રીસતમે આવ્યા મારે નગર, ઘરને આંગણ પિયાઅને મેં મૂર્ખીએ રીસની રગમાં શબ્દ સરખોકહ્યો ના પ્રીતિનો, ખબર સહુની જેમ જ પૂછી;તમે ચાલ્યા, સૌની જ્યમ દઈ મેં પણ વિદા.ક્ષમા, વ્હાલા મારી રીસનું કંઈએ કારણ ન’તું,સ્વભાવે તીખી તે જરી જરીકમાં વાકું પડતું;હવે આ હૈયું તે નથી વશ મને – સાચું કહું છું.છતાં વ્હાલા, મારા મનની કહી દૌં વાત તમને?તમે પાસે આવી રીસનું હત જો કારણ પૂછ્યું;બધાથી સંતાડ્યું નયનનીર જો હોત જ લૂછ્યુંતમારા રૂમાલે, લગીર ભજી એકાંત, ટપલીધીમે મારી ગાલે કહ્યું હત : અરે ચાલ પગલીહું લેવા આવ્યો છું, નીકળ ઝટ છોડી ઘર-ગલી-સજીને બેઠી’તી, તરત પડી હું હોત નીકળી.– જયંત પાઠક( ‘અંતરીક્ષ’ સંગ્રહમાંથી )
વનાંચલના તરુઓ તરફથી નસેનસમાં રાગ ભરીને આદિમતાની અહાલેક જગવનાર કવિ જયંત પાઠક આપણા ગણમાન્ય કવિ છે. નગરમાં વસીને જીવનયાપન કરવા છતાં એમની ભીતરમાં તો વગડાનો શ્વાસ જ વહેતો હતો ! પ્રકૃતિ, પ્રણય અને મનુષ્યસ્વભાવમાં સ્થાયી બની ગયેલા રતિભાવ, કુટુંબપ્રેમ, દામ્પત્ય, વન અને વતન વિચ્છેદ, નગરજીવનની રુંધામણ, મૂલ્યનું સતત થતું રહેલું અવમૂલ્યન વગેરે જેવા વિધ વિધ વિષયોનું આલેખન એમની કવિતાનું મુખ્ય આલંબન બની રહે છે. સહજ અને સરળ બાની એમની કાવ્યધારાનો વિશેષ છે. અલંકાર અને ભાષાની વિવિધ ભંગિમાઓના સ્થાને કવિ ભાવભંગિમાને વિશેષ મહત્વ આપે છે. એમના કાવ્યોની ભાષાનો પ્રવાહ ખળખળ વહેતી વનાંચલની નદી જેવો તરલ છે. ભાષાનાં અટપટાં પરિમાણોથી બહાર નીકળીને સહજના કિનારે – ભાવના કિનારે પોતાની કલમને રૂમઝૂમ વહેતી મૂકે છે. કવિ ભાવની ભીનાશથી ભાવકને તરબોળ કરી દે છે. આવા એક ભાવભીનાં સૉનેટ “રીસ”માં કવિએ આલેખેલ સ્વકીયાની ભાવમુદ્રાઓનું આચમન કરી ભાવસભર થવાની આકાંક્ષા છે.
મનુષ્ય સ્વભાવ ગહન છે. એ કાંઇ ગણિતના દાખલા જેવો નથી કે એનો જવાબ હમેશાં નિયમ મુજબ જ આવે! એ દીવાની જ્યોત જેવો છે. ગમે તે દિશામાં ઢળતાં એને વાર ન લાગે ! એની અસ્થિર ધુમ્રશેર પણ ઘણી વાર સ્થિરતાનાં માનદંડ જેવી લાગવા માંડે તો બીજી જ પળે વલયસભર ! આવું જ કંઇક સ્ત્રી-પુરુષના સંબંધો બાબતે પણ કહી શકાય. એમાં ‘ના’નો અર્થ હમેશાં ‘ના’ નથી હોતો અને ‘હા’નો અર્થ હમેશાં ‘હા’ નથી હોતો ! બે અલગ અલગ જૈવિક બંધારણ ધરાવતાં, અલગ અલગ સામાજિક-સાંસ્કૃતિક-સાંવેગિક પરિવેશ ધરાવતાં પાત્રો વચ્ચે જ્યારે સ્નેહની કુંપળ ફૂટે છે ત્યારે અંગારવાયુ અને પ્રાણવાયુનાં સંયોજન જેવી ઘટના આકાર લે છે. પરસ્પર વિરોધી સ્વભાવ જ્યારે સાયુજ્ય સાધે છે ત્યારે H2O જેવી દામ્પત્યની ભીની ભીની સોડમ અનુભવાય છે. પરંતુ આ ઘટનાની વિશેષતા એ છે કે અહીં દામ્પત્યનું સંયોજન રચાયા પછી પણ ઉભયના સ્વભાવ સ્વતંત્રપણે સ્થાયી રહે છે ! એમાં જ્યારે જ્યારે રીસામણાં અને મનામણાંના ઉદ્દીપકો ભળતા રહે છે ત્યારે ત્યારે એમાંથી જે જીવનનો મધુર રસ પણ પ્રવહે છે તે જ આનંદની પરિસીમા સુધી દોરી જાય છે.
અહીં સામાન્ય ચણભણમાંથી રીસાઈને પિયર આવી ગયેલી નાયિકાની મનોવેદના કવિએ બખૂબી નિરૂપી છે. અબોલા લઈને ભાગી આવેલી કાવ્યનાયિકા પત્નીના ખબર પૂછવાના બહાને પતિ મનાવવા આવે છે, પણ નાયિકા નાયકને બહુ ભાવ દેતી નથી. “કાં આવવું પડ્યુંને? મારા વગર રહી શકાયું નહીંને?” – જેવા ભાવ સાથે એ પોતાના પતિને વધુમાં વધુ લબડાવવાનો – મનામણાંનો છૂપો આનંદ પણ લેવા માગે છે. પરંતુ પતિને આ બધી ચેષ્ટાઓ કદાચ વધારે પડતી લાગી હશે એટલે સૌની જેમ ખબર પૂછીને નીકળી જાય છે. એ વખતે નાયિકાને પોતાની નાદાનિયતનો અહેસાસ થાય છે. આ વાત કવિ પ્રથમ ચતુષ્કમાં આ રીતે નિરૂપે છે :
તમે આવ્યા મારે નગર, ઘરને આંગણ પિયાઅને મેં મૂર્ખીએ રીસની રગમાં શબ્દ સરખોકહ્યો ના પ્રીતિનો, ખબર સહુની જેમ જ પૂછી;તમે ચાલ્યા, સૌની જ્યમ દઈ મેં પણ વિદા.
પતિ ચાલ્યો જતાં ગર્વોન્મત્ત નાયિકા સીધી જમીન પર પછડાય છે. પોતાને મૂર્ખી ગણીને હવે મિલન માટે તલસે છે. એના મુખમાંથી “ક્ષમા” શબ્દ સરી પડે છે. “ક્ષમા” પછી તરત “વ્હાલા” સંબોધન અને થયેલી ભૂલનો એકરાર કરી નાયિકા પશ્ચાતાપ કરે છે. જરી અમથી રીસમાં કેવું પગલું ભરી બેઠી તે માટે તે પોતાની જાતને દોષ દે છે. અહીં આપણને રીસની રગથી ભરેલી નાયિકાના સ્વભાવનું દર્શન કવિએ કરાવ્યું છે. માત્ર ત્રણ પંક્તિમાં નાયિકાની મનોદશાનું આવું લાઘવપૂર્ણ કથન કવિની નિરૂપણકલાનો વિશેષ બની રહે છે.
ક્ષમા, વ્હાલા મારી રીસનું કંઈએ કારણ ન’તું,સ્વભાવે તીખી તે જરી જરીકમાં વાકું પડતું;હવે આ હૈયું તે નથી વશ મને – સાચું કહું છું.
પ્રથમ ચતુષ્કમાં કવિ નાયિકાની રીસને સ્ત્રીસહજ વળ ચડાવે છે. એની ભીતરથી પરિપ્લાવિત પણ બહારથી માનુનીનું રૂપ ધારણ કરતી ચેષ્ટાઓ સૉનેટને વેગ આપે છે. પછીની ત્રણ પંકતિઓ ભીતર કંઇક તૂટી ગયુંના ભાવ સાથે ચતુષ્કમાં પરિણમતી નથી. કવિ ચતુષ્ક તોડીને નાયિકાની ખટક સાથે ભાવકના દિલમાં પણ ખટક ઊભી કરવામાં સફળ રહે છે.
અહીં પ્રથમ ચતુષ્કમાં ભીતર લીલીશ સંગોપીને બહારથી રૂખી દેખાતી પાનખરનો ભાવ છે તો બીજામાં વસંતની પાંગરતી કુંપળની એંધાણી પણ છે. પ્રથમ સ્તબકમાં પણ પતિ પ્રત્યે કોઇ દુર્ભાવ ન હતો, પણ વાસંતી વિહાર પણ ન હતો. એ હવે બીજા સ્તબકમાં આવે છે. પાનખરને કુંપળો ફૂટી નીકળી છે, પણ હવે દુર્ભાગ્યવશ પતિ તો દૂર નીકળી ગયો છે ! આમ કવિએ આ બે સ્તબકમાં કમાલ કરી છે. સહજ લાગતું ભાવનિરૂપણ કેવી ઊંચાઇ સિદ્ધ કરે છે અહીં !
હવે ત્રીજા અને અંતિમ સાત પંકતિના સ્તબકમાં નાયિકાની પશ્ચાતાપદગ્ધ ભાવદશાનું નિરપણ થયું છે. પતિ તરફથી મનમેળ માટેની પહેલ થાય એવી અપેક્ષા સેવતી નાયિકા હવે ખુલ્લા દિલે મનની વાત કરે છે. એ પતિ પાસે શું શું ઝંખે છે તેનું કવિએ ખૂબ સહજતાથી આલેખન કર્યું છે. નાયિકાના મનોભાવનું આખું ચિત્ર જુઓ –
છતાં વ્હાલા, મારા મનની કહી દૌં વાત તમને?તમે પાસે આવી રીસનું હત જો કારણ પૂછ્યું;બધાથી સંતાડ્યું નયનનીર જો હોત જ લૂછ્યુંતમારા રૂમાલે, લગીર ભજી એકાંત, ટપલીધીમે મારી ગાલે કહ્યું હત : અરે ચાલ પગલીહું લેવા આવ્યો છું, નીકળ ઝટ છોડી ઘર-ગલી-સજીને બેઠી’તી, તરત પડી હું હોત નીકળી.
નાયિકા અંતિમે કહે છે કે તમે સહેજ પણ પહેલ કરી હોત તો હું તો તૈયાર જ હતી. ગર્વોન્મત્ત માનુની હવે ભાવથી ભીની પ્રિયામાં રૂપાંતરિત થઇ ગઇ છે. એને પણ એકલું એકલું સોરવતું નથી. એટલે તો કહે છે કે સહેજ ટપલી મારી હોત તો પણ ઘણું ઘણું બની ગયું હોત! નાયિકા સ્ત્રીસહજ પહેલ ન કરવાની પોતાની જીદમાં પસ્તાવાના આંગણે આવીને ઊભી રહે છે. આ કલાત્મકતા જ સૉનેટની સિદ્ધિ છે.
આમ સહજ – સરળ બાનીમાં પ્રવાહિત સૉનેટ ન’તું – પડતું, પૂછ્યું – લૂછ્યું, ટપલી-પગલી-ગલી જેવી આંશિક પ્રાસરચના સાથે શિખરિણી છંદમાં ઝરણાં જેમ ખળખળ વહેતું આવે છે. “રીસની રગ” જેવા મહાવરા સિવાય ક્યાંય ભાષાની કરામત નથી. તેમ છતાં ભાવની સમૃદ્ધિ સૉનેટને એકધારી ઊંચાઈ અર્પે છે. ક્યાંક છંદની આવશ્યકતા મુજબ ‘દઉં’નું ‘દૌં’, તો ‘હોત’ જેવા વિધ્યર્થનું ‘હત’ કર્યું છે એ ભાવનમાં બહુ નડતરરૂપ નથી બનતું. અલબત્ ‘હત’ તો બોલીમાં સર્વ સ્વીકૃત છે.
ભાવથી ભર્યું ભર્યું અને ભાષાની આંટીઘૂંટીમાં અટવાયા વગરનું આ સૉનેટ નાયિકાની રીસ સાથે ભાવકને પણ એની ટીસનો અનુભવ કરાવવામાં સફળ રહે છે.
– જયંત ડાંગોદરા
( કવિલોકઃ સપ્ટેમ્બર-ઑક્ટોબર,2021માં પ્રકાશિત )
ખૂબ સરસ આલેખન
ખુબ સુંદર
Excellent saheb
વાહ…સુંદર આસ્વાદ્ય ,🙏
ધન્યવાદ દોસ્ત
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ