આગલા દિવસે તો હજી પાકી ગયેલા તલને વાઢીને ખેતરમાં ઊભડા કરવામાં ઘરના સૌ સભ્યો મશગુલ હતાં. કામ ઝટપટ ઉકેલવા માટે બે-ચાર દાડિયાં પણ કરી લીધાં હતાં. વાદળની નાનકડી ખડા નીકળેલી જોઇને જલદી જલદી બધું આટોપી લેવાની તાલાવેલી લાગી હતી. બપોરનું ભાથું પણ ખેતરે જ મંગાવી લીધું હતું. ગાઢી ચીકુડીના છાંયે બેસી અલપ-ઝલપ તગતગતા સૂરજની સાખે અડદની ઢીલી દાળમાં બાજરાનો સોડમદાર રોટલો ચોળીને મીઠી મધુરી છાસ સાથે આંગળિયું ચાટતાં ચાટતાં સબડકા ભર્યા હતા. સામે લીલુંછમ મરકતાં તલહરાં જોઇને બાવડાંમાં શેર લોહી ચડી જતું હતું. ઘેટાંથી ફાટફાટ થતાં તલહરાં જાણે ચિંતાની ડાકણને ઠેબે ચડાવીને ધમાલગોટો રમી રહ્યાં હતાં! આ ઘેટાં એટલે કંઇ ભરવાડનાં ઘેટાં નહીં, પણ તલ ભરેલું ફોફું!
વૈશાખની એ ધગધગતી માટી વચ્ચે પાકી ગયેલા પાકને ઘર ભેગો કરી દેવા માટે અડોશ પડોશનાં સૌ ખેતરોમાં હડિયાપટ્ટી બોલતી હતી. આંબાવાડિયામાંથી આવતા કોયલનાં ટહુકાઓ તડકામાં અટવાઈને પીળા પડી જતા હતા. લટકતી કેસર કેરીઓ પણ કામની લાહ્યમાં વિસરાઈ ગઇ હતી. આખું લોક જાણે સીમ વચાળે રઘવાયું બની આમતેમ રવડતું હતું. ક્યાંક ઉપાડી નાખેલ માંડવી ( મગફળી )ના પાથરા પડ્યા છે તો ક્યાંક મગના! ગઇકાલે તો રાત્રી પણ કેવી ચોખ્ખી ચણાક ને તારલિયાઓના પાકથી ફાટફાટ થઇ રહી હતી! વાહોપે આવ્યો ત્યારે તલ અને તારલિયાની અનાયાસ સરખામણી થઇ ગયેલી. તારો ખરતો જોઉંને મનમાં તલ ખરી જતા હોય એવું લાગે! વતનમાં આવીને વાહોપાની મજા ન લઉં એ તો કેમ બને?
તારલાને ખરતા જોઇ દુઃખી દુખી થઇને ‘હે રામ’ બોલી પડતા અમ ખેડૂતલોકને હવામાન ખાતાંએ પછીના બીજા જ દિવસે રીતસર જાણે ભાગતા કરી મેલ્યા હતાં. માલ-ઢોર, વાડી-ખેતર અને પાકની સલામતી માટે આવેલા સાવચેતીના સંદેશાઓએ ચોમેર ધમસાણ મચાવી દીધું હતું. વળી દરિયાકાંઠાનાં ગામોને તો વધારે સાવચેત કરાયાં હતાં. હા, તાઉતે નામધારી વાવાઝોડું ઉના-દીવના દરિયાકાંઠે ટકરાવાનું હતું. ટકરાવા કરતાં ત્રાટકવાનું શબ્દ જ મને તો વધારે બંધબેસતો લાગે છે. હવે ઊભા પાકમાંથી જેટલું બચાવી શકાય એટલું બચાવી લેવાનું હતું. તાઉતેને આવવામાં માત્ર એકાદ દિવસનું છેટું રહ્યું હતું. એ પછી તો અમે આખો દિવસ અને પૂરી રાત તલહરાં ખેર્યાં ! ઘરનું ઝીણું મોટું દરેક સભ્ય અંધારઘેરી રાતમાં ઊભડાં ખેરવાના કામે લાગી ગયું હતું. છતાંય એક રાતમાં બચાવી બચાવીને કેટલું બચાવા શકાય? આખું ગામ ઘર છોડીને ખેતરોમાં પડ્યું હતું. કોઇ માંડવીના કૂંદવા ખડકે તો કોઇ પાકવા આવી ગયેલી કેરીઓ વેડે! કોઇ માલઢોર માટે નીરણપૂળો બાંધે તો કોઇ ભરોટું ભરે! આ બધી જફા ઇશ્વરને ઓછી લાગી હોય કે રામ જાણે, ત્યાં વહેલી સવારે ધરણી ખળભળી! થોડાંક ડોસાં-ડગરાં ને બાળગોપાળ જે આરામની ઊંઘ લેતાં હતાં તે પણ ઝબકીને હાંફળાં ફાંફળાં ઘરની બહાર! ભૂકંપના આંચકાએ જાણે પડ્યા ઉપર પાટુ મારી! જો કે ભૂકંપ તો બહુ અસરકારી ન હતો, પણ ક્ષણભર તો હાજાં ગગડાવી જ નાખ્યાં. તાઉતેની છડી પોકારવા જ જાણે ન આવ્યો હોય! આ જ ગગડાટ પછીની સાંજે પવન રૂપે પાછો ફર્યો ! પૂર્વે કવિશ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીએ દરિયાની ભરતીનાં સંદર્ભે રચેલાં સૉનેટ ‘ભરતી’ની પેલી જાણીતી પંક્તિઓ હવામાન ખાતાની આગાહી સાથે જાણે સંપૂર્ણપણે બંધબેસતી હતીઃ
સહસ્ત્ર શત ઘોડલા અગમ પ્રાન્તથી નીકળ્યા,
અફાટ જલધિ પટે અદમ પાણીપન્થા ચડ્યા;
હણે – હણહણે : વિતાન, જગ, દિગ્ગજો ધ્રૂજતા,
ઊડે ધવલ ફેન શી વિખર કેશવાળી છટા !
આ અગમ પ્રાન્તથી નીકળેલા શતસહસ્ત્ર પવનના ઘોડાઓ અમારી લીલી નાઘેરને ધોરી રસ્તો સમજીને પસાર થવાના હતા. કોઇ મહાન સોનાપતિ પોતાના લાવલશ્કર સાથે નીકળવાનો હોય એવી આગાહીઓ ચોગરદમ ગૂંજવા માંડી હતી. ને બપોરે તો એનાં આગમનની એંધાણી આપતી છાંટાઓની ઝરમર પણ ઊડવા માંડી હતી! છાંટાછૂટીમાં કામ પણ કેવી રીતે થાય? ખેતરોમાંથી લેવાઇ એટલું તો લઇ લીધું હતું. હવે તો કંઇ બચાવી શકાય એવી સ્થિતિ પણ રહી ન હતી. મોઢા સુધી આવેલા કોળિયાની માત્ર સુગંધ લઇ શકાય તો પણ ઘણું હતું. આખો કોળિયો ખાવાના તો વેંત જ રહ્યા ન હતા!
પછી તો જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ પવન જોર પકડતો ગયો. શરૂઆતમાં ધોમધખતા ઉનાળાની ગરમી અને ઉકળાટમાં ઠંડકનો અનુભવ કરાવનાર પવન ધીમે ધીમે ખળામાં બાજરી વાવલતાં ઊડતી ભખી સમાન આખા ડિલે ચટકા ભરવા લાગ્યો ! કીડી જેવા ભખીના ચટકા પછીથી મંકોડાના ચટકામાં ફેરવાયા અને સાંજ પડતાં પડતાં તો આખે ડિલે ઊપડેલી કાળઝાળ વેદના જેવા વીંછીના ડંખમાં છાકટો પવન પરિવર્તિત થઇ ગયો! આ જ પવન અધરાતે મધરાતે કાળા ફણીધરમાં રૂપાંતરિત થઇ જશે એવી તો કલ્પના પણ ક્યાંથી હોય?
અંધારાનો અમલ શરૂ થાય એ પહેલાં ધાબે ચડીને આસપાસનાં ઘરો અને ખેતરોમાં નજર નાખી તો આખું દૃષ્ય ધૂંધભરી ખીણ જેવું હતું. નારિયેળીઓ કોઇ શરાબીની અદાથી આમથી તેમ ડોલતી હતી. જાંબુ અને રામણાના ઝાડવાં કોઇ ભૂવાની જેમ ધૂણતા હતા. રાવળિયો પવન હાંકોટા પાડી પાડીને ડાકલું બજાવી રહ્યો હતો. ઝાડવાના પાંદડે પાંદડે તલવારની જેમ સોઇઝાટકીને વીંઝાતો પવન ડાકડમ્મર કરતાં પણ વધુને વધુ બિહામણું રૂપ ધારણ કરવા માંડ્યો હતો. પાંદડે પાંદડું પટપટાટી બોલાવતું જીવન-મરણ વચ્ચે હિંચોળા લેવા માંડ્યું હતું. વડ અને પીપળાના ઝાડ હજી પણ ટક્કર ઝીલીને સ્વસ્થ જણાતાં હતાં. વૃક્ષોમાં વડીલ ખરાને! એમાંય શ્રીકૃષ્ણએ તો વૃક્ષાણામ્ અશ્વત્થોહમ્ એવું કહેલું છે. એટલે અન્ય નાના નાના ઝાડ પહેલાં પોતે જ ડરીને ઊભાં રહે એ તો કેમ પાલવે ? જો કે પવન પણ હજી એમની આમન્યા જાળવતો હતો.
સાંજે પાછા ફરતા બગલાઓ પવન સામે બાથ ભીડતા ઘર તરફ પાછા ફરી રહ્યા હતા. અલબત્ સીધી લીટીમાં ગતિ કરવા માટે સંઘર્ષ કરવો પડતો હતો. પાંખો ફગી જવા લાગી હતી. ક્યારેક ઊડવાની રેખ ઝિગઝાગ પણ બની જતી હતી. પેલાં હલકાં ફૂલકાં વાદળાને તો પવન ફૂંક મારીને ક્યાંના ક્યાં ઉડાડી મૂકતો હતો. નેજવું કરીને દૂર દૂર સુધી નજર કરી તો બધે બસ આવી જ બઘડાચટ્ટી બોલતી હતી. મનમાં હતું કે એકાદ બે કલાક ફૂંફાડા નાખીને ચાલ્યો જશે. દરિયાકાંઠાનું લોક આવા સિત્તેર – એંસી કિ.મી.ની ઝડપવાળા પવનથી આમ પણ ટેવાય ગયેલું હોય એટલે શરૂઆતમાં તો કાંઇ બીક જેવું લાગ્યું ન હતું. પરંતુ જેમ જેમ રાત ચડતી ગઇ તેમ તેમ અંધારું અને વરસાદના છાંટા પીધેલો પવન બંદુકની ગોળી જેવું સ્વરૂપ ધારણ કરવા માંડ્યો હતો.
વાવાઝોડાની આગાહીના પગલે વીજળી તો ક્યારની વેરણ થઇ ગઇ હતી! સેલફોનની લાઇટે વાળુ કરવાનો દાડો આવ્યો હતો. હું તો માંડ કોરોનાની બીજા તબક્કાની ભયંકરતામાંથી છૂટીને થોડા દિવસ બા-બાપુજી અને ભાઇના પરિવાર સાથે આનંદપૂર્વક સમય વિતાવવા થોડા દિવસની રજાઓ મૂકીને વતનમાં આવ્યો હતો. બાળકોને અમદાવાદના કોરોનાના કડક જાપતામાંથી મુક્તિ મળે એવો ઉદ્દેશ પણ હતો. દાદા-દાદી સાથે રહે, આંબાની શાખો ખાય, માંડવીના ઓળા ને મગની શેકેલી સીંગોનો સ્વાદ માણે એવી પણ ઇચ્છા ખરી. પરંતુ આ સઘળી ઇચ્છાઓ પર તાઉતેએ કિચડનું લીપણ કરી નાખ્યું. પારિવારિક આનંદની જગ્યાએ વાવાઝોડાના ભયાનક અનુભવનું પોટલું બંધાય ગયું ! દસ – પંદર મિનિટ લાઇટ વગર ન રહી શક્તાં અમે શહેરમાં વસેલાં ગામડિયાં પૂનઃ પૂર્વાનુભવની સ્થિતિએ આવી પડ્યાં! હવે તો પેલો દીવો પણ હાથવગો રહ્યો ન હતો. પતરાનું નાનું ડબલું કે કાચની શીશીમાં કેરોસીન ભરીને ઢાંકણા પર લૂગડાની વાટ ચડાવી બનાવેલા દીવા તો કેદુના ઘર-ગામમાંથી પગ કરી ગયા હતા! મીણબત્તીઓ તો ક્યાં શોધવા જવી? એટલે માતાજીને ઘીનો દીવો કરીએ એમ ફરી આજે રકાબીમાં રૂની વાટ કરીને દીવો પ્રગટાવ્યો. ઝાંખો લાગતો પ્રકાશ પણ આજે દેદિપ્યમાન લાગતો હતો! કોડિયાંની ઠઠ્ઠામશ્કરી કરનારા અમે એની સામે આજે વામણા સાબિત થયા હતા.
સેલફોનનાં ટમટમિયાં પણ રાતે દસ વાગતા સુધીમાં તો ઠરી ચૂક્યાં હતા. વીજળી અને નેટ વગરની રાત્રી સંપર્ક વિહોણી બની ગઇ હતી. આસપાસના કુટુંબીજનોના હાલહવાલ પૂછવાપણું જ પછી તો ના રહ્યું. દૂર શહેરમાં રહેતો ભાઇ પણ હવે કાનવગો ન હતો. ઘરમાં હતાં એટલાં સભ્યોની જ હવે તો ફિકર કરવાની હતી. પવન હવે ધીરે ધીરે દેમાર સુસવાટા મારી રહ્યો હતો. હડકાયા કૂતરાની જેમ ગામની ગલીકૂચીમાં પવન હડિયાપાટી કરતો હતો. સૂઅઅઅઅઅ…..સૂઅઅઅઅ કરતો આવે સુમમમમમ…કરતો ગોળી! ઘરનાં છાપરે બઘડાટી બોલે. નળિયાં ફૂટે. મોભ ધરુજે. ધાબા પરનાં પતરાં તૂટે. ડાળો કડડભૂસ કરતી ભાંગે. મૂળસોંતાં વૃક્ષો ઊખડે. વીજળીનાં થાભલા ભફાંગ કરીને પડતા હેઠે. ગથોલિયું ખાતા તાર જાણે આમ તેમ હાથ વીંઝે. ઘરને અડીને આવેલી પડોશીની ખડકી પણ જાણે જોજનો દૂર લાગતી હતી!
પવન રમણે ચડ્યો હતો. અંધારામાં ઊભરાતા અવાજો કાનની કસોટી કરી રહ્યા હતા. ઢાળિયાંઓ તૂટી પડતાં ગમાણમાં બાંધેલ ગાય – ભેંસનાં ભાંભરડાઓએ અંધારામાં કરુણને ઘોળીને વાતાવરણને અકારું બનાવી દીધું હતું. ખીલો તોડીને ભાગતા પશુઓને આશરો પણ કેવી રીતે આપવો? તો સામે છેડે કૂતરાંઓ ભીંત સરસાં લપાઈને આ અઘોર તાંડવમાં ઉં…ઉં….ઉંઅઅઅઆઆઆ …ઉં.. કરી કરીને પોતાનું બની શકે એટલું યોગદાન પૂરાવી રહ્યાં હતાં. પણ રોજ રાત્રે તાર પર બેસીને ચબઅ..કબ…ચબઅ..કબ…ચ્વિલલ…રી કરી કરીને કકળાટ મચાવતી પેલી ચીબરીઓનો આજે અત્તોપત્તો પણ ન હતો!
નળિયાં, મોભ અને છાંપરાં પછી નબળી ભીંતોનો વારો ચડ્યો. એ પછી લોખંડની મજબૂત ઇંગલો પર પતરાં જડીને બનાવેલ મોટા મોટા શેડ પણ ઝપટે ચડવા માંડ્યા. ધડિમ ધડિમના અવાજો પરથી માત્ર એટલું જ અનુમાન કરી શકાતું હતું કે કોનો કરો પડ્યો ને કોના હીરાના કારખાના પરથી પતરાં ઊડ્યા? ધડિબાંગ ધડિબાંગના કકળાટ વચ્ચે બહાર નજર નાખવા જઇએ તો કાં મા તાણીને ઘરમાં ખેંચી લે કે પછી પત્ની ને દીકરીઓ! બારી આગળ પણ મોઢું લઇ ગયા તો ખેર નથી સમજ્યા એવો દાબ જાણે આંખોમાંથી ટપકે! આવી ખેંચતાણ વખતે જ એક વીસ – ત્રીસ ફૂટનું પતરું આકાશમાંથી ઊડતું ઘરનાં ફળિયામાં પછડાયું. ભયંકર અવાજ થયો. સૌના મોંમાંથી ચીસ નીકળવાની જ બાકી રહી હતી. મનમાં થયું કે નક્કી બહાર પાર્ક કરેલી મોટરનો ભૂક્કો બોલી ગયો હશે. માંડ માંડ હપ્તા ભરીને લીધેલી મોટરની ચિંતા મને જીવ કરતાં પણ વધુ હતી. મેં પગ જરા ઉપાડ્યો કે પત્નીને અંદેશો આવી ગયો. તરત જ હાથ પકડીને બોલી કે, ‘ભલે ભાંગી જાતી, પણ તમે જો એક ડગલુંય બહાર મૂક્યું તો મારા સમ છે.’ હું તો ઠરી ગયો ત્યાંને ત્યાં જ. મોટર વગર તો હાલે પણ….
આટલું મોટું છાપરું ઊડીને આવેલું જોઇ મને ‘ધ થર્ડ આઇ’માં ટી લોબસંગ રામ્પાએ કરેલી તિબેટી લામાઓ દ્વારા લાકડાના વિશાળ પતંગો ઉડાડવાની વાત પર સહેજ પણ શંકા રહી નહીં. જે તે સમયે અતિશયોક્તિપૂર્ણ લાગેલી વાત અત્યારે પાંચસો – સાતસો મીટર દૂરથી બબ્બે માળનું મકાન ઠેકીને આવેલ આ પતરાના શેડને જોઇ વાસ્તવિક જણાતી હતી. પછી તો આખા ગામની માથે આખી રાત આ પતરાંઓ જાણે સુદર્શન બનીને ધૂમતાં રહ્યાં! આ ઘટના પછી આખાયે પરિવારની જાણે વાચા હણાઇ ગઇ હોય એવો અહેસાસ થવા લાગ્યો હતો. કોઇ કંઇ બોલે કે ચાલે! પણ મને મનમાં સતત થયા કરે કે ગાડીને કંઇ થયું તો અમદાવાદ કઇ રીતે પહોંચીશ ? કારણ કે વાવાઝોડાની ભયંકરતાં જોતાં રસ્તાઓ ચોક્કસ બંધ થઇ જવાના એ બાબતની મને હવે લગીરે શંકા રહી ન હતી.
એ જ વખતે મારા મને વળતો પ્રહાર કરતાં કહ્યું કે તું આ તારી સામાન્ય મોટરડીની ચિંતા કરે છે તો પેલા સાવ ખુલ્લામાં રહેતા નટ-બજાણિયા અને સરાણિયા-ગાડલિયાઓ કેવી દશામાં હશે એનો સહેજ પણ વિચાર તને આવ્યો છે નાલાયક? સ્વાર્થીલા, માત્ર તારું જ વિચારે છે. પેલા કુબામાં પડેલાં મેલાં ઘેલાં બાળકોની માતાઓ કઇ રીતે એ સૌને સોડમાં તાણીને સાચવતી હશે? એમની કિકિયારીઓ તને સંભળાય છે? મન જાણે ચક્કર ભમ્મર થઇ ગયું. અલબત્ એક પગલુંય બહાર નીકળી શકાય એવી સ્થિતિ ન હતી, પણ મનોમન પ્રાર્થના તો થઇ જ શકતી હતી. મેં પણ એનું જ શરણું લીધું.
પ્રાગડ વાસી ત્યારે પણ પવનનો રઘવાટ શાંત પડ્યો ન હતો. કોઇ નાગ-નાગણીની ફિલમમાં વેર વાળવા જંગે ચડેલા ફણીધરોના ફૂંફાડા જેવો અવાજ હજીય રમચટ્ટી બોલાવતો હતો. દસ દસ કલાક જેટલો વખત વીતી ગયો હોવા છતાં એ સહેજ પણ જંપવાનું નામ લેતો ન હતો. મનોમન થોડી ગાળો પણ દેવાય જવા લાગી હતી હવે તો! જાણું છું કે એને તો કંઇ ફરક પડવાનો નથી, પણ ભડાસ કાઢવા માટે એ સિવાય મારી પાસે હતું પણ શું ? અને આ ગાળોનો કાર્યક્રમ પણ મનમાં જ ગોઠવવો પડે એમ હતો. કારણ કે નહીંતર બા-બાપુજી તરફથી આ વાવાઝોડું ભૂલીને “કોની ભેગો રેશ?….ક્યાંથી શીખી આવ્યો આ બધું?” જેવા પ્રશ્નોનું વાવાઝોડું આવી જ ચડ્યું સમજો! છેવટે પવન તો પવન હતો. એની આ હડિયાપાટી વચ્ચે મને રોબર્ટ લુઇ સ્ટીવન્સનની Windy Nights કવિતાની પેલી મસ્ત પંક્તિઓ સાંભરી આવીઃ
Whenever the trees are crying aloud,
And ships are tossed at sea,
By, on the highway, low and loud,
By at the gallop goes he.
By at the gallop he goes, and then
By he comes back at the gallop again.
ગામની શેરીઓમાં અને ખેતરની કેડીઓમાં જે રીતે પવન રમણે ચડેલો એ જોતાં લાગ્યું કે આ ભયંકરતા તો સાવજ સામે ઊભો ઊભો ડણકું દેયને તો પણ ન અનુભવાય! ગિરમાં પણ આજ અચૂક કચ્ચરઘાણ વળી ગયો હશે. અમારા ખેતરો વીંધીને આખરે જવાનું તો ત્યાં જ હતુંને! કડેડાટી બોલાવતાં ઝાડ કેડમાંથી ભાંગી પડ્યાં હશે. સાવજની બોલતી પણ બંધ ગઇ હશે. નાના મોટાં હજારો પશુ-પંખીઓની દશા શું થઇ હશે એ તો માત્ર ગિરમાતા જ જાણે! મને સિંહ સંદર્ભે લખાયેલી મેઘાણીની ચારણકન્યા કવિતા અત્યારે આ તાઉતે વાવાઝોડા સંદર્ભિત જ લાગીઃ
થર થર કાંપે !
વાડામાં વાછરડાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડા કાંપે
ઝાડ તણાં પાંદડલાં કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે.
અમારી દશાનું જ સંપૂર્ણ બયાન જાણે! પવનનાં ખોફથી ડરી ગયેલું ગામ જાણે ઉંદર જેમ પોતપોતાનાં ઘરમાં છુપાઈ ગયું હતું. કોપાયમાન પવનદેવને વિનવણી કરી કરીને હોઠ રહી ગયા હતા. પણ આ કંઇ પવનદેવ થોડા હતા, આ તો હતો પવનાસૂર ! હા, પવનાસૂર જ વળી. નહીંતર આવો તે કંઇ ખોફ હોય? બાર – બાર, તેર – તેર કલાક સતત ચાબુકો ફટકારતી રહેવાની! ત્રાસની પણ કંઇક હદ હોયને!
માંડ માંડ મોસૂઝણું થયું. ઘર બહાર નીકળવાની સો રહી ન હતી. આંખો હજીય ફાટી જ રહી ગઇ હતી. અલપઝલપ આવેલાં બે’ક ઝોંકાં જ બસ ગનીમત! સવારે ઘડિયાળમાં સાતનાં ટકોરા પડ્યા ત્યારે પણ સુસવાટા દેમાર વાતા હતા. જો કે રોષ મધરાત જેવો ન હતો, એમ સાવ નગણ્ય પણ ન હતો. પરંતુ એ પછીના દોઢેક કલાકમાં એણે અચાનક જ ચાલતી પકડી! રિસાઇ ગયેલો જમાઇ ભાગે એમ ભાગ્યો ગામમાંથી! હાશ, હવે કંઇક રાહત મળી. ઘરની બહાર નીકળી પેલાં તો ગાડી જ જોઇ લીધી. હાશ….ગાડી હેમખેમ હતી. ઊડીને આવેલું પતરું બરાબર એક આંગળ વા જ છેટું રહ્યું હતું. પછી તો હું ઘરના ખૂણે ખૂણે ફરી વળ્યો. બસ નજર નાખો ત્યાં વેરાની વેરાની જ ફરકતી હતી.
હજી તો અમે વેરાનીને નજર તળે કાઢીએ એ પહેલાં તો અમારા સંબંધી લાખા ભગત ક્ષેમકુશળ પૂછવા આવી પહોંચ્યા હતા. એમને પણ નુકશાન તો પાર વગરનું થયું હતું, પણ પોતાની ચિંતા કરે તો એ ભગત શાના?
મને પણ એમનું અનુસરણ કરવું ઠીક લાગ્યું. હું પણ નીકળી પડ્યો ગામની ગલીઓમાં. ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં રાત્રે પતંગ જેમ ઉડેલાં પતરાં, વળી ગયેલા ઇલેક્ટ્રિકના થાંભલાઓ, મૂળમાંથી નીકળી ગયેલ નારયેળી, વડ, પીપળ, લીમડા અને રાવણાના તોતિંગ ઝાડ અને તેનાં ઝપટાઇને ખરી પડેલ પાંદડાઓનો ઓબાળ તેમજ છત-છાંપરાંનો મલબો જ દૃષ્યિગોચર થતો હતો. લોક આ બધું લમણે હાથ મૂકીને જોઇ રહ્યું હતું. સૌની આંખોમાં પ્યાપી ગયેલો ખોફ આંસુ બનીને નીતરી રહ્યો હતો. ક્યાંક જીવ ગુમાવી ચૂકેલાં ગાય-ભેંસ તો ક્યાંર બળદ અને બકરી માટેની રોકકળ ગત ઘડીની નિર્મમતાનું બયાન કરતાં હતાં. કુટુંબીજન ગુમાવતાં જે દુઃખ થાય એના કરતાં આ દુઃખ સહેજ પણ ઉતરતું ન હતું. આખરે પશુઓની પણ અહીં તો ઘરનાં સભ્યોમાં જ ગણતરી થતી હતી. આવા સમયે પણ બધું ભૂલીને કાટામાળ વગેરે ખસેડીને બધું રાગે કરવા માટે કામે લાગી ગયા વગર છૂટકો ન હતો. આસપાસનાં ગામો ને સંબંધીઓ પણ આવી જ રીતે કામે લાગી ગયાં હશે. કોણ કોની સંભાળ લે આ ટાણે તો?
ગામની સરહદ લોક થઇ ગઇ છે. સ્મશાન પાસેના જે સરમણ પીપળે અમારી અનેક પેઢીઓએ બપોરનો અને જીવનનો થાક ઉતાર્યો હતો તે આજે પડીને પાદર થઇ ગયો હતો. તો વર્ષો પહેલાં લખમણદાસ બાપુએ નીહારની સીમમાં હનુમાનજી આગળ રોપેલો અને સમય જતાં ઘેઘૂર થઇ ગયેલો વડ પણ રામશરણ પામ્યો હતો. ગામની રક્ષા કરનારા બંને દરવાનો સાવ ઊર્ધ્વમૂલ થઇને લેટ્યા હતા. ટૂંકમાં ગામની સીમનું ઝાડવે ઝાડવું આડું પડી ગયું હતું. જાણે વર્ષોથી ઊંઘી નહીં શકેલાં ઝાડવાંઓ લાંબી સોડ તાણીને સૂઇ ગયાં હતાં! સીમથી દૂર આવેલો નાંદિવેલો ડુંગર કોઇ જાતનાં વ્યવધાન વગર સીધો જ આંખમાં ટકરાતો હતો આજે!
ગઇકાલે જે વાડીમાં ચીકુડીના ઝાડ તળે ભાથું ખોલ્યું હતું ત્યાં હવે ઉખડી ગયેલાં મૂળિયાં ઉદાસ આંખે મને જોઇ રહ્યાં છે. જે આંબામાં કોયલ ટહુકતી હતી ત્યાં એની લાલ આંખોની લાહ્ય બળે છે. આ દૃષ્ય સહેજે પણ જીરવી શકાય એવું નથી. મારી આંખ બીજી દિશામાં ફેરવી આંખ આડા કાન કરી લઉં છું. જે વાડીના હીંચકે મિત્રો સાથે રાતોની રાતો ગોઠડીઓ માંડી હતી તે પડી ગયેલાં મલબાના ગોદા ખાઇને ઊંહકારા ભરતો હતો. થોડોક વાડી-ખેતરનો સામાન પોતાનો મૂળ આકાર – સ્વભાવ ગુમાવીને હીબકે ચડી ગયો હતો. મારી આંખો ટગર ટગર જોઇ રહી હતી ખરી, પણ કશું જ પકડી શકતી ન હતી. બરાબર એ જ વખતે કાન પાસેથી પવનની એક ધીમી લહેરખી પસાર થઇ અને હળવેથી બોલતી ગઇ ‘સોરી દોસ્ત, મારાથી જરા વધારે તોફાન થઇ ગયું હતું !’ પણ હું એને જરા પણ માફ કરવાના મૂડમાં ન હતો. મારાથી રોષપૂર્વક બોલી જ જવાયું, જા..જા….હવે…હાલતીનો થા પવનડા!
– જયંત ડાંગોદરા
( કુમાર, દીપોત્સવી અંક, ઓક્ટોબર 2021માં પ્રકાશિત )
અરે ભાઈ….વાહ વાહ…જોરદાર હો
મોજ મોજ…
સાવ અકલ્પનિય વિષયને જોરદાર મઢયો…
ખૂબ મજા આવી. મોબાઈલમાં વધુ વાચી શકતો નથી પણ આપનું લખાણ જ એવું હતું કે મજા પડી.અભિનંદન.
ખુબ જ સરસ. મજા આવી ગઈ
ખુબ સરસ જયભાઈ
આપની કલમે સાચેજ ગામડામાં ઉભા કરી દીધા.
વાહ…..છેક સુધી પકડી …જકડી રાખે છે…
સરસ…..
આબેહુબ વર્ણન સાહેબ,
કૂદરતની તાકાત અને માણસની લાચારી એટલે તાઉત.
Adbhut
જીવન ની એ અતિશય બિહામણી રાત આજ તમે જીવિત કરી દીધી હો..
ખૂબ સરસ…મજા આવી…
This comment has been removed by the author.
વાહ!! "પવનાસુર"નામની આખી ફિલ્મ જોતા હોય તેવું લાગ્યું અને અનુભવ્યું પણ ખરું.કવિતાના ક્ષેત્રમાં આપ ઉમદા સર્જક છો જ, પણ આ ક્ષેત્રમાં પણ આપની ફાવટ જરાય ઓછી નથી. આવું જ ઉત્તમ સર્જન અમને સતત મળતું રહે તેજ અભ્યર્થના.
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ.. ખરી વાત છે સાહેબ
ધન્યવાદ
ધન્યવાદ… આપનો સ્નેહ બસ
ધન્યવાદ
ધન્યવાદ
આપનો પ્રેરક પ્રતિભાવ બળ આપે છે સાહેબ.. ધન્યવાદ
લાજવાબ
ધન્યવાદ
આજે હું બહુ ખૂબ આનંદ અનુભવું છું કારણ મારા મિત્ર અને મારા જ ગામમાં જન્મેલા મહાન કવિ જયંત ડાંગોદરા ના આવા સરસ લખાણ વાંચી તેની સાક્ષી બની રહ્યો છું
ધન્યવાદ
ધન્યવાદ …આનંદ આનંદ
ધન્યવાદ
અદભુત ખૂબ મજા પડી આવી જ ઉત્તેજના આપે તેવી રચના લખી છે