1. ટિકિટ આવી ગઈ છે
ગીરની ગોદમાં વસેલા મારા નાનકડા ગામની પ્રાથમિક શાળાના વર્ગખંડમાં જૂનાગઢ, ગુજરાત અને ભારતનો એક એક નકશો; મારી નાનકડી આંખમાં ઝળૂંબતાં સમણાંની જેમ દીવાલ પર ટીંગાડી રાખવામાં આવેલો. જૂનાગઢના નકશામાં મારું ખોબા જેવું ગામ અને પેન્સિલથી દોરેલી લીટી જેવી નદીને શોધવાની મથામણ હું રોજ કર્યા કરતો, પરંતુ નજર સામે જે હતું એ નકશામાં જોઈ શકાતું ન હતું અને નકશામાં હોય એ બધું જોવા માટે તો ભવ આખો ટૂંકો પડે તેવી સમજ પણ હજી વિકસી ન હતી! પરંતુ આ નકશા જોતાં જોતાં જે સ્થળોનાં નામનો પરિચય થયો તેનો ઉપયોગ અમે બચપણમાં રમાતી બસ-બસની રમતમાં કર્યો હતો. લાંબી બે-પાંચ સૂતળીઓ કે લીરાઓના બેઉં છેડે ગાંઠ મારી, વચ્ચે નાના નાના લાકડાના દંડિકાઓ ગોઠવી; આગળના છેડા પર હું ડ્રાઈવર તરીકે ગોઠવાતો અને પાછળના છેડે ભાઈબંધ કન્ડક્ટર બનતો. બસ હંમેશા ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની જ રહેતી અને રૂટ હંમેશા નેશનલ – ઇન્ટરનેશનલ જ રહેતા! મારા ગળામાં રૂટ બતાવતાં જે પાટિયાં લટકતાં રહેતાં એમાં ઉના – અમદાવાદ, ઉના – પંજાબ, ઉના – અફઘાનિસ્તાન, ઉના – જમ્મુ ઍન્ડ કાશ્મીર જેવા અનેક રૂટ્સનો સમાવેશ થતો. મતલબ કે જે પણ નવું ગામ નકશામાંથી જડે એનો રૂટ બનાવી; ગામ ફરતું એક ચક્કર લગાવી આવવાનું!
ત્યારે તો ખબર ન હતી કે આ જમ્મુ-કાશ્મીરના રૂટ પર જવા માટે અચાનક કોઈનું તેડું આવશે. મારી આર્થિક સગવડતાઓ પણ લીરાની બસ જેવી જ હતી. માંડ માંડ અઢી હજાર રૂપિયા શિક્ષકની નોકરીમાં મળતા હતા. સાથે સાથે નંદીગ્રામ શૈક્ષણિક સંકુલની કામગીરીથી ગાડું ગબડતું હતું. એ વખતે કોઈ સ્થિર પાણીમાં કાંકરી મારતા હોય એ રીતે મારા મિત્ર અને કેળવણીકાર એવા પ્રભુદાસ ત્રાસડિયાએ દોઢ-બે મહિના અગાઉ પૂછ્યું હતુંઃ વૅકેશનમાં કાશ્મીર જાવું છે ને? મેં પણ નકશામાંથી નવું નામ જડ્યું છે એવું માનીને ગામ ફરતે ચક્કર લગાવવાના સ્વભાવ પ્રમાણે આગળ પાછળનું કંઈ જ વિચાર્યા વગર હા ભણી દીધેલી. અને પાયાનો પ્રશ્ન પછી કરેલો – ખર્ચ કેટલો થશે? આ પ્રશ્નમાં જે ગૂઢાર્થ હતો તેને ખૂબ ઊંડાણપૂર્વક સમજી ગયેલા પ્રભુદાસે એના જન્મજાત સ્વભાવ મુજબ કહ્યું કે ‘જોયું જશે, થઈ રહેશે.’ અને પછી તો આખી વાત જ ભુલાઈ ગયેલી.
એપ્રિલના આગ ઝરતા દિવસોમાં વાર્ષિક પરીક્ષાની કામગીરી, સરકારી કચેરીઓમાં વસતિગણતરીની મિટિંગોનો ધમધમાટ અને અમે એ દિવસોમાં ચલાવતા હતા એ ‘બ્રહ્મનાદ’ સામયિકની મોડી પડેલી માર્ચ-એપ્રિલની આવૃત્તિને ઝડપભેર પોસ્ટ કરવાની કામગીરીના ત્રિવેણી સંગમમાં હું ગળા લગ ડૂબી ગયેલો. એમાં વચ્ચે એક દિવસ મિત્ર હિમાંશુ પ્રેમનું મનાલીના સમર કૅમ્પ માટેનું પ્રેમભર્યું આમંત્રણ પણ આવી પડ્યું. અને એના બીજા જ દિવસે ભુલાઈ ગયેલું ભૂત ફરી ધૂણી ઊઠ્યું. પ્રભુદાસે કાનમાં ચમકારો કરતા હોય એવી અદાથી ફોનમાં કહ્યું કે ‘કાશ્મીરની ટિકિટ આવી ગઈ છે. પ્રવાસનું ટાઈમ ટેબલ મારી ઑફિસમાંથી મેળવી લેશો, તારીખ 21 મે, 2010થી…’
કુદરતી આફત આવે ત્યારે તંત્ર સફાળુ જાગી ઊઠે એવી પરિસ્થિતિમાં હું મુકાયો. પ્રવાસ ગોઠવતી વખતે લોકો જે પ્રકારે આયોજન કરે એનો અહીં મૂળમાંથી જ છેદ ઊડી ગયેલો. કોણ કોણ સાથે આવવાનું છે એની સુદ્ધાં ખબર ન હતી! અને હવે સીધું જ તૈયારીમાં લાગી જવાનું હતું ને માથા પર કામનો કોઈ પાર ન હતો! વસતી ગણતરીની કામગીરી પૂર્ણ કરવી ફરજિયાત હતી. તો ‘બ્રહ્મનાદ’ પોસ્ટ કર્યા વગર નીકળી જવું પણ બરાબર ન હતું. વળી વૅકેશનમાં વતન ગીરનો સાદ સંભળાવા લાગતો ને પરિવારને ભદ્રાવડી-બોટાદથી અંબાડા-ઉના પહોંચાડી, થોડાં વ્યવહારિક કામ પણ આટોપવાનાં હતાં. આ બધાંની વચ્ચે કાશ્મીરની ચિઠ્ઠી ફાટી હતી એટલે ચિંતા થાય તે સ્વાભાવિક હતું.
પરંતુ પૂર પોતાનો માર્ગ આપોઆપ કરી લે તેમ મારાં કામોએ પણ પછી તો એક પછી એક માર્ગ કરવા માંડ્યો. મારા સહકર્મચારી શાંતિભાઈ વાળાએ વસતિગણતરીનું કામ પોતાના શિરે ઉઠાવી મને એ જવાબદારીમાંથી મુક્ત કર્યો. ઘણા સાથી મિત્રોનું કહેવું હતું કે આટલું મોટું મહેનતાણું આપતું કામ કોઈ બીજાને પધરાવીને તમે કાશ્મીર જાવાનાં પેંતરાં કરો છો એ જામતું નથી, પણ શાંતિભાઈને કામ સોંપ્યા પછી મને લાગ્યું કે હં… હવે બરાબર જામે છે. પણ હજી ‘બ્રહ્મનાદ’ પીછો મૂકતું ન હતું. કવર, ટપાલ ટિકિટ્સ ને સામયિક ચારે બાજુ પાથરીને વચ્ચે હું બેઠો; માથું નહીં પણ કલમ પકડીને. ત્યાં ભગવાને દૂત મોકલ્યો હોય એમ મારો વિદ્યાર્થી રમેશ સુમણિયા આવ્યો. આવ્યો હતો જી.પી.એસ.સી. દ્વારા લેવાનાર પરીક્ષા અંગેની માહિતી લેવા, પણ મેં વળગાડ્યો ‘બ્રહ્મનાદ’નાં રેપર વીંટવા! વગર પૂછ્યે મેં ગુરુદક્ષિણા માગી લીધી અને રમેશે એ હોંશપૂર્વક સ્વીકારી પણ ખરી. હું ભદ્રાવડીના કામથી મુક્ત થયો અને બીજા દિવસે વતન અંબાડાનાં કાર્યો પતાવવા નીકળી પડ્યો. ભદ્રાવડી અને અંબાડા વચ્ચે પણ અંતર કાંઈ ઓછું ન હતું. ખાસ્સું સવા બસો કિલોમીટર!
કૌટુંબિક કાર્યો આટોપી ફરી પાછું બોટાદ આવવાનું હતું. પ્રિય કવિતા સિવાય કોઈને મારા આ આયોજનની ખબર ન હતી. આમ જુઓ તો મને પણ કાશ્મીરના આતંકગ્રસ્ત વિસ્તારમાં ઘૂમવાનો છું એની ખબર ન હતી! તો પછી સગા સંબંધી અને અન્યની તો વાત જ ક્યાં રહી?
ઘરેથી નીકળ્યો ત્યારે દીકરી હિમાની હાજર ન હતી. કવિતા અને નાનકડી શ્લોકાને વચ્ચેના એક ગામડે ઉતારી દેવાનાં હતાં. હું એકલરામ થઈને ક્યાંક ભાગી ન જતો હોઉં એવો ભાવ કવિતાના ચહેરા પર હતો. ગામના ગોંદરે રાણાતાનો વડલો વટાવ્યો ત્યારે ખબર ન હતી કે હું કોઈ મોટું સાહસ કરી રહ્યો છું. કાશ્મીરનો પ્રવાસ તો અનેક લોકો કરે છે એમાં વળી હું કોણ નવો?
એક – બે મિત્રોને મેં મજાક કરતાં કહ્યું કે આપણા ગામનો હું પહેલો માણસ છું કે જે કાશ્મીરના પ્રવાસ માટે ભાગ્યશાળી થયો છે તો જેમ દ્વારિકાધીશની જાતરાએ લોકો જાય ત્યારે સાજન-માજન સાથે ગામ આખું વળાવવા જાય તેમ આખું ગામ આવે નહીં તો કંઈ નહીં પણ તમે બે તો વળાવવા આવો! આ સાંભળી લલિત અને કરસને ખિખયાટા કર્યા. કરસન કહે – એક બાજુ હું કેડ્યે તબલાં બાંધી લઉં ને લાલો મંજીરાં વગાડે તો થાય. બાકી ગામથી તો તારું રામ ભજો છે. અને ઉપરથી દૂધમાં મેળવણ ઉમેરેતા હોય એમ બંને એ કહ્યું કે તું કાંઈ જાતરાએ થોડો જાય છે – રખડવા જાય છે રખડવા. નવરો… ફૂલ નવરો… નવરોધૂપ. એટલે તબલાં અને વાજિંત્રોનું માન તને ન હોય. અનુજ – નિમેશ બંને મિત્રોના સૂરમાં સૂર પુરાવતાં બોલ્યો કે તમારે તો બસ નીકળી પડવાનું હોય. અને યાદ આવી ગઈ નિરંજન ભગતની કાવ્ય પંક્તિઓ :
‘હું તો બસ ફરવા આવ્યો છું.
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું”
ને કાળઝાળ ગરમીમાં હું નીકળી પડ્યો મહાદેવભાઈ દેસાઈ અનુવાદિત રવીન્દ્રનાથનું ગીત ગણગણતોઃ
‘એકલો જાને, એકલો જાને, એકલો જાને રે!
તારી જો હાક સુણી કોઈ ના આવે, તો એકલો જાને રે!’
સાડા પાંચ વાગ્યે બોટાદ પહોંચ્યો. સામાન હજી બાંધવાનો બાકી હતો. યુદ્ધ તો જાહેર થઈ ગયું હતું. પણ તૈયારીના નામે હજી મોટું મીંડું હતું. ને ઉપરથી ભદ્રાવડીના ઘરમાં હવે હું એકલો જ હતો. સાંજ પડવા આવી હતી. રસોઈનું કાંઈ ઠેકાણું ન હતું ને લઈ જવાની સામગ્રી મારી આસપાસ ઘેલીને સુવાવડ આવી હોય એમ પથરાયેલી પડી હતી. ત્યાં રામભાઈએ જમવા બોલાવ્યો. મનમાં ટાઢક વળી કે હાશ એક કામ તો આડેથી ગયું! ખાધા પછી કામ ઝડપથી ઉકલ્યું. રોજબરોજની ઉપયોગી વસ્તુઓ સંભારી સંભારીને એક બૅગમાં ભરી. ખપ પૂરતા કપડાં ને સૌથી વધુ મહત્ત્વની વસ્તુ એવી ડાયરી તથા પ્રવાસે જતી વખતે જેમ બને છે તેમ રહી રહીને યાદ આવતી તમામ નાની મોટી વસ્તુઓ ભરીને મારી જાતને હાલતું ચાલતું ઘર બની જવાને તૈયાર કરી દીધી.
હવે સવારની રાહ જોવા સિવાય કોઈ કામ બાકી ન હતું. ભદ્રાવડીના ચૉકમાં રામદેવપીરનું આખ્યાન રમાઈ રહ્યું હતું એટલે નીંદરનો થોડો ભાગ એને ફાળવ્યો. થોડોક દલસુખના ગલ્લે મિત્રો સાથે ગપાટા મારવામાં ને બાકીનો નંદીગ્રામ સંકુલના મેદાનમાં ખાટલો ઢાળીને ઊંઘની રાહ જોવામાં ગાળ્યો. ખાટલામાં આડા પડીને થોડીવાર આકાશના તારલાઓ ગણી જોયા. એક… બે… ત્રણ… ચાર…. એ કામ પાર પડે એવું ન જણાતાં નક્ષત્રો ગણ્યાં. ઉત્તરમાં સપ્તર્ષિના ક્રતુ અને પુલહ તારાને જોડતી રેખા લંબાવી ધ્રુવ શોધી કાઢ્યો. તેની બાજુમાં રીંછ મંડળ, દક્ષિણમાં દાતરડા આકારનું સિંહ મંડળ ને એમાં નીલશ્વેત રંગનો ચળકતો રેગ્યુલસ, પૂર્વ તરફ જતાં ભૂતેશ મંડળનો નારંગી રંગનો સ્વાતિ, કન્યા મંડળનો નીલા રંગનો ચિત્રા, માથા ઉપર મૃગ મંડળ અને તેનો ચમકતો બાણરજ તથા શિકારી વ્યાધ.
કાશ્મીર જાણે મારા મનમંડળ ૫૨ છવાઈ ગયું હતું. ખુલ્લી આંખે સપનાઓ ઊમટી પડ્યાં હતાં. એ જ વખતે સપનાની અવધિ વધારતો મોબાઈલ રણક્યો. હા, અટકાવતો નહીં. વધારતો જ. કારણ કે સવારે વહેલા નીકળવાની વાત આવતી કાલે સાંજના પાંચ વાગ્યે નીકળવા સુધી લંબાઈ હતી. વળી કાશ્મીરની પરિસ્થિતિથી અવગત થવા માટે એક દિવસ હજી અમદાવાદ ખાતે ગૂજરાત વિદ્યાપીઠમાં ગાળવાનો હતો. વળી સહ પ્રવાસીઓની ખરી ઓળખ પણ ત્યાં જ થવાની હતી. હું તો હજી ટિકિટ આવી ગઈ છે એ બ્રહ્મવાક્યને જ વાગોળતો કલ્પનાના પ્રદેશમાં આંટો મારી રહ્યો છું. સમયના રસ્તા ૫૨ ઊભો રહી આવતી કાલના પાંચ વાગવાની રાહ જોઈ રહ્યો છું. ■
– જયંત ડાંગોદરા
(ક્રમશઃ)
‘કુમાર’ ૧૧૨૭: જાન્યુઆરી ૨૦૨૨
સત્ય સાથે સીખામણ
સુપર સે ઊપર
વાહ …Waiting for Kashmir tour…
કાશ્મીરની સાથોસાથ લેખકના મનોજગતનો પ્રવાસ પણ રમણીય રહ્યો.
વાહ ખૂબ સરસ
રાહમાં ……
વાહ ખૂબ સરસ