ભીમ અગિયારસ અને શ્રાવણી સાતમ – આઠમ એટલે કે ગોકુળ અષ્ટમીનો અમારે મન અનેરો મહિમા. અલબત્ તહેવારોના પૌરાણિક – ધાર્મિક મહત્વ સંદર્ભે નહીં, પણ સમયને ચીપવાની એ દિવસોમાં ગજબ મજા પડતી. પૃષ્ઠ ભાગે વિવિધ પ્રકારની ડિઝાઇન ધરાવતા ગંજીફાને હાથમાં રમાડતી વખતે ‘હર ફિક્ર કો ધુંએમેં ઉડાતા ચલા ગયા’ જેવો ફક્કડપણાંનો ભાવ આવિર્ભુત થતો! હુકમ, દો-તીન-પાંચ, મીંડી, ઠોંસો, જુદ, રમણી ( રમીને અમે રમણી કહેતા ) અને કાળી તીડીના તીસ જેવી વિવધ રમતો રમતાં રમતાં સૂરજ ક્યારે ઢળી જતો એની શરત જ ન રહેતી. ગંજીફાની રમત જ એવી કે એમાં બેથી માંડીને હોય એટલા ચાલે. બે જણ હોય તો રમણી કે જુદ અને ત્રણ હોય તો દો-તીન-પાંચ. ચાર જણ ભેગા થઇ ગયા હોય તો હુકમ અને મીંડી. જો એ કરતાં પણ સંખ્યા વધે તો ઠોંસો કે કાળી તીડીના તીસની રમઝટ બોલે!
જો કે સંસ્કારી છોકરાઓ માટે આ બધી રમતો વર્જ્ય ગણાતી અને કમનસીબે મારી ગણતરી મહદ્ અંશે આ સંસ્કારીવાળામાં થતી ! આ કારણે પત્તે રમતા છોકરાઓને જોઇ મન ઝાલ્યું ઝલાતું નહીં. પત્તે રમવાની એવી તો ચળ ઉપડે કે ન પૂછો વાત! પરંતુ ખેડૂત વધમાં ચડી ગયેલા કપાસની કૂંપળોને ડોકી મરડીને માપમાં રહેવાનું શીખવાડે એમ મારે પણ એ ઇચ્છાને મરડી નાખવી પડતી. જો કે એવું કરતી વખતે ડોકી મરડેલો કપાસ જે ઝડપે ફૂલેફાલે એમ મારી ઇચ્છા પણ બમણી ઝડપે ફૂલીને ફાળકો થઇ ઊઠતી. જોકે એક વિકલ્પ હતો. એ છોકરાઓ પાસે બેસીને માત્ર સાક્ષીભાવે જોતો રહું તો મારાં સંસ્કારીપણાને ઊની આંચ પણ આવે તેમ ન હતી. મેં એ જ વિકલ્પ અખત્યાર કર્યો. કોઇની પડખે બેસીને તેમના દ્વારા ઉતરાતાં પાનાં કોઇ ભમકાં જોતા હોઇએ એ રીતે જોતાં રહેવાનાં !
આ રીતે કોઇ પાસે બેસીને માત્ર નિરીક્ષણના આધારે મેં શીખવાની શરૂઆત કરી હતી. એમાં થતું એવું કે શિખાઉં તરીકે જેની પાસે બેઠા હોઇએ તે આપણને નોકર સમજી પીવાનું પાણી, માવા મસાલા અને અન્ય જોઇતી – કારવતી વસ્તુઓ લાવી દેવા માટે વારંવાર ઓર્ડર કર્યા કરે અને એ રીતે આપણા પર અબાધિત અધિકારની ચેષ્યા કરે. ક્યારેક નબળાં પાનાં આવે ત્યારે પડખાંમાં કોણીનો જોરથી ઠોંસો પણ મારે ! ને આપણે ગુરુજી ધારીને બેઠા હોઇએ એટલે સહન કર્યા વગર છૂટકો પણ નહીં ! આમ સાવ નિર્દોષપણે ગંજીફો ચીપવાની શરૂઆત કરેલી. પરંતુ આત્મવિશ્વાસ કેળવાતાં આ રમત કેવી તો ખતરનાક સ્તરે પહોંચી જાય છે એ તો ઘણાં વર્ષો પછી સમજમાં આવેલું!
રમત બરાબર ફાવી ગઇ પછી તો અમારી દરેક બપોર આંબાવાડિયામાં પાના ટીચવામાં જ જતી. એકાદ ઘટાદાર આંબાના છાંયડે અમે ભાઇબંધો ઢૂંગલું વળીને બેસી જઇએ. રોંઢો વળે ત્યાં સુધી ઊઠવાનું નામ જ નહીં! ઘરેથી શોધતાં શોધતાં કોઇ આવી ચડે ત્યારે જ રમત વીંખાતી! રમવાની જે મજા ઉનાળામાં આંબાવાડિયમાં આવે આનાથી પણ વધુ મજા ચોમાસામાં ઘરે પૈડાં ઉતારીને ઓશરીમાં મૂકેલી બળદગાડીમાં આવતી. વરસાદની હેલી મંડાય ત્યારે ગાડાની વાડ્યુ અને ઠાઠાંનો ટેકો લઇને મોટેરાં પણ હોંશે હોંશે ‘હકમ’ રમવામાં માટે શરીક થાય. ગાડું જાણે ચોપાટમાં ફેરવાઇ જાય ! એમાં અડિંગો જમાવીને રમવાની જે મજા આવે તે બીજી એકેય જગ્યાએ નહીં ! વળી ગરમાગરમ ચા ને તાજાં તમતમતાં થેપલાની તો શું વાત કરવી!
હુકમની રમતથી તો કોણ અજાણ હશે? ગંજીફાની આ રમતના રંગઢંગ આમ તો રમી જેવા. ક્રોસમાં સામસામે બબ્બે ભેરુની જોડીમાં બેસી જવાનું. આ ચાર ભેરુ વચ્ચે આઠ આઠ પાનાં પટ્ટ પટ્ટ ચીપીને વહેંચી દેવાનાં. જેને પ્રથમ પત્તાં વહેંચ્યાં હોય તે હાથ કરવાના ઇરાદા સાથે પાનું ઉતરે. જેનું પાનું સર થાય એને હાથ મળે. આ ‘હાથ’ એટલે ચારેય ભેરુએ ઉતરેલ ચાર પત્તાની થપ્પી. જેમને વધારે હાથ બને તે વિજેતા. વિજેતાને હારેલા ભેરુ ફરી પાના પહેંચે. પાનાં બરાબર ચીપીને વહેંચવાની કલા પણ અદ્ભુત છે ! એમાં પણ અનુભવીના હાથે પત્તાંને કાતર મારવાની ચેષ્ટા જોવી એ તો ‘ધન્ન’ ઘડી ‘ધન્ન’ ભાગ્ય ! બંને હાથના અંગૂઠા અને આંગળી વચ્ચે અડધી અડધી કેટ પકડીને એક પછી એક પત્તાંને પટ્ટર….પટ્ટર… કરતાં ચીપવા માટે હાથમાં જાદુ હોવો જોઇએ. એ જાદુ પૂરો કરીને પાનાં વહેંચવાની શરૂઆત કરો એ પહેલાં સામેની પાર્ટીને કેટ કાપવા માટે વિવેક પણ કરવો પડે, પછી ભલેને એ કેટ કાપે કે ના કાપે! પરંતુ એ વિવેક કર્યા વગર પાનાં વહેંચવાનું શરૂ કરી દો તો રમતનાં અલિખિત નિયમ પ્રમાણે અંચઇ કરી હોવાની શંકા મજબૂત બને બને ને બને જ!
આ કાપવાની રીત પણ પાછી ભાત ભાતની છે હો. કેટ કાપવાનું કહો એટલે કોઇ નમૂનો ખાલી કેટ પર આંગળીનું ટેરવું ઠપકારીને કહે કે આવવા દે. કોઇ વળી એક પાનું કાપીને સળી કર્યાનો સંતોષ અનુભવે તો કોઇ અડધી કેટ કાપીને વચ્ચે મૂકી દે. કોઇ વળી પા, પાણો ભાગ અને કોઇ તો વહેંચનારના હાથમાં છેલ્લું પાનું રહે એ રીતે કાપીને હરખના જામ છલકાવે! વળી પાના પકડવામાં અને તેની ગોઠવણમાં પણ મહારત હોવી જોઇએ. ચીવટપૂર્વક કાળી, ફુલ્લી, લાલ અને ચોકટ પ્રમાણે વિભાગીને, બાજુવાળો ભેરુ ચોરીછૂપીથી પણ જોઇ ના શકે એ રીતે માંડ માંડ દાણો દેખાય એમ પકડવાની પદ્ધતિ આ રમતના ખેલાડીઓમાં ખૂબ માનીતી છે. પાનાં જેવાં વહેંચાયાં હોય એવાં પોચા હાથે પકડીને બેસી જાઓ તો તો અચૂક નવાણિયામાં જ ખપો! એમાં પણ રોન જેવી જુગટાની રમત રમતા હો ત્યારે તો ચકળવકળ, ઝીણી અને ત્રાંસી આંખે જોવાતી બાઇટની કલા તો નજરે જોવો તો જ બરાબર પામી શકો!
આ ગંજીફાનું આકર્ષણ જ અનેરું છે. વૈદિક અને લૌકિક સંસ્કૃત સાહિત્યમાં પણ જુગારના ઉલ્લેખો મળી આવે છે. મહાભારતનું જુગટું તો જગજાહેર છે. પરંતુ આ બાવન પાનાની રમત તો આ યુગની જ દેણ છે ! નવમી સદીમાં ચીનમાં આ તાશનાં પત્તાની શોધ થઇ હોવાનું મનાય છે. પછી તો ચીનમાંથી વાયા પર્શિયા થઇને મોગલો સોળમી સદીમાં એને ભારતમાં લઇ આવ્યા. ઇતિહાસને ઘડીભર તડકે મૂકી દઇએ ને એક વખત પણ હાથમાં કેટ પકડી જોઇએ…પછી જુઓ મજા! પટ પટ પટ્ટ….ર પટ પટ પટ્ટ…ર પાના ચીપ્યા વગર રહી શકો તો ફટ્ટ કહેજો મને! એના અવાજમાં ગજબનો જાદુ છે! કેટ જોઇને જ દૂર ભાગનારા માટે મને પેલી કહેવત- ગધેડા ગોરસમાં શું જાણે? –નું સ્મરણ થઇ આવે છે.
આનંદ પ્રમોદ માટે રમાતી આ રમત ક્યારે જુગારમાં પલટાઇ જાય તે કહેવાઇ નહીં! બિયર પીતાં પીતાં શરાબના રવાડે ચડી જવાય એના જેવી આ વાત છે. હું પણ હુકમ રમતાં રમતાં જ આમ ‘દહ દહ’ની કરવા માંડેલો. એક દિવસ ગોકુળ આઠમે પેથાના ઘરે બેસવા ગયેલો. ત્યાં ભાયુ-દોસ્તારુની મંડળી જામેલી. ચોતરફ હસી ખુશીનો માહોલ હતો. ઘરે અમે માત્ર કડદે કડદા જ હતા એટલે એકદમ મોકળાશનું વાતાવરણ હતું. એમાં ટીકો બોલ્યો કે ‘હાલો અલ્યા આજ તો દહ દહની કરીએ’ આ સાંભળીને ઘડીભર તો સૌ મૂંઝાયા ને પેથાના ચહેરા પરના હાવભાવ નિરખવા સૌએ મીટ માંડી. ઘર પેથાનું હતું. એમની સંમતિ વગર તો કેમ ચાલે ? ત્યાં પેથાએ ઢીલા અવાજે કહ્યું કે ‘એલા ભાઇ શાંતિથી બેહોની’. પેથાની આ ‘શાંતિથી બેહોની’માં બધાએ હકાર ભાળ્યો ને શરૂ થઇ ‘દહ દહ’ની.
ખૂણાના એક ઓરડામાં બારણાં બંધ કરીને ચોરની પેઠે સૌ પુરાઇ ગયા. સૌના ચહેરા પણ ઉજાસ ઉજાસ થઇ ગયેલો. મને હજી આ ‘દહ દહ’ની વિશે પૂરી જાણકારી ન હતી. મેં ના પાડી તો નરિયો કહે કે ‘હું શીખવાડી દઇશ. તમારી જબાપદારી મારી બસ’. આ બાહેંધરી મળતા મેં પણ બેઠક લીધી. બધાએ સર્વ સંમતિથી રોન રમવાનું નક્કી કર્યું. જાણકારોએ રમતની ‘ટર્મ્સ એન્ડ કંડિશન’ પણ ગોઠવી લીધીઃ મોટી રોન લગશે, તંગડી અને રંગરોન નહીં. પછી પોતપોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરીને પન્નો ચંપાયો.
હું માત્ર માંડવાનો વારો આવે ત્યારે ‘દહ’ માંડી દેતો. બાઇટ બંધ કરવાની સૂઝ સમજ હજી મારામાં વિકસી ન હતી. એકાદ રાઉન્ડ પૂરો થયો. નરિયો પાના જોઇને સૂઝ પાડતો. ધીમે ધીમે મને રમત સમજાતી જતી હતી. ત્યાં એક વખત નરિયાએ મને દેખાડ્યા વગર જ મારાં પત્તા જોઇને આદેશ કર્યો કે ‘નાખો વીહ’. મેં નાખ્યા. મેં નાખ્યા એટલે બીજા બે ત્રણ મિત્રોએ એની બાઇટ મૂકી દીધી. એક મિત્ર બાકી રહ્યો સામે. એણેય ‘વીહ’ ફેંક્યા. મને નરિયો કહે કે ડાંગબાપુ ‘સાલીહ’ ફેંકો. મેં હવે એની આંખમાં આંખ પરોવી ખચકાટ વ્યક્ત કર્યો. તો કહે કે ‘નાખો..નાખો…હું કઉં સુ ને.’ મેં નાખ્યા. જેવા મેં ચાલીસ નાખ્યા કે સામેના મિત્રએ બાઇટ સંકેલી લીધી. મને પ્રથમ વખત રૂજુ આવ્યું. એક જ વારમાં ગયેલા પૈસાનું સાટુ વળી ગયું. મારા તો હરખનો કોઇ પાર ન રહ્યો. આમાં બપોર ક્યારે થઇ ગઇ એની પણ ખબર ન પડી! બપોરા કરવા સૌ વિખરાયા. પેથો સૌને વિદાય કરતા કહેતો હતો કે ‘પાછા આવી જજ્યો બપોર પછી. જમાવવી છે પાછી.’
ઘરે પહોંચ્યો એટલે કોઇ દી નહીં ને આજ મારા ચહેરા ઉપર ઝળહળાટ જોઇને શ્રીમતિએ પૂછ્યું કે ‘આઠેમમાં જીત્યા તો નથી ને કાંઇ !’ મને થયું કે જીતવાથી આવી રોનક મારા મોઢાં પર છવાઇ ગઇ હશે ! પછી તો સમય જતાં વારંવાર મારું મુખમંડળ રોનક મારવા માંડ્યું ને પત્નીનું લાલચોળ! હવે સંસારમાં ધીરે ધીરે પત્તાને કારણે આ રમત પણ શરૂ થઇ. આ દરમ્યાન રાત્રે જમી કારવીને બજારે ભરાતી અમારી છતરી મંડળની બેઠકોમાં પણ ટાપાં પડવા માંડ્યા હતા.
રાત્રે વાળુ કરીને કોગળો હમેશાં છતરીએ નાખવાની ટેવ પડી ગઇ હતી. બજારે ગયા વગર સોદરી ન વળે. મિત્રો પાન – મસાલા ને ગુટકા ચબચબાવે. હું ભગતની પડી લઉ. જો કે મનેય પછી તો મિત્રોની આદત વળગેલી. એ છતરીએ અમારી સંસદ ભરાય. આખા જગતનું રાજકારણ ચર્ચાની એરણ પર ચડે. ક્યારેક અમારી વ્યવસાયગત ટેવને કારણે મોંઘવારી ભથ્થું, પગાર વધારો, ટેક્ષ કપાત, પેન્શન યોજના વગેરે વિશે પણ પ્રસ્તાવો રજુ થાય. આ બધું છેક રાતના દસ – અગિયાર સુધી ચાલતું રહે. ભર બજારે ચોકો જામ્યો હોય એટલે જતા – આવતા પરિચિતો પણ ઘડીભર અમારી સાથે ગોઠડી માંડે. કેટલાક વળી ‘માસ્તરો તો જામ્યા છે ને કાંઇ’ કહેતાકને પોતાના ગંતવ્ય તરફ આગળ વધી જાય. આમ છતરીની બેઠક અમારો રોજિંદો ઉપક્રમ. પરંતુ પછીથી એ ક્રમમાં ધીરે ધીરે ભંગ પડવા માંડ્યો. ખીમભાઇ જેવા અમુક સંસ્કારી મિત્રોને બાદ કરી અગાઉથી ગોઠવણ કર્યા મુજબ અમારી અસંસ્કારી ટોળી રાત્રે કોઇ સૂની વાડીએ પહોંચી જતી. વાડી એવી પસંદ કરવામાં આવતી કે ત્યાં કોઇ ચુગલીખોરનો આવરો જાવરો ના હોય. વળી દાડે દિવસે સુરક્ષા હેતુ વાડી પણ બદલતી રહેવાની!
અમે છતરીને સાવ ભૂલી નહોતા ગયા પણ હવે ગેરહાજરીના દિવસો વધતા જતા હતા. થોડા દિવસ તો ખીમભાઇએ અમારી ગેરહાજરીને હળવાશથી લીધી, પણ ટૂંક સમયમાં જ શંકા નામની ડાકણે એમનો ભરડો લીધો. એમની આંખો અમને જોઇને ચકળવકળ થતી, પણ કંઇ વ્યક્ત ન કરે. આડકતરી રીતે પૂછતાછ કરવાનો પ્રયત્ન કરે પણ અમે લગભગ વાતને રાળીટાળી નાખીએ. બહુ થાય તો કહીએ કે એ તો બે ઘડી મોજ. કાચોફુલા…કાચોફુલા…. બાકી એ અમારું કામ નહીં. ‘એ’માં અમે બધું અધ્યાહાર રાખીએ. ખીમભાઇને કાચોફુલામાં પણ ટપ્પો ના પડે અને અમે ‘નરો વા કુંજરો વા’થી સઘળો વ્યવહાર કરતા રહીએ! મારી છાપ એમના મનમાં સારા માણસની એટલે એમની શંકાનો લાભ મને મળ્યો ખરો પણ મોડો મોડો.
એક છતરી બેઠકમાં સીધું જ મારા પર નિશાન તાકીને કહે કે ‘ડાંગોદરા તમારી રમતને બધા બહુ વખાણે છે ને કાંઇ!’ સાંભળ્યું છે કે બાદશાહ આવે એટલે ડાંગબાપુ સામે વાળાને મૂતરાવી દ્યે એ વાત સાચી ?’ આ વખતનો હુમલો બહુ ધારદાર હતો. હું પણ આ છૂપાછૂપીની રમતથી કંટાળ્યો હતો એટલે ઠપકાર્યું કે ‘હા હો ખીમભાઇ, બાદશાહ આવે એટલે બાઇટ મૂકવાની જ નહીં. મૂકવી કે ખોલાવવી એ બધું સામે વાળા ઉપર!’ મારો જવાબ સાંભળીને એ તો છક થઇ ગયા. પછી દુઃખી સ્વરે કહે કે ‘હું તો તમને સારા માણસ ગણતો હતો ! તમેય….’ એ આગળ કશું બોલી ન શક્યા. મને પણ થોડું દુઃખ થયું. પરંતુ ખીમભાઇની શંકાનું સમાધાન કર્યાનો આનંદ પણ હતો.
એ પછી એક દિવસ ધોમ તડકામાં બપોરીવેળા ટીકો હાથમાં ચોપડી લઇને ખીમભાઇને સામો મળ્યો. ટીકાના હાથમાં કોઇ દિવસ નહીં ને આજ ચોપડી જોઇને ફરી પાછી પેલી શંકાની ડાકણે એમનામાં પ્રવેશ કર્યો. ચોપડી આમ તેમ ફેરવીને કહે કે શેની ચોપડી છે? ને અટાણે વળી ? ટીકાએ ટૂંકમાં પતાવતાં કહ્યું કે ‘કાચોફુલાની છે. સાઇબના ઘેર દેવા જવી છે.’ ખીમભાઇ કહે કે ‘હાલ્ય હુંય આવું. નવરો જ છું.’ આ સાંભળતાં જ ટીકો ઝંખવાણો પડી ગયો. બંને આવ્યા. હું એકલો જ હતો ઘરે. શ્રીમતિ પિયર ગયેલાં. ખીમભાઇની શંકા મજબૂત થઇ. ત્યાં પેથો, ઘુઘો ને મઇલો પણ આવ્યા. ખીમભાઇએ લાગલું જ પૂછ્યું ‘તમેય કાચોફુલાની ચોપડી લઇને આવ્યા છો?’ આ સાંભળતાં વેંત બધાયે ખખડાટી બોલાવી. કાળી-ચોકટ-ફુલ્લી-લાલની મિતાક્ષરી ખીમભાઇ બખૂબી પકડી પાડી હતી ! આ પ્રસંગ બાદ અમે જ્યારે જ્યારે પણ ગેરહાજરીના દિવસ પછી છતરીએ હાજર થઇએ એટલે અચૂક પૂછે કે ‘ગઇકાલે બધા ચોપડી વાંચવા ગયા હતા?’
આ ચોપડીએ અમને અનેક અવનવી વાડીઓનાં દર્શન કરાવ્યાં હતાં. એક વાડીએ કોઇની હાજરી જણાય તો બીજી પકડીએ. રાત દી અવાવરુ વાડીની શોધ કરતા રહીએ. આ શોધમાં કંટાળો આવે ત્યારે ચૂરચાપ ઘરે આવી જઇએ. એમાંય રાત્રે ઘરે આવતાં મોડું થાય એટલે શ્રીમતિની કડક પોલીસવાળા જેવી પૂછપરછનો સામનો કરવો પડે. એક દિવસ તો રામદેવપીરનું આખ્યાન જોવા જવાનું બહાનું કરીને નીકળેલો. એમાંય પકડાઇ ગયેલો. જેની હારે રામદેવપીરનું આખ્યાન જોવા ગયો હતો એ તો એ દિવસે મારી સાથે ફિલમ જોવા ગયેલો ! બંનેની ભાર્યાઓ બીજા દિવસે પાણીશેરડે ભેગી થઇ ત્યારે અમારી ચાલબાજીને પિછાણી ગયેલી! એ બાબતની સજા ત્યારે તો નહોતી મળી પણ પછી એક દિવસ રાત્રે બારણું જ ના ખોલ્યું. એકાદ દોઢ કલાકની વિનવણી પછી ગૃહપ્રવેશ શક્ય બન્યો હતો.
અમારી આ કામગીરી શરૂ થઇ ત્યારથી કંઇક ને કંઇક વિઘ્નો આવતાં જ રહેતાં હતા. એમાં નરિયાએ એક દાડો હું ઘરે ન હતો ત્યારે આગ લગાડવાના ઇરાદે શ્રીમતિને પૂછ્યું કે ‘કાલ સાઇબ કેટલા જીત્યા?’ ને જેવો હું ઘરે આવ્યો કે લાગી! નરિયાએ તો સાવ ગોળો જ ફેંકેલો, પણ મારી મથરાવટી જ મેલી ત્યાં કોને ફરિયાદ કરવી? પછી તો ઘરની બહાર નીકળું એટલે જાણે જુગાર રમવા જ જતો હોઉં એવી માન્યતા ઘર કરી ગયેલી. એટલે દસ પંદર મિનિટ છતરીએ ઊભો રહું ત્યાં તો નવો નવો મોબાઇલ લઇ દીધેલો તે રીંગ ફટકારે. રીંગ વગડે કે નરિયો બોલેઃ જો આવ્યો…જો આવ્યો… આવ્યોને બેનનો ફોન? અને સ્ક્રીન પર નજર ફેરવું તો એનું જ નામ લપકારા લેતું હોય !
એ સવારે હજી નાહીધોઇને માંડ તૈયાર થઇને બેઠો હતો. ત્યાં ડેલાના બારણાંની સાંકળ ખખડી. શ્રીમતિએ કોઇ મહેમાન હશે એમ ધારીને બારણું ખોલ્યું. સામે ટીકો. એને જોતાં જ આવકારો દેવાના બદલે મુખમંડળ જરા લાલ કરીને પૂછ્યું કે શું કામ છે? ‘ ટીકો હડબડાહટમાં કહી બેઠો કે સાઇબને ચોપડી આપવા આવ્યો’તો. પણ જુએ તો હાથમાં ક્યાંય ચોપડી ન મળે! પછી શરમાતાં શરમાતાં કહે કે ના ના હું તો ચોપડી લેવા આવ્યો હતો. શ્રીમતિનો ધોધમાર ગુસ્સો ટીકા પર ઉતરી આવ્યો. ખાલી મણ મણની ચોપડાવવાની જ બાકી રાખી હતી. એ પછી ઘણાં દિવસો સુધી ટીકો ઘર તરફ ફરકેલો નહીં.
આ ટીકોય તે કાંઇ ઓછી માયા નહીં! એમના મામા-મામી એક વખત ચાર ધામની જાતરાએ ગયેલાં. એમની વાડી સાચવવાની જવાબદારી ટીકાને સોંપેલી. વાડીએ એ દિવસોમાં ટીકા સિવાય કોઇની અવરજવર નહીં. એણે મિત્રોને વાત કરી. અમને તો જાણે ગોળનું ગાડું મળ્યા જેટલો આનંદ થયો. પછી તો નવરા પડ્યા નથી કે વાડીએ પહોંચ્યા નથી ! લગલગાટ દસ દિવસ પત્તો કૂટ્યો. ટીકાએ મામાની જાતરા વાંહે ધૂનની જગ્યાએ જુગાર બેહાડી હોય એવો જાણે ઘાટ થયેલો! એમાંય છેલ્લા દિવસે તો હદ કરી નાખેલી. અમે વાડીએ ને ગામમાં હનુમાનજીના પગમાં તેલ નીકળવોનો ચમત્કાર બનેલો. ગામે ગામ ખબર પડી. એક ખબર ન પડી હોય તો માત્ર અમને! ઘરેથી ફોન કરતાં હશે દર્શન કરવા માટે, પણ સ્વીચ ઓફ કરેલા ફોનમાં કોની વાત સંભળવા મળે ? વાડીએથી ઘર તરફ આવવા નીકળ્યા ત્યારે માનવ મહેરામણ ઉમટેલો જોઇને અમે તો છક જ થઇ ગયેલા! માંડ માંડ વાત અંકે કરેલી અને પછી તો અમે પણ હનુમાનજી મહારાજના દર્શન કરીને ધન્ય થયા હતા.
અમે આ રમતમાં એવા તો તન્મય બની જતા કે એની સામે ધ્યાન તો કંઇ ના કહેવાઇ! પત્તો વહેંચાય એટલે આજુ-બાજુ, ઉપર-નીચે કોણ છે અને શું છે એનો ખ્યાલ જ ના રહે! માત્ર સામે પડેલાં ત્રણ પત્તા અને આંખમાં ભરેલું ઘેન બસ એટલું જ બચે. એમાં પણ પત્તા જોતી વખતે પ્રથમ બે પત્તા જોતાં રોન કે ત્રેખડની સંભાવના બનતી હોય તો તો આંખ ધીરે ધીરે ઝીણી થતી થતી સાવ અભેદને પામવા નીકળી હોય એવી અનુભૂતિ થાય! જો સંભાવનાને અનુરૂપ ત્રીજું પત્તું નીકળે તો આંખને સહેજેય પ્હોળી થવા દીધા સિવાય સ્થિતપ્રજ્ઞતાની કોટીએ પહોંચીને સાવ સામાન્ય પત્તાં આવ્યાં હોય એવો દેખાવ કરવાનો. હળવેથી પૈસા ફેંકવાના અને ‘રાંક થઇને રહેવું’ની ભાવનાનું અનુસરણ કરવાનું ! પરંતુ જો એ ત્રીજુ પત્તું અનુકૂળ ન નીકળે તો જેટલું હોય એટલું જોર એકઠું કરીને પત્તાં કેટ ઉપર પછાડવાનાં! આમાં જેને જેને બાઇટ બની હોય તે મેદાનમાં આવે ને ક્રમશઃ ડબલ ચાલ કરીને રમતને ઉચ્ચતમ કક્ષાએ પહોંચાડી આપે. અહીં એકાને અણીયુ, દૂડીને બગું. તીડીને તગું, અઠ્ઠાને બે ગાંઠ્યુ, ગુલામને ગલ્લો, રણીને પટી કે રંટી ને બાદશાહને બાઢો કહેવાની મજાનો રસ મને કંઇક અલૌકિક જણાયો છે. વળી મનમાં ઊંડે ઊંડે થાય છે કે ચંદ્રની કળા કોઇના મોં પર જોવી હોય તો એકમાત્ર આકાશ જ નથી, આ પત્તાનું ફલક પણ એની ગરજ સારે એવું છે!
અમે જે રમતા હતા તે રમત બહુ સામાન્ય હતી. ખરું કહું તો ટાઇમપાસ જેવી હતી. એમાં હાર-જીતનો કોઇ ઇરાદો ન હતો. પરંતુ વ્યવસાયે શિક્ષક હોવાના કારણે એ અમને છાજે એવી વાત ન હતી. અમને પણ થતું કે આ બરાબર નથી થતું. પરંતુ પત્તાનું ખેંચાણ અજીબોગરીબ હોય છે. શુદ્રકે મૃચ્છકટિકમાં સંવાહકના મુખે જુગાર રમવાની ઇચ્છાને મહાપરાણે રોકવાની વિફળ ચેષ્ટાનો એક શ્લોક કહ્યો છેઃ
अरे, कत्ताशब्दो निर्नाणकस्य हरति ह्रदयं मनुष्यस्य I
ढक्काशब्द इव नराधिपस्यप्रभ्रष्टराज्यस्य II
जानामि न क्रीडिप्यामि सुमेरुशिखरपतनसंनिमं ध्यूतम् I
तथापि खलु कोकिलमधुरः कत्ताशब्दो मनो हरति II
( પાસો શબ્દ નિર્ધન મનુષ્યના મનને એ રીતે પોતાની તરફ ખેંચે છે અને એ રીતે ચિંતામગ્ન કરી દે છે કે જાણે રાજ્ય ગુમાવી ચૂકેલો રાજા બીજાના ઘરમાં નગારાનો અવાજ સાંભળીને વ્યાકુળ થઇ જાય. હું જાણું છું કે સુમેરુ પર્વતના શિખર પરથી પડવા સમાન જુગાર હાનિકારક છે. અને નિશ્ચય કરું છું કે હવે પછી જુગાર નહીં રમું છતાં પણ કોયલની મધુર કૂક સમાન પાસાનો ખખડાટ મને પોતાની તરફ ખેંચી રહ્યો છે. )
પત્તાનું નામ પડતાં અમારી પણ આ જ દશા થતી! પરંતુ એક ઘટનાએ અમારી રમતને જડબેસલાક બંધ કરાવી દીધી.
પેથાની વાડીએ લીંબુડીના બગીચામાં એક રાતે અમે જુગાર માંડેલી. છૂપાછૂપીથી વાડીયુંમાં પહોંચી જવાની અમને ફાવટ આવી ગઇ હતી. વાડીએ આવ્યા છીએ એની કોઇને જાણ નથી એમ માનીને અમે તો મંડાણા. દે ધના ધન. રોન ઉપર રોન ને ત્રેખડ માથે ત્રેખડ ! પછી જ્યારે કંઇક હારીને અને કંઇક થાકીને પત્તો સંકેલ્યો ત્યારે અડધી રાત વીતી ચૂકી હતી. વાડીના ખૂણે મૂકેલાં બાઇક પાસે પહોંચીને કિક મારીએ એટલે ઘર ભેગા! પણ કરમની કઠાણાઇ હવે જ શરૂ થઇ. મઇલાએ બાઇકને કિક મારી. ન ઉપડી. ટીકાની પણ ન ઉપડી. પેથાએ કિક મારી તો ઉપડી. બીજી બાઇકો કેમ ઉપડતી નથી એનું રહસ્ય જાણવા પેથાની બાઇકની લાઇટનો સહારો લીધો તો આંખો અચંબિત ! કોઇ બાઇકનો ક્લચ વાયર પકડથી તોડી નાખવામાં આવેલો તો કોઇના પ્લગ વાયરને! બાઇકમાં પકડ મારીને વીખી તોડી શકાય એવી દરેક વસ્તુઓ ઝપટે ચડી ગઇ હતી. એકમાત્ર અકળ રહસ્ય હોય તો એટલું કે પેથાની બાઇકને ઊની આંચ પણ નહોતી આવી!
પેથાની લાઇટના સહારે માંડ માંડ એકાદ બે બાઇકો સરખી થઇ. બાકીનાએ દોરીને રાતવરતના ઘરે પહોંચી જવાનું મુનાસીબ માન્યું. થોડી પોલીસવાળાની બીક પણ લાગી. અમે શિક્ષકોની ન્યાત ને એમાં પાછી પેથાની વાડીએ આ ઘટના બની હતી એટલે સામાન્ય સામાન્ય ગાળોથી કામ ચલાવ્યું. અમારું રામણું અધવચ્ચે પહોંચ્યું હશે ત્યાં અંધારામાંથી ભૂત પ્રગટ થાય એમ પેથાના બાપા પ્રગટ થયા. કોઇને ખબર પડે એ પહેલાં ઘરે પહોંચી જવાનું હતું ત્યાં વળી આ નવું તૂત! પેથાની દશા ઇશ્વરદત્તના ‘ધૂર્તવિટસંવાદ’ નાટકના વિટ જેવી થઇ. જગતને અપૈતૃક કરી નાખવાની ઇચ્છા સાથે જાણે વિટનો જ ઉદ્ગાર મનોમન પ્રગટ થયો – पिता नाम खलु सयौवनस्य मूर्तिमान शिरोरागःI એમનાથી વાત છૂપાવતાં પેથાએ કહ્યું કે આ જુઓને આપણી વાડીએ અમે સુવાણ કરતા હતા ત્યાં કો’ક નબળો બાઇકોને નુકસાન કરીને જતો રહ્યો ! શું હાથમાં આવી ગયું હશે એને! પેથાના બાપા જાણે કંઇ સાંભળ્યું જ ન હોય એમ કરીને વાડી તરફનાં અંધારામાં ઓગળી ગયા.
બીજા દિવસે છતરી બેઠકમાં સૌ મળ્યા ત્યારે એકબીજા સામે જોઇને દાંત કાઢે. પેથો પકડો એ પકડને, પકડો એ પકડને કહીને હલકારા મારે. ખીમભાઇ આ બધું સાંભળીને મૂંઝાઇ. એમની ઉત્સુકતા વધતી જાય એમ એમ અમારું પકડ પુરાણ પણ ગતિ પકડે. છેવટે શંકાનો હુડિયો દડિયો પેથાના બાપા પર નાખીને જુગટું કર્યું બંધ તે આજનો દિ ને કાલની રાત!
– જયંત ડાંગોદરા
( એતદ્ : જુન, ૨૦૨૧માં પ્રકાશિત નિબંધ)
વાહ દાદા….જોરદાર
પડ જીવતું કર્યુ
Vah
ખૂબ સરસ.
ખુબ સરસ,
આ સમયે આ લખાણ ખેલાડીઓ માટે ઉદ્દીપક બની રહેશે.
વાહ
Wah ..👌👌
Nicely written
ફરીથી જુની યાદ તાજા કરી સાહેબ
ઘન્ય છે તમને
I am proud of you
jayant Dangodra sir
Vaah……!
Vaah બાળપણ ની યાદ તાજી કરી પરંતુ હવે ખૂબ આગળ વધશો
વાહ ..ખૂબ સરસ
ખૂબ જ સુંદર….
સંદીપ પટેલ"કસક"
વાહ!! સુંદર કામ, અભિનંદન…
खूब खूब अभिनन्दन, सार्थक लेखन