સોહાગરાત અને પછીતમે તે પ્રત્યૂષે પરવરી ગયા નાથ! અહીંથીપથારી છાંડીને પથિક, અરધા સ્વપ્ન સરખા,અને હું તો સ્વપ્ને સ્થગિત, અધઘેને હું પછીયેતમોને ક્યાં સુધી રહી સઘન સેવંતી પડખે…તમે તે રાત્રે જે રીતથી રતિથી ગૂઢ ગહનેપ્રવેશ્યા પાતાળો મહીં સકલ અસ્તિત્વ મુજનાઃગર્યું જાણે સ્વાતિસુખદ અમીનું બુંદ છીપમાં,હજી આનંદે તે વીજપુલકની ના કળ વળે,હવે વ્હાલા, હું તો નવરી જ નથી ને ક્ષણ પણઃન દ્હાડે કે રાતે, દિનભર ગૂંથું ઊન-ઝભલુંઅખંડે અંઢેલી ઘરની ભીંત અર્ધેરી ઊંઘમાં,ગૂંથું છું રાતોમાં પુલકનું ઝીણું કોઈ સપનું.અને સાથે વ્હાલા! ભીતર ગૂંથું છું બાળક તમતમારી રેખાઓ લઈ લઈ, કંઈ ભેળવી મમ.– ઉશનસ્( સમસ્ત કવિતા, પૃ.455-56)
સૉનેટ સ્વરૂપને ઊર્મિકવિતાનું માધ્યમ બનાવીને ગુજરાતી કવિતાને રળિયાત કરનાર અનેક સર્જકો પૈકી એક મહત્વનું નામ એટલે કવિશ્રી ઉશનસ્. સાત સાત દાયકા સુધી સર્જનરત રહેલા આ કવિએ પ્રણય, પ્રકૃતિ. ઘર-વતન, રટન જેવા અનેક વિષયપ્રદેશોમાં પોતાની કલમના કામણ પાથર્યાં છે. પરંપરાથી લઇને પ્રયોગલક્ષી કવિતાઓ એમની સર્ગશક્તિનું ભાજન બની છે. ધસમસતા પ્રવાહ જેવી એમની સર્જકતા ભાવ-ભાષા-વિચારના અનેક વમળો સર્જે છે અને એ વમળોમાંથી કોઇ અનોખી ભાત ઉપસતી રહે છે. કવિતાનાં અનેક સ્વરૂપોમાં સાતત્યપૂર્ણ સર્જન કરનાર આ કવિનો વિશેષ તો સૉનેટ સ્વરૂપમાં જણાય છે. જીવનના વિવિધ પાસાઓને ઊંડળમાં લઇને ભાવાનુભૂતિને પ્રગટ કરતા કવિની કલમ જ્યારે દાંપત્યજીવનનાં પ્રસન્ન-મધુર પાસાનું આલેખન કરે છે ત્યારે સર્જકતાનો જાણે ઉછાળ અનુભવાય છે. અહીં કવિ કહે છે તેમ પોતાને ‘શ્વાસવગા-લોહીવગા’ એવા શિખરિણી છંદમાં રચિત એક સૉનેટ ‘સોહાગરાત અને પછી’ ને માણવાનો ઉપક્રમ છે.
અહીં સોહાગરાતનો પ્રચૂર સ્વાદ માણી ચૂકેલી નાયિકાના મુખે કવિએ રતિભાવની રમ્ય ક્રીડા અને તત્પશ્ચાત્ કલાપોનું આલેખન કર્યું છે. દાંપત્યજીવનની ખરી શરૂઆત તો વિવાહ પછીની પ્રથમ રાત્રીના નાજુક ભાવભર્યાં રતિસંચલનોથી થતી હોય છે. આ ક્ષણ માટે કેટકેટલી ઝંખનાઓ વિવાહિતે સેવી હોય છે! જે સમયે પોતાની વાગ્દત્તાનું માત્ર મુખદર્શન કરવા માટે જ ભાતભાતનાં પેતરાં રચવાં પડતાં હતાં તે સમયે તો આ રાતની રોચકતાનું મૂલ્ય કેટલું અકલ્પ્ય હશે! એ અધીરતા, એ લજ્જા, એ લજ્જાથી રક્તવર્ણું બની ગયેલ મુખ, એ ઘૂંઘટનું અનાવરિત થવું, એ મધુ નજરનું સંમોહન, એ અલકલટોનું રોમાંચિત કરી દેતું નર્તન, એ આંખનાં લટકાં-ઝટકા, એ પ્રગાઢ આલિંગન, એ ગાઢ ચુંબનોની ઝડી ! એ રાતે શું શું નહીં થતું હોય ! ખજૂરાહોનાં કામશિલ્પોનું જાણે મૂર્તિમંત સ્પરૂપ બની રહેતી એ રજનીનું કવિએ ખૂબ જ ઔચિત્યપૂર્ણ નિરૂપણ કર્યું છે.
રતિસાગરની ઉછાળા મારતી ભરતી પછીનું સંવેદન કવિએ કેટલી સહજતાથી મૂકી આપ્યું છેઃ “તમે તે પ્રત્યૂષે પરવરી ગયા નાથ!” રાગનું સાતત્ય તૂટવું અને સ્વામીનું તૃપ્તિના મહાઘેનમાં ડૂબી જવું એ નાયિકાની અતૃપ્તિનું નહીં પણ તંગ દોરી ઢીલી પડી ગયાનું સૂચક છે. વળી આખી ઘટના સ્મરણમંડિત છે એનો પણ ભાવકને ખ્યાલ આવે છે. એ મળસ્કે જે કંઇ બન્યું તે વાતનો તંતુ આગળ વધારતાં નાયિકા સહજ મીઠી ફરિયાદના લહેકામાં કહે છે કે તમે તો કોઇ વટેમાર્ગુની જેમ બે ઘડી છાંયો માણીને, કોઇ અધૂરા સમણાની ઉત્કંઠા મૂકીને મઘમઘતી ફૂલભરી સેજ છોડી ગયા. પણ હું તો હજી પણ પથિક અને અધૂરં સમણા શી ગતિશીલ છું. કવિએ પથિક અને અરધા સ્વપ્નની ઉપમા પ્રયોજી તો છે નાયક માટે પણ નાયિકાની મનઃસ્થિતિનું અનુરણન પણ એ દ્વારા પ્રગટે છે. નાથ ભલે પરવારી ગયા પણ નાયિકા હજી સક્રિય છે. નાયિકાને કામસૂત્રના After playની ઝંખના છે. એ પેલી મધુર પળના સ્વપ્નમાં જાણે કે સ્થગિત થઇ ગઇ છે! એ મોહક પીણું પીધા પછીની ઘેનિલ સ્થિતિમાં ડૂબી ગઇ છે. પ્રથમ મિલન પછીની એ સુંદર ક્ષણોનું કેવું નરવું ચિત્રણ કવિએ કર્યું છે! સંયોગ શૃંગારનું આ આલેખન ખરે જ વિરલ છે.
તમે તે પ્રત્યૂષે પરવરી ગયા નાથ! અહીંથીપથારી છાંડીને પથિક, અરધા સ્વપ્ન સરખા,અને હું તો સ્વપ્ને સ્થગિત, અધઘેને હું પછીયેતમોને ક્યાં સુધી રહી સઘન સેવંતી પડખે…
કોઇ વાર્તાકાર જીવનની એકાદ ક્ષણ પકડીને એની આસપાસ વાર્તાનું ગૂંફન કરે એમ કવિએ પણ અહીં દાંપત્યજીવનની પ્રથમ ક્ષણ પકડીને સૉનેટનું સુંદર મજાનું ઝભલું ગૂંથ્યું છે. સોહાગરાતની એ ક્ષણે માત્ર બે શરીરનું જ નહીં બે આત્માનું પણ મધુર મિલન યોજાયું છે. એ જાણે એકત્વની ચરમ અનુભૂતિની પળો છે. જે રીતથી નાયકનો નાયિકાના સકલ અસ્તિત્વમાં પ્રવેશ થાય છે તે રતિની ઉત્કટતાનું સૂચન કરે છે. પાતાળના ગૂઢ ગહનમાં પ્રવેશ એ કામની ગતિશીલતાનું દ્યોતક બની રહે છે. “રીતથી રતિથી”ના શબ્દવિન્યાસમાં જે ઊંધા-ચત્તાપણું છે તેમાં કામચેષ્ટાની છાયા વર્તાય છે. ભાષાનો સંયત પ્રયોગ કેવી સહજતાથી કવિએ કરી બતાવ્યો છે! વળી “સ્વાતિસુખદ અમીનું બુંદ છીપમાં”માં આરંભે “ગર્યું” શબ્દ પણ ભાષાની આવી જ રમણીયતાને ચીંધી બતાવે છે. અહીં છીપ જેવી નમણી નાયિકાએ સ્વાતિ નક્ષત્રનું પહેલું બુંદ ઝીલીને ભાવિ ફળની ઘોષણા પણ કરી દીધી છે. એ બુંદ ઝીલતાં થયેલો આનંદ તો વીજપુલક શો છે. જાણે વાત્સ્યાયનના સામ્પ્રયોગિક પ્રકરણના સંપૂર્ણ વાર્તિકની ઘોષણા જ જોઇ લો. જુઓ બધા રતિરંગ आलिंगनचुम्बननखच्छेद्यदशनच्छेद्यसंवेशनसीत्कृतपुरुषायितौपरिष्यकामानामष्टानामष्टाधा જાણે એકસાથે!
તમે તે રાત્રે જે રીતથી રતિથી ગૂઢ ગહનેપ્રવેશ્યા પાતાળો મહીં સકલ અસ્તિત્વ મુજનાઃગર્યું જાણે સ્વાતિસુખદ અમીનું બુંદ છીપમાં,હજી આનંદે તે વીજપુલકની ના કળ વળે,
રતિનો રોમાંચ જાણે વીજળી સરખો અનુભવાય છે. ઝબક ઝબક થતી વીજ સમા રતિની રતાશ ફરી વળી હોય એવો પુલક ક્યાં જઇ છૂપાવવો? એ જે આનંદની ઉજાણી તે રાત્રે અંગેઅંગમાં ફરી વળી હતી તેની કળ નાયિકાને દિવસો વિતવા છતાં નથી વળી!
સૉનેટના પ્રથમ બે ચતુષ્કમાં રાગનું શૃંગારરસિત આલેખન કર્યા પછી સૉનેટમાં ભાવપલટો આવે છે. શરૂઆતનું ‘નાથ’ સંબોધન હવે ‘વ્હાલા’માં પરિણમે છે. અહીં સંયોગ શૃંગારનું વાત્સલ્યમાં રૂપાંતપણ થાય છે. રતિનો જે ધસમસ પ્રવાહ હતો તે હવે સમધારણ બને છે. નાયિકા નદીના ધીરગંભીર પ્રવાહ સમી વહેવા લાગે છે. જે રસનો પ્રવાહ પોતાને ભીંજવી ગયો છે એના પરિણામ સ્વરૂપ દાંપત્યની ડાળખી પર સુંદર કુંપળનું અંકુરણ થતું અનુભવાય છે. નાયિકાના એ ભાવનું કવિએ ‘ઊન-ઝભલું’ના પ્રતીકથી નિરુપણ કર્યું છે. પોતાના ભાવિ સંતાનના આગમનપૂર્વે નાયિકા કેવી કેવી ભાવાનુભૂતિમાંથી પસાર થઇ રહી છે તેનું મનોહર ચિત્ર કવિએ આળેખ્યું છે! નાયિકાના એ પુલકને માણો જરાઃ
હવે વ્હાલા, હું તો નવરી જ નથી ને ક્ષણ પણઃન દ્હાડે કે રાતે, દિનભર ગૂંથું ઊન-ઝભલુંઅખંડે અંઢેલી ઘરની ભીંત અર્ધેરી ઊંઘમાં,ગૂંથું છું રાતોમાં પુલકનું ઝીણું કોઈ સપનું.
એ રોમાંચનું મધુર સપનું ગૂંથતાં ગૂંથતાં જાણે ઘેનમાં સરી પડે છે! છેલ્લી બે પંક્તિઓમાં થતો સ્ફોટ આમ તો ત્રીજા ચતુષ્કમાં જ ઇંગિત થઇ જાય છે. પણ હજી કંઇક ઉમેરી શકાય એવો અવકાશ છે એવું અનુભવતા કવિએ નાયકના ચરિત્રની એક એક રેખા નાયિકા પાસે ગૂંથાવીને; આખ્યાન પૂરું કરતા હોય એમ વલણ મૂકીને સૉનેટ પૂર્ણ કર્યું છે. ઊનના ઝભલાની જેમ બાળક ગૂંથવાની કળાનું વાર્તિક જાણે કવિએ રચી દીધું છે!
અને સાથે વ્હાલા! ભીતર ગૂંથું છું બાળક તમતમારી રેખાઓ લઈ લઈ, કંઈ ભેળવી મમ.
અલબત્ કવિએ અંતિમે “બાળક તમ” એવું મુખરપણે ના કહ્યું હોત તો સૉનેટની કલાત્મકતા ઓર નીખરી ઊઠી હોત. તેમ છતાં કવિએ ‘પથિક, અરધા સ્વપ્ન સરખા’ , ‘ગર્યું જાણે સ્વાતિસુખદ અમીનું બુંદ છીપમાં’, ‘પુલકનું ઝીણું કોઈ સપનું’ વગેરેમાં અનુક્રમે ઉપમા,ઉત્પ્રેક્ષા અને રૂપકનું તથા આગળ ઉલ્લેખિત પ્રતીકરચના દ્વારા ભાષાનો એવો તે સુંદર વિનિયોગ કર્યો છે કે આપણી ભીતર પણ એક મજાનું સૉનેટ ગૂંથાતું હોય એવો રસાનુભવ થાય છે. આ રસૈક્યથી વિશેષ તો બીજું સાફલ્ય શું હોય શકે ! એક નખશિખ કલાત્મક સૉનેટ માણવાનો લ્હાવો મળ્યો એ જ તો આપણા માટે વીજપુલક!
– જયંત ડાંગોદરા
( કવિલોકઃ જુલાઇ – ઓગષ્ટ, 2021માં પ્રકાશિત )
Wah jayantbhai
Vah mane mari yad avi gay
વાહ! અદ્દભુત!
વાહ વાહ
Wah kavi
– vihang
Wah Maja Padi gai Jayantbhai – Ingit Modi
waahh..
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ ઇંગિતભાઇ
ધન્યવાદ કવિ
ધન્યવાદ કવિ