દિવાળી-બેસતા વર્ષની લાણી પૂરી થાય કે રસિયા લોકમાંથી ‘લીલી પય્ રકમ્મ’ની હવા ફોરવા માંડે. કેટકેટલાંયે વરસોથી સંઘરેલા સંકલ્પની મૂડી ભેગી થાય ત્યારે ‘પય્ રકમ્મ’નાં અન્નજળ આવે ! અડોશી-પડોશી ને ગમતીલાંને વાત કાને નંખાવા લાગે. કોઈને અન્નજળ હોય તો કોઈને ના પણ હોય. જેમનાં અન્નજળ પૂંગ્યાં હોય એ તૈયારી શરૂ કરે ‘પય્ રકમ્મ’ની ! એ પણ ‘લીલી’ વિશેષણવાળી ‘પય્ રકમ્મ’ની ! લીલી વિશેષણ જ લોકની લીલીછમ ઇચ્છાઓને ચકલે ચકલે પ્રગટ કરતું રહે છે. આખું ગામ રમણે ચડે ‘પય્ રકમ્મ’ કરવા. ચૂરમાના લાડુ બનાવવા માટે શેકાતાં ઘીની સુગંધ ખડકી બહાર નીકળીને પાંચીકા રમવા માંડે. થેપલાંના ચમકારા લોઢીમાં ફૂંફાડા મારવા લાગે ને મન તો નાચણની જેમ પૂંછડી પટપટાવે ગિરનારની ટોચે બેસીને !
લોટ, તેલ, મરીમસાલાનું કાચું સીધું બંધાઈ જાય પોટલીમાં. ચા-પાણીની ટોપડી ન ભુલાય એની વિશેષ કાળજી લેવામાં આવે. ને અગિયારસ આવતાં આવતાં તો રસાલો ઊપડે ‘ભવેહર’ની દિશામાં. આમ ‘જય ગિરનારી’ના નાદ સાથે ભવ ભવની યાત્રા શરૂ થાય. ન જનારું લોક ચોકના ઓટલે બેસી બોલ્યા કરે : ‘આ તો બધી અન્નજળની વાતું છે. ગરનાર બરકે તો જવાય ને !’
વર્ષો સુધી મારું ભણતર લોકના આ પરમ પ્રાકૃતિક આનંદ સામે મોરચો માંડતું રહ્યું. ‘પરકમ્મામાં તે કંઇ ભગવાન મળતો હશે ? લોકોય હાલી મળ્યાં છે નિત નવા ફંદા લઈને. એકની પાછળ બીજું. ઘેટાં નઈ તો બીજું શું ?’ આવો પૂર્વગ્રહ અને પરિક્રમા કરવાથી ક્યાંક આપણેય સૌ સાથે અંધશ્રદ્ધાળુમાં ખપી જઈએ એવી બીક પણ ખરી. ફક્ત આટલાં ક્ષુલ્લક કારણોએ મને વર્ષો સુધી એ નરવા-ગરવા આનંદથી અલિપ્ત રાખ્યો હતો. નહિતર હું તો ગીરનું સંતાન. થોડાંક ડગલાં ભરું ત્યાં ગીરમાં પહોંચાય. પણ કોઈની સમજ ક્યાં કાયમ સ્થિર રહી છે કે મારી રહે ? ગઈ ગુજરી ભૂલી જઈને એક દિવસ હું પણ ઊપડ્યો ગરવા ગઢ ગિરનાર ભણી. કરસનદાસ સાગઠિયાના અવાજમાં રેડિયો પરથી પ્રસારિત થતું ભજન –
‘તારો રે ભરોસો મને ભારીએવો ગરવો દાતારગિરનારી રે ગિરનારી રે…’
– ક્યારે ગણગણી જવાયું તેનીય ખબર ન પડી !
આમ તો મીડિયા અને દૈનિક છાપાંઓના ગિરનારની પરિક્રમા સંબંધી કવરેજે મને ઉશ્કેર્યો હતો. દર વર્ષે સાત આઠ લાખ લોકો ઊમટી પડે છે ‘પરકમ્મા’ કરવા. અને આટલાં વર્ષોમાં હજુ સુધી સિંહ-દીપડા જેવાં જંગલી પ્રાણીઓએ પરિક્રમા દરમિયાન કોઈને રંજાડ્યા હોય એવો એક પણ દાખલો નથી નોંધાયો ! મને થયું કે એકાદ પ્રયોગ ખાતર પણ પરિક્રમા કરવી જોઈએ. વળી પ્રયોગ કર્યા વગર કોઈ નિર્ણય બાંધવો એ તો નર્યું અવૈજ્ઞાનિક જ ગણાય. એટલે પરિક્રમા તો કરવી જ એવા નિર્ણય પર આવ્યો હતો.
પ્રથમ વખત ગયો ત્યારે બે જોડી કપડાં, ઓઢવા માટે ગરમ ધાબળો ને પાથરવા માટે યુરિયા ખાતરની થેલીમાંથી બનાવેલું પાથરણું સાથે લીધું હતું. સંગાથ કરેલો ભાઈ વિનોદે. જંગલમાંથી પસાર થતી ટ્રેનનો લ્હાવો લેવા અમે એકાદ કલાક વહેલા પહોંચી ગયેલા ઉનાના રેલવે સ્ટેશન પર ! ઘડીએ ઘડીએ દેલવાડા તરફ જતા પાટા પર નજર નાંખીએ. પાવો સાંભળવાની ઉત્સુકતા હજી પણ સચવાયેલી હતી. અને પાવો વગાડતી ટ્રેન આવી પણ ખરી. પણ ભરચક ! દેલવાડાથી હકડેઠઠ ભરાઈ ગયેલી. યાત્રિકો ટ્રેનની છત પર ચઢી બેઠા હતા. રિચર્ડ એટનબરોની ગાંધી ફિલ્મનું એક દૃશ્ય નજર સામે ખડું થઈ ગયું, જેમાં ગાંધીજીના ભારતભ્રમણ વખતે એક સાથી ટ્રેનની છત પર પ્રવાસ કરતા લોકો સાથે બેસવા ઉત્સુકતાથી ઉપર ચડી જાય છે. અમે પણ એ જ રીતે છત પરની ભીડમાં ભળી ગયા હતા. પછી તો બે-ત્રણ યાત્રાઓ આ રીતે કરી હતી. અને આ વખતે હું અને કવિતા પણ આ રીતે જ છત પર…
અગાસી પર ખુરશીઓ નાખીને નિરાંતે બેઠા બેઠા આસપાસનો પરિસર અવલોકીએ એમ અમે પણ ટ્રેનની ગતિમાન અગાસી પરથી દશ્યો નિહાળવા માંડ્યાં. નજર સામેથી એક… બે… ત્રણ… એમ કોઈ ફિલમ જોતા હોઈએ એમ દેશ્યો સરકવા લાગે છે જાણે !
પાકી ગયેલા લાલ રંગના હોકાની લૂમથી લથબથ તાડ વૃક્ષો, લીલાછમ પટમાં ધોળા દહાડે કપાસના દૂધમલિયા તારાઓથી ચમકતાં ખેતરો, ટ્રેનની છત પર પ્રવાસીઓની ભીડ જોઇને કૌતુક વ્યક્ત કરતા ખેડૂતો, હાથ ઊંચા કરીને વિદાય આપતા અજાણ્યા ખેતમજૂરો, ઝરણાં પર બાંધેલા સેતુઓ પરથી પસાર થતી વખતે ટ્રેનના અવાજમાં આવતા તાનપલટાઓ, ખળખળતાં ઝરણાં ને નાનકડાં પુકુરોમાં ઉન્નત મસ્તકે ઊભેલું ઘાસ, સાંજ ઢળ્યે ઘરે પાછા ફરતાં બળદગાડાંઓ અને ગાય-ભેંસના ધણથી ધૂસરિત થયેલા માર્ગો, શેરડીનાં રસદાર ખેતરો અને તાલાળાની પ્રખ્યાત કેસર કેરીના બગીચાઓની ભરી ભરી મહેક અને આ સૌની વચ્ચેથી સાપ જેમ સરકતી અમારી ટ્રેન ! અદ્ભુત નજારો હતો !
ગીરના જંગલમાંથી પસાર થતી વખતે ટ્રેનની છત પર વિશેષ કાળજી રાખવી પડતી હતી. વૃક્ષની કોઈ કોઈ ડાળખીઓ અમારી ગુસ્તાખી માટે ક્યારેક લાફો મારી જતી ગાલ પર તો ક્યાંક પાંદડાંઓ પ્રેમથી હાથ પણ પસવારી જતાં ! અને કૌતુક તો જુઓ, સતાધાર આવતાં તો ચાંદો માથા પર ઝળૂબંવા લાગ્યો ! આથમતી સાંજમાં ચાંદનીના ઝાંખા તેજે નવો રંગ પૂર્યો આભમાં ! કેસરી ઝાંય આથમણી કોરે ડોકાં તાણવા લાગી. ઝાંખપ પકડતાં અજવાળામાં કવિતાના મુખ તરફ દૃષ્ટિ કરી તો વાદળના ફોદા જેવું સ્મિત ઊઘડી આવ્યું ! બાજુમાં આધેડ મજૂરણ સ્ત્રી પોતાના શરાબી ભરથારને સોમરસના ઘૂંટડાઓ ભરવાનું બંધ કરવા વિનવી રહી હતી. કદાચ અગાસી, શરાબ, ચાંદની, સુંદરી અને ઉપવન – બધું જ એકસાથે આવી ગયું હતું.
સમયના વહેણ સાથે ટ્રેન પણ વહી આવી હતી જૂનાગઢનાં મહાલયો વચ્ચે. પરિક્રમા કે શિવરાત્રિના મેળા વખતે આવાં દૃશ્યો જોવાથી ટેવાયેલી નગરવાસીઓની આંખો ઉપાલંભપૂર્વક નિરખતી હતી અમને. તો ક્યાંક ક્યાંક વિસ્મય પણ દીઠું. કપિલવસ્તુ નગરીમાં સર્વાર્થસિદ્ધિ રથ પર બેસીને નગરચર્યા કરવા નીકળ્યા ત્યારે જોવા ભેગી થયેલી ભીડનું સુંદર વર્ણન અશ્વઘોષે બુદ્ધચરિતમાં કર્યું છે. બારીમાંથી ડોકાતી સ્રીઓનાં મુખ આકાશમાં ખીલેલાં કમળ જેવાં શોભે છે એમ વર્ણવીને નગરચર્યાને અશ્વઘોષે રસિક બનાવી છે. અમે પણ રથમાં તો નહીં પરંતુ અગ્નિરથમાં બેસીને તો જરૂર વિહાર કરી રહ્યા છીએ ! વળી અમે પણ ગિરનારના ગેબી માર્ગે જ જઈ રહ્યાં છીએને ! પણ અમારું વર્ણન કરનારો અશ્વઘોષ ક્યાં ?
આખરે નવ વાગ્યે અગ્નિરથ જીર્ણદુર્ગના વિરામસ્થાને શ્વાસ લેવા ઊભો રહ્યો. મિત્ર કેહરભાઈ અહીંથી સાથે જોડાવાના હતા. પણ દૂરભાષથી ખબર પડી કે હજી તો વીંછિયાથી પ્રસ્થાન જ નથી કર્યું ! સ્ટેશનની બહાર નીકળ્યાં તો અનેક રિક્ષાઓ આવકારતી ઊભી હતી. “તળેટી… તળેટી… હાલો ભાઈ તળેટી…” અમે બહુચક્રી રથમાંથી ઊતરીને ત્રણ પૈડાંવાળા તગામાં સ્થાન લીધું. અહંકારનું એક વસ્ત્ર જાણે ઓછું થયું ! તળેટી તરફ પ્રયાણ કર્યું ત્યારે કવિશ્રી મનોજ ખંડેરિયાનો –
‘તળેટી જતાં એવું લાગ્યા કરે છે,
હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે.’
– શેર મનમાં ઝીણું ઝીણું જંતર વગાડવા લાગ્યો.
રાત્રિના દસ વાગી ગયા હતા. દામોદર કુંડ પાસેથી પસાર થયાં તો નરસિંહની કરતાલનો મધુર રવ ભીતરને સ્પર્શી ગયો. પણ રિક્ષા ખેંચી જતી હતી ભવનાથના ખોળામાં. ભૂખ પણ કકડીને લાગી હતી. પણ ભવનાથ મહાદેવનાં દર્શન પહેલાં પાણી પણ નથી પીવું એવો નિશ્ચય વારંવાર ઊઠ્યા કરે છે મનમાં. ત્યાં તો ઢગ… ઢગ…ઢઢઢ… ઢગ….ઢગ… કરતી રિક્ષા ઊભી રહી ગઇ. સામે જ મહાદેવ ભવનું પ્રવેશદ્વાર હતું. સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યાં. સજોડે દર્શન કરવાનો પણ એક અનેરો લ્હાવો હોય છે. સાથે સાથે મૃગીકુંડનાં પણ દર્શન કર્યાં. પણ શિવરાત્રિ વખતે મૃગીકુંડ જે દબદબો ભોગવે છે તે આજે નજરે પડતો ન હતો. કદાચ નાગા સાધુઓની ગેરહાજરીથી એવું લાગતું હશે. કોના સાંન્નિધ્યમાં કોનું મહાત્મ્ય વધે તેનું ગણિત હમેશાં અટપટું રહ્યું છે.અહીં સાધુઓની હાજરીમાત્રથી મૃગીકુંડ અલૌકિક બની જતો અનુભવાય છે. અમે દર્શન કરી પ્રવેશદ્વાર આગળ તસવીર ખેંચવા ઊભાં રહ્યાં ત્યાં એક માંગણ બહેન આવી. એની યાચના ફોટાની ખેંચતાણમાં ન સંભળાઈ અને એ કારણે જે ઉપાલંભ મળ્યો – ‘હા… હા… તમતમારે ફોટું પાડ્યા કરો હોં …’ એ હૃદયને વ્યથિત કરી ગયો. આપણે કેવા સ્વાર્થી છીએ નહીં !
એ પછી એક નાનકડા નાસ્તાગૃહમાં હળવો નાસ્તો કરી લીધો. થોડી પીપરમિન્ટની ગોળીઓ ખરીદી અને સૌ સાથે ‘જય ગિરનારી’ કરીને પરિક્રમા માર્ગે પ્રયાણ કર્યું. ગોળીઓ પાણીની અવેજીમાં તૃષા છિપાવતી રહેશે હવે. જોકે ગિરનારમાં હાલ પાણીની તંગી નથી પણ ઘોડીઓ ચડતી વખતે મોઢું ભીનું રાખવા માટે પીપરમિન્ટ ઉત્તમ રસાયણ છે. એક જગ્યાએ ‘પરિક્રમાના માર્ગ તરફ’ એવું દર્શક પાટિયું લાગેલું હતું. દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણ અને ત્યારબાદ મધ્યકાળમાં અજાભગત અને એક વખતના જૂનાગઢ રાજ્યના દીવાન અનંતજી વસાવડાએ કરેલ પરકમ્માના માર્ગે અમે પણ પ્રસ્થાન કર્યું. અજવાળી રાતે ‘જય ગિરનારી’ ‘જય ગિરનારી’નો નાદ ગુંજી રહ્યો હતો. અમે પણ એ ગુંજનમાં સૂર પુરાવ્યો. પણ હજી એક વસ્તુ લેવાની રહી ગઈ ! વાંસની લાકડી ! નાનકડી ટોર્ચ તો હતી જ, પણ લાકડી ? જોકે એ પણ મળી જ રહેવાની હતી !
માર્ગ હજી તો સિમેન્ટ, કોંક્રીટનો જ છે. વસવાટનું ક્ષેત્ર પૂરું નથી થયું હજી. આગળ સોસાયટી પણ છે. અન્નક્ષેત્રના સેવાભાવી કાર્યકરોએ ચારેબાજુ અડિંગો જમાવ્યો છે. કોઈને નાસ્તો કરાવ્યા વગર આગળ વધવા નથી દેતા. પ્રેમનો હઠાગ્રહ જ જોઈ લો ! અમે પણ ગરમાગરમ ગાંઠિયા અને ચાથી પરિતૃપ્ત થયાં. થોડું આગળ ચાલ્યા ત્યાં અંતરયાત્રા આશ્રમની ડેલી આવી. મિત્ર કવિ જાતુષ જોષી પાસેથી સ્વામીજી વિશે ખૂબ વાતો સાંભળેલી. એમનાં પુસ્તકોના સંપર્કમાં પણ આવવાનું થયું હતું. પણ હાલ તો દરવાજેથી જ પ્રણામ કરીને સંતોષ માનું છું. રૂપાયતન આગળ પર્યાવરણપ્રેમી મિત્રો પ્લાસ્ટિકની કોથળીઓના બદલામાં કાપડની થેલીઓ વિનામૂલ્યે આપી રહ્યા છે. શહેરી ભીડ વધી ત્યારથી પ્લાસ્ટિક પણ વધ્યું છે. લોકો પોતપોતાની સંસ્કૃતિનું સંતાન હોય છે. ગામડાના લોકો સીધુંસામાન સાથે લઈને ભજનની રમઝટ બોલાવતાં બોલાવતાં પરિક્રમા કરતાં હતાં ત્યારે આ પ્રશ્ન ન હતો. સમય બધું જ બદલી નાખે છે.
વનકેડીના માર્ગે પ્રવેશ કર્યો ને અહો ! વાંસની લાકડી પણ મળી ગઈ. નદીના વહેણ જેવો માનવપ્રવાહ વહી રહ્યો છે. ધીમે પગલે ચાલતા રહેવાનું છે. લાંબી ફાળો ભરવા જતાં તો થોડા સમયમાં જ થાકીને લોથ થઈ જવાશે તે હું અનુભવે જાણું છું. ઠંડી પણ હજુ તો ગુલાબી વિશેષણના લટકણિયાં પહેરીને ઉપવનમાં આંટા મારે છે. ગરમ વસ્ત્રોની હજી જરૂર જણાતી નથી. વળી માનવસમુદાયની હૂંફ પણ અડ્યા કરે છે મન-હૃદયને. ‘જય ગિરનારી’, ‘પ્રેમ સે બોલો… જય ગિરનારી’, નાના બોલે…. મોટા બોલે… એ રીતે શબ્દફેરે કોઈ એક જવાનિયો નારા લગાવ્યા કરે ને બાકીના સૌ પડ્યો બોલ ઝીલતાં આવે. અમે પણ વચ્ચે વચ્ચે ‘જય ગિરનારી’નો હોંકારો ભણી દઈએ છીએ – અનાયાશ જ !
ઈંટવાની ઘોડીનું ચઢાણ શરૂ થઈ ગયું છે. આ સ્થળે ઈંટવેશ્વર મહાદેવ બિરાજમાન છે. અહીંથી ક્ષત્રપકાલીન મુદ્રાઓ અને બૌદ્ધવિહારના અવશેષો મળ્યા છે. પણ આવી માઝમ રાતના સમયે આ બધાં સ્થાનો જોવાનો લ્હાવો મળે એમ નથી. આગળ ચાલીએ છીએ તેમ તેમ ઈંટવાની ઘોડી શ્વાસની ધમણને તેજ કરતી જાય છે. લાકડી લીધી તે સારું જ થયું. કવિતાએ પણ એક લાકડી ફોરેસ્ટ વિભાગના જૂના ડંગામાંથી શોધી કાઢી છે. ઘોડી ચડતી વખતે જેટલી મુશ્કેલી ન પડે તેનાથી બમણી ઊતરતી વખતે ઢીંચણને પડે છે એની મને ખબર છે હવે. ‘ઢાળ ઊતરતી ટેકરીઓ’નું સૌંદર્ય એ વખતે ઢીંચણ પકડીને ઓઝપાવા માંડે છે. એ વખતે લાકડી જ ટેકારૂપ બની રહે છે. અમે ઝાંખા અંધારામાં ખાડા-ટેકરા વટાવતાં માર્ગ કાપી રહ્યાં છીએ. જંગલ ખાતાએ પરિક્રમાના માર્ગને સમથળ કરવા જયાં ત્યાં પૂરાણ કર્યું છે, પણ ખાડા-ટેકરા વગર શું મજા આવે ? રસ્તામાં લીંબુ-શરબત, ફળ-ફળાદિ અને ચા- નાસ્તાના સ્ટૉલ પણ સમયાંતરે આવ્યા કરે છે અને આ બધાની હાજરી છતાં પહેલી ઘોડી ચડતાં જ પગ ઊંહકારા ભરવા લાગ્યા ! ઝીણા- બાવાની મઢી તો હજી દૂર છે. ચાર ચોક પછી એક રસ્તો સરકડિયા હનુમાન અને સૂરજકુંડ તરફ જશે અને એક મઢી તરફ. સૂરજકુંડવાળો માર્ગ દીર્ઘ છે. અમારે એ માર્ગ લેવો નથી. ઝીણા- બાવાની મઢીએ જ પહોંચવું છે. અત્યારે તો લોકો થાકી થાકીને જ્યાં પણ જગ્યા મળી ત્યાં નિદ્રાધીન થઈ ગયાં છે. અહીં રાત્રિ કુદરતના નિયમ પ્રમાણે નહીં પણ પરિક્રમાના નિયમ પ્રમાણે ચાલે છે. ‘જહાં શામ હો ગઈ વહી બના કૃષ્ણધામ’ નહીં પણ ‘જ્યાં લાગ્યો થાક ત્યાં પડી રાત’ – એમ ચાલે છે. ઝાંખુંપાંખું અંધારું, જનરેટરના અવાજો, ટૉર્ચના શેરડાઓ, ગિરનારીની ધૂન, ક્યાંક મોબાઇલમાંથી વહેતાં ભજનો તો ક્યાંક ભજનિકનાં ઘૂંટાયેલા કંઠમાંથી વહેતા સૂરો સાંભળતાં સાંભળતાં અને ઘસઘસાટ કુદરતના ખોળે ઊંધી ગયેલા લોકોની વચ્ચેથી પસાર થતાં થતાં વડલાવાળી કાળકા માતાના સ્થાનકે ક્યારે પહોંચી ગયાં તેની ખબર જ ન રહી ! સ્થાનક આગળ એક-બે ભક્તો અને બાવાજી બેઠા હતા. અમે દર્શન કર્યાં. વડલાના થડમાં માતાજીએ મુકામ કર્યો હતો. જોકે આ તો માત્ર વિસામો છે. મૂળ સ્થાન તો દત્તાત્રેય શિખરની સાતમી ટૂંકે આવેલ ભગવાન દત્તની ચરણપાદુકાની સામેના શિખર પર રહેલાં ભોંયરામાં છે. ત્યાં પહોંચવા માટેનો માર્ગ અતિ દુર્ગમ છે, પરંતુ માતાજી તો પરિક્રમાવાસીઓને દર્શનનો લાભ મળે એ માટે ઝીણાબાવાની પ્રાર્થનાથી રાજી થઈને આ સ્થાને પધાર્યાં છે. અહીં કોઈ ઈંટ-ચૂનાનું સ્થાનક નથી. માત્ર વડના થડમાં માતાજી બિરાજમાન છે એટલું જ. સિંદૂર અને ધજાના ફફડાટથી માતાજીની હાજરી વર્તાયા કરે છે બસ. વાયકા તો એવું કહે છે કે માતાજી મઢી ચણાવા દેતાં જ નથી. કોઈ પ્રયત્ન કરે તો ચણેલી મઢી કોઈ ને કોઈ હિસાબે તૂટી જ જાય છે. વાયકાઓની મજા પણ અનેરી હોય છે હો !
અમે દર્શન કરી, નિશ્ચિંત મને માતાના ખોળામાં પોઢેલા લોકો વચ્ચેથી પસાર થઈ ઝીણાબાવાની મઢીએ પહોંચી જઈએ છીએ. અહીં બાવાજીનો ધૂણો સતત ધખતો રહે છે અને રામનાથ મહાદેવ મંદિરમાં સૌ પરિક્રમાવાસીઓની આંખ પર હાથ ફેરવીને થાક ઉતારતા રહે છે. પહેલાં આ સ્થળ ઉત્તર રામનાથ તરીકે ઓળખાતું હતું, પરંતુ હાલ તો ઝીણાબાવાની મઢી નામે જ ખ્યાત છે. બંને બાજુ બિરાજમાન નાગા બાવાઓની હરોળ વચ્ચેથી પસાર થયા પછી જ મઢી સુધી પહોંચી શકાય છે. આ બાવાઓ નાગા હોવા છતાં મોરપીંછની સાવરણી માથા ઉપર ઠપકારી ઠપકારીને સતત પૈસાની ઉઘરાણી કર્યા કરે છે. સહેજ ઉદારતા બતાવો તો તમારી ઉદારતાને અંતિમ બિંદુ સુધી કસી જુએ એવા હઠીલા છે ! ક્યાં અપરિગ્રહી સાધુઓ ને ક્યાં આ નાગાઓ ! અમે પણ એ હરોળમાંથી પસાર થયાં. કવિતા સાથે હોવાના કારણે થોડી સરળતા પડી. મહાભારતનું યુદ્ધ યાદ આવી ગયું. અર્જુને શિખંડીનો સાથ લઈ ભીષ્મને હરાવેલા જયારે મેં આ ગિરનાર ક્ષેત્રમાં આ નિઃશસ્ત્ર નાગાઓને !
મઢીની પરસાળમાં અનેક લોકો મીઠી ઊંઘ ખેંચી રહ્યા હતા. ઝીણાબાવાએ બાંધેલો વિસામો ઘણા દુઃખિયારાંઓ માટે વિસામો બન્યો હશે. ઘણી કથાઓ ઝીણાબાવાના સંદર્ભે સાંભળવા મળે છે. કથાઓ પણ રસપ્રદ છે :
એક વખત મઢીએ આવેલા મુસલમાન રાજાના સિપાઈઓને બાવાજીએ કેરી ખાવા આપી. કેરીનો સ્વાદ અદ્ભુત હતો. સિપાઈઓ તો રાજા માટે લેતા ગયા. રાજાએ એનો સ્વાદ ચાખી આપનારાને પોતાની સમક્ષ હાજર કરવા ફરમાન કર્યું. સિપાઈઓ બાવાજીને લેવા ગયા પણ ખાલી હાથે પાછા ફર્યા. બાવાજીએ સંભળાવ્યું કે રાજા હોય તો તમારો, મારો રાજા તો દત્ત ગિરનારી છે. રાજાએ ફરીથી દોરડાથી બાંધીને લઇ આવવાનું ફરમાન કર્યું. સિપાઇઓ બાવાજી પાસે ગયા. પણ આ વખતે બાવાજીએ ધૂણામાંથી ચીપિયો કાઢી, બાજુમાં રહેલા પથ્થરોને અડાડીને એ પથ્થરોને જ પેલા સિપાઈઓ સાથે રાજા પાસે જવાનો આદેશ કર્યો. પથ્થરો તો માંડ્યા ચાલવા ! પછી તો રાજાએ માફી માગી ત્યારે માંડ એ પથ્થરો અટક્યા હતા. બીજી કથા એવી પણ છે કે ઘણા સાધુઓની હાજરીમાં બાવા ઝીણું રૂપ લઈને ચલમમાંથી બહાર નીકળી ગયેલા. અદ્દલ અરેબિયન નાઇટ્સના જીન જેમ ! આ ઝીણાબાવા નામ પણ એટલે જ પડ્યું છે હો !
આવી તો ઘણી કથાઓનો ખજાનો ધરાવતી ઝીણાબાવાની મઢી આગળ સૂવા માટેની બે ગજ જગ્યા ખોળી કાઢવા અમે નજરો ઘુમાવવા માંડી. જ્યાં નજર નાંખો ત્યાં બસ નિશ્ચિંત થઈને ઘસઘસાટ ઊંઘતા પરિક્રમા-વાસીઓ જ પરિક્રમા-વાસીઓ ! જંગલ, જંગલી પ્રાણીઓ, સાપ કે અન્ય કોઈ પણ જાતના ડર વગર લોકો વર્ષોથી આ રીતે પરિક્રમાના માર્ગે સૂતા આવ્યા છે. હજી સુધી તો કોઈ દુર્ઘટના ઘટી નથી. ચમત્કાર ન માનીએ તોપણ આ હકીકત સ્વીકાર્યા વગર છૂટકો નથી. સૂવાની જગ્યા શોધતાં હતાં ત્યાં અન્નક્ષેત્ર મળી આવ્યું ! રાત્રે દોઢ વાગ્યે પણ સેવકો આવનાર સૌને પ્રેમથી જમાડી રહ્યા હતા. દરેક અન્નક્ષેત્રમાં કાઠિયાવાડી આગ્રહ તો હોય હોય એને હોય જ ! જમવા મળ્યું પણ સૂવાની વ્યવસ્થા તો અન્યત્ર જ કરવી રહી. અમે શોધ આગળ વધારી. થોડે દૂર કેડીની બાજુમાં એક વૃક્ષની પાસે પડેલા મોટા પથ્થર પાછળ થોડી જગ્યા ખાલી હતી. ટૉર્ચ લાઇટથી ઝાડી-ઝાંખરાં હટાવી જગ્યા વ્યવસ્થિત કરી, આસપાસની સ્વચ્છતા તપાસી અમે ડંગો ખોડી દીધો. ઝરણાંના કિનારે જ જગ્યા હતી પણ ખળખળનો મધુર રવ સંભળાય તે પહેલાં તો આંખો ઘેરાઈ ગઈ ! અમારી બાજુમાંથી એ દરમિયાન હજારો લોકો પસાર થઈ ગયા હશે. જય ગિરનારીનો નાદ ગુંજતો હશે. પણ અમારા પર નિદ્રાદેવીએ કરેલી કૃપાનું તો શું કહેવું !
રાત્રે ખળખળ વહેતાં ઝરણાંનો જે નજારો પ્રત્યક્ષ નહોતો થયો તે સવારે પાંપણનો પડદો ઊંચકાતાં જ તાદૃશ થયો. વેલીઓથી વીંટળાયેલાં કોઈ પ્રેમયુગલ જેવાં વૃક્ષોની વચ્ચેથી માર્ગ કરતું એક ઝરણું ખળખળ કરતું વહી જતું હતું. કિનારે અને ઝરણાંની વચ્ચે ઊપસી આવેલા કાળમીંઢ પથ્થરો ગોરી કન્યાના ગાલ પર કાળા તલ જેવા શોભતા હતા. આમાંના એક પથ્થર પર બેસી ઘણાં વર્ષો પછી મેં બાવળનું દાતણ કર્યું. બાવળની તુરાશ મુખમાં ફરી વળી. ઊંઘરેટી આંખોને ઝરણાંના પાણીનું અર્ઘ્ય ચડાવ્યું. ભારઝલ્લા થઈ ગયેલા પગ કેટલીય ઘડી ઝરણાના ઠંડા પ્રવાહમાં બોળા રાખ્યા ! ક્યારે ધ્યાન લાગી ગયું તેની ખબર જ ન પડી ! પણ હજી તો અમે પહેલા પડાવે જ પહોંચ્યા હતા. ‘જય ગિરનારી’ બોલીને થેલા ખભે ચડાવ્યા. ઝાડીમાંથી કેડી પર આવ્યાં ત્યાં દત્તગુરુનું શિખર ઝળાહળાં ! પગમાં જોર આવ્યું. ત્યાં તો જે ઝરણાના કિનારે બેસીને પ્રાતઃ વિધિ પતાવી હતી એ જ ઝરણું રસ્તામાં આડું પડ્યું. ‘નહીં જવા દઉં’ એવી બાળસહજ હઠ કરતું ન હોય જાણે ! કવિતાએ એને તસવીરની ગોદમાં મઢી લીધું ત્યારે જ આંગળી છોડી !
આગળનો માર્ગ પથરાળ અને નર્યા ચઢાણવાળો હતો. ડગલે ને પગલે આવતી ચાની કીટલીઓમાં ચાવાળાઓ ચાની જેમ સવારને પણ ઉલાળી ઉલાળીને ઉકાળી રહ્યા હતા. ક્યાંક લીંબુ-શરબત તો ક્યાંક મસાલ સોડા પણ જોવા મળી જાય. એક જગ્યાએ ઊર્ધ્વગમન કરતી વરાળનાં દર્શન કરવા અમે પણ રોકાયાં. બંનેએ અડધી અડધી ચા ફૂંકી ફૂંકીને પીધી. કડક મીઠી ચાની ચૂસકીથી પગમાં જોસ્સાનો સંચાર થયો અને એ જોસ્સાના બળે અમે પણ જય ગિરનારી બોલતાં બોલતાં ચાલવા માંડ્યું. પણ હવે પછીનું ચઢાણ ધીરે ધીરે સૌને અંતરમુખ કરતું જતું હતું. ભીડ વચ્ચે એકલતાનો અનુભવ આવાં કપરાં ચઢાણ વખતે જ હમેશાં થતો હોય છે. પછી તે પર્વતનું હોય કે જીવનનું ! ‘પ્રેમસે બોલો….’નો પ્રતિસાદ ધીમો પડતો જતો હતો. કોઈ આગ્રહ કરે તો ક્યાંકથી અવાજ ટપકી પડે કે ‘ભાઈ હવે આ ઘોડી ચડ્યા પછી હો !’
નાનાં-નાનાં ટાબરિયાં તો ટપ ટપ કરતાં દોડ્યે જાય આગળને આગળ. એની પાછળ પાછળ મમ્મી-પપ્પા પણ કોઈ પરાણે ઢસડતું હોય એમ દોરાયા કરે. બૂમ પાડે કે ‘ધીમે ચડો, ધીમે ચડો. ક્યાંક લપસી પડશો.’ પણ કોણ માને ? વૃદ્ધ સ્ત્રી-પુરુષો મૌન ધારણ કરી માર્ગ કાપ્યા કરે. આડું-અવળું ક્યાંય જોતાં જ નથી એ તો. જાણે ધ્યાનસ્થ થઈ ગયાં ન હોય ગિરનારમાં !
ઉપર જતાં એક જગ્યાએ વિશાળ પથ્થરો આવ્યા. કાળા કાળા કાનુડા જેવા. ઈડરના પથ્થરોનું સ્મરણ થઈ આવ્યું. વાંસનાં ઝુંડ અને પથ્થરોનું સાયુજ્ય મને હાંફતાં શ્વાસ વચ્ચે પણ સ્પર્શી ગયું. તો બે વાંસ વચ્ચે બાંધેલું ‘પર્યાવરણ બચાવો’નું બેનર જાણે સ્વયં વાંસ જ બે હાથે પકડીને પોતાની વૃક્ષતા સામે માણસજાતે કરેલ અત્યાચાર બાબતે સૂત્રોચ્ચાર કરતા હોય તેવું લાગ્યું ! ત્યાં જ કોઈકે વાંસનો કટકો ભાંગ્યો ને પરિક્રમાનું પુણ્ય ચેરાઈ ગયું !
હાંફતાં હાંફતાં પણ માળવેલાની આ ઘોડી ચડ્યા વગર છૂટકો નથી. શિખાઉ વ્યક્તિ ઘોડી પર સવાર થાય અને ઘોડી જેવી રીતે તોફાને ચડે, કંઈક એવો ઘાટ સર્જાયો હતો. વળી માળવેલાની આ ઘોડી બીજી ઘોડીઓ કરતાં મોટી પણ ખરી. અમે તો હાંફી રહ્યા છીએ પણ એક ભિક્ષુક માટીમાં માથું દાટીને અમારા આશ્ચર્યને પણ હંફાવી રહ્યો છે. તેની બાજુમાં પાથરણું નાખી બેઠેલું બાળક હાથ લંબાવી લંબાવી યાચના કરતું જાય છે ને યાત્રિકો રૂપિયો – બે રૂપિયા એના પર ફેંકતા જાય છે. ભીખ માગવા માટેનો આ અજબ નુસખો છે ! બાળકોને આ કાર્યમાં ઠેકઠેકાણે જોતરી દેવાયાં છે. હાટડી નાખીને બેઠેલાં મા-બાપનું જ કોઈ બાળક આજુબાજુમાં ભીખ માગતું રહે છે. કોઈ હનુમાન બને છે, તો કોઈ ખોડિયાર માતા. બહુરૂપીઓની ભરમાર છે અહીં. કોઈ ડાકડમ્મર વગાડીને માંગે છે તો કોઈ એકતારા પર ભજન ગાઈને. આ તમાસામાંથી પસાર થતાં થતાં વિશાળ વડ, ભિક્ષુકો ને પાણીની પરબ વચ્ચેથી નીકળતો રસ્તો અમને માળવેલા પહોંચાડી દે છે.
ચોતરફ ટેકરીઓથી ઘેરાયેલું માળવેલાનું સ્થાન રમણીય છે. લીલીછમ વનરાજી વચ્ચે આવેલું મા અંબાનું મંદિર પરકમ્માવાસીઓનો આશરો છે. આ સ્થળે માર્કંડ મુનિનો આશ્રમ હતો. કહેવાય છે કે સુભદ્રાજીનું અપહરણ કર્યા પછી અર્જુનજી આ સ્થળે રહ્યા હતા. વળી મસ્તરામ બાપુએ પણ ઉંબરાના ઝાડની બખોલમાં ઘોર તપ કરેલું. બોટાદ સાથે મસ્તરામબાપુનો ખાસ્સો સંબંધ રહ્યો છે એ યાદ આવ્યા વગર ના રહ્યું !
દર્શન કર્યાં. ગિરનાર હોય અને ધૂણો ન હોય એવું તો કેમ બને ? બાજુમાં નાનકડી મઢી છે. ધૂણો ધખી રહ્યો છે. આસપાસ બાવાજીઓ બેઠા છે પણ કોઈ આગ્રહ નથી. ચા પિવડાવી રાજી થાય છે. અમે પણ આંખ-કાને ધૂણાની ભભૂતી અડાડી પરંપરાને સન્માની. આખરે પરંપરાગત માર્ગે તો પરિક્રમા કરવા આવ્યા છીએને !
બપોર ચડી ગયા હતા. માર્કંડમુનિની જેમ અમે પણ માત્ર ફળ-ફૂલ આરોગી બપોરા કર્યા. જામફળ, પાઇનૅપલ અને સફરજનનો સ્વાદ પેલા સિપાઈઓને ઝીણાબાવાએ આપેલી કેરી કરતાં જરા પણ જુદો ન હતો ! નદીકાંઠે ચોખવાળી જગ્યા શોધીને થાક ઉતારવો છે હવે તો. લોકો જ્યાં ત્યાં વામકુક્ષિ કરી રહ્યાં હતાં. અમે પણ સારા સ્થાનની શોધમાં છેક ઊંચા ઢાળ સુધી પહોંચી ગયાં. ઘાટો છાંયો જોઈ લંબાવ્યું. પણ ત્યાં તો દુર્ગંધ દુર્ગંધ દુર્ગંધ. લોકોની જ્યાં ત્યાં બેસી જવાની હાજતનો રોકડો દસ્તાવેજ હતો એ. તત્કાળ ડંગો ઉઠાવ્યો. વધારે ઊંચે ચડ્યાં. હાશ, હવે શુદ્ધ હવા મળી. કળતા પગ અને ભારેખમ આંખો તરત જ ઘેરાવા લાગી. પણ સામેનું દશ્ય જોયું તો સઘળુંય ગાયબ ! થાક થાકની જગ્યાએ રહ્યો ને આંખો તો ઝાકમઝોળ !
એક કુટુંબ બપોરા કરવા રોકાયું હતું અમારી સામેની ખળીમાં. આબાલવૃદ્ધ સૌ નીકળી પડ્યાં છે પરકમ્મા કરવા ! ઝીણી નજરે હિલચાલ નોંધી તો આશ્ચર્ય ! ગિરનારની આ ગેબી જગ્યાનાં ખુલ્લાં રસોડામાં તૈયારી થઈ રહી છે બપોરા કરવાની ! બે-ત્રણ નાના પાણકાઓ શોધી એક બહેને મળાંગો બનાવી લીધો હતો. મળાંગામાં સૂકાં કરગઠિયાં નાખી તાપ પેટાવ્યો ને જમતાં પહેલાંનો થાક ઉતારવા પ્રથમ તો બનાવી લાલઘૂમ ચા. લાલ કાપડું, ચૂંદડી અને કાળા રંગની જીમીમાં સોહતી દેહયષ્ટિ હાથ, પગ અને ગળા પર ચીતરેલાં છૂંદણાંથી વધારે દીપ્તિમાન થઈ ઊઠી હતી. રોટલા ઘડવા માટે બે પગની વચ્ચે રાખેલી કથરોટમાં લોટનો લૂયો મસળતી કાયામાં જાણે કોઈ લોકગીતનો લય પથરાતો હતો. ને રોટલાના ટપાક્ ટપાક્ અવાજમાં તો આદિમ કવિએ રચેલા શ્લોક વચ્ચેનો યતિ જાણે પડઘાતો ન હોય ! ટપ દઈને તવીમાં પડેલા રોટલાની સુગંધ મનને તરબતર કરી ગઈ. તો રીંગણાં-બટાકાના શાકમાં લસણિયા વઘારની સુગંધે ચિત્રને વધારે મનોરમ બનાવી દીધું ! મને માર્કંડમુનિના પગલે ચાલવા બદલ અફસોસ થયો. રે ભાગ્ય !
આખું કુટુંબ વર્તુળાકારમાં ગોઠવાઈ ગયું હતું. ગામડાનું ખેતર ગિરનારની વચ્ચોવચ આવી ગયું જાણે ! હોંશપૂર્વક જમતાં એ લોકોને જોઈને થયું કે આને પણ ધ્યાનનો જ એક પ્રકાર ગણવો જોઈએ. ઓશો કહે છે એવી હોંશપૂર્વકની આ ક્રિયા હતી. આ આનંદોપભોગ જોતાં જોતાં જ મારી તો આંખ મીંચાઈ ગઈ !
ઘટાદાર વૃક્ષોમાંથી ગળાઈ-ચળાઈને આવતા તડકાએ ચહેરા પર અડપલાં કરવા માંડ્યા ત્યારે રોંઢો થઈ ગયો હતો. શરીર પોતાની સ્થિતિમાં તસુભાર પણ બદલાવ માટે રાજી ન હતું. શરીર પોતાને મળેલી માટીની ઠંડકનો સંગ છોડવા આનાકાની કરતું રહ્યું, પણ દિવસ આથમે તે પહેલાં બોરદેવી પહોંચી જવું જરૂરી હતું. અને હજી વછેરા જેવી આકરી નળપાણીની ઘોડી ચડવાની બાકી હતી. ઊઠ્યા. ગમે તેમ પણ ઊઠી જવું પડ્યું. સાથે લીધેલ પાણીથી હાથ-મોં ધોઈ આળસ ખંખેરી વાળમાં કાંસકો ફેરવી નાગરિક થયાં અને નીકળી પડ્યાં ફરીથી દત્ત ગિરનારી બોલીને. ચા તો રસ્તામાં ક્યાંક મળે ત્યાં જ પી લેવાની હતી. પેલા કુટુંબ જેમ અમારી સાથે તો રસાલો ક્યાંથી હોય ?
માળવેલાની તળેટીથી જ નળપાણીની ઘોડીનો ચઢાવો શરૂ થઈ જાય છે. ધીરે ધીરે અલસગતિએ ડગ માંડતાં માંડતાં એક વિશાળ વડ પાસે ઊભાં રહ્યાં. ઘટાદાર છાંયાવાળી સ્વચ્છ અને સપાટ જગ્યા હતી. મનમાં થયું કે બપોરે અહીં સુધી ચાલી નાખ્યું હોત તો જામી જાત. પણ ત્યાં જ નરસિંહની ઉક્તિ યાદ આવી : ‘જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું તેહને તે સમે તે જ પહોંચે.’ અત્યારે તો એ જ નસીબમાં છે એમ સમજી થોડો વિસામો ખાધો. ચા પીધી. ઘડીભર લોકપ્રવાહથી અળગા પડી, નજર સામેથી પસાર થતા પ્રવાહને નીરખ્યો. સાક્ષીભાવ કેળવવાની પણ મજા હોય છે. પણ અમારો સાક્ષીભાવ ઝાઝું ટક્યો નહીં. પ્રવાહ, આ ધસમસતો પ્રવાહ ઘસડી જ ગયો અમને સાથે સાથે. લાકડીના ટેકે ટેકે ચાલવા માંડ્યું. પગમાં કળતર વધી હતી. ઘોડી તો સીધી ઊંચાઈ જ પકડતી જતી હતી. ચઢાણ આકરું જ આકરું ને અકારું બની ગયું હતું. ફરી બેસી જવું પડ્યું એક પથ્થર પકડીને. ત્યાં બાજુમાં એક વડીલે આવીને વિસામો ખાધો અને હસતાં હસતાં બોલ્યા – “વેકીસનમાં માસ્તરુ ને માસ્તરાણિયુ ‘પય્ રકમ્મ’માં આવ્યુ છે. હાહુને પગે નઈ લાગત્યુ હોય ઈ પાણાને પગે પડે સે.“ ભાષાનો કાઠિયાવાડી લય-લહેકો સાંભળવાની મજા પડી. ઘણી વાતો થઈ વડીલ સાથે અને થાક ઓગળી ગયો સરરરર કરતો બે ઘડીમાં ! ફરી પગ નળપાણીની ટોચ તરફ ચાલ્યા. આખરે ગમે તેમ કરીને, ઢીંચણ પર હાથને ટેકવતાં ટેકવતાં પણ પહોંચી જવાયું. શિખર પર પહોંચ્યો તો બાપા સીતારામનું ચાનું પરબ ! હાશકારો નીકળી ગયો મોઢામાંથી. વાહ ચા, આહ ચા એમ પણ મનોમન બોલી જવાયું.
ચા પીને ઘોડી ઉપર જંગલ ખાતાએ બાંધેલા ટાવર પર ચડવાની ઇચ્છા વળગી પણ ભીડ કહે મારું કામ ! ટાવર પર તો ન ચડાયું પણ પગથિયાં ઊતરતાં કોણ રોકવાનું હતું વળી ! વિહંગાવલોકન કરવાની ઇચ્છા ત્યજીને – દ્રાક્ષ ખાટી છે એમ સમજીને પગથિયાં ઊતરવા માંડ્યાં અમે તો. ઘોડીને સરળતાથી ઊતરી શકાય તે માટે સોપાનમાર્ગ તૈયાર કર્યો છે અહીં. સીધા ઢાળના જોખમથી બચવા માટે આ જરૂરી પણ હતું. માર્ગની બંને બાજુ ઓટલા જેવા કઠેડા છે, જેનો સહારો લઈને થાકેલા પગ થોડો આરામ અનુભવી શકે છે. ઓટલા પર કંકુ-ચોખા ને અબીલ-ગુલાલના સાથિયા પૂરેલા છે. તો કેટલાકે એકી સંખ્યામાં નાના નાના પાણકાઓની લંગસિયાં જેમ દેગરડી કરી છે. જેટલી મોટી દેગરડી થાય, એટલા માળનું મકાન ભાગ્યમાં થાય એવી માન્યતા છે. પણ બંને બાજુ ભિક્ષુકોની સંખ્યા જોતાં દેગરડી કરનારાની શ્રદ્ધા પર દયા આવે છે. પણ મને તો એ ક્ષણે જલન માતરીસાહેબનો જાણીતો શેર જ યાદ આવી ગયોઃ શ્રદ્ધાનો હો વિષય તો …
આ તરફ માંગણોની સંખ્યા વધી છે. વિવિધ વસ્તુઓના સ્ટોલ પણ વધ્યા છે. કદાચ વનકેડી પ્રમાણમાં સરળ થતી જાય છે એ કારણે પણ હોય. હવે કોઈ ઘોડી ચડવાની નથી. નિવૃત્તિ પછીના સમય જેવો રસ્તો છે. અંતિમ પડાવ આમ પણ સરળતા ભણીનો જ હોય ને ! આવી સરળતાને કારણે જ પાથરણાં, શરબત, ડોડાવાળાં અને સ્ફટિક તથા રુદ્રાક્ષ જેવા દેખાતા પારાની માળાઓ વેચવાવાળાની હાટડીઓ મંડાઈ ગઈ છે. પંક્તિબદ્ધ સ્મિત કરતા મકાઈના પીળા ધમરખ દાણા તરફ અનાયાસે ખેંચાઈ જવાય છે. ડોડા પ્રમાણમાં મોટા છે. એકાલાથી ખૂટે એવા નથી. કદાચ એટલે જ હું અને કવિતા સાથે નીકળ્યાં છીએ. એક ટુકડો એ જીવે, એક ટુકડો હું જીવું !
શ્રવણની કાવડ આગળ આવીને ઊભાં તો એક ઝરણું ઊતરી આવ્યું રૂમઝૂમ નાચતા બાળક જેવું ! ખળખળતા પ્રવાહમાં હાથ-પગ જ નહીં, મન-હૃદય બોળીને ઊભાં અમે. અંગેઅંગમાં શાતા ફરી વળી. જ્યાં ઊભાં રહ્યાં ત્યાંથી સામેની વડવાઈ પર શ્રવણની કાવડ ઝૂલતી હતી. શ્રવણે તેનાં માતા-પિતાને ગિરનારની પરકમ્મા કરાવી હશે ! ઇતિહાસ ફંફોસવા જતી આંખો બાજુમાં રહેલી પુસ્તકોની હાટડી પર ગઈ. નાનાં-મોટાં વ્રતો અને લોકકથાઓની ચોપડીઓનાં મુખપૃષ્ઠ સુંદર મજાનો કોલાઝ રચતાં હતાં. એક-બે ચોપડીઓ ઉથલાવી જોઈ ટેવવશ. પુસ્તક આગળથી એમ પણ ક્યાં ઝડપથી પસાર થઈ શકાય છે મારાથી ! ત્યાં જ ચાની પરબમાંથી આગ્રહ થયો ચા પીવા. પીધી.
પગનો થાક હવે મનમાં પણ પ્રસર્યો છે. સહેજ અટકીએ કે બેસી પડાય છે. લાકડી ટેકો કરે છે, પણ મનને કોના આધારે ટેકવવું ? બોરદેવીનાં દર્શન થઈ જાય પછી સૂઈ જવું છે ઘસઘસાટ. પણ હજી તો ત્રણ રસ્તા સુધી જ પહોંચ્યા છીએ. વચ્ચે સોનરેખ આડી પડી છે. ખરું નામ તો સુવર્ણરેખા છે ! કેટલું રમ્ય લાગે છે બોલવામાં ! નાનકડો બંધ બાંધ્યો છે એના ઉપર એટલે વનમાં સુંદર મજાનું પુકુર રચાયું છે. અહીંથી એક માર્ગ ભવનાથ તરફ અને બીજો બોરદેવીના મંદિર તરફ જાય છે. રસ્તામાં અનેક અન્નક્ષેત્ર, ગૌશાળા માટે દાનની અપીલ કરતાં લાઉડસ્પીકરોનો ઘોંઘાટ, ક્યાંક રામાપીરનો વેશ રચવાના મંડપો તો ભાત ભાતની માળાઓ, ગરમ મસાલાઓ અને રમકડાંની હાટડીઓની ભરમાર જ્યાં જુઓ ત્યાં !
અન્નક્ષેત્રના સ્વયંસેવકો આગ્રહપૂર્વક જમવા બોલાવે. વચ્ચે આડા પડે. પણ અમે તો બોરદેવીનાં દર્શન પછી જ જમવાનાં ! મંદિરના પ્રવેશદ્વાર આગળ પહોંચ્યાં તો બંને બાજુ ભગવાધારી સાધુઓ, ક્યાંક નાગા બાવાઓ તો ક્યાંક ક્યાંક એકાદ બે સાધ્વીઓ પણ જોવા મળી ગઈ. એક જગ્યાએ તો સાધુ-સાધ્વીનું જોડું પણ ધૂણી ધખાવીને બેઠું હતું ! મેં અને કવિતાએ એકબીજા સામે મરકતાં મરકતાં મંદિરના પરિસરમાં પ્રવેશ કર્યો. દર્શન માટે લાંબી કતાર લાગી છે. મૂર્તિ અંબાજી માની છે, પણ બોરડીના ઝુંડ નીચે પ્રગટ્યાં હોવાથી બોરદેવી તરીકે ઓળખાય છે. અહીંથી ગિરનારનાં શિખરોનું સ્પષ્ટ દર્શન કરી શકાય છે. દત્ત ટૂંક અને ગબ્બર પર્વત પણ જાણે એકદમ નજીક હોવાનો અહેસાસ કરાવે છે. ગબ્બરને ગધૈયો પર્વત પણ કહે છે. મૂળ નામ તો ગંધર્વસેનનો પર્વત ! એમાંથી ગધેસંગ અને છેવટે ગધૈયો થયું. બત્રીસ પૂતળીની વાર્તામાં દસમી પૂતળી જેની વાર્તા કહે છે તે આ ગંધર્વસેન. અહીંથી ખોડિયાર ઘૂનો, રામવાળાનું ભોંયરું, તાતણિયો ઘૂનો – વગેરે સ્થળોએ જવાય છે. પણ અમારે તો મંદિરમાં જ દર્શન – પ્રસાદ કરી ક્યાંક ચાંદની નીતરતાં ઝાડ નીચે સ્વપ્નસ્થ થઈ જવું છે.
અન્નક્ષેત્રમાં અકિંચન થઈને જમ્યાં. સર્વ અહંકાર કોરાણે મૂકી, ઓળખનો અંચળો ફગાવી માતાજીનો પ્રસાદ આરોગવાની જે મજા આવી તે પંચ તારક હોટલમાં પણ ન આવત. અને હવે પ્રવેશ કરીશું કુદરતી રોશનીથી પ્રદીપ્ત ખુલ્લા બેડરૂમમાં ! ઝાડવાઓની દીવાલ, ધરતીનું પાથરણું ને ચાંદનીની ચાદર ઓઢીને સૂઈ જઈશું.
ભવનાથ તરફ જતાં ક્યાંક જગ્યા મળી જશે. સૂરજ આથમી ગયો છે એટલે ટૉર્ચના અજવાળે શોધખોળ આદરવાની છે. જ્યાં જ્યાં પ્રકાશ ફેંકું ત્યાં ત્યાં લોકો નિશ્ચિંત ભાવે સૂતેલાં જોવાં મળે. તો ક્યાંક તાપણાં સળગાવી રસોઈ રાંધતાં કુટુંબો કે ગરમાવો લેતી નવયુવાનોની ટુકડીઓ નજરે પડે. એક વળાંક આગળથી અમે ઝાડીમાં પ્રવેશ કર્યો. એક પછી એક પડાવો વટાવતાં એક જગ્યાએ સપાટ ખુલ્લી જગ્યા મળી. નાના હતા ત્યારે ખેતર ખેતર રમત રમતાં એટલી એ જગ્યા ! ગુલાબી ઠંડી અને ઝાડવાઓમાંથી ચળાઈને આવતી ચાંદની વચ્ચે અમે ગોઠવાઈ ગયાં. જય ગિરનારીનો નાદ અને ભજનોના સૂર વચ્ચે ક્યાંક ચાંદની પણ અડપલાં કરી જતી હતી. શાંત કોલાહલભર્યા વાતાવરણનો અનુભવ અહીં સાક્ષાત પ્રગટ થયો જાણે ! અમારી બીજી રાત્રિનો પડાવ નીતરતી ચાંદની વચ્ચે આંખમાં ઢબૂરાઈને ઘસઘસાટ ઊંઘી ગયો !
રાત્રે બે વાગ્યાની આસપાસ આંખ ઊઘડી ગઈ. કવિતા પણ આંખો પટપટાવતાં બોલી કે ચાલો સવાર થઈ ગયું. પણ ઘડિયાળમાં નજર નાખી ત્યારે ખબર પડી કે ગિરનારમાં રાત પડતી જ નથી. માંડ બે વાગ્યા હતા. પરિક્રમવાસીઓ અવિરત ચાલ્યા જ કરે છે અહીં. એ પછી અમે ફરીથી જાગ્યાં ત્યારે ભળકડું થઈ ગયું હતું. પગનું કળતર શાંત પડી ગયું હતું, પણ અક્કડતા વધી હતી. બહુ ઝાઝું અંતર કાપવાનું નથી હવે. આ રહ્યું ભવનાથ. માત્ર સાત કિલોમીટર !
પ્રાત:વિધિ આટોપી નીકળી પડ્યાં. પડાવની માટીને પ્રણામ કરી રજા લીધી ત્યારથી જ ગિરનારથી વિખૂટા પડવાની પીડા આંખમાં ખટકવા લાગી હતી. એ ખટકના માર્ગે આગળ વધીએ ના વધીએ ત્યાં તો લીરબાઈમાનું અન્નક્ષેત્ર આવ્યું. કવિતા નાસ્તા માટે હરોળમાં ઊભી રહી ગઇ ને મેં સામાન પકડ્યો. આજ એકાદશી છે. હું આજ આખો દિવસ નકોરડો ઉપવાસ કરીશ. હા, ચા-પાણી ચોક્કસ લઇશ. કવિતા ગરમાગરમ ગાંઠિયા અને મરચાની ડિશ લઈ આવી. પાણી આવ્યું મોઢામાં. પણ શું થાય ? બીજા બે-ચાર યુવાનો પણ બાજુમાં ગાંઠિયાની જ્યાફત ઉડાવે છે. તેમાંના એકને ફોટો ખેંચવા કૅમેરા આપ્યો. પરિક્રમાનો અંતિમ પડાવ છે આ. સ્મૃતિ સ્ટેચ્યૂ કરી લેવી છે. ત્યાં તો અત્યાર સુધી મૂંગોમંતર પડી રહેલો મોબાઇલ ફોન રણકવા માંડ્યો. કેહરભાઈનું નામ લબૂકઝબૂક થયું. ‘ક્યાં પહોંચ્યા ?, અમે તળેટીમાં જંગલ ખાતાવાળા લાકડીઓ પાછી લે છે તેની સામેના વળાંકે બેઠા છીએ. ચા-નાસ્તો બનાવીએ છીએ, આવો.’ અમે પણ પહોંચવામાં જ હતાં. પરિક્રમા સાથે કરવાનું નક્કી કર્યું હતું, પણ મળ્યા પૂર્ણ થઈ ત્યારે ! રાજેન્દ્ર શુકલની પંક્તિનું સ્મરણ થઈ આવ્યું !
‘મને ગોતવામાં જ ખોવાયો છું આ,પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ !’
બોટાદના ભદ્રાવડી ગામમાં સાથે નોકરી કરતા હતા. છૂટા પડ્યા પછી પ્રથમ વાર આ પરકમ્મામાં મળ્યા. કુટુંબકબીલો સાથે હતો. છેક વીંછિયાથી આખોય સંયુક્ત પરિવાર રસાલા સાથે નીકળ્યો હતો. બધાં ભાવથી મળ્યાં. ‘જય ગિરનારી’ ‘જય ગિરનારી’ બોલતાં બોલતાં જીભ પર મીઠાશનો અભિષેક થતો હતો જાણે ! ઘડીભર થાક ઉતારી વિદાય લીધી. લાકડીઓ ભવનાથ મહાદેવને અર્પણ કરી. ગિરનારને દંડવત્ પ્રણામ કર્યાં. શરીર ગિરનારની પવિત્ર રજ અને ગંધથી તરબતર થઈ ગયું હતું. સ્નાન કરીને નાગરિક થવાની ઇચ્છા પણ થતી નથી હવે. કોઈ અદશ્ય ચેતનાથી વીંટળાયેલાં અમે વારે વારે પાછું ફરીને ગિરનારને નીરખતાં રહીએ છીએ બસ નીરખતાં જ રહીએ છીએ.
– જયંત ડાંગોદરા
( નવચેતનઃ એપ્રિલ,2015માં પ્રકાશિત )
જય ગીરનારી….
જય ગીરનારી,
આ લ્હાવો મે પણ લીધો છે,ખરેખર અવિસ્મરણિય. તમારા લખાણે જૂની યાદો તાજી થઇ.
અદ્ભૂત આલેખન..શબદ ની ધારા…
એમ લાગ્યું કે વાંચતા વાંચતા જ પરકમાં થઇ ગઇ..
ખૂબ ખૂબ સરસ
અદ્ભુત તાદ્રુશ વર્ણન વાંચતાં લીલી પરિક્રમા કરતા હોઈએ એવું લાગ્યું.
જય ગિરનારી
આ લ્હાવો ખરેખર અવિસ્મરણીય છે. ધન્યવાદ
ધન્યવાદ.. જય ગિરનારી
જય ગિરનારી લીલી પરીક્મા 4 વખત કરેલ આજે પાંચ મી વખત તમે કરાવી દીધી, જય ભોલેનાથ
બહુ સરસ, અભિનંદન. અમારી પરિકમ્માની યાદ આવી ગઈ.
Very interesting and graphic and poetic. Congratulations. Pradip Khandwalla
પ્રથમ પરિક્રમા વાંચતા થઈ ગઈ
ધન્યવાદ.. જય ગીરનારી
જય ગિરનારી…ધન્યવાદ
જય ગિરનારી…ધન્યવાદ
જય ગિરનારી…ધન્યવાદ
ધન્યવાદ સર
ધન્યવાદ… જય ગિરનારી