાનો સ્પર્શ થતાં સહેજ હળવી બની. વૃક્ષોની ઉત્તુંગતાને આંખમાં ભરી લેવા ઊંચું જોઈ જોઈ ચાલતા મને ક્યારેક મોર્નિંગ વૉક માટે નીકળેલા લોકો સાથે અથડાઈ જવાની બીક લાગતી હતી. એ લોકો મારી બાજુમાંથી એઈને પોતાની મસ્તીમાં રમરમાટી બોલાવતા નીકળી જતા અને હું આશ્ચર્યમુગ્ધ ભાવે એમની અંગભંગિમાઓને જોઈ રહેતો. કોઈ ખભાની સમાંતર હાથ હલાવીને ચાલે છે તો કોઈ સૈનિક જેમ પગને કેળવવાની કોશિશમાં પડ્યું છે. કોઈ ક્રિકેટના મેદાનમાં ઊતરેલા સચિન જેમ ઉલાળા મારે છે તો કોઈ વડીલ વળી ધીર નાયકની અદાથી ગંભીર ભાવો ધારણ કરીને ટહુકાઓ જેવી ક્ષુલ્લક ચેષ્ટાઓને નજરઅંદાજ કરી સ્વસ્થ જીવન પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રહ્યા છે!
પ્રકૃતિ અને મનુષ્યની લીલા નિહાળતાં નિહાળતાં ક્યારે કૅન્ટીન પહોંચી જવાયું તેની ખબર ન રહી. અશ્વિનભાઈ અને બીજા થોડા વિદ્યાર્થીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. લીમડા, ચીકુ અને ગુંદાનાં ઘટાદાર વૃક્ષો વચ્ચે કૅન્ટીન હતી. ખિસકોલીઓની દોડાદોડી જોઈને કવિ ત્રિભુવન વ્યાસના બાળગીત –
તું અહિયાં રમવા આવ, મઝાની ખિસકોલી!
તું દોડ તને દઉં દાવ, મઝાની ખિસકોલી!
– ની ધૂન મારા પર સવાર થઈ ગઈ. બધું ભૂલીને જોર જોરથી બાળગીત લલકારવા માંડચું. ત્યાં તો આવો બેસૂરો અવાજ સાંભળીને ખિજાયેલી ખિસકોલીએ મારા માથા ૫૨ ટપ્પ દઈને ગુંદાનો ઠળિયો ફેંક્યો અને કહ્યું કે ચલ બંધ કર તારું વાજું ને અમારી જેમ પહેલાં ચૂપચાપ નાસ્તો કરી લે. કિર્ કિર્ કરીને પોપટના ટોળાંએ પણ એ જ આદેશ દોહરાવ્યો. મેં પણ કોઈ આનાકાની વગર આદેશને માથે ચડાવી બટાકા પૌવાને ન્યાય આપ્યો ને ઉપર ગરમાગરમ બે ચા ઠપકારી.
અહીંથી સીધા જ ઉપાસનાખંડની બાજુમાં આવેલ બિલ્ડિંગના બેઝમેન્ટમાં આવેલ હૉલમાં પહોંચવાનું છે. ત્યાં સર્વોદયના મિત્રો આનંદભાઈ, લખનભાઈ અને સ્વાતિબેન કાશ્મીર વિશે વિસ્તૃત ચર્ચા કરવાનાં છે.
અમે પહોંચ્યા ત્યાં સુધીમાં ઘણા મિત્રોએ પોતાનું સ્થાન લઈ લીધું હતું. એકમેકનો પરિચય આ બેઠકમાં મળવાનો હતો. પરિચયવિધિ પછી કાશ્મીર વિશેના પ્રશ્નોની યાદી બનાવવી શરૂ કરી. પહેલાં તો થયું કે આપણી પાસે શું પ્રશ્નો હોય? કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે ને પાકિસ્તાન સાથે આપણો એ બાબતમાં આઝાદીના કાળથી ઝઘડો ચાલ્યો આવે છે. આતંકવાદે માઝા મૂકી છે અને સમગ્ર ઝઘડાનુંળ 370ની કલમ છે – વગેરે જેવા જૂના ને જાણીતા અને એ કારણે ઉપરછલ્લા પ્રશ્નો આપણી પાસે હોય. અને બહુ જુસ્સો ચડે તો પેલો પાકિસ્તાન સંદર્ભે બોલાતો નારો હોય – દોસ્તી માંગોગે તો ખીર દેંગે, કાશ્મીર માંગોગે તો ચીર દેંગે! પણ અહીં તો દરેક મિત્ર પાસે જુદા જુદા પ્રશ્નો હતા. યાદી બનાવી તો ખૂબ લાંબી થઈ. પ્રશ્નો કંઈક આવા હતા (1) 370ની કલમ શું છે? (2) કાશ્મીર અલગ કેમ થવા માગે છે? (3) શેખ અબ્દુલ્લાએ અપનાવેલી પંડિત વિરોધી નીતિ બાબતે વાસ્તવિકતા શું છે? (4) 1989થી આતંકવાદનો ભય ઊભો થવાનું કારણ શું? (5) યુવા પેઢી આતંકવાદ તરફ વળવાનું કારણ શું?(6)મિલીટરી અને સશસ્ત્ર બળ વિશેષાધિકાર કાનૂન દ્વારા કેવા પ્રશ્નોનું નિર્માણ થયું છે? (7) નહેરુ અને કાશ્મીર (8) કાશ્મીરની આજની પરિસ્થિતિ અને સામાજિક પ્રશ્નો તથા કાશ્મીરના ઇતિહાસ વિશેના અનેક પ્રશ્નો આમાં સામેલ હતા. આ ચર્ચામાં જહાંગીરની પેલી બે પ્રખ્યાત પંક્તિઓ –
‘અગર ફિરદોસ બર-રૂએ જમીં અસ્ત,
હમીં અસ્તો હમીં અસ્તો હમીં અસ્તો.’
– ક્યાં ભુલાઈ ગઈ તે ખબર જ ન રહી! અને આવા ગંભીર પ્રશ્નોની ભરમાર વચ્ચે કોમળ ભાવો ટકી શકે પણ કઈ રીતે? અને અમે માત્ર પ્રવાસી તરીકે નહીં પણ ઉપરોક્ત પ્રશ્નોને સમજવા અને બની શકે તો એ ઉકેલવાની દિશામાં નાગરિક સમાજ વતી મૈત્રીનો સેતુ બાંધવાના ભાગ રૂપે જવાના હતા. સર્વોદય અને peoples coalition of civil society JK CCSના સંયુક્ત ઉપક્રમે ગોઠવાયેલ આ શિબિરમાં ભાગ લેવાનો મુખ્ય હેતુ જ આ હતો. માનવ અધિકાર માટે કામ કરતા JK CCSના મિત્રોએ આ સુંદર કાર્યનું આયોજન ગોઠવ્યું હતુંઃ જેથી કાશ્મીરના અંતિરયાળ ગામડાઓમાં પણ જઈને એની મુશ્કેલીઓ સમજવાનું શક્ય બન્યું હતું.
સંઘર્ષ – હિંસા – આર્મી : આતંકનો ચક્રીય સંબંધ આખીયે કાશ્મીર ઘાટીમાં જોવા મળે છે. આ બધી ચર્ચા દરમિયાન એક વાક્ય વારંવાર ઉચ્ચારવામાં આવતું કે આપણે માનીએ છીએ કે કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે પણ તે ખરેખર એવું છે ખરું? આ વાત મને સતત ખટકતી હતી કે આ સર્વોદય મિત્રો આવું વારંવાર કેમ બોલે છે? આવું પૂછી પૂછીને અને એના સમર્થનમાં મુદ્દાઓ ટાંકી ટાંકીને અમને ક્યાં દોરી જવા માગે છે? મેં વચ્ચે વચ્ચે આ બાબતે મને મૂંઝવતા પ્રશ્નોનો મારો ચાલુ કર્યો તો મને કહેવામાં આવ્યું કે તમે કાશ્મીર પહોંચશો એટલે બધું સમજાય જશે. વળી આ મિત્રો પોતાના હક (આઝાદ કાશ્મીર) માટે લડતા અલગાવવાદીઓ અને અન્ય સ્થળોએ ચાલતાં આ પ્રકારના હિંસક આંદોલનો તથા માઓવાદીઓ સુદ્ધાંની હિંસાને યોગ્ય જણાવી મિલિટરી ફોર્સને ત્રાસવાદીના કઠેડામાં ઊભી કરવાની કોશિશમાં પડ્યા હોય એવી છાપ પ્રથમ દૃષ્ટિએ મારા પર પડી. વસુધૈવ કુટુમ્બકમ્ તથા વિશ્વ એકનીડમ્ માં શ્રદ્ધા રાખનાર કોઈપણ પ્રકારની હિંસાને – પછી તે મિલિટરીની હોય કે હક માટે લડતા ચળવળકારીઓની હોય – વાજબી ઠરાવે એ વાત મને આઘાત આપનારી હતી. વળી આશ્ચર્ય એ વાતનું હતું કે અમે ગાંધીજી સ્થાપિત વિદ્યાપીઠમાં બેસીને આ ચર્ચા કરી રહ્યા હતા! કદાચ બાપુના વૈચારિક સ્વતંત્રતાના સિદ્ધાંતનું આ રીતે સન્માન પણ હોય!
આ રીતે વાદ-સંવાદ ભરી પ્રથમ બેઠક પૂરી થઈ ત્યારે કાશ્મીરની ડામાડોળ પરિસ્થિતિ જેવી દશા મારા મનની પણ થઈ ગઈ હતી. પછી તો કવિ મિત્ર અનિલ ચાવડા સાથે તેની ગઝલો સાંભળતાં સાંભળતાં બપોરને થોડી ઓગાળી. મન થોડું હળવું થયું. ‘કોઈ નયન જુએ છે, કોઈ જગત જુએ છે. – જેવો કોઈ મત્લાનો શેઅર યાદ રહી ગયો છે તે વારંવાર જીભે ચડી આવે છે. અનિલ પછી મિત્ર ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ મળ્યો. વિદ્યાપીઠની બહાર ગેટ આગળ અડધી અડધી કટિંગ ચા ઠપકારી. ‘વૃક્ષ નથી વૈરાગી…’ ગીત સંભળાવી, એ જ નામનો સંગ્રહ કવિએ મને ભેટ કર્યો. હવે આખા પ્રવાસમાં કવિ મારી સાથે રહેશે! હજી બપોર પછીની બેઠકમાં સામેલ થવાનું છે. કવિઓથી છૂટો પડી ફરી પાછો કાશ્મીરના પ્રશ્નોમાં પરોવાયો.
બપોરની બેઠકમાં એક પ્રેઝન્ટેશન ગોઠવાયું હતું. જેમાં દુનિયાના ચેચેન્યા, પેલેસ્ટાઇન જેવા પ્રદેશો અને કાશ્મીર તથા ભારતનાં બીજાં રાજ્યોમાં અલગતાની ચળવળો શા માટે થઈ રહી છે તે વિશેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. વળી એક NDTVની ક્લિપ બતાવવામાં આવી જેમાં કાશ્મીરની સ્થાનિક મુસ્લિમ પ્રજા કાશ્મીર પંડિતોને તેની પડાવી લીધેલી જમીન પાછી અપાવવા માટે કઈ રીતે મદદે આવે છે? સમગ્રતાથી જોઈએ તો મુખ્ય સૂર ગરીબો, આદિવાસીઓ અને અલગતાવાદીઓ હિંસાના માર્ગે શા માટે ચડે છે અને તેના નિવારણમાં સરકાર તથા નાગરિક સમાજની ભૂમિકા શું હોઈ શકે તે બાબતનો હતો. સમગ્ર ચર્ચા રસપ્રદ હતી. બપોર પછી મારા ભાગે માત્ર સાંભળવાનું જ આવ્યું હતું. સર્વોદય મિત્રોએ મને એકલાને કાર્યાલયમાં બોલાવીને વચ્ચે પ્રશ્નો પૂછવાની મનાઈ ફરમાવી હતી. કદાચ એ સૌના મતે હું જરા દોઢ ડાહ્યો હતો. ફરી સાંજ પડી, ફરી ગરમાગરમ ચા સાથે વાળું કર્યું અને ફરી તડકાની વચ્ચે ગરમાળો થઈને કાશ્મીરનું સમણું જોતાં જોતાં સહયોગ હૉસ્ટેલમાં રાત ગુજારો કર્યો.
– જયંત ડાંગોદરા
★★★
Waaaaahhh… Sirji 👌
Excellent naration 👌👌👌👍👍
Frm… Kishor Soni
Bhuj
Wah khub j saras
જયંતભાઈ ખુબ સરસ.
જાણે સાચે સાચ આપણે સાથે છીએ તેવું લાગ્યું.
આપની કલમનો જાદુ અવિરતપણે વહેતો રહે તેવી શુભેચ્છા.🙏
ખૂબ સરસ.
અભિનંદન 🌹
મસ્ત ભાઈ