‘પહેલાં તો તમે નક્કી કરો કે તમારે શું થવું છે ?’ એક વખત વર્ગખંડમાં પ્રેરણાનું મહિમાગાન કરતાં આચાર્યશ્રીએ બુલંદ અવાજે આવી રીતે પડકાર ફેંકેલો. અને ‘શું થવું છે ?’ – નું કંઇક સમજાય એવું ગુજરાતી કરવા માટે ઉમેરેલું – ‘યાને કી તમારે શું બનવું છો ?’ ! એટલે સમગ્ર વાક્યરચના કંઇક આવી રીતે મનમાં ગોઠવાયેલી – તમારે શું બનવું છે તે તમારે જ વિચારીને નક્કી કરવાનું છે. પછી તો આસપાસ બેઠેલા નિશાળિયાઓની હોરોહાર મેંય મનેમન ‘વિચારવાનું’ યાને કી ‘નક્કી કરવાનું’ શરૂ કર્યું.
પ્રથમ તબક્કે તો એ જ વિયાર આવ્યો કે ‘શિક્ષક થઇ જવું’; એટલે આ ‘નક્કી કરવાની’ માથાકૂટ પડતી મૂકીને ‘નક્કી કરાવવાની’ રમત રમતા થઇ જઇએ. પણ સાહેબની સામે આવું નક્કી કરતાં જીભ ન ઉપડી. વાઘને કેમ કહેવું કે મારે વાઘ થવું છે ? એમાં પણ આપણી નામનાં ડોબા, બોઘા, ગઘેડા જેવાં માનવંતાં બિરુદોથી ભરી ભરી હોય ! એટલે વિચાર આવ્યો એની તરતની ક્ષણે જ મેં એને પાનની પિચકારી માફક થૂકી નાખ્યો.
જો કે એ જમાનામાં ‘you can, you do’ – ની હવા વાતાવરણમાં બંઘાયેલી ન હતી. પણ એક ‘કોમન મેન’ તરીકે જાતનું ગૌરવ કરીને મનોમન નિર્ધાર કરેલો કે I can, I do ! પણ what do ? નો પ્રશ્ન ડાચું ફાડીને હમેશા ઘુરકિયાં કરતો રહેતો. What do? મનમાં તરવર્યા કરે, પણ પેટ્રોલ ખૂટી ગયેલાં બાઇકની જેમ વિચારની ગાડી આગળ ચાલે જ નહીં. તેમ છતાં ક્રિકેટ, ધર્મ, રાજકારણ, ફિલ્મ વગેરે જેવાં ક્ષેત્રો અલપઝલપ ધ્યાનમાં આવેલાં ખરાં. ક્રિકેટમાં સચીન, એક્ટરમાં અમિતાભ, સાધુ અને નેતૃત્વમાં અનેક નામોનું રોજ સવારે પુણ્યસ્મરણ કરતો. પણ મારા માટે તો ‘ગજા વગરની ગધેડીને ભાર ઘણો’ જેવો ઘાટ થતો.
પણ એક દિવસ મને હું જે શોધતો હતો તે ક્ષેત્ર મળી ગયું. જે નક્કી કરવાનું હતું તે સાક્ષાત પ્રગટ થયું ! તે દિવસે રમુડો, કરસન, ભગો ને બીજા સાત આઠ જણ ઉનાળાની કાળી બપોરે વેલજી દેવજીની દુકાન આગળ ખિખિયાટા કરતા ઊભા હતા. મનેય આ બધા સાથે જલ્સો પડ્યો. એ જ વખતે મનમાં ઝબકારો થયો. દિમાગ ઝળહળ ઝળહળ થઇ ગયું. એ જ પળે મેં ગાંઠ વાળી લીધી કે બંદો તો હાસ્ય કલાકાર બનશે. એક જ ઝાટકે નક્કી કરી નાખ્યું ને બમણા જોરે સૌની સાથે ખિખિયાટા કર્યા. મંડળીને મારા વધારે પડતા ખિખિયાટાથી આશ્ચર્ય થયું ને એટલે એ સૌએ ફરી ખિખિયાટા દોહરાવ્યા. મેં પણ બેવડાવ્યા. અને જમાવટ થઇ ગઇ !
પછી તો રોજ બપોરે પહોંચી જવાનું દુકાને. વેલજી પાસે મસ્ત ટેપ રેકોર્ડર પણ હતું. એમાં હાસ્ય કલાકારોની કેસેટ ચડાવે એટલે એકધ્યાને સાંભળવાની. એ વખતે રમણિક દૂધરેજિયા અને શાહબુદ્દિન રાઠોડને સાંભળવાનો એક લ્હાવો હતો. એમાંય શાહબુદ્દિન રાઠોડની વનેચંદનો વરખોડો તો અચૂક સાંભળું જ સાંભળું. સમજોને કે એક પ્રકારે એકલવ્ય સમાન ટ્યુસન જ બાંધી લીધું હતું ! મારી હાજરી એ રીતે વધવા માંડી બજારમાં. આ બાબત વેલજીના ધ્યાન બ્હાર ન રહી. એણે એક દિવસ ટપાર્યો પણ ખરો – અલ્યા ભણ્ય ભણ્ય કૈંક. આમાં તારા દાડા નઇ ભરાય હો. પણ આ વેલજીને ક્યાંથી ખબર હોય કે બંદા તો સાહેબના ‘નક્કી કરો’ એ ફરમાનને અમલમાં મૂકી રહ્યા છે!
થોડા દિવસ પ્રેક્ટિશ કર્યા પછી હું કંઇક અંશે શરમાતાં ને એ કરતાં વધુ તો ડરતાં ડરતાં પહોચ્યો સાહેબના દરબારમાં. સાહેબ એમને ગમતા અને હોશિયાર મનાતા વિદ્યાર્થીઓથી વીંટળાઇને બેઠા હતા. મારા માટે તો આ દરબાર કોઇ મહારાજાના દરબારથી સ્હેજે પણ નાનો ન હતો. મેં જાતને બને તેટલી સંકોચીને સામાન્ય કરતાં પણ ધીમા અવાજે વિનયપૂર્વક કહ્યું : ‘સાહેબ, મેં નક્કી કરી નાખ્યું છે.’ મનમાં તો એવા ઘોડા થનગનતા હતા કે મારું આ કથન સાંભળીને સાહેબ સાબ્બાશ સાબ્બાશ પોકારી ઊઠશે. પીઠ પર ધબ્બો મારીને આશીર્વાદ પાઠવશે. પણ એ તો આંખોમાં અચરજ આંજીને મારા મુખમંડળ સામે જ તાકી રહ્યા. અને ઇશારાથી પૂછ્યું કે શું ? મને તો સાહેબના ભૂલકણાં સ્વભાવ વિશે કોઇ ખ્યાલ જ નહીં. વળી લેસન જોતી વખતે પણ ક્યારેય કોઇ વાત ભૂલ્યા હોય એવું બન્યું ન હતું. મને નવાઇ સાથે દુ:ખ પણ થયું કે આ ભૂલકણા સ્વભાવનો લાભ હું લઇ શક્યો નહીં. ખાસ તો લેસન સંદર્ભે. પણ એ બાબત બાજુ પર રાખી મેં કોઇ ખાનગી વાતનો ઘટસ્ફોટ કરતો હોઉં એમ જણાવ્યું – સ…સસસાહેબ, હાસ્ય કલાકાર થથથવા….નું. મારા એ વખતનાં ઉચ્ચારણમાં શું જાદુઇ તાકાત હશે કે સાહેબ તત્ક્ષણ ખડખડાટ હસી પડ્યા.
પહેલા જ ધડાકે તમે કોઇને આ રીતે હસાવી શકો તો કારકિર્દીમાં આગળ જતાં શું ન કરી શકો ? મારા મત અને મતિ મુજબ શુકનવંતી શરૂઆત થઇ ! સાથે સાથે I can do સૂત્ર પર સવા સો ટકા વિશ્વાસ બેસી ગયો. એ વિશ્વાસ એટલો તો દ્રઢીભૂત થયો કે હવે મને હાસ્યકલાકાર તરીકે કોઇપણ પ્રકારની પરીક્ષા આપવાનું જરૂરી ન લાગ્યું. સ્ટેજ પર સાબિત થવાની પણ જરૂરત ન હતી. મારા જેવા ઊંચા ગજાના કલાકાર માટે આવી ફાલતું વાત જ સાવ નક્કામી ! મારે તો સીધા સ્ટુડિયોમાં જ પહોંચવાનું હોય અને જથ્થાબંધ કેસેટ્સ બજારમાં ઉતારી દેવાની હોય! થોડા દિવસ પછી આ સ્ટુડિયોવાળો પ્રકલ્પ પણ અમલમાં મૂકી દીધો.
મંગાકાકા હમણાં હમણાંનું નવું ટેપરેકોર્ડર લઇ આવેલા. રોજ નવી નવી કેસેટ્સ ચડાવે. માતાજીના ગરબા, પ્રાચીન ભજનો અને હાસ્યકલાકારોના ખખડાટની રમઝટ બોલે. જ્યારે જ્યારે હાસ્યની કેસેટ ચડાવે ત્યારે મારી ભીતરનો કલાકાર ઊછળી કૂદીને બહાર નીકળવાનાં પેતરાં કરે. મનોમન નક્કી કર્યું કે એક દિવસ મંગાકાકા ન હોય ત્યારે કલાકાર થવાનું કામ પતાવી નાખવું !
એ મુહર્ત પણ થાડા જ દિવસમાં આવી પહોચ્યું. કાકા કોઇ કામથી બે ચાર દિવસ માટે બહારગામ જવાના હતા. મેં કાલાંવાલાં કરીને ટેપરેકોર્ડર એકાદ કલાકમાં પાછું આપી દેવાની શરતે કાકી પાસે માગી લીધું. શાંતિકાકાનો ટેકો તો હોય જ. કારણ કે અમારા રસના વિષયમાં સમાનતા ભલે ન હોય પણ નવી નવી ધમાલ ઊભી કરવામાં તો એકરૂપતા ખરી જ ખરી. વળી અમારા રસ પ્રમાણેની રખડુટોળી પણ હંમેશાં અમારી આસપાસમાં જ ટહેલતી હોય. જેવાો સાદ પાડ્યો કે આઠ દસની ટોળી હાજર.
આ ટોળીને હાસ્યના પ્રોગ્રામનું ઓડિયન્સ બનાવતાં પહેલાં કેળવવી પડે એમ હતું. સીધે સીધા સ્ટુડિયોમાં બેસાડી દેવાથી જોખમ ઊભું થવાની શક્યતા પૂરેપૂરી હતી. કલાકાર એટલે કે હું જોક કહું ત્યારે કઇ રીતે, ક્યા સમયે અને કેટલી અવધી માટે હસવું એનું પ્રશિક્ષણ આપવા માટે મેં એક આખા તાસ જેટલો સમય ખેંચી કાઢ્યો. સૌને સંભળાય એમ હસવાનું, ખિખિયાટા કે દાંતિયા નહીં કરવાના જેવી કડક સૂચનાઓ આપી. આ વર્ગમાં પણ બહુ ધમાલ થઇ. આવું શું કામ હસવાનું ?, તું વળી કેદીનો મોટો કલાકારનો દીકરો થઇ ગ્યો ? જેવા પ્રશ્નોના મારા વચ્ચે સૌને સમજાવી પટાવીને સ્ટુડિયોમાં ગોઠવ્યા.
સ્ટુડિયો પણ અદ્ભુત હતો ! મંગાકાકાનું એક મકાન ઘાસચારો ભરવા માટે ખાલી પડ્યું હતું. જેની ઓસરીમાં ગાય – બળદ બંધાઇ રહેતાં. અંદરના ભાગે અમારી નિશાળ છૂટ્યા પછીની પ્રવૃતિઓ ચાલતી. આજે એ કક્ષને સ્ટુડિયોમાં પરિવર્તિત કરવાનો હતો ! ટેપરેકોર્ડર આવી ગયું પણ રેકોર્ડ કરવાની કેસેટનો વિકટ પ્રશ્ન ખડો થયો. કોરી કેસેટ તો પાસે હતી નહીં. વળી મંગાકાકાની કેસેટ તો કોઇ કાળે વપરાય જ નહીં. એમાં જો કંઇ આઘું પાછું થયું તો આવી જ બન્યું સમજો. એ બાબતે તો શાંતિકાકા પણ નામક્કર ગયા. હવે ? ઘણાં વિચારને અંતે યાદ આવ્યું કે મને બુદ્ધિકસોટીની એક પરીક્ષામાં ઇનામ મળેલું તેમાં એક ‘જીવન જીવવાની કલા’ નામે કેસેટ પણ હતી. મારી પાસે તો ટેપ હતું નહીં એટલે સાંભળવાનો પ્રશ્ન જ ન હતો. એક વખત વેલજીની દુકાને લઇ ગયેલો વગાડવા અને તેણે ચડાવી પણ હતી. પણ જેવું ભાષણ શરૂ થયું કે સૌની મતિ મૂંઝાઇ ગઇ. તો પણ મારા માન ખાતર થોડીવાર ચલાવેલી, પણ પછી તો બીજા નવરાઓએ કઢાવી જ નાખી. હવે એ કેસેટ સંઘરેલા સાપ જેમ આજે કામ લાગવાની હતી ! હું ઘરેથી દોડીને કેસેટ લઇ આવ્યો. ‘જીવન જીવવાની કલા’ને સાંભળવા કરતાં જીવન જીવી જ નાખવું એવા નિર્ધાર સાથે નક્કી કર્યું કે પ્રોગ્રામ કરી જ નાખવો.
રખડુ ટોળીને એ ભંડકિયામાં પૂરી, બારી બારણાં હવાચૂસ્ત રીતે બંધ કર્યાં. સ્ટુડિયો સાઉન્ડપ્રૂફ તો હોવો જોઇએને ! બધાને પોત પોતાની ભૂમિકા વિશે ફરી યાદ દેવડાવ્યું. સૌ એ મુજબ સજ્જ પણ થઇ ગયા. અને પ્રોગ્રામ શરૂ કરવા માટે મારા મુખારવિંદમાંથી હાસ્યયુક્ત શબ્દો પ્રગટે એ પહેલાં તો વીજળી ગુલ ! પ્રથમ ગ્રાસે જ મક્ષિકા ! પણ પ્રોગ્રામ હસાહસનો હતો એટલે ટોળી ખીખી…ખીખી કરતી ખડખડાટ હસવા માંડી. હાસ્યના પ્રોગ્રામમાં કંઇ કર્યા વગર જ હાસ્ય છવાઇ જાય એને પણ શુકન જ ગણવાનું ને ! શુભ શરૂઆત માની ગરમીમાં બંધ બારણે વીજળીની રાહ જોતા ખૂબ બફાયા. અકળામણ હદથી વધી ત્યારે સ્ટુડિયોનાં બારણાં ખોલી તાજી હવાના સ્પર્શની મજા લેતાં લેતાં વેરણ વીજળીની રાહ જોતા બેઠાં. થોડીવારમાં વીજળી ફરી ઝબૂકી. મારું મોં પણ ઝળાંહળાં થઇ ગયું. સૌ પાછા હોહા કરતા અંદર પેઠા. ફરી સ્ટુડિયો સાઉન્ડપ્રૂફ !
રેકોર્ડરની સ્વિચ ઓન કરી. અને જેવો હું એક જોક ફટકારવા જાઉં એ પહેલાં જ ટોળી ખડખડાટ હસવા માંડી. કેટલાક તો એમાં અટ્ટહાસ્યનું મોણ દેવા લાગ્યા. મારે તરત જ મારી અને ટેપ એમ બંનેની સ્વીચ ઓફ કરવી પડી. ફરી પાછો ક્યાં હસવું અને ક્યાં ન હસવું તેનો તાસ લીધો. અને સમજ્યા વગર કે જોક પૂર્ણ થાય એ પહેલાં તો હસવું જ નહીં એવી તાકિદ કરી.
ફરી એક જોક સંભળાવી. પણ સન્નાટો. કોઇ કવિ અછાંદસ કવિતાનું પઠન કરે અને અંતે ચોટ આવતાં શ્રોતાઓમાં શાંતિ છવાઇ જાય કંઇક એવું વાતાવરણ નિર્માણ થયું. ને એમાં પણ હજી તો આ સન્નાટો પૂરો થાય ન થાય ત્યાં ઓસરીમાંથી ગાયનું ભાંભરવું. સ્વિચ ઓફ કરીને કેસેટ ભૂંસવાનો વારો આવ્યો ! ફરી પાછી કેસેટ રિવર્સ કરી નવેસરથી શરૂઆત કરી.
મેં નવી જોક ફટકારી. સૌ ખડખડાટ હસ્યા પણ ખરા. પ્રથમ શોટ ઓકે. ફરી બધા સાબદા થઇ ગયા. ફરી એજ પ્રમાણે જોક. પણ આ વખતે હાસ્ય અને જોક વચ્ચે અંતર પડી ગયું. કેસેટ રિવર્સ કરીને ખાતરી કરતાં જણાયું કે જોક અને હાસ્ય વચ્ચે ઘણું અંતર પડી ગયું હતું. મારે કહેવું પડ્યું કે હસો મારા ભેરુઓ હસો ! પેલું ફિલ્મી ગીત હૈયે ચડ્યું કે બોલ રાધા બોલ સંગમ હોગા કે નહીં. રેકોર્ડિંગમાં એ પણ આવી ગયું. આવું લપસિંદર તો વારંવાર ખડું થવાનું હતું. કેટલી વાર કેસેટ રિવર્સ મારવી ? એટલે પછી નક્કી કર્યું કે આ બધું આટોપાય પછી એડિટીંગ કરી લેવું. વારંવાર જોક અને હાસ્ય વચ્ચે સર્જાતા શૂન્યાવકાશ માટે એ જ માત્ર ઉપાય હતો !
બધું આટોપીને એડિટીંગ કરવા બેઠા. આ વખતે જે હાસ્ય રમતું થયું તે તો રેકોર્ડિંગ વખતે પણ થયું ન હતું. સૌએ ખખડીને દાંત કાઢ્યા. અમુક તો આ વખતે પેટ પકડીને હસ્યા. ત્યાં તો અમારા આ ભંડકિયા સ્ટુડિયોની સાંકળ ખખડી. મંગા કાકાનો ઘાંટો સંભળાયો. ‘મારા બેટા ટેપ લઇને રમવા નીકળ્યા લે….ક્યાં ..ક્યાં ગુડાણાં છે બધા ? આ બધા જેન્તિયાના જ કામા, મારા બેટાના !’ સ્ટુડિયામાં સન્નાટો. બહાર નીકળવા ફાંફે ચડ્યા. ત્યાં એક ડોઢડાહ્યો બાલ્યો: પ્રથમ તો નક્કી કરો કે આમાંથી બહાર કેમ છટકવું ? પછી બાકી બધી વાત. – જયંત ડાંગોદરા
( શબદ, દીપોત્સવી અંક, 2021 )
ખૂબ સરસ લેખ
Nice article Jayantbhai
સુંદર લેખ જયંતજી
સરસ લેખ…
😆😆👌👌
Very nice article sir
હાસ્યથી તરબોળ
Wah…Saras lekh…Ingit modi
ખૂબજ સુંદર સે જેન્તી ભાઈ
જૂની યાદો તાજી કરાવી જયંત! સારો લેખ,પણ અધૂરો લાગ્યો,,😊😊હજી આની સિક્વલ કરો:પછી શું થયું?😊
-યોગેશ પંડ્યા,ભાવનગર
સત્યના સંભાળણા
એ દિવસો ની મજા કંઈક અનોખી હતી.
સમજણ ન હતી પણ સંતોષ હતો
જુની યાદી નો વંટોળિયો આવ્યો.
ધન્ય છે જયંત ડાંગોદરા ને
I am proud of you
Congratulations khubaj saras lekh chhe
આમાંથી બહાર કેમ નીકડવું?😀😀
જૂની યાદો તાજી થઈ ખુબ સરસ છે
Khub j saras
ખૂબ..સરસ…! 😊
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ સર
ધન્યવાદ
ધન્યવાદ ઇંગિતભાઇ
ધન્યવાદ
ધન્યવાદ યોગેશભાઈ.. જેવો મૂડ હવે
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ