ઇડરને ઓળખવા માટે જેટલા પ્રમાણમાં સમય આપી રહ્યો છું એનાથી બમણા જોરે તેની સીમાઓ વિસ્તરતી જતી હોય એવું લાગે છે. એની અજાયબ સૃષ્ટિ મનને સતત ખેંચ્યા જ કરે છે. કવિ ઉશનસ્ તો એમાં કેવા લપેટાઇ ગયા હતા !
અહો અહીં અરવલ્લી – વલ્લીતણી ડૂંખની છેલ્લી કલ્લીજરી વળી જૈ લપેટ લેતીઇડરપલ્લી.
વળી શબ્દદેહે ઇડરની આ સૃષ્ટિને ખડી કરનાર કવિ ઉમાશંકર જોષીએ અહીં જ સર પ્રતાપ હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ને પન્નાલાલ પણ આ જ શાળાના નિશાળિયા. જેણે ગુજરાતી સાહિત્યજગતને ચરણે બબ્બે જ્ઞાનપીઠ વિજેતાઓ ધર્યા હોય એ શાળાનાં દર્શન કરવાનું તો કેમ ચૂકાઇ ? રિક્ષાવાળાને કહ્યું કે ચાલ સર પ્રતાપ હાઇસ્કૂલના દર્શન કરાવ ભાઇ.
હાઇસ્કૂલના પટાંગણમાં આવીને ઊભો રહ્યો તો સર્વ સામાન્ય રીતે સરકારી હાઇસ્કૂલનું જે ચિત્ર મન સમક્ષ ખડું થાય એના કરતાં વિશેષ અહીં કંઇ જ ન હતું. હું કાર્યાલયમાં ગયો. ટેબલ પર પગ ચડાવીને બેસેલ એક સાહેબને મારું પ્રયોજન બતાવ્યું. પન્નાલાલ અને ઉમાશંકરની સ્મૃતિમાં કોઇ વિશેષ પ્રદર્શન કે ખંડ હોય તો જોવાની ઇચ્છા વ્યક્ત કરી. મારી આ બચકાના હરકતથી તેઓ મૂંઝાયા. હું કોઇ એલિયન હોઉં એવા ભાવ એમના ચહેરા પર દર્શિત થયા. હું સમજી ગયો. છતાં મેં આ બંને મહાનુભાવો જે વર્ગખંડમાં ભણ્યા હોય તે બતાવશો તો પણ ગમશે એવું કહીને એમની મૂંઝવણને હળવી કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે એક પટાવાળાને મારી સાથે મોકલ્યો. જેણે મને ધૂળથી લથબથ એક લાઇબ્રેરીમાં સંકોચ સાથે આવકાર્યો. ત્યાં ખૂણા પર ઉમાશંકરનો પરિચય આપતું એક ફ્લેક્ષ બેનર લટકતું હતું. આ જ હતું સ્મૃતિમંદિર ! મનમાં થયું કે ભલું થજો એનું કે જેને પન્નાલાલનું કોઇ બેનર લટકાવવાનો વિચાર ના આવ્યો. કમ સે કમ એ તો આ જર્જરિત સ્મૃતિના સકંજામાંથી બચી ગયા ! આ પ્રકારનું દર્શન પામી હું એ મહાનુભાવોના વર્ગખંડ તરફ વળ્યો. હાલમાં એ ખંડ સ્પોર્ટ્સ રૂમની ગરજ સારે છે. રમત ગમતનાં સાધનો અહીં તહીં વિખરાયેલાં પડ્યાં હતાં. કદાચ દિગ્ગજોના રમત પ્રત્યેના ગોપિત ભાવથી આપણે અજાણ હોઇએ એવું પણ બને. એ ખંડના એક ખૂણામાં પડેલી ખુરસી પર બેસી મેં થોડાક ઊંડા શ્વાસ લીધા. ઉમાશંકર અને પન્નાલાલની સ્મૃતિને હૃદયમાં ભરવાનો એક ગહન પ્રયત્ન કર્યો. પણ ક્યાંયથી એક ઝીણી સરખી ગંધ પણ ન આવી. મને થયું કે અહીં ના આવ્યો હોત તો સારું હતું ! મારા ચિત્તમાં સર પ્રતાપ હાઇસ્કૂલનું જે કાલ્પનિક ચિત્ર વસ્યું હતું તે તો કમ સે કમ જળવાઇ રહેત !
ખિન્ન થયેલું મન જરા શાતા પ્રાપ્ત કરે એ હેતુથી ધૂળેટા દરવાજે થઇને રાજચંદ્ર વિહાર તરફ નીકળ્યો. અહીં ઘંટિયા પહાડ પર શ્રીમદ્ રાજચંદ્રનો આશ્રમ આવેલો છે. ઇડરથી બે – ત્રણ કિ.મી. અંદર જતાં એના પર પહોંચી શકાય છે. આશ્રમ સુધી પહોંચવા માટે સોપાનમાર્ગ છે. આખાયે માર્ગની બંને બાજુ લગાવેલી પથ્થરની તકતીઓ પર શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃતો ખૂબ જ સુંદર રીતે પ્રદર્શિત થતાં રહે છે. મુમુક્ષુઓ પહેલી પગથી પરથી જ સત્સંગમાં ગૂંથાઇ જાય છે. આ વચનામૃતો પણ રસપ્રદ છે :
માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે.જ્ઞાનીઓ અંતરંગ ખેદ અને હર્ષથી રહિત હોય છે.જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત.
એક એક પગથિયું જાણે ઉર્ઘ્વલોકમાં લઇ જતું હોય એવું લાગે છે. હાંફી થાકીને ઉપર પહોંચ્યો ત્યારે સૂર્ય અસ્તાચળ તરફ ગતિ કરી રહ્યો હતો. બિંબનો રંગ પીળામાંથી કેસરી થઇને કુમકુમની રંગછટા ધારણ કરી રહ્યો હતો. થાડા સમય પછી આ જ કુમકુમ કાળાશમાં ફેરવાઇ જશે. કદાચ રાજચંદ્રનું આ જ તો પ્રત્યક્ષ દર્શન નહીં હોયને !
આશ્રમે પહોંચીને જોયું તો આખોયે પરિસર મયૂરો અને એના કેકારવથી ગુંજી ઊઠ્યો હતો. આસપાસની વનરાજીમાં પાંદડે પાંદડે કિકિયારી બોલાવતો કીરનો સમુદાય પોતાની ધૂનમાં મસ્ત થઇ ગયો હતો. તો કપિલોકની હૂપાહૂપ આશ્રમના વાતાવરણને અરણ્યમાં સ્થિત કોઇ પ્રાચીન ગુરુકુલની લગોલગ મૂકી આપતી હતી. આવા મધુર વાતાવરણમાં મનની પ્રસન્નતા દ્વિગુણિત થઇ ગઇ. ભીતર પ્રવેશી સિદ્ધશિલાનાં દર્શન કર્યાં. આ શિલા પર રાજચંદ્રને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું. આજે તો ત્યાં આરસનું મંદિર ઊભું છે. થોડીવાર મૌન ધરી શિલામાં ધ્યાનસ્થ થયો. મનોમન દ્રવ્યસંગ્રહમાંની એક માગધી ગાથાનો બોધ ગ્રહણ કર્યો :
મા ચિટ્ઠહ મા જંપહ મા ચિંતહ કિંવિ જેણ હોઇ થિરો,
અપ્પ અપ્પમ્મિ રઓ, ઇણમેવ પરં હવે જ્ઝાણં.
( શરીરથી ચેષ્ટા, વચનથી ઉચ્ચાર અને મનથી વિચાર ન કરો તો સ્થિર થશો. આત્મા આત્મામાં રમણ કરે ત્યારે ધ્યાન થાય. )
ત્યાં રહેતા મુમુક્ષુઓ સાથે થોડો સમય સત્સંગ કર્યો. જીવનથી પરવારેલા સાધકો પોત પોતાની મસ્તીમાં સમયને થોડો થોડો દિવ્યાનંદમાં ઝબોળી લેતા હતા. સંવાદ કરતાં કરતાં જ ત્યાંથી પુઢવી શિલા પર પહોંચ્યો. આ સ્થળે જ રાજચંદ્રએ સાત મુનિઓને દ્રવ્યસંગ્રહની ગાથાઓનો ઉપદેશ આપ્યો હતો. અહીં ચોતરફ આમ તો મૌન જ મૌન પથરાયેલું ભાસે છે. ને આખી પહાડી શ્રીમદના સ્પર્શથી અવધૂ બની ગઇ હોય એવું ગૂઢ વાતાવરણ આપણી આસપાસ સતત ગુંજ્યા કરતું હોય એવું લાગે છે. કદાચ વધારે વખત વિતાવીશ તો હું ય વીતરાગ દશામાં ચાલ્યો જઇશ; એવી બીક ન લાગી હોત તો હજી પણ આ ઘંટિયાની પહાડી છોડત નહીં.
ફરી એ જ પેલા સોપાનમાર્ગે પાછો ફર્યો. સૂર્ય ડૂબી ગયો હતો. સંધ્યાના રંગો હવે પર્ણે પર્ણે ફૂટી નીકળ્યા હતા. પંખીઓ પણ કલરવી કલરવીને પોતપોતાના સ્થાને પાછા ફરી રહ્યાં હતાં. ને હું હજી પણ એક તળાવને આંખોમાં ભરી લેવાના ઇરાદા સાથે તળેટી તરફ ગતિ કરી રહ્યો હતો. ત્યાં એક બુલબુલ માથે આવીને ટહુકી ગયું. જાણે કહેતું ન હોય ! દોડ…દોડ…. ને મેં સાચે જ સામે છેડે રહેલાં રાણી તળાવ તરફ દોટ મૂકી.
આ તળાવ રાવ ભાણે એની રાણી માટે બંધાવ્યું હતું. તળાવની વિશાળ જળરાશિ પર સૂર્યનાં છૂપાં કિરણો હજી પણ ગેલ કરી રહ્યાં હતાં. તળાવની મધ્યમાં ઊભેલાં વિશાળકાય વૃક્ષો જળમાં પોતાનાં પ્રતિબિંબો જોઇ મસ્તીએ ચડ્યાં હતાં. કોઇ રહસ્યમય ચિત્રની અદાથી તળાવનો આખો પટ અલંકૃત થઇ ઊઠ્યો હતો. અને આ જળરાશિની એકદમ વચ્ચોવચ પાવાપુરી સ્થિત જૈન મંદિરની પ્રતિકૃતિ સમું જળમંદિર ધ્યાનમગ્ન મુનિ જેવું સ્થિરચિત્ત શોભી રહ્યું હતું. આચાર્ય કલ્યાણસાગર સુરીશ્વરજીની પ્રેરણાથી પ્રતિષ્ઠિત આ જળમંદિર તળાવની શોભામાં કોઇ મૌક્તિકમણિ જેવી અભિવૃદ્ધિ કરતું હતું. એક સુંદર સાંજ કેવી હોય તેનું ભાન જાણે અહીં જ થયું મને ! ખરેખર અદ્ભુત અને અવિસ્મરણીય સાંજ !
ઇડરમાં જ્યારથી છું ત્યારથી એવું લાગે છે કે આખું નગર જ કોઇ અનુપમ વિરાસત છે. અહીંનો શિલાઉદ્યાન શિલાઓની વચ્ચે મુઠ્ઠીઓ ભરી ભરીને ફૂલોની સુગંધને વેર્યા કરે છે. મોટી મોટી શિલાઓને જેમની તેમ રહેવા દઇને એની આસપાસ રોપી દીધી છે કુદરતની મહેક. એ રીતે એક નવી જ નજાકતથી આખો બાગ, બાગ બાગ થઇ ગયો છે. જંજાળ પડતી મૂકીને થોડીવાર હળવાશ અનુભવી શકાય એવી સુંદર જગ્યા છે આ. એક ઔષધબાગ પણ મજાનો છે. સવારે ચાલવા માટે નીકળ્યો તો મારી નજર એના પર જઇ ચડી. પ્રકૃતિ વચ્ચે ઘૂમવાની કોઇપણ તક નહીં છોડવાનું મારું વ્રત, મને અવનવિન સ્થળોએ પહોંચાડ્યા કરે છે. ત્યાં જઇને જોયું તો બાજુમાં જ પહાડની તળેટીમાં મહાકાલેશ્વર અને શનિદેવતા બિરાજમાન છે.
તળેટીમાં એક વિરાટ ગુફા છે. અને એ ગુફામાં જ છે મહાકાલેશ્વર. ને બાજુમાં જ શનિદેવતા પોતાનો પરછમ લહેરાવે છે. સવારે હું એકલો જ અહીં આવી ચડ્યો હતો. બાજુમાં રહેલ સ્મશાનને કારણે પરિસરમાં રહસ્યમયતા વર્તાતી હતી. ને એમાં વધારો કરતા હતા આ શનિ મહારાજ ! એમનાં દર્શન મને હંમેશા ભયપ્રદ જ લાગ્યાં છે. મને હજી સુધી એ નથી સમજાતું કે અવકાશી ગ્રહનું ચિત્ર કેવું નયનમોહક હોય છે ને શનિની આ મૂર્તિઓ સાવ સામેના છેડાની…ભયાવહ ! શનિની વિવિધ છટાઓ, તેની ફરતેનાં વલયો કેવી સુંદર સૃષ્ટિ રચે છે ! પાઠ્યપુસ્તકના શનિએ હંમેશા મને કર્ષિત કર્યો છે. પણ આ મૂર્તિઓએ તો કંઇક જુદી જ માયા રચી છે.
મેં ગુફામાં પ્રવેશી રુદ્રીપાઠ કર્યો. પછી અડીને ઊભેલા પહાડની ભેખડો પર ઘડીભર ભાખોડિયાં ભરી જોયાં. અને ધીમે ધીમે ઢાળ ઉતરી તાલીમ ભવન તરફ ગતિ કરી. જતાં જતાં મારી નજર ઉપર ગઇ તો ટેકરી પરની છતરડીઓ પરથી લાલ, પીળા, ગુલાબી રંગની ધજાઓ લહેરાતી જોવા મળી. આ પહેલાં મેં અહીં ચાલવા આવતી વખતે આવી ધજાઓ જોઇ ન હતી. હું જરા નવાઇ પામ્યો. દૂરથી છતરડીઓ તો રોજ જોતો હતો, પણ આજે આ વળી નવું કૌતુક ! કુતૂહલવશ હું આગળ વધ્યો. પગથિયાં ચડીને એક પછી એક છતરડીઓ વટાવતો છેક ટોચ પર પહોંચી ગયો. અને જોઉં છું તો નવયુગલો પ્રિવેડિંગ શુટિંગમાં વિવિધ અંગભંગિમાઓ સાથે વ્યસ્ત હતાં ! એ શુટિંગમાં લાલ, પીળા, ગુલાબી રંગની વિવિધ સાડીઓ લહેરાવીને અલગ અલગ પ્રકારના શેડ આપવાની કોશિશ થઇ રહી હતી. એક અનોખી દુનિયા જોવા મળી. કોઇ એકબીજાની કમર પકડીને પક્ષીની જેમ ઉડતાં હોય એવી ભંગિમા રચે, તો કોઇ વળી પોતાનાં પ્રિયજનને હવામાં ચુંબન લહેરાવતું હોય એવી ! કોઇની ઓઢણી હવામાં લહેરાતી હોય તો કોઇનાં વળી રેશમી ઝૂલ્ફાં ! આખોયે કાફલો પોતપોતાની પ્રવૃતિમાં નિમગ્ન હતો. વાતાવરણ સંપૂર્ણપણે રંગીન હતું. હું એ રંગોની પડછે મારી એકલતાને છુપાવવાની કોશિશ કરતો કરતો એક પછી એક પગથિયાં ઉતરી ગયો. હું જ બસ એકલો હતો ત્યાં. હા, આવેલોને મોટા ઉપાડે લીડરશીપનો અભ્યાસ કરવા !
પણ શાળા નેતૃત્વ વિકાસ કાર્યક્રમના એ દશ દિવસો કેમ વીતી ગયા એની ખબર જ ન પડી ! છેલ્લા દિવસે છૂટા પડ્યા ત્યારે એક રમત રમ્યા હતા. એક કોરો કાગળ દોરી બાંધીને પીઠ પાછળ લટકાવી દેવાનો. આપણી સાથે આવેલા મિત્રો એમાં આ દશ દિવસના અનુસંધાને થયેલ પરિચય પરથી આપણામાં જોયેલાં ગુણો એના પર લખે. એમાં કેટલાયે મિત્રોએ મને અભ્યાસી, નિખાલસ, સ્પષ્ટવક્તા વગેરે જેવાં વિશેષણોથી નવાજેલો. હું એ ભાથું લઇને પાછો ફર્યો ત્યારે એક વાતનો રંજ મને હંમેશા રહી ગયો કે કોઇએ ‘રખડુ’ વિશેષણ કેમ નહીં વાપર્યું હોય ? ઇડર તારી માયામાંથી છટકું નહીં એ માટે જ તો આટલી અધુરૂપ રાખી નહીં હોયને ?
– જયંત ડાંગોદરા
( કુમાર:ઓગસ્ટ,૨૦૨૧માં પ્રકાશિત નિબંધ )
Vah
ખુબ સરસ સાહેબ.
સુંદર નિબંધ !
જય હો, જયંતભાઈ…
સુંદર નિબંધ!
– વિહંગ વ્યાસ
વાહ … મજા પડી ગઈ. .. ઇડર મારા માટે પણ હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. એકવાર તમારી સાથે તમારી નજરે જોવું છે.
હવે જવાના હો ત્યારે જણાવવા વિનંતી..હું સાથે આવીશ.. આભાર.
Khub saras saheb
Khub saras
Wah khub saras
સુંદરતા ની સાથે અદભૂત વણૅન
જયંત ડાંગોદરા સર ધન્યવાદ