કાચું કુંવારું એટલે એના મૂળભૂત અર્થમાં ડર લાગે એવું, ભયાવહ અને કંપી ઊઠાય એવું. આવું અંધારું હવે તો દીવો લઈને ખોળવા જાવ તોય ન જડે. સોરી… સોરી… વળી પાછો દીવો વચ્ચે આવી ગયો. જોકે દીવા તળે અંધારું એવી કહેવત તો છે જ, એટલે આપણે આ દીવો માથા પર મૂકીને ચાલીશું. એટલે બંને અર્થમાં આપણે સત્યના યુધિષ્ઠિરને સાચવી શકીશું. દીવો કે ફાનસ આજે તો નિયોન લાઈટથી ઝગઝગારા મારતી આપણી આંખોનેે અંધારાના પર્યાય સમા જ લાગવાના, પણ ગામડામાં એનું અજવાળું કે અંધારું હજી પ્રાગૈતિહાસિક કાળ જેટલાં જ પરિચિત છે અને અમારી.ઇચ્છા પણ એવાં ટમટમિયાંના ચશ્મા ચડાવીને અંધારું જોવાની હતી.
પ્રથમ તો થોડા મિત્રો સાથે આવું અંધારું ક્યાં ક્યાં જોવા મળે તેની મસલતો ચલાવી. જાણે કોઈ મહાઅભિયાનનો આગેવાન હોઉં એવી અદાથી જીણામાં જીણી વિગતો એકઠી કરવા માંડી, પણ એ બધાને અંતે તો એક જ વાત ઠોસ પૂરવાર થઈ કે આવું અંધારું મધગર્ય (મધ્યગીર)માં હોય. બાકી સીમ, ખેતર, વાડી, કોતર, ઝાંખર કે નિહાર-ફિહારનાં અંધારાં તો ઠીક બધાં ! અમારી પહોંચ પણ મધગર્યનાં અંધારાં સુધીની જ. સહરાનું, વર્ષાવનોનું કે એવાં તેવાં બીજા અંધારાં જોવા જતાં તો અમારી આંખે જ અંધારાં આવી જાય ! એટલે અમારા માટે તો મધગર્યની વાત જ બંધ-બેસતી થઈ.
પછી બે-ત્રણ મિત્રોને સીધેસીધું પૂછી જોયું કે ‘ગર્યમાં રાત્ય રોકાવા આવવું છે ?’ ને મારા આંટા અવળા થઈ ગયા હોય એવી નજરથી મારી સામે – મારા હાથ, પગ, મોઢું, આંખો અને કપડાં સુદ્ધાં પર – જોયું. એક મિત્રએ તો જવાબ આપવાને બદલે મને જ સામો પ્રશ્ન કર્યો – ‘કેટલા ભાયુ ?’ મેં કહ્યું કે, ‘ભાઈ, ‘રાત્ય’ રોકાવા જવાનું પૂછ્યું એમાં આ ભાયુનુંશું છે ? ને તને ખબર નથી કે અમે ત્રણ ભાઈઓ છીએ ?’ ને મિત્રએ પ્રત્યુત્તર પાઠવ્યો કે ‘હા, હા. ખબર છે ત્રણ ભાયુ છો તે, ઘણા કેવાય. તો જા તું હો, હું નહીં આવું, હું તો મારા બાપાને એકનો એક જ છું, સમજયો ?’ મેં એમને સમજાવી જોયો કે રાત રોકાયને, અંધારું માણીને સવારે પાછા આવી જવાનું છે એમાં બે-ત્રણ ભાઈઓ હોય તોય શું અને એક ભાઈ હોય તોય શું ? કેમ બીજો ભાઈ ન હોય તો અંધારું જોવા ન મળે ?’ મારા મનમાં તો હજી અંધારું જ હતું. અંધારું એવું તો ઘર કરી ગયેલું કે પેલા મિત્રની અવળવાણી હું સમજી જ નહોતો શક્યો. પણ જ્યારે એણે ફોડ પાડીને વાત કરી કે ‘ત્યાં શું માત્ર અંધારું જ હોય ? તો તો હું જરૂર આવું. અંધારાથી બીઉં એવો હું કાયર નથી, પણ ત્યાં તારા કાકા પેલા સાવજનાં ટોળાં રહે છે એનું શું ?’ ને એનાં એટલા શબ્દો સાંભળતાં જ મારું અંધારું ભડકો થઈને બળી ગયું ! સામે સાવજ ન્હોતો તોય પગ જરા ધ્રૂજી ગયા. પણ અંધારું સાવજના મોઢેથી ત્રાડતું હોય, ડણકુ દેતું હોય અને અંધારામાં ભયનો મોટો સાવજ ઉમેરાય એ વાત જ પેલી કાચા કુંવારા અંધારાની પરિકલ્પનાને ઉત્તેજના પૂરી પાડે એવી હતી. પ્રાથમિક શાળામાં મેઘાણીની પેલી ‘ચારણ કન્યા’ કવિતા ભણેલો તે યાદ આવી ગઈ.
વનરાવનનો રાજા ગરજે
ગિરકાંઠાનો કેસરી ગરજે
…….
થર થર કાંપે
વાડામાં વાછરડાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે.
આ કાવ્યનો ખરો આસ્વાદ, આસ્વાદ કહેવા કરતાં ખરો સાક્ષાત્કાર ગીરમાં જ થયેલો.
ગીરના પરિવેશથી હું કાંઈ અજાણ તો ન્હોતો જ, પણ ‘ગર્યમાં રાત્ય’નું નામ પડતાં જ ભાઈબંધો ડોળા ફાડી ફાડીને જોશે એનો તો ખ્યાલ ન જ હતો. તોય સાથીદારો શોધવાનું કામ તો ચાલુ જ રાખ્યું, પણ હવે ‘ગર્યમાં રાત્ય રોકાવા આવવું છે ?’ એવો સીધેસીધો પ્રશ્ન ન્હોતો પૂછતો. સામા માણસના પૌરુષને પડકાર ફેંકે એવો એક સવાલ શોધી કાઢ્યો મેં. કોઈ છાતીકઢો મિત્ર સામો મળે એટલે હું કોઈ જ જાતના પૂર્વાપર સંદર્ભ વગરનો, જેનો જવાબ આપવો જ પડે એવો વૈકલ્પિક પ્રશ્ન પૂછી લેતો – ‘સિંહ કે શિયાળ ?’ મિત્ર મારા પ્રશ્નનો ભાવાર્થ સમજીને પ્રત્યુત્તર આપતો કે – ‘સિંહ’. એટલે ગરમ થયેલા લોઢાને લુહાર મનગમતો ઘાટ આપવા હથોડો ફટકારે એમ હું ય બીજો પ્રશ્નહથોડો ફટકારી લેતો. – ‘તો પછી આવવું છે ને ‘ગર્યમાં રાત્ય રોકાવા ?’ને મારો ઘા પાધરો પડતો.
આમ કરતાં કરતાં અમે પાંચ મિત્રો તૈયાર થયા. હવે અમે સિંહ હતા. ઘણા મિત્રોએ અગાઉથી કહી દીધેલું કે ‘શિયાળ’ એટલે એ રીતે અમે એનાથી જુદા પડતા હતા. વળી અમારો કાફલો હવે પાંચનો થઈ ગયો છે એટલે સાથે જવામાં હરકત નથી એમ માનીને ગર્યમાં આવવાની તૈયારી દર્શાવે તો અમે વળતો ઘા કરી લેતા – ‘કેટલા ભાયુ ?’
‘સિંહોનાં ટોળાં ન હોય’ એ કહેતી અનુસાર હવે અમે પૂરતા છીએ એવું માની તિમિરારોહણ-ની તૈયારી આરંભી. પાંચ જણ હોવા છતાં અમે અમને ટોળું માનતા ન હતા.પાંચ પાડવોનો ભાવ આવી ગયો હતો અમારામાં. તૈયારીમાં તો ખાસ કશું કરવાનું ન હતું. પણ મહારાજા સિંહ સામે આવી જાય તો કેવી રીતે મુકાબલો કરવો એની જ વ્યૂહરચના વિચારવાની હતી. અંધારા કરતાં અંધારાના આવા અવયવોનો ભય વધારે હતો.
એક બુંગણ લીધો. જેના પર અમે આરામથી ગીરની ઘનધોર રાત્રી પસાર કરવાના હતા. ઓઢવા માટેની ચાદરો અને એક જ રાત પસાર કરવાની હોવા છતાં બે જોડી કપડાં! સિંહ સામેના યુદ્ધમાં ક્યારેક ઢાલની જેમ બદલાવી શકાય ! દરેક પાસે એક એક મશાલ. અમારા ગામડામાં એના માટે મજાનો શબ્દ છે ‘કાંકડો’. કાંકડો બનાવવા માટે નાનો હાથએકનો લાકડાનો દંડિકો, થોડા ગાભા અને તેલની જરૂર પડે. દંડિકાના એક છેડે ગાભા વીંટાળીને બાંધી દેવાના અને ઉ૫૨ તેલનું સિંચન કરો એટલે કાંકડો તૈયાર. સિંહથી રક્ષણ કરવાનું આધુનિક કહો તો આધુનિક અને આદિમ કહો તો આદિમ, આ એક જ શસ્ત્ર અમારી પાસે હતું. આ ઉપરાંત બે-ત્રણ હાથબત્તી, થોડી દીવાસળાની પેટીઓ, એક રેડીયો, ગંજીફાના પાના, પાણીની બોટલો, ચા બનાવવા માટેની સામગ્રી, થોડો નાસ્તો – જે તૈયાર જ લેવો પડે એમ હતો. કારણ કે ઘરે બનાવવાનું કહ્યું હોત તો સમગ્ર અભિયાન ફોક થવાની સંભાવના વધારે હતી, ઉપરાંત જંગલમાં ગરમાગરમ ભજીયાં બનાવવા માટે જરૂરી પદાર્થો. અમારા અભિયાન માટે બસ આટલી બાહ્ય તૈયારીઓ પૂરતી હતી. આંતરિક અને આત્મિક તૈયારીમાં અમારી પાસે બજરંગબલીનું એક નામ માત્ર હતું !
વાઘબારસનો દિવસ હતો. દિવાળી આડે ગણ્યા ગાઠ્યા જ દિવસો બાકી હતા. અને અમે નીકળી પડ્યા આગળ-પાછળનું કંઈ જ વિચાર્યા વગર. પાંચમાંથી એકાદ પણ ઓછો થાય તો આખા ગામની દિવાળી બગડશે એવી દહેશત થોડા મિત્રોને સતત રહ્યા કરતી. અમને ચળાવવા માટે ભૂતકાળમાં સિંહ દ્વારા બની ગયેલી ભયાવહ ઘટનાઓનું ચિત્ર પણ ભાતભાતના ભડકીલા રંગો પૂરીને અમારી સમક્ષ દોરવામાં આવતું, પણ અમારા ઉત્સાહને – નર્મદના શબ્દોમાં કહીએ તો જોસ્સાને – અટકાવી શકવા માટે ब्रह्मणोपि न समर्थः ।
ગામના પાદરેથી પ્રસ્થાન કરવાનું હતું. ઘરે બાને કહ્યું કે ‘તુલસીશ્યામ જાઉં છું, ત્યાં મંદિરમાં રાત રોકાઈને સવારે આવીશ.’ બા સામે ખોટું બોલવાનો રંજ હતો પણ સાચું બોલવા જતાં તો નિર્ધારિત યુદ્ધની જ સમાપ્તિ થઈ જાય ! આ તો માત્ર મારી જ વાત થઈ, બીજા ચાર મિત્રો તો કયા કયા આધારો લઈને ગૃહસાગર તર્યા હશે તેની તો કલ્પના જ કરવી રહી.
થોડા જાણકાર મિત્રો પણ ગામના પાદરે આવી ગયેલા. અમારા પ્રસ્થાનને લીલીઝંડી આપતા હોય તેમ હાથ ઊંચા કર્યા અને જાણે સદાને માટે જતા હોઈએ એવા ભાવો એમની આંખોમાં તરવરી ઊઠ્યા. અમે પણ ટીખળમાં છેલ્લા જુહાર કર્યા અને ચાલવા માંડ્યા.
ગામથી જંગલ તો પાંચ-છ માઈલ જ દૂર હતું. બપોરે નીકળો તો દિવસ આથમ્યા પહેલાં જંગલમાં પહોંચી જાવ ! અમે નીકળ્યા પણ એ રીતે જ. બરાબર મધ્યાહ્ને – કાળ ચોઘડિયામાં ! રસ્તો કપાવા માંડ્યો. ગામના ચરિયાણ જેવા વિસ્તાર નિહારમાં થઈને આડબીડ ખેતરો વીંધતા પહોંચ્યા ભડની ધારે. ત્યાંથી નવા ઉગલાની સીમમાં થાતાકને હનમાનની દેરીએ. હવે કાંઈ ગર્ય બહુ દૂર નથી. આ સામે દેખાય પેલી હોડી ! તમને થશે કે જંગલમાં વળી હોડી ક્યાંથી આવી ? પણ આ હોડી એટલે આ વિસ્તારમાં એ નામથી જાણીતી ગીરની નાનકડી ડુંગરમાળ. કઠિયારાઓ માટે ગીરનું પ્રવેશદ્વાર છે એ. અમે પણ એ પ્રવેશદ્વારના માર્ગે જ આગળ વધી રહ્યા છીએ. દિવસ આથમવાને હજી બે-અઢી કલાકની વાર છે. સૂરજ આથમે તે પહેલાં અમારે અમારું સ્થાન નિશ્ચિત કરી લેવાનું છે. સાંજ ઢળતાં તો સઘળું જંગલ અંધાર પંછેડો ઓઢીને પિશાચની જેમ ડરાવવા માંડવાનું.
હોડીનો મારગ છે તો સાંકડો પણ આરામથી ઓળંગી શકાય એવો છે. રસ્તાની બંને બાજુ ઝાડ-પાન-વેલાનો વૈભવ દબદબો ભોગવી રહ્યો છે. હજી હમણાં સુધી તો ઝરમાર ચાલુ રહેલી એટલે જળમોતીથી સિંચન પામેલું જંગલ આંખોને પોષક લાગે છે. જંગલનો ઠાઠ નજર સામે ખૂલી રહ્યો છે. પાસપાસેના ઝાડવાઓ પોતપોતાનો અલગ ચોકો બનાવીને ગોષ્ઠિએ વળગ્યા છે. વેલીઓ વૃક્ષોના ખરબચડા પૌરુષી બદનને ભીંસી રહી છે. ને સામે તો જુઓ ! કોણ મરક મરક મારકણું હસે છે આ ! ભભકતી રંગછટા અને ફૂલોમાં નવ્ય લાગતો દેહલય કોણે ધારણ કર્યો છે ! વછનાગ તો નહીં ને ! મિત્રો એ સમર્થન આપ્યું. આ જ વચ્છનાગ. એવું કહેવાય છે કે ધતૂરા જેવા વિષાક્ત ફૂલો છે એના. જંગલના ત્રાસદીઓથી બચવા વચ્છનાગે કેવું આરક્ષણ ખોળી કાઢ્યું છે ! કે પછી અમારા જેવા મનુષ્યોથી બચવાનો ઉપાય હશે એ ! જે હોય તે. પણ વચ્છનાગ એટલે વચ્છનાગ !
હોડી ઓળંગીને થોડા આગળ વધીએ છીએ તો સામે જ નાનકડો દેહ ધારણ કરીને પ્રસૂતિવેળાએ અમળાતી યુવતી સમ સળવળતું સરવરીયું. એના નિર્મળ જળ વચ્ચે ટટ્ટાર દેહે ઊભેલાં ઝાડવાંઓ જાણે ખડે પગે તપ કરતા યોગીઓ ! પાંદડાથી લચેલી ડાળીઓ જાણે એ યોગીઓની છૂટી ગયેલી જટાઓ ! ને બાજુમાં જ એક સૂકાઈ ગયેલું ઠૂંઠું. કોઈ નિર્વાણ પામી ગયેલા યોગીરાજ હશે કદાચ! આસપાસ ક્યાંય શિવમંદિર હોતું. નહિતર મને તો કાદમ્બરીનું અચ્છોદ સરોવર જ સાંભરી આવત.
પુકુર છોડીને આગળ જવાની ઇચ્છા ન જ થાત પણ અમે તો નીકળ્યા’તા અંધારું ખોજવા. સૂર્યને ડૂબવા આડે ફક્ત રાસ-વાનું છેટું હતું. પાણીકાંઠો છોડ્યા પછી શરૂ થતી’તી ઝરણાંની રેતયાળી ભીની કેડી – ઉભય કાંઠે લીલાછમ મધ્યમકદના ઝાડ અને છોડવાથી ભરપૂર! હવે હાથમાં હાથ ઝાલીને સાથે નહીં પણ એકબીજાના ખભા પકડીને સીધી હરોળમાં ચાલવાનું હતું. સાપ-વીંછી ને કાંટાના ભયની સાથે સિંહના ભેટી જવાનો ભય પણ ફાડી ખાતો હતો. ‘આવી ગીચ ઝાડીમાંથી ક્યાંક સિંહ હલ્લો બોલાવી દે તો શું થાય ?’ – એક મિત્રએ પ્રગટપણે આ ભાવ રજૂ પણ કર્યો અને બરાબર એ જ સમયે આખા જંગલને થથરાવી મૂકતી સિંહની ડણક સંભળાણી. ભૂકંપ સમયે બહુમાળી મકાનો ધ્રૂજે એમ અમારા દેહ થરથરી ઊઠ્યા. ગતિ સ્થગિત થઈ ગઈ. ચહેરા સફેદ અને વાળ ઊંચા ! ભય દર્શાવવા માટે ગુજરાતીમાં ચિત્રલિપિ હોત તો હું ચોક્કસ માનું છું કે એમાં અમારી જ પ્રતિકૃતિઓ હોત ! બાપુએ શરીરમાં ધ્રૂજારી ઓછી થતાં કહ્યું કે “હાલો પાછા હોડી ઊતરીને કોઈ ખેતરમાં રાત્ય કાઢી નાખશું. ને સવારે સાજા નરવા ઘેર પહોંચી ગામમાં ફિસયારી મારશું કે અમારી જેમ ગર્યમાં રાત્ય તો કાઢી જુઓ. ખબર્યુ પડે ખબર્યુ ! આપણા સિવાય ક્યાં કોઈને ખબર પડવાની ?’ પણ આવો આત્મદ્રોહ તો કેમ કરાય ? મેં કહ્યું ‘બાપુ, આપણે એ અનુભવ તો લેવા આવ્યા છીએ કે સિંહ અને આપણે બરાબર સામસામે આવી જઈએ તો શું પરિસ્થિતિ થાય ? અનુભવ લીધા વગર એની ખબર કેમ પડશે ? ને સિંહ તો હજી ક્યાંય કેટલોય દૂર ડણકે છે. અહીં કાંઈ આપણી નજીક નથી. ખબર છે ને કે સિંહની ત્રાડ તો કેટલાય ગાઉ દૂર સુધી સંભળાય ?’
ધીરે ધીરે પરિસ્થિતિ થાળે તો પડી, પણ એવું નક્કી થયું કે અંધારું ઊતરે એ પહેલા કોઈ ડુંગરાની ટોચે પહોંચી જઈ મુકામ કરવો. કોઈ નદી-નાળાનાં પટમાં નહીં. નજીકમાં જ એક ઊંચો ડુંગર દેખાતો હતો. હિંમત બાંધીને એ તરફ ચાલ્યા ને ડુંગરો ચડવા માંડ્યો. પોણો ડુંગર ચડી ચૂક્યા હોઈશું ત્યાં એક એવી જગ્યા નજરમાં વસી ગઈ કે બધા રાજીના રેડ થઈ ગયા. બસ અહીં જ કરો મુકામ. વાત જાણે એમ હતી કે તે જગ્યાએ ડુંગરની છાતીમાંથી મોટી મોટી બે શિલાઓ સ્તનની જેમ બહાર નીકળીને ભેખડો બનાવતી હતી. એ શિલા પર ઊભા રહો એટલે જાણે ડુંગરના જંગલથી દૂર – હવામાં ઊભા રહ્યા હોય એવું લાગે. એક જ બાજુનો રસ્તો ખૂલ્લો અને તે પણ ડુંગરની ટોચ તરફનો. બાકીની ત્રણે બાજુ એકદમ સલામત. સિંહ આવે તો ઉપરની એક જ બાજુએથી પ્રવેશી શકે. ત્યાં તો કરી દઈશું ઈંધણા સળગાવીને ભઠ્ઠો. એટલે એ દરવાજો પણ બંધ ! પાંચેય જણ આરામથી સૂઈ શકીએ એટલી મોટી તે શિલાઓ હતી.
સ્થાન નિશ્ચિંત થઈ ચૂક્યું હતું. હવે એકમાત્ર કામ બાકી હતું – જંગલમાંથી ઈંધણા વીણી લાવવાનું. રાજેન્દ્ર શાહે તો હિલ્લોળા લેતી કન્યાના મુખે –
ઈંધણા વીણવા ગઈ’તી મોરી સૈયર
ઈધણા વીણવા ગઈ’તી રે લોલ.
મૂક્યું છે. પણ ગર્યમાં જ્યારે અમે આ કામ ઉપાડ્યું ત્યારે રાજરાજેન્દ્ર વનરાજના ભય સિવાય અમને કાંઈ દેખાતું નહોતું.
બાપુએ કહ્યું કે ‘મારી સાથે એકને રહેવા દો એટલે હું આ જગ્યા સાફ કરી નાખું. બાકીના ઈંધણા વીણી લાવો.’ એમનું આ પ્રકારનું સૂચન અમારા હાસ્યને રોકી ના શક્યું. ને ઘડીભર બધા હળવા થઈ ગયા. આસપાસથી લાકડા લાવીને મોટો થપ્પો લગાવી દીધો. ત્યાં સુધીમાં સૂરજ ડૂબી ચૂક્યો હતો. અંધારું ધીમે ધીમે વહેતું આવતું હતું. શરૂઆતમાં ઝરણાની જેમ, પછી નદીપ્રવાહે અને છેવટે ઠલવાયો અંધારાનો મહોદધિ. એ મહાસમંદરમાં છેવટે અમે ઈંધણાં સળગાવીને અજવાળાની હોડી તરતી મૂકી. વિરાટ અંધકારમાં આગિયા શી જયોત !
હવે તો જઠરાગ્નિ પણ પ્રદીપ્ત થઈ ચૂક્યો’તો. થોડી વાર નાસ્તાથી રોડવી લીધું. ભજીયાં બનાવવાને હજી ઘણી વાર છે. ગંજીફાની રમત સમયને ધક્કો મારી રહી છે. રેડીયો પરથી વહી આવતાં ફિલ્મી ગીતો આ ધક્કાધક્કીની રમતને પોરસ ચડાવી રહ્યાં છે. તો તમરાંનું સંગીત સૂર્યની ગેરહાજરીનું સ્મરણ કરાવતું હતું. વાંદરાઓ પણ હજી પોઢ્યા નથી લાગતા. ખીખયાટા કરીને અમારી મજાક ઉડાવતા હોય એવું લાગે છે. ને લો, આ ઘુવડ પણ આવી ગયું પડોશી ઝાડ ઉપર. પ્રથમ વખત અમે ઘુવડ જોયું. નવજાત શિશુ જેવડું. માથું, નાક, આંખો અદ્દલ આપણા જેવી જ. કોઈ અવાવરું ઘરમાં આવી રીતે એ જોવા મળ્યું હોત તો ભૂતની બીકે તાવ જ ચડી ગયો હોત! પણ આ જે તો એ અમારી સંગતમાં આવ્યું છે. છઠ્ઠા નારાયણ જેવું. એ જુએ છે બધું નિરખી નિરખીને, પણ કોઈ અભિપ્રાયો આપતું નથી. આપણને સંશય થઈ આવે કે આ કોઈ ભેદી જાસૂસ તો નહીં હોય ને ! દૃષ્ટિ તો એટલી વેધક કે જાણે રિસાયેલી પ્રિયતમા ! લાલાએ ઊડાડવાનો પ્રયાસ કર્યો પણ ન ઊડ્યું. આ તો એનો ઈલાકો હતો. યજમાન હતું એ. અમે તો હતા વણનોતરેલા મહેમાન ! ભલે, આજે એ મહેમાનોના હાથે ભજીયાં ખાતું.
કકડીને ભૂખ લાગી છે. પણ પાણી બધું જ પીવાય ગયું છે. ભજીયાં બનાવવા ડુંગર ઊતરીને, ઝાડી વીંધીને પેલા અચ્છોદ સરોવરમાંથી પાણી લાવવું પડે એમ છે અને ડુંગરની ધારેથી ખીણમાં નજર નાખીએ તો અંધારાના ઢગલે ને ઢગલા પડ્યા છે. કોણ જાય નીચે ?
ખીણમાં તો વનરાજો અંધારાને ચાવી રહ્યા છે. પવનથી ફફડતી ધજા માફક અંધારું ફફડી રહ્યું છે. ત્રાડો પડધાય પડધાયને અમારા ગાત્રોમાં પ્રવેશી રહી છે. પણ ટોચ પર છીએ ત્યાં સુધી ભય સ્પર્શી શકે એમ નથી. પછી ભલેને સિંહની લબકારા લેતી આગ જેવી આંખો અમને તાકતી કાં ન હોય ! પણ પાણી ભરવા જવાનું નામ પડે ને ગાત્રો શિથિલ થઈ જાય. वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते જેવી દશા થાય. પછી ભલેને અમારે જ્યાં જવું છે ત્યાં વનરાજો ન હોય ! ત્યાં હતાં પણ નહીં. એ તો બાજુની ખીણમાં ડણકતા હતા. પણ ‘ડણક’ શબ્દ જ ‘ડાકણ’ના પર્યાય સમો લાગતો હતો.
પછી તો મેં ખૂબ ઊંડો શ્વાસ લઈ, સર્વદેવતાઓને યાદ કરી કહ્યું ‘આહુતિ દેવી જ પડે એમ હોય તો લો આ મારું જ બલિદાન આપું છું. એક ચપટી જળ માટે.’ અને હું પાણીની ખાલી બોટલો લઈને ડુંગર ઊતરવા માંડ્યો. થોડાં ડગલાં નીચે ઊતર્યો હોઈશ ત્યાં ભરતના હૃદયમાં કરુણાનું ઝરણું ફૂટી નીકળ્યું અને તે પણ ચાલ્યો મારી સાથે બત્તી લઈને. ગાઢ અંધકાર, ગીચ ઝાડી ને ઢળકતો માર્ગ. ગબડ્યા તો સીધા ખીણમાં. સાવજના ભોજનાર્થે! અધવચ્ચે પહોંચતાં એક વખત ગબડ્યા પણ ખરા. બત્તી બંધ થઈ ગઈ. અમે ઝાડીમાં ભરાયા. પરાક્રમ કરવાના મૂડમાં કાંકડો પણ નહોતો લીધો. એટલે બાકી રહ્યો નર્યો અંધકાર ને ખીણમાં પડઘાતો ડણકાર! ઝાડી-ઝાંખરા સાથે સમજૂતી કરી ફનાગીરીના ભાવ સાથે ફરી ઉપડ્યા. જાણે બલિદાન દેવાનું મુહૂર્ત વીતી જતું ના હોય ! ઉપરથી મિત્રો પાછા ફરી જવાનું કહેતા હતાં. ‘નથી જોઈતું પાણી કે નથી બનાવવા ભજીયાં. તમે સિંહનું ભજીયું થાવ તે પહેલા ઉપર ચડી જાવ પાછા. એકદીમાં ભૂખ્યા નહીં મરી જઈએ.’ પણ અમે પાછા ન ફર્યા. અમારે મુકાબલોકરી લેવો હતો જાત સાથે.
અમે પહોંચ્યાં, પાણી ભર્યું ને પાછા ફર્યા. I Came, I saw and I conquered. જાણે શેક્સપીયરે આ વાક્ય અમારા માટે જ લખ્યું હતું. હા, ભય ઉપર અમે વિજય પ્રાપ્ત કર્યો હતો. અંધારાને જીતી લીધું હતું. ડુંગરની ટોચે પહોંચતાં તો મિત્રો ભેટી પડ્યા. ‘ગાંડાભાઈ, આવી તે જીદ હોય !’ અને વિજયના માનમાં જામી ગઈ ભજીયાંની પાર્ટી.
મધરાત વીતી, આંખો ઘેરાવા લાગી. સાવજનું ધ્યાન રાખવા રાત આખી બબ્બે જણાને વારાફરતી જાગવાના વારા ગોઠવી, વારા સિવાયના ત્રણે જણાએ લંબાવ્યું. એક લાં…બી પ્રગાઢ નિદ્રા. અભયનું વરદાન જાણે મળ્યું હતું અમને. સવારે સૂરજનો તડકો આંખને અડ્યો ત્યારે ઈંધણાનો ભઠ્ઠો સૂવાની તૈયારી કરી રહ્યો હતો. – જયંત ડાંગોદરા
( શબ્દસરઃ વર્ષ-૮, સળંગ અંક-૯૭, મે-૨૦૦૯માં પ્રકાશિત )
ફરી એક વાર ખાંભાની યાદો તાજી થઈ ગઈ
ખૂબ સરસ….
ભાઇ જયંત, અમને પણ ધ્રૂજાવી દીધા.ખૂબ સરસ આલેખન����
very nice 👌
સરસ આલેખન !!
very nice ��
Khub j saras
ખુબ સરસ
ખૂબ સુંદર….જંગલમાં લઈ ગયા અમને પણ.
Very nice sirji
વાહ! જયંતભાઈ, તમારી વર્ણન શૈલી ગજબની છે.
ખૂબ જ સરસ