સૂરત હીરા ઘસવા જવાનું થયું એ પહેલાં ‘રેવાને તીરે’ એવો ભોળાભાઇ પટેલનો નિબંઘ ભણવામાં આવી ગયેલો. પરીક્ષામાં સારા માર્કસ્ લાવવા માટે એકાદ બે ફકરાઓ બરાબરના ગોખી મારેલા. માર્કસ્ પણ સારા આવેલા. પરંતુ નસીબજોગે બારમાં ધોરણમાં ગાડું અટક્યું ને હીરા ઘંહવા તરફની ગતિ અને મતિ થઇ. લસકરી બસમા બેસીને હું વજુકાકા સાથે સૂરત ઉપડેલો. એ વખતે એસ.ટી. સિવાયની તમામ બસ અમારા માટે લસકરી એટલે કે લક્ઝરી હતી ! આખી રાત બસમાં જાગતા રહી રસ્તાની બંનેે તરફથી પસાર થતાં વૃક્ષો, ખેતરો, ગામડાંઓ, ભાત ભાતના માણસો, વાહનો, નદી-નાળાં અને સેતુઓની લીલા નીરખતો રહેલો. એ વખતે ભરૂચ વટાવ્યા પછી લાંબા પુલ પરથી રાતનાં ધૂંધળાં અજવાળામાં એક નદીનાં દર્શન થયેલાં. ત્યારે નામની ખબર ન હતી, પણ નદીમાં વહેતું પાણી અને વીજળીના ઊંચા ઊંચા થાંભલાઓ તથા વચ્ચે પાણીની સપાટી માપવા માટે ઊભું કરેલું પાણીનાં ટાંકા જેવું બાંધકામ જોઇ અંતર વિસ્મિત વિસ્મિત થઇ ગયેલું. એ પછી તો ફરી ભણવા તરફની ગતિ થતાં સૂરત છૂટી ગયેલું ને સાથે સાથે એ પુલ પરનું નર્મદા દર્શન પણ. પણ આગળ પર સ્કૂલમાં ફરી નર્મદા પરનો નિબંઘ ભણાવવાનું થતાં નર્મદાની પરિક્રમાનો આલોક ઉઘાડ પામ્યો અને અમૃતલાલ વેગડના નિબંધોએ એમાં ઉદ્દીપકનું કામ કર્યું.
આ બધાથી પ્રેરાઇને એક દિવસ ઘરનાં સભ્યો આગળ વાત મૂકી કે મેં એક માનતા રાખી છે. જેવી માનતાની વાત આવી કે સૌ ખખડીને હસવા લાગ્યાં. જો કે એનું કારણ માત્ર એટલું જ કે માનતાની વાત આવે એટલે મારો વિદ્રોહ આસમાને પહોંચતો હતો તે. પણ મેં ખરેખર માનતા માની છે અને તે પણ નર્મદા પરિક્રમાની તે જાણીને સૌ ચકિત જ થઇ ગયાં. હું પણ એ માનતા માટે આગ્રહી બન્યો. પરંતુ વર્ષો વીતી જવા છતાં હજુ સુધી તો માનતા પૂરી થઇ જ ન હતી. પણ એક દિવસ કવિમિત્ર જાતુષ જોશીએ આવતા ઉનાળામાં ગુજરાતના નર્મદાકાંઠાનાં તીર્થો અને નર્મદાની યાત્રા કરવા માટે તૈયાર રહેવાનો આદેશ કર્યો. મને કરેલા આદેશનું પાલન કવિ વિમલ અગ્રાવતે પણ કરવાનું હતું. ઉપરાંત સમગ્ર પ્રવાસના આયોજનની જવાબદારી મારે સંભાળવી અને ત્રણેયે પરિવાર સાથે જ સુરેન્દ્રનગર સ્થિત એમનાં નિવાસસ્થાન કૈલાસથી જ પ્રસ્થાન કરવાનું રહેશે એવી તાકિદ પણ કરી દીધેલી. એ પછી મેં નર્મદા પરિક્રમાને લગતાં પુસ્તકો, લેખો વાંચવા માંડેલા અને જેમણે આ પરિક્રમા કરી હોય એમની રૂબરૂ મુલાકાત લેવાનું પણ શરૂ કર્યું હતું. પછી તો જેમ જેમ વેકેશન નજીક આવતું ગયું તેમ તેમ સૌની ઉત્કંઠા તેજ થતી ગઇ અને એક દિવસ ત્રણેય મિત્રો પરિવાર સાથે નીકળી પડ્યા. ‘નર્મદે હર’નો જયઘોષ અમારા ઉત્સાહને બેવડાવતો હતો.
વહેલી સવારે લીંબડી હાઇવેના ખુલ્લા પટમાં અમારી વાન સડસડાટ દોડવા માંડી હતી. બાળકો પોતપોતાની મસ્તીમાં મહાલવા માંડેલાં. અમે સાહિત્ય અને સમાજ તથા પોતપોતાની નોકરીની વાતોમાં ગૂંથાયા ને મહિલાઓ પોતાના સૌથી પ્રિય એવા વિષયને ન્યાય આપવામાં તલ્લીન બની ગઇ હતી. અમારે પ્રથમ તો કાયાવરોહણ ખાતે ભગવાન શિવના અઠ્યાવીસમાં અવતાર મનાયેલ ભગવાન લકુલીશના દર્શન કરી વિધિવત યાત્રાનો પ્રારંભ કરવાનો હતો. પણ ત્યાં પહોંચીએ એ પહેલાં તો બચ્ચાપાર્ટીએ વટામણ ખાતે નાસ્તો કરાવીને જ જપ ખાધો. આમ જોતાં અમારા મનની વાત જ જાણે તેઓએ કરી હતી ! કાયાવરોહણ પહોંચ્યા ત્યારે તડકો ઠીક ઠીક ચડી આવેલો. શ્યામ પાષાણમાંથી કંડારિત ભગવાન લકુલીશ હાથમાં લકુટ એટલે કે બિજોરું અને દંડ ધારણ કરીને ઊભા હતા. અત્રિવંશમાં અવતરેલા લકુલીશ પોતાની માનવકાયા સમેટીને અહીં લિંગમાં જ્યોતિર્ધાન પામેલા અને એ લિંગ પર જ સાંભવી મુદ્રામાં મૂર્તિસ્વરૂપે પ્રગટ થયેલા. જો કે એ પુરાકથાને મૂર્તિમંત રૂપ તો આપ્યું સ્વામી કૃપાલ્વાનંદજીએ. એમના આગમનથી જ પૂર્વે લોઢી કાશી કે દક્ષિણ કાશી તરીકે પ્રસિદ્ધ આ પુરાતન ક્ષેત્રને નવી ઓળખ મળી હતી. તેમના પ્રયાસોથી જ યોગની શિક્ષાનું વટવૃક્ષ અહીં પાંગર્યું એમ કહીએ તો કશું ખોટું નથી. અમે લકુલીશનાં દર્શન કર્યાં. તડકો તમતમી રહ્યો હતો. બપોર પછીની ભૂખ બળવતર બની હતી. પણ નિયમ પ્રમાણે ભોજન શાળા બંધ થઇ ગઇ હતી. અમારી કાયામાં હવે ભૂખનું અવરોહણ થયું હતું ! અમારી યાત્રાના ઉઘાડ સાથે એનો પણ ઉઘાડ થયો હતો !
રોડ પરના કંડારી ગામની એક રેસ્ટરાંમાં તૃપ્ત થઇ નર્મદાતટે સ્થિત શુક્લતીર્થ તરફ પ્રયાણ કર્યું. નર્મદાયાત્રાનું ખરું પ્રસ્થાન તો અહીંથી જ થતું હતું. અમે કોઇ નિયમવર્તી યાત્રીઓ ન હતા. એટલે નર્મદાયાત્રા તો અહીંથી જ શરૂ કરાય કે તહીંથી પૂજા કરીને જ આગળ વધાય એવી કોઇ કટાકૂટથી અમે બંધાયેલા ન હતા. તેથી જ સૌપ્રથમ અહીં પધરામણી કરી હતી. પુરાણોએ આ ભૂમિને પૃથ્વી પરની પાપવિમોચન માટેની પવિત્રોત્તમ જગ્યા ગણી છે. અહીં સોમેશ્વર-શુક્લેશ્વર મહાદેવનાં દર્શન કરી અમે મંગલેશ્વર આવ્યા. મા નર્મદાનાં દર્શન પામી હ્રદય પુલકિત થઇ ગયું. જે માટે નીકળ્યા છીએ એનાં પ્રથમ દર્શને ધન્યતાની અનુભૂતિ કરાવી. હ્રદય નર્મદાષ્ટકની ધૃવપંક્તિ “ત્વદીય પાદપંકજં નમામિ દેવિ નર્મદે”નું વારંવાર રટણ કરવા લાગ્યું. આંખો મૌયાના વિશાળ અંકમાં આળોટવા લાગી. હવે તો મૌયાની ગોદમાં ભૂસકો માર્યે જ છૂટકો ! જો કે ભૂસકો તો ન મરાયો પણ ઘાટ પરથી અર્ઘ્ય જરૂર આપ્યું. પગ જબોળી પ્રક્ષાલન કર્યું ને અંજલિ ભરી મૌયાનું ચરણામૃત પણ લીધું. ‘નર્મદે હર, નર્મદે હર’ના જાપ કરતાં કરતાં મન મુગ્ધ બની ગયું !
અહીંથી સામે નજર નાખું છું તો નર્મદાના પ્રવાહની વચ્ચોવચ વિરાટ કબીર વડ પોતાની બાંહો જેવી વડવાઇઓ વિસ્તારીને વર્ષોથી પોતાની અખંડ ધજા ફરકાવી રહ્યો છે. કોઇ કહે છે કે કબીરે વડવાઇનું દાતણ કરીને જે ચીર ફેંકેલી તેમાંથી વડનું આ વિરાટ સ્વરૂપ પ્રગટ્યું છે. તો ક્યાંક એવો ઉલ્લેખ પણ છે કે તત્વા અને જીવા નામના બે ભાઇઓએ પોતાનાં આંગણામાં વડની સૂકી ડાળખી રોપેલી. આ ડાળખી જે સંતના ચરણામૃતથી લીલી થશે; એને જ ગુરુ પદે સ્થાપવાની નેમ લઇ, તેઓ વર્ષો સુધી એવા કોઇ સંતની રાહ જોતા રહ્યા હતા. છેવટે એમની વૃદ્ધાવસ્થાએ જ્યારે કબીરજી આ ક્ષેત્રમાં પધાર્યા અને એમનાં ચરણામૃતનો સ્પર્શ પેલી ડાળખીને થયો ત્યારે જોતજોતામાં લીલીછમ કૂંપળો ફૂટી નીકળી. બસ ત્યારથી માંડીને આજ દિન સુધી આ વડની મહત્તા એવીને એવી જ અકબંધ છે.
એના સાંનિધ્યમાં પહોચવા માટે કિનારા પર હોડી નાંગરેલી હતી. અન્ય મુસાફરો સાથે અમે પણ સ્થાન ગ્રહણ કર્યું. હોડીની હાલક ડોલક સ્થિતિ શિશુગણ સાથે અમને પણ મજા કરાવતી હતી. નાવિકની વિવિધ ચેષ્ટાઓનું ધ્યાનપૂર્વક નિરિક્ષણ કરતાં કરતાં પ્રવાહની વચ્ચે ક્યારે આવી ગયા તેની ખબર પણ ન રહી ! પ્રવાહમાં નજર નાખું છું તો જળમાં જાણે સાપોલિયાં રમતાં ના હોય ! ને સરરરરર કરતી હોડી પાછળ તો જળનો મોટો ધૂધવો રચાતો જતો હતો ! આગળની તરફ કપાતું જળ આકાશમાં વિહાર કરતાં રચાતી બલાકાની રેખા જાણે ! મન મસ્તીની ચપટીક મુઠ્ઠી ભરે ન ભરે ત્યાં તો કબીરવડનો કિનારો આવી ગયો. સામે નર્મદે વર્ણવ્યો છે એવો વિરાટ વડ !
ભુરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધુમસે પ્હાડ સરખો,
નદી વચ્ચે ઊભો, નિર્ભયપણે એકસરખો;
આ જ કાવ્યમાં કવિ એની વિશાળતાનું વર્ણન કરતાં કહે છે કે આ કંઇ એક વડ નથી. આ તો વડોનું વન છે :
જતાં પાસે જોઊં, વડ નહીં વડોનું વન ખરે,
મળે આડા ઊભા, અતિ નિકટ નીચે ઉપર જે;
વડો ઝાઝા તોએ, સહુ ભળી ગયે એક દીસતો,
વળી સંધાઓનું, અસલ જીવતું એક મુળ તો.
કિયૂં ડાળૂં પ્હેલૂં, કંઇ ન પરખાએ શ્રમ કરે ,
ઘસેડ્યો પાડીને, અસલવડ રેલે જણ કહે;
તણાયા છે ભાગો, ઘણી વખત જો એ વડ તણા,
તથાપી એ થાએ, ફુટ વીસ ગુણ્યા સો પરિઘમાં.
પછી મારે જે કહેવું છે એ પણ હવે એના જ શબ્દો મૂકીને કહી દઉં તો ?
અહીંયાંથી જોવી, ચકચકતી વ્હેતી નદી દુરે,
પશુ કો જોવાં જે, અહિં તહિં ચરે બેટ ઉપરે.
ઘટા ભારે જોવી, શબદ સુણવા કોઈ ખગના,
દિલે વાયુ લેવો, સુખ નવ હીણા લે કરમના.
ઠરી મારી આંખો, કબીરવડ તુને નિરખીને,
ખરી પાપી બુદ્ધિ, ખરી જ રૂડિ જાત્રા થઈ મને;
વિશેષે શોભે છે, ગભિર વડ તુંથી નરમદા,
કૃતાર્થી મોટો હું, દરશન વડે છું નરમદા.
કબીરજીના ખોળામાં મહાલવાનો આનંદ જ કંઇ ઓર છે. બાળકો ધીંગામસ્તીએ ચડી ગયાં છે. કોઇ વડવાઇ પકડીને હીંચે છે તો કોઇ હજી પણ વડનું મૂળ ક્યાં હશે એના અનુમાનમાં અટવાયું છે. અમે ત્રણેય દંપતી એક બાંકડા પર થોડો જપ ખાવા બેસી પડ્યાં. ત્યાં તો વડના કોઇ વડવાગોળને જાતુષની શું ઇર્ષ્યા થઇ કે માથે ટપક કરતું ચરકી ગયું. એમની નારાજગીએ બાળકોને મોજમાં લાવી દીધાં. અમે પણ એમનો ઇશારો સમજી મંગલેશ્વર તરફ પ્રયાણ કર્યું. રાત્રી રોકાણ ભારદ્વાજ આશ્રમમાં કરી શકાય તો સારું એવી ઇચ્છા હતી. રામસંકીર્તનમાં આરામથી થોડો સમય ગાળી શકાય અને આખા દિવસના થાકથી મુક્તિ પણ મળે ! પરંતુ તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે એક પણ રૂમ ખાલી નથી. છેવટે ઉતારાની વ્યવસ્થા માટે ઝાડેશ્વર ચોકડી પરના સ્વામિનારાયણ મંદિરમાં આવ્યા. મંદિરની ભવ્યતાની તો વાત જ શું કરવી ? સુંદર મજાનો પરિસર. ત્રણેય પરિવાર માટે આજનો મુકામ અહીં જ મુકરર થયો. મંદિરમાં દર્શન-આરતી કરી ઉતારા પર પહોંચું છું તો સૌ પોતપોતની નિદ્રાનો ભવ્ય ઉત્સવ મનાવી રહ્યાં હતાં !
***
વહેલી સવારે મંદિરના ઘંટારવે આંખો ખોલી આપી. મંગળા આરતી પૂરી થઇ ત્યાં સુધીમાં તો અમારો આ સંઘ પણ જાગૃત દશામાં આવી ગયેલો. સવારનું મંગલમય વાતાવરણ દરેકની સ્ફર્તિમાં અદકેરું ઉમેરણ કરતું હતું. ઝટપટ ઝટપટ તૈયાર થઇ નર્મદાતટે આવેલ ગાયત્રી મંદિર અને ત્યાં જ નજીકમાં આવેલ મહાદેવને પણ નમી આવ્યા. મંદિરથી ઘાટ પર જઇ શકાતું હતું. આ પ્રવાહની ઉપેક્ષા તો અમારાથી કેમ થાય ? સવારના મીઠા તડકામાં રેવાજળની શાતા તન-મનને નવું પરિમાણ બક્ષી આપે છે. જો કે અહીં પણ જળની ભીતરનો પ્રવેશ તો હજુ પણ શક્ય ન હતો. છતાં દર્શનમાત્રથી પણ જે આનંદ વ્યાપી વળતો હતો તે આ નર્મદાના નામની સાર્થકતા જ બતાવે છે. હવે પછી પ્રયાણ કરીશું નિકોરા તરફ.
નિકોરામાં આનંદી માનો આશ્રમ છે. ધ્યાનયોગી મધુસૂદન મહારાજનું સ્મૃતિ મંદિર અહીં શ્રીયંત્ર આકારે નિર્મિત કરવામાં આવ્યું છે. મૂળે ધ્યાની મહારાજ બિહાર પ્રદેશના, પણ બનાસકાંઠાના બંધવડ જેવાં નાનકડાં ગામમાં હનુમાનજીની મઢીમાં સાધનારત હતા. એમના શક્તિપાતના પ્રયોગોએ અનેક સાધકોને આકર્ષેલા. અમારા અહીં પગલાં થવાનું એક કારણ આ પણ ખરું.
નર્મદા તટને અડીને જ હરિયાળાં વૃક્ષોની ઘટામાં આ સુંદર મજાનું સ્મૃતિ મંદિર અને આશ્રમ આવેલા છે. અમે ધ્યાની મહારાજની મૂર્તિને પ્રણમી પશ્ચાત વહેતી રેવાનાં દર્શન કરવા ગયા તો પ્રવાહ પરથી પરાવર્તિત થતાં સૂર્ય કિરણોએ આંખો આંજી નાખી. ઘડીભર અંધારું અંધારું ને ભીતર દૃષ્ટિમાં રંગ રંગનાં વાદળો ઉમટી પડ્યાં ! જળ અને પ્રકાશનું સંયાજન કેવું અદ્ભૂત પરિમાણ રચી આપે છે નહીં ! આ લીલા નીરખી આનંદી માના દર્શન માટે વળ્યા, પણ દર્શન તો ન થયાં. પણ આખો પરિસર અધ્યાત્મના આહ્લાદથી સભર સભર હતો. એક સાધકે આશ્રમની સુવાસ અમારામાં ભરી આપી. એનાથી અમારું નાનકડું ગજવું છલોછલ કરી નીકળ્યા પડ્યા નાંદગામથી નબીપુરના માર્ગે નારેશ્વર તરફ.
શેરડી અને ગુલાબથી મઘમઘતાં ખેતરો વચ્ચેથી પસાર થતો સર્પાકાર માર્ગ અમને દોડાવી રહ્યો હતો. વાડીના વડની ઘટાદાર છાંયામાં તૂટી ગયેલી ખાટલી નાખીને વામકુક્ષિ કરતા ખેડૂતોને જોઇ આંખો ટાઢક અનુભવે છે. બાજુની ગમાણમાં ઓગાળે ચડી ગયેલી ગાયો અને ભેંસો જાણે તડકાને ચાવી ના રહી હોય ! ક્યાંક હાંફતાં ઊંટની હાર; વગર થર્મોમીટરે કેટલી ડિગ્રી તાપ પડતો હશે તેનું અનુમાન કરાવી આપે છે. હાંફ તો અમને પણ ચડી ગયો છે. પણ અવધૂતધામ પહોંચીને જ પોરો ખાઇશું હવે તો.
નારેશ્વર પહોચ્યા ત્યારે પ્રસાદનો સમય વીતી ચૂક્યો હતો. હવે દર્શન ખૂલે ત્યાં સુધી ખળખળ વહી જતી રેવામાં ધુબાકા મારીશું. પગથિયાં ઊતરીને સીધા મૈયાની ગોદમાં. ગઇકાલથી અમે જે પળની અવિરત રાહ જોતા હતા તે પળ આવી પહોચી. લગલગાટ બે કલાક મૈયાનો ખોળો ખુંદ્યો. ધરાઈ ધરાઈને ડૂબકીઓ મારી. એકબીજા પર પાણીની છાલકો ઉછાળી. બચ્ચાપાર્ટીને ખભે બેસાડી પાણીની ગહરાઇનો અનુભવ કરાવ્યો. ઘણાં વર્ષો પછી આબુડો બાબુડો રમ્યા. આટલી તલ્લીનતા તો કદાચ ધ્યાનમાં પણ નહીં આવતી હોય !
રેવાનો આ કિનારો મને નાગવા બીચની યાદ અપાવતો હતો. ભાત ભાતના સહેલાણીઓથી સભર તટે અનેક પ્રકારની હાટડીઓ મંડાઈ ગઇ હતી. અમે એક હાટમાંથી તાડફળીઓ ખરીદી. નારિયેળ કરતાં થોડું અલગ, પણ બહારથી નાના શ્યામ નારિયેળ જેવું જ લાગે. એ પાકે સામાન્ય તાડ કરતાં જુદા તાડ પર. અમે એને રાવણતાડ કહીએ. આ રાવણતાડના ફળનો ગર્ભ એટલે તાડફળી. સૂરત બાજુ ગલેલી પણ કહે છે. એ ખાવામાં મધુર અને પોચી વાદળી જેવી. મોઢામાં મૂકો ત્યાં હડફ કરીને સરકી જાય ! સૌએ તાડફળીની મજા લીધી. કોઇ કોઇના હાથમાંથી સરકીને છટકી પણ ગઇ ! આવું બને ત્યારે સૌના ચહેરા પહોળા પહોળા થઇને ઝૂમી ઊઠતા !
આ તાડફળીની મજા લેતા હતા ત્યાં ઊંટવાળો આવી ચડ્યો. બાળકોને સવારી કરવા માટે લલચાવવા લાગ્યો. પછી તો બાળકો ના લલચાઇ એવું બને ? છેવટે એક ફેરે બે બાળકો સાથે રાખી સફર કરાવવાની શરતે સાંઢિયાની લગામ ઝાલવાનું ગોઠવ્યુ. ઊંટવાળાએ રેતીમાં ઊંટને જૂતાડી દીધો. જૂતાડી દીધા પછી પણ એનીં ખુંધ તો ખાસ્સી ઊંચી રહેતી હતી. જાતુષે મારા અને વિમલના સહારે સવારી સિદ્ધ કરી. એ પછી જયતિ અને શ્લોકાને ગોદમાં ધારણ કરી લગામ પકડી. હજી તો લગામ પકડે ન પકડે ત્યાં તો ઊંટ પાછળના બે પગે ઊભું થયું ને જાતુષ બંને બાળકો સાથે; બાળકોને રમવાની ઉચક-નીચક જેમ એક બાજુએ પાધરોકને ઢળી ગયો. હજી તો એ સરખો થાય ન થાય ત્યાં ઊંટે આગળના પગ સીધા કર્યા ને ફરી પાછી બીજી બાજુ ઊંચી થઇ. સૌ પેટ પકડીને ખખડાટ હસી પડ્યાં. અલબત્ ઊંટ સીધું થતાં જ સમતોલન આવી ગયું હતું. પણ સૌના શ્વાસ અધ્ધર ચડી ગયેલા ! પછી તો ઊંટે રફતાર પકડી. જાય રેતીમાં રમરમતું ! એક લાંબુ ચક્કર મારીને પાછો ફર્યો ત્યાં સુધીમાં હિમાની અને નિસર્ગે પોતાનો ઊંટસવારી માટેનો નિર્ણય ફેરવી તોળ્યો હતો !
આ બધી ધીંગામસ્તીમાં બે અઢી કલાક ક્યાં જતા રહ્યા તેની ખબર પણ ન પડી. ભગવાન દત્ત હવે બોલાવી રહ્યા હતા. ગાંધીજી સાથે અસહકારની લડતમાં જોડાવા માટે અભ્યાસનો ત્યાગ કરનાર પાંડુરંગ વળામેએ શ્રી રંગ અવધૂત રૂપે અહીં ભગવાન દત્તની આરાધના કરી હતી. સંન્યાસી જીવન સ્વીકારી નિર્જન એવાં આ સ્થળે તેઓ પધાર્યા ત્યારે સાપ અને મોરને સાથે ગેલ કરતાં જોયાં. આવી દિવ્ય ભૂમિ જોઈ તેમણે લીમડા નીચે આસન જમાવ્યું અને ‘દિગંબરા દિગંબરા શ્રીપાદવલ્લભ દિગંબરા’ની અહાલેક જગાવી. પછી તો એમના શ્રીમુખેથી પ્રગટ થયેલી દિવ્યવાણી ‘દત્ત બાવની’નું સેંકડો લોકોએ આજ સુધીમાં પારાયણ કર્યું હશે ! અમે પણ એમના ‘પ્રથમ સ્નાન પછી ધ્યાન’ એવા ક્રમ પ્રમાણે સ્નાન કરી એમના દરબારમાં પહોંચી ગયા હતા. દર્શન માટે પ્રવેશતાં પહેલાં પગની સ્વચ્છતા માટે અમૃતસરનાં સુવર્ણમંદિરની જેમ દ્વાર આગળથી વહેતાં જળમાં પગ જબોળી પ્રવેશવાનું હતું. સ્વચ્છતાનો આ આગ્રહ ગમ્યો. વળી ‘ક્યાંય પૈસા કે ચોખા વગેરે મૂકવા નહીં’ જેવાં સૂચનો પણ મનને ભાવી ગયાં ! અવધૂતના અંતેવાસી બની રહેલ બૂચિયા કૂતરાની સમાધી અને જેની નીચે આસન જમાવ્યું હતું તે લીમડાની પણ ભાવપૂર્વક વંદના કરી. ખરેખર અધ્યાત્મથી સભર વાતાવરણ મનને શાતા અર્પે એવું હતું.
ધીરે ધીરે સૂરજ પશ્ચિમ તરફ ઢળી રહ્યો હતો. અહીંથી હજુ તો મોટી કોરલ પુનિત આશ્રમે જવાનું હતું અને રાતવાસો પણ ત્યાં જ કરવાનો હતો. અહીંથી એ બહુ દૂર નથી. પુનિત મહારાજે વાનપ્રસ્થાશ્રમનાં ત્રણ વર્ષ અહીં નર્મદા કિનારે પંચકુબેરેશ્વર મહાદેવના સાંનિધ્યાં વિતાવવાનો નિર્ણય કરેલો. વૃક્ષ વનરાજીથી સભર આશ્રમ અને મહાદેવનું સાંનિધ્ય બધા જ સંતાપ ભૂલાવી દે તેવું છે. તો બાજુમાં ખળખળ વહેતી નર્મદા અને અને પરિસરમાં સ્થિત નર્મદામંદિર કોઇ અનોખું પરિમાણ રચી આપે છે. અમે પહેંચ્યા ત્યારે સંધ્યા આરતીનો સમય થઇ ગયેલો. નગારાના ઘેરા ઘોષ અને ઘંટનાદ સાથે ઉતારાતી આરતીમાં અમે પણ સામેલ થઇ ગયા. મંદિરના વિશાળ – ખુલ્લા પ્રાંગણમાં અનુભવાતી હવાની ફરફરાટી આંખને કોઇ ગેબી ગૂહામાં ધકેલતી હોય એમ તંદ્રિત કરી રહી હતી. ઉપરથી આરતીમાં સામેલ યાત્રિકો અને સંન્યાસીઓ એમાં અદ્ભુત રસ ઘૂંટીને અપાર્થિવતા આપી રહ્યા હતા. આરતી પૂરી થઇ ત્યાં સુધીમાં વૈરાગ્યનો અદ્ભુત માહોલ જામી ગયો હતો.
પણ એ માહોલ તૂટ્યો. ઉતારાની વ્યવસ્થા કરવાની હજુ બાકી હતી. જો કે એ થતાં બહુ વાર ન લાગી. સૌએ પોતપોતાની રૂમો પર કબ્જો કરી લીધો. પછી તો પ્રસાદીનો હુકમ થતાં, એ ગ્રહણ કરી; ફરી સૌ રંગમાં આવી ગયાં. બાળકોએ મેદાનમાં ધમાચકડી બોલાવી. અમે આકાશની ચંદ્રિકા જોતા બેઠા. એ જોવામાં એટલા લીન થઇ ગયા કે બાળકો અને મહિલાઓ ક્યારે ઊઠી ઊઠીને જતી રહી તેનો ખ્યાલ પણ ન રહ્યો ! એક સંન્યાસી અને ત્રણ કવિઓ રાત્રીના એક વાગ્યા સુધી ચંદ્રના આ આશીર્વાદને ઝીલતા રહ્યા અને બાજુુમાંથી વહેતા રેવાના પ્રવાહને કાનમાં ભરતા રહ્યા ! એકાદશીના ચંદ્રથી શોભતો આ સમય દિવસ છે કે રાત એ જ સમજાતું ન હતું !
***
સવારે ઝટપટ મહાદેવનાં દર્શન કરી ગામમાં આવેલ આશાપુરા માતાના મંદિર તરફ પ્રયાણ કર્યું. ગલી સાવ સાંકડી હતી. ઘરના દરવાજાઓ સીધા જ માર્ગ પર પડતા હતા. આવી ઘરરચના ફળિયાવાળાં ઘરથી ટેવાયેલા અમારા માટે નવી હતી. સામે જ મંદિરનું શિખર દેખાતું હતું. એ ગુલાબી શિખરને નજર સામે રાખી અમે ચાલવા લાગ્યા. થોડીવારમાં તો મંદિરે. મંદિર મંદિર કરતાં ઘર હોય એવું વધારે અનુભવાતું હતું. જો કે ગુલાબી શિખર ખૂબ જ આકર્ષક હતું. એના સહારે તો અમે ત્યાં સુધી ખેંચાયેલા !
અહીંથી હવે નર્મદાની સામે પાર આવેલ મણિનાગેશ્વર પહોંચવાનું હતું. ડોકટરના વાડા પાસેથી રસ્તાનો ઢાળ પડતો હતો. ટેકરી પરથી ઉતરતા હોઇએ એવું લાગે. રસ્તો કોતરમાં થઇને નીકળતો હતો અને આખું કોતર લીલાછમ વૃક્ષોથી લથબથ ! ગાય – ભેંસની વચ્ચેથી મારગ કરતાં કરતાં અમારી વાન આગળ વધી. સાવ અજાણ્યો મારગ. પણ થોડીવારમાં તો નર્મદાની માથું ભરી લેવાની ઇચ્છા થાય એવી શ્વેત રેતી વચ્ચે આવી ઊભા. અહીંથી જળપ્રવાહ ખાસ્સો દૂર હતો. નર્મદાના વિશાળ પટ પર પડેલ શંખ, છીપલાં અને શ્વેત શ્વેત વેળુ જાણે કોઇ દરિયાનો ભાસ કરાવતાં હતાં ! આ વેળુ ખૂંદતાં ખૂંદતા જ પ્રવાહ પાસે પહોંચવાનું હતું. આગળ શંખ-છીપલાં ને ગોળ ગોળ પથ્થર વીણતાં બાળકો અને પાછળ પાછળ અમે. આખી નદી ખિસ્સામાં ભરી લેવાનું મન થતું હતું ! પ્રવાહની પાસે એક જીર્ણ ઝૂંપડી દેખાતી હતી. આજુબાજુ બે ચાર હોડીઓ પડી હતી. આખુંયે દૃશ્ય કેનવાસ પર દોરેલા કોઇ ભવ્ય ચિત્ર સમું ઓપી રહ્યું હતું. અમે આ ચિત્રમાં એકાદ માણસને મૂકવા ઇચ્છતા હતા, પણ માણસ ક્યાં ?
થોડો સમય તો અમારા સિવાય કોઇ સંચાર જ નહી. ! ત્યાં સામેના ખેતરશેઢે થોડો સળવળાટ અનુભવાયો. પાંચ સાત ભેંસો શેઢે ચરતી ચરતી કાંઠા તરફ આવતી દેખાઈ. તેની પાછળ એક પાઘડીધારી ખેડૂતનું પણ આગમન થયું. ભેંસો સીધી જ અમને ઓવરટેક કરતી નર્મદામાં ખાબકી. ઘડીભર તો આ ભેંસોની ઇર્ષ્યા થઇ આવી કે એની જેમ અમને પણ તરતાં આવડતું હોત તો ક્યારનાં મણિનાગેશ્વર પહોંચી ગયા હોત ! ખેડૂત સાથે સામે કિનારે જવા માટે પૂછપરછ કરતાં ખ્યાલ આવ્યો કે આ જે બે ચાર હોડીઓ પડી છે તે જ અમારી આશાનું અંતિમ કિરણ છે. તે કહે કે તમે સૌ આ ઝૂંપડી પાસે ઊભાં રહો, કોઇ નાવિક તમને સામે કિનારેથી જોશે કે તરત જ લેવા આવશે. એનો અર્થ એ કે કોઇ નાવિક અમને ઝડપથી જોઇ જાય એ માટે અમારે મહાદેવને પ્રાર્થના કરતાં ઊભાં રહેવાનું હતું ! નિયતિના ભરોસે જાત મૂકી અમે આમ તેમ ટહેલવા માંડ્યું. નાના નાના પથ્થરો પકડી નદીના પ્રવાહની સમાંતર ફેંકવા માંડ્યા અને કેટલા ટપ્પા પડે છે તેનું બાળકો સાથે બાળસહજ નિરિક્ષણ કરવા માંડ્યું. સખીઓને પણ આ રમતમાં રસ પડ્યો. ક્યાં જાય ? જો પ્રતીક્ષા જરા પણ લાંબી ચાલી હોત તો અહીંથી જ પાછા વળી જવું પડ્યું હોત, પણ ત્યાં તો સામે પારથી એક નાવ ધીમે ધીમે અમારા પ્રતિ સરકવા માંડી. હાશ ! ભગવાન મણિનાગેશ્વરે જ જાણે ન મોકલી હોય !
લીલાછમ ઘાસ અને ઝાડવાંઓનાં ઝૂંડ વચ્ચે ઘેરાયેલા કિનારા તરફથી આવતી નાવ કોઇ સ્વજન જેવી લાગી. કિનારા પર માત્ર અમને લેવા માટે જ તો એ પધારેલી. નાવિકે અમને પ્રમપૂર્વક હોડીમાં આવકાર્યા. બેસવા જઇએ ત્યાં આખી નાવ હાલક ડોલક થાય અને ભીતર નાનકડી ધ્રજારી ચડી જાય. આખર એક પછી એક સૌએ પ્રવેશ કર્યો ને નાવિકે ફટાકડી ચાલુ કરી. યંત્રના સહારે નાવ સરકવા માંડી. હવે પેલી શઢવાળી પનાઇ ક્યાં ! અધવચ્ચે પહોંચ્યા ત્યારે નર્મદાની ખરી ગહેરાઇનો ખ્યાલ આવ્યો. બાળકોએ તો ડરમાં ને ડરમાં આંખો જ બંધ કરી દીધી હતી. શાહમૃગદશાનું પ્રત્યક્ષ ઉદાહરણ નજર સામે પ્રગટ થયું ! સૌએ મસ્તી કરીને ઘડીભર એ ડરમાં વધારો કર્યો. પણ ખરેખર હોડી ડૂબે તો શું થાય એની કલ્પના જ ભયભીત કરનારી હતી. પેલા ખેડૂતને ‘નર્મદા ચાલીને ઓળંગી શકાય કે નહીં?’ એવું પૂછેલું ત્યારે એણે જરા દૂરથી જતા સાંકડા પ્રવાહ તરફ આંગળી ચીંધી હતી. પણ નાવમાં બેઠા પછી જોયું કે વમળોની ભીષણતા અને ઘેરું લીલું પાણી એની ઘાટીલી ઊંડાઇને ઓર ગાઢી બનાવતાં હતાં. જળમાં સૂરજના કિરણો સોનેરી સોપોલિયાં બની એવી તો રમતે ચડ્યાં હતાં કે ઘડીભર એમની વચ્ચે કૂદી પડવાનું મન થઇ આવે ! લીલું લીલું પાણી સુરેશ દલાલની – લીલ લપાઇ બેઠી જળને તળિયે- નું સ્મરણ કરાવી જાય છે. પણ ખૂણામાં પડેલું દારુનું પોટલું ગમે તેવી કલ્પનાનો પણ ભાંગીને ભૂક્કો કરવા સક્ષમ હતું ! નાવિક એને અહીંથી આગળ પહોંચતું કરવાનો હતો. ઘડીભર ભીતર કશુંક તૂટી ગયું હોય એવી લાગણી થઇ આવી. મનમાંથી એ વાતને ખંખેરી નાખતાં ઘણી વાર લાગી.
કિનારે પહોંચીને જોયું તો મંદિર ખાસ્સી ઊંચાઇ પર હતું. સામે કાંઠેથી સાદ કરતી મહાદેવની ધજાનો ફરફરાટ હવે પ્રત્યક્ષ થયો હતો. અમે સોપાનમાર્ગે ઊર્ધ્વારોહણ કર્યું. મંદિરમાં પરમ શાંતિ હતી. અમારા પ્રવેશથી થોડો સંચાર થયો. ભગવાન મણિનાગેશ્વરની આ શાંતિમાં ઘંટડીઓ વગાડી ખલેલ પહોંચાડવાની ઇચ્છા ન હતી, પણ બાળકો માને ? ઊંચાઇ પરનું મંદિર હવાના ફરફરાટથી ભર્યું ભર્યું બની જતું હતું. આસપાસ ઊગેલા પીપળાઓ એની શોભામાં કોઇ ગૂઢતાનું સિંચન કરતા હતા. નમ: શિવાયનો અહાલેક જગાવી ઘડીભર ધ્યાનસ્થ થઇ જવાયું. પરિસરની અધ્યાત્મિક અસર કેમ ન થાય ?
સૂરજ દાદા ઉપરને ઉપર ગતિ કરી રહ્યા હતા. ધીમે ધીમે તડકોએ પણ જોર પકડ્યું. અમે ફરીથી પાછા એ જ કિનારે પહોંચી ગયા. પણ નાવિક નાવ લઇને જતો રહ્યો હતો. અમે કહેલું કે અમને પરત લઇને જ તું સામે કાંઠે જજે. પણ નાવમાં પડેલું પેલું દારુનું પોટલું પહોંચાડવાની ઉતાવળમાં એ જતો રહેલો. હવે રાહ જોયે જ છૂટકો. ફરી પ્રતીક્ષા !
કાંઠા પર આવી હું અને જાતુષ સાદ પાડવાની રમત રમવા લાગ્યા. બની શકે તેટલો ઊંચો અવાજ કરી સાદ પાડ્યો. બૂમાબૂમ કરી મૂકી ઘડીભર. વિમલે મોંઢામાં બે આંગળીઓ ખોંસી સીટીઓ પાડી જોઇ, પણ વ્યર્થ. હોડી ન આવી. થાક ખાઇને ફરી એ જ રીત-રસમ અપનાવી. પણ હોડી ન આવી તે ન જ આવી. મન વ્યાકુળતાની સીમા ઉલ્લંઘવાની તૈયારીમાં હતું હવે. ત્યાં જ સામે કાંઠે પેલી હોડીની ફટાકડી શરુ થવાનો અવાજ કાને પડ્યો. ફરી હાશ ! અમારી વાન સુધી પહોચવા માટે એ હોડી જ એક માત્ર ઉપાય હતો. ગુસ્સો કરવાનો તો કોઇ જ અર્થ ન હતો. પરવશતા કોને કહેવાય તેનો પાઠ ભણવા માટેની આ રીત અમારા માટે સૌથી ઉત્તમ રીતો પૈકીની એક હતી. હવે લેવા આવનાર કોઇ બીજો હતો. હોડી પણ મોટી હતી. સામે કાંઠે ફટ કરતા પહોંચી ગયા.
આ વખતે હોડી થાડી પાણીમાં ઊભી રાખવી પડેલી. પ્રવાહમાં પગ જબોળી, ફરી એક વખત છબછબિયાં કરી રેતી પર આવ્યા. પણ બાપ રે ! શું રેતી તપતી હતી ! જો કે આ તપતી રેતીમાંથી પણ શ્લોકા, જયતિ, નિસર્ગ અને હિમાની શંખ છીપલાં વીણતાં હતાં. ધીંગામસ્તી કરતાં કરતાં શ્લોકા નિસર્ગને કહે કે આ છીપલાં ન હોત તો આપણે સીધાં હાલત, નહીં ? મને પણ થયું કે ચાલતાં ચાલતાં કંઇક વચ્ચે આવી જાય છે. એ કારણે જ જિંદગીમાં પણ સીધા જવાતું નથી. ત્યાં વળી રેતીમાંથી સાપનું હાડપિંજર જડ્યું. સૌને એની રચના જોવા – સમજવાની મજા પડી. સ્કૂલના મ્યુઝિયમ માટે સાથે લઇ લેવાનો વિચાર આવ્યો, પણ સૌના નકારથી મારે એ વિચાર પડતો મૂકવો પડ્યો. બળબળતી રેતીમાંં ખૂંપતા ખૂંપતા કાંઠે પડેલી વાનમાં બેઠા તો એવું લાગ્યું કે જાણે આગના ગોળામાં જઇ ભરાયા ! પણ બેઠા વગર છૂટકો ! બેસીને પાછા એ જ કોતર અને ટેકરીયાળા માર્ગે થઇને ફરી પાછા નારેશ્વર.
બપોરનો પ્રસાદ લેવા સૌની સાથે હરોળમાં ઊભા રહી ગયા. અહંકારનાં વસ્ત્રો ઉતારી શકાય તો જીવન હળવું બની જાય એ આવા અનુભવે સમજાતું રહ્યું છે. પ્રસાદનો એક દાણો પણ થાળીમાં પડ્યો રહેવો ન જોઇએ એની સંપૂર્ણ કાળજી અહીં રાખવામાં આવે છે. અમે પણ એની કાળજી રાખી અને મા અન્નપૂર્ણાનો આદર કર્યો. ગુરુદેવ દત્ત અને રંગ અવધૂતજીનું અનુપમ સાંનિધ્ય માણી માલસર પ્રતિ પ્રયાણ કર્યું.
માલસરમાં ભગવાન સત્યનારાયણના મંદિરની ફરસ પર બે ડગલાં ભર્યાં ત્યાં તો પગ પાણી માગી ગયા. જાણે આગમાં ડગલાં ન ભર્યાં હોય ! જો કે સત્યના માર્ગે જનારાએ તો એ અનુભવમાંથી પસાર થવું જ રહ્યું. એના પ્રતીક રૂપે તો આ ભડકા શી ભડભડતી ફરસ યોગ્ય જ હતી ! આ સત્યનારાયણનું મંદિર એટલે પૂ. ડોંગરેજી મહારાજની સાધના જ્યાં અવિરત ચાલી હતી તે સ્થળ. વર્ષમાં એકાદ કથા અહીં ન કરે ત્યાં સુધી મહારાજને ચેન ન પડે. આ સ્થળે રહીને જ તેમણે નર્મદામૈયાનાં જળમાં દેહત્યાગ કર્યો હતો. માલસર પુરાણપ્રસિદ્ધ હોવા છતાં ડોંગરેજી મહારાજને કારણે એનાં મહાત્મ્યમાં ખૂબ જ વધારો થયો હતો.
રાત્રી અહીં ગાળવાની હતી. વળી અમારી વાનના સાથી પણ અહીંથી બદલાવાના હતા. એ આવે ત્યાંમાં સુધીમાં ઉતારા માટે તેમણે અમને બ-ત્રણ સ્થળ બતાવી આપ્યાં. પણ ઉનાળાની આ બળતી વેળાએ અમારા સિવાયની તમામ જીવસૃષ્ટિ જપી ગઇ હતી. એકમાત્ર અમે જ દોડાદોડી કરી રહ્યા હતા. તપાસ કરતાં કરતાં સત્યનારાયણ મંદિરથી નીકળી પંચમુખી અને નિરમા આશ્રમ થઇને યોગાનંદ આશ્રમે પહોંચ્યા. આશ્રમ વિશાળ છે અને બરાબર નર્મદા તટે જ આવેલો છે. અહીં ઉતારાની વ્યવસ્થા ગોઠવાય જાય તો તો જલસા પડે. પણ મહારાજ ચાર વાગ્યા પહેલા મુલાકાત નહીં આપે. અમે બાજુના કચ્છી આશ્રમ તરફ નજર દોડાવી તો મહારાજના એક ભક્તએ અમને આગ્રહ કરીને રોકી રાખ્યા. કહે કે અહીં બધી જ વ્યવસ્થા થઇ જશે. નિરાંત રાખો. તેમના પર વિશ્વાસ મૂકી અમે ફરી એક વખત પ્રતીક્ષાનું તપ કરવા બેઠા. જો કે આ સ્થળનું આકર્ષણ અને એનું નામ પણ અમારી પ્રતીક્ષા માટે કારણભૂત હતાં. ચાર વાગ્યે મહારાજને મળ્યા તો રહેવા – જમવાની વ્યવસ્થા કરી આપી. પછી તો સામાન ગોઠવીને સીધા જ મૈયાના સાંનિધ્યમાં. ત્યાંથી એક નાનકડી ખેતરાવ કેડીએ ચડી જઇએ તો હોડીનું સ્ટેન્ડ આવે. સામ સામે કાંઠે રહેલાં બંને ગામનો વ્યવહાર આ હોડીમાર્ગે જ ચાલે છે.
અખંડ રામધૂનની અહાલેક જગવનાર દગડુ મહારાજનો આશ્રમ સામે કાંઠે છે. સૌ ગામવાસીઓ સાથે અમે પણ હોડીમાં બેસી ગયા. ત્યાં એક ભાઇ મોટર સાઇકલ લઇને આવ્યા. અમારા અચરજ વચ્ચે બાઇક પણ હોડીમાં ચડી ! સામ સામે કાંઠાનાં ગામનો સંપર્ક આ રીતે સરળ બની જાય છે. કોઇ મોટો બ્રિજ બનશે ત્યારે આ મજા નહીં બચે ! માણસો અને વાહનો સાથે અમારું એકત્વ સધાયું ને નદીનાં વિશાળ પટ પર ઘેરાં લીલાં પાણીમાં સરકતા સરકતા આવી પહોંચ્યા કાંઠે. ઉતરીને આશ્રમનો માર્ગ લીધો. મંદિરે અખંડ ધૂન ચાલુ હતી. મેં પણ સ્મરણ કરતાં કરતાં ભગવાન કપિલેશ્વર મહાદેવનાં દર્શન કર્યા. કલકલ વહેતી રેવાનો પ્રવાહ અને ધૂનમાં વાગતાં વાજિંત્રો વચ્ચે સૂરની અજબ મિવાલટ રચાતી હતી ! બે ઘડી પગ વાળીને બેસવાનું મન થાય એવી અદ્ભુત જગ્યા હતી આ. પણ ભ્રમણવૃતિ એમ ક્યાં જપ લેવા દે ?
બાજુમાં બેઠેલા એક ભાઇને પૂછ્યું કે બીજું અહીં શું ફરવા જેવું છે ? તો સહેજ પણ વાર લગાડ્યા વગર કહ્યું કે ગિરનારી ગુફા. એક તો ગુફા અને ઉપરથી ગિરનારી. પછી તો શું બાકી રહે ? વધારે ઊંડા ઉતર્યા તો જાણ્યું કે અહીંથી નદીના જળમાર્ગે જતાં બે-અઢી કિ.મી.નું અંતર છે. ભીખાભાઇ હોડીવાળાને કહેશો તો વ્યવસ્થા થઇ જશે. એ જ પળે ભીખાભાઇ સાથે વાત કરી, ભાવતાલ કર્યો ને ઉપડ્યા સમાધિ આગળના ઘાટ પર. ત્યાં દગડુજી મહારાજે જળ સમાધિ લીધી હતી. અમે પહોંચ્યા એની થોડી જ વારમાં ભીખાભાઇ હોડી લઇને આવી ગયા. સાથે એમનો નાનકડો પુત્ર પણ હતો. એમની સાથે અમે પણ સ્થાન લીધું ને શરૂ થઇ નર્મદાના પ્રવાહ પરની અમારી સૌથી લાંબી યાત્રા !
***
હોડી એન્જિનના ફટફટ અવાજ સાથે નદીમાં સરકવા લાગી. કિનાર પરના ઘાટ, મંદિરો, આશ્રમો અને ફરફરતી ભગવી ધજાઓ નજર સામેથી એક પછી એક પસાર થવા લાગી. લીલોછમ કિનારો વડ અને તેનાં જેવાં અન્ય તોતિંગ વૃક્ષો સાથે વાંસનાં ઝૂંડથી ભરચક ભરચક હતો. નર્મદાનું પાણી પણ હવે લીલામાંથી કાળો રંગ પકડતું જતું હતું. પાણીની કાળાશ તેની ગહનતાની ચાડી ખાઇ ખાઇને અમારા પ્રવાસને ગંભીર બનાવ્યે જતી હતી. પ્રવાહ સાથે પ્રવાસ કરવાની આ મજા કંઇક અનોખા પ્રકારની હતી ! માત્ર પાણી અને પ્રકૃતિ સાથેનો સહવાસ લૌકિકતાથી દૂર દૂર ઘસડી જાય એ પહેલાં જ વીજળીને એક કાંઠેથી બીજા કાંઠે સફર કરાવતા ઊંચા ઊંચા થાંભલાઓનું દર્શન થયું ને પટકાયા પાછા ધરતી પર !
અમે બરાબરના પ્રવાહિત બની ગયા હતા. એક સુંદર મજાના નાનકડા ટાપુ પાસેથી પસાર થયા તો ‘લાઇફ ઓફ પાઇ’નું એક મસ્ત દૃશ્ય યાદ આવી ગયું. સૂરજ પણ અસ્તાચળ તરફ જતાં જતાં હવે નવા નવા રંગો છાંટવા માંડ્યો હતો. સાંજના છ થવા આવ્યા હતા. સૂર્ય પ્રવાહ પર દોડતો આવીને આંખમાં પ્રવેશવાની કોશિશ કરતો હતો ને આંખો નેજવું ધરીને એને રોકવા ફાંફા મારતી હતી. પણ નેજવું ધરતાં પાછા બે-બે સૂરજ બની જતા હતા. એક ક્ષિતિજે ઢળવાની તૈયારી કરતો અને બીજો પ્રવાહમાં ઘૂંસીને અમારી હોડી તરફ ધસી આવતો ! જાણે કે એક સોનેરી લિસોટો ! પણ જેવા અમે કિનારાની નજીક ગયા કે લિસોટો ગાયબ ! શાંત સરોવર જેવી આ સરિતા કેવાં કેવાં રૂપ ધારણ કરતી હતી !
વચ્ચે ફરી એક નાનકડો ટાપુ આવ્યો. ટાપુના કારણે મૂંગી થઇ ગયેલી નર્મદા ફરી કલકલ નાદ કરતી ગૂંજવા લાગી. ટાપુ પરનાં પથ્થરો પર કાજિયાઓએ ડેરો નાખ્યો હતો. કાગડા કૂળનાં આ પંખીઓ નદીમાં ડૂબકી મારીને ખોરાક શોધે અને ભીંજાય એટલે પાંખો પહોળી કરીને કાંઠા પર સૂકવવા બેસે. કાજિયાઓ પોતાની આ મનગમતી પ્રવૃતિમાં મસ્ત હતા. ચિયાથી ભરેલો ટાપુ એમને ખૂબ જ માફક આવી ગયો હોય એવું લાગે છે. આંખમાં આવાં અવનવાં દૃશ્યો ભરતા ભરતા અમે એક ઘાટ આગળ આવી ઊભા રહ્યા. હોડીની ધારે નાવિકે લાકડાનું એક પાટિયું ગોઠવ્યું ને બીજી જ પળે નર્મદે હર પુકારી ગિરનારી ગૂફાનો રસ્તો પકડ્યો.
કેળના ખેતરો વચ્ચે એક ધજા ફરકતી હતી. જાણે કદલીવનમાં તપોવન ! કેળના બગીચામાં ઘડીક સંતાકુકડી રમી લેવાનું મન થયું પણ ઘેરાતું સંધ્યાટાણું ઝડપથી ગુફા તરફ દોરી રહ્યું હતું. ગુફાના પરિસરમાં પ્રવેશ કર્યો તો એક શિક્ષક બાળકો સાથે રમત રમી રહ્યા હતા. અમે એ મજા લેવા લલચાયા તો ખરા પણ પરત ફરવાનો સમય યાદ આવતાં સીધું ગુફા તરફ જ સીધાવ્યું. કદલીવન વચ્ચે બિરાજમાન ગિરનારીબાપુની પાદુકા અને ગુફાનાં દર્શન કર્યાં. કેટલાક સાધકો ત્યાં પોતાની સાધનામાં વ્યસ્ત હતા તો કેટલાક અધ્યાત્મ સંવાદમાં મસ્ત. કોઇ ઘેરા સંમોહનની અનુભૂતિ અમારા પર સવાર થાય એ પહેલાં પરત ફરી જવું જરૂરી હતું. વળતો પ્રવાસ હવે ચંદ્રના સથવારે કરવાનો હતો. પરિસરમાં જ્યાં ત્યાં પડેલ પક્વ બિલ્વફળને ઉદરમાં પધરાવતા પધરાવતા હોડીમાં આવીને ગોઠવાય ગયા.
પશ્ચિમમાં લાલહિંગળોક રંગની જે રંગોળી પૂરાઈ હતી તેની અસર નર્મદાના જળ પર પડ્યા વગર કેમ રહે ? ઉપરથી આ વખતે સામા પ્રવાહે ગતિ કરવાની એટલે બ.ક.ઠા.ના – ઊંચાં નીચાં સ્તનધડક શાં હાલતાં સુપ્ત વારિ !- સૉનેટનું મૂર્તિમંત સ્વરૂપ નજર સામે પ્રગટ્યે જતું હતું. આકાશે આ બધું નીરખવા સુદ બારશનો ચંદ્રમા ક્યારનો ચડી આવ્યો હતો. લાલહિંગળોકમાં પોતાની ચાંદીનો ભેગ કરતો એ કોઇની પણ સૂધબુધ ખોઇ નાખવા સક્ષમ હતો ! પાછળના આભની બારીએથી બે તારાઓ પણ આ બધું જોવા માટે ડોકિયાં કરવા લાગ્યા હતા. કદાચ એમાંનો એક તો મંગળ જ હશે. બાકી બીજાને ક્યાં આટલી ઉતાવળ હોય છે ?
ચંદ્રની દિશામાં જ અમારી હોડી સરકવા માંડી હતી. એનાં સૌમ્ય કિરણો આંખમાં ઘેન ભરી દેતાં હતાં. સપરિવાર પ્રવાસ અમારા સંયમને કસોટીની એરણ પર ઘસડી ગયો હતો. એકબીજાની આંખમાં આંખ નાખી માત્ર મૌનરાગમાં ડૂબકી મારી મસ્ત બનવાનો આ સમય હતો ! પાણીની ઢગલીઓ બ.ક.ઠા.ને કંઇ એમ જ ‘સ્તનધડક શી’ નહીં લાગી હોય ! જેમ જેમ એ ઢગલીઓ પર ચંદ્ર પગલાં માંડતો હતો તેમ તેમ એ રૂપેરી બનતી જતી હતી. લાલકેસરી ધીરે ધીરે ધૂસર થતો જતો હતો અને પાણી કચ્છના સફેદ રણ જેવું શ્વેત ! આગળ નજરે પડતો કાંઠાનો લીલો રંગ ઘેરા કાળામાં ફેરવાઇને પાર્શ્વ બાજુએ રૂપેરી બની જતો હતો. રંગોનું પણ ગજબનું મિશ્રણ હતું !
અજવાળી રાતમાં કાંઠાનાં ઝાડવાંઓ પોતાની ઓળખ ગુમાવીને ધૂસર ઢગલામાં ફેરવાઇ ગયાં હતાં. દિવસે નજરે પડતી ધજાઓનો અત્યારે માત્ર ફફડાટ જ સંભળાતો હતો. કિનારનાં મંદિરો આરતી સંગાથે વાગતાં નગારાં અને ઝાલરોનાં નાદમાં મગ્ન બની ગયાં હતા. હોડીમાંથી અનુભવાતું આ વાતાવરણ ખરે જ રહસ્યરંગી બની ગયું હતું. અમે જાણે રેવાજળની રૂપેરી માછલીઓ વચ્ચે છલછલતા હતા ! જળ પર એક સાથે ચંદ્રનાં હજારો પગલાં જાણે છબછબિયાં કરતાં હતાં ! વિમલની પેલી ગીત રચના –
આજ મત્ત શર્વરી ટીંપે ટીંપે અહો ! ઝરે,
તેજપુંજ વિસ્તરે તિમિર ધીરે ધીરે ખરે.
પદ્મદલ સહસ્ર એમ ભીતરે ખૂલે અરે,
તેજપુંજ વિસ્તરે તિમિર ધીરે ધીરે ખરે
– જાણે સાક્ષાત થઇ ! માત્ર ચંદ્રનું જ સામ્રાજ્ય વ્યાપી રહ્યું !
જેમ જેમ કિનારો નજીક આવતો જતો હતો તેમ તેમ અમારું ઘેન છાના પગલે જળમાં પરત ફરી રહ્યું હતું. હોડીને કિનારો બતાવવા સામેથી એક જણ ટોર્ચનું અજવાળું ફેંકી રહ્યો હતો. ક્યાં આ ચંદ્રની સોળ કળાઓ ને ક્યાં બે બદામની ટોર્ચ ! પણ કિનારા સુધી પહોંચવા માટે તો એ જ કામની હતી, ચંદ્ર નહીં !
હોડીમાંથી પગદંડી પર આવી ગયા. ધોળાં ધોળાં અંધારાંમાં વિના શરાબે લથડતા અમે યોગાનંદ આશ્રમમાં પાછા આવી પહોંચ્યા.લીમડા નીચે જ મેં તો લંબાવી દીધું. ત્યાં એક ભક્તએ આવીને સૂચના આપી કે ઘંટ વાગે એટલે આવી જજો. રૂમમાં જઇ જરા વાર ફ્રેશ થયો ત્યાં ઘંટડી વાગી.
મહારાજ પોતે જ રસોઇ બનાવતા હતા. હું તો આશ્ચર્યવત્ ! બીજા બે ચાર ભક્તો પણ હતા. સૌ સાથે જમ્યા. મહારાજે આગ્રહ કરી કરીને આમ્રરસ પાયો. મહારાજ આનંદમૂર્તિ લાગ્યા. જમતાં જમતાં ઘણી વાતો થઇ. તૃપ્તિનો અનુભવ કરી ફરી પાછો હું લીમડા નીચે પહોંચી ગયો. ચારે બાજુ મૌન પથરાયું હતું અને મૈયા કલકલ નાદે વહી રહી હતી. ત્યાં જ એક ભક્ત આવ્યા અને સાથે અમારી શિશુવાડી પણ લેતા આવ્યા. જીવ-જગત અને જગદીશની વાતો સાથે સુખ-દુઃખ વગેરે દ્વંદ્વો અને મનુષ્યની પલાયનવૃતિ વિશે ઘણી વાતો કરી. અમને ઉપદેશ આપીને તેઓ ધન્ય થયા હોય એવું લાગ્યું. બાળકોને પણ એમની હિંદી ભાષા સાંભળવાની મજા પડેલી.
ચાંદનીમાં ન્હાતાં ન્હાતાં ભીતરનાં એક પછી એક પડ ઉખળવા માંડે ત્યારે સિલકમાં માત્ર ઘેરું મૌન જ બચે છે. હું પણ મિત્રો સાથે ઘેરું મૌન ધરીને બેસી રહ્યો ક્યાંય સુધી. જ્યારે આંખમાં ઊંઘનું આંજણ થયું ત્યારે રાત્રી મધ્યાકાશે હતી !
***
સવારનો કરકરો તડકો ઓઢી; આડા – અવળા માર્ગે ગામડાંઓ ભમતા ભમતા અનસૂયા મંદિરે પહોંચ્યા તો સાવ સામાન્ય કહી શકાય એવાં મંદિર સન્મુખ થયાની ચરચરાટી થઇ આવી. પણ એનો પૌરાણિક મહિમા તો ગજબનો હતો. કહેવાય છે કે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ બ્રાહ્મણવેશે માતા પાસે ભિક્ષા માગવા પધાર્યા તેઓએ માતા પાસેથી નગ્નસ્વરૂપે જ ભિક્ષા ગ્રહણ કરવાનો આગ્રહ રાખ્યો હતો. માતાએ પોતાના તપોબળથી આ ત્રણેય દેવતાઓને બાળક બનાવી દીધા અને પછી એમની અચ્છા અનુસાર નગ્નસ્વરૂપે ભિક્ષા આપી. જ્યાં આ ત્રણેય દેવતાઓને બાળ સ્વરૂપ બનાવી દેવાયા તે સ્થળ એટલે આ અનસુયા માતા મંદિર. એમાં ઐતિહાસિક તથ્ય હોય કે ન હોય, પણ ગુરુદેવ દત્તથી પ્રભાવિત આ ભૂમિમાં અત્રિભાર્યા અને દત્ત, દુર્વાશા તથા સોમની માતાનું મંદિર ન હોય તો જ નવાઇ !
પૂજારીએ બહુ જ ભાવપૂર્વક આ કથા સંભળાવીને મંદિરના મહાત્મ્યનું યશોગાન કર્યું. મેં પૂજામાં થોડા પૈસા મૂક્યા. મિત્રોએ વાંધો લેતા કહ્યું કે તું તો આ બધી વસ્તુઓમાં માનતો નથી ને ઉપરથી પાછો પૈસા ધરે છે ? મેં કહ્યું કે આવાં અંતરિયાળ સ્થળોએ પૂજારીને બીજી તો શું આવક હોય ? આવનાર યાત્રિકો જ એમની આજીવિકાનું સાધન છે. વળી એ રીતે તેઓ આવાં સ્થાનકોને સાચવીને તો બેઠા છે ! વળી તેઓએ અહીંની માટીનું ચર્મરોગ નિવારક તરીકે આયુર્વેદિક મહત્વ ઊભું કર્યું છે. એટલે અહીંથી માટી લઇ જઇને લોક માનતા માને અને રોગનું નિવારણ થાય ત્યારે ફરી એ જ સમુદાય બાધા છોડવા પાછો આવે અને એ રીતે ચક્ર ચાલ્યા કરે ! સંસાર પણ આખરે તો આમ જ ચાલે છે ને !
અમે કોઇ જાતની બાધા રાખ્યા વગર જ બદરિકાશ્રમ આવી ગયા. રેવા કાંઠે જ સુંદર મજાનો આશ્રમ છે. ભગવાન શિવ અને અન્ય દેવતાઓ અહીં બિરાજમાન છે. અર્ધનારીશ્વર શિવપાર્વતી અને હનુમાનજીની બૃહદ મૂર્તિઓ રેવાભિમૂખ ખડી છે. ઘાટ પણ ખૂબ જ સુંદર છે. અમે ઘાટે જઇ મા નર્મદાના નીરથી સૂર્યને અર્ઘ્ય આપી ચાંદોદ તરફ રવાના થઇ ગયાં દયારામની આ જન્મભૂમિમાં પિતૃતર્પણનો અપાર મહિમા છે. અમારે તો કોઇ વિધિમાં પડવું ન હતું પણ એ ઘાટ જોયા વગર તો કેમ ચાલે ? પણ ત્યાં ગયા એટલે એક વૃદ્ધ માજીએ પરાણે ચૂંદડી અને શ્રીફળ પકડાવ્યાં. ‘આટલી તો મદદ કરો’ એવી કોઇ લીપી એમના ચહેરા પર વંચાતી હતી ! અમે ના ન પાડી શક્યા. નારિયેળ નર્મદામાં પધરાવ્યું. પ્રવાહમાં ખબર નહીં ક્યાં વહી જશે ? અહીંથી સામે જ કરનાળી દેખાય છે. પણ ત્યાં જતાં પહેલાં તો કેવડિયા કોલોની પહોંચવું છે.
ત્યાં પહોંચ્યા ત્યારે બપોરનો ધોમ તડકો વરસી રહ્યો હતો. ઉનાળાના પ્રતાપે નર્મદા ક્ષીણ થઇ છે. ડેમ પરથી એક જગ્યાએ નાનકડી દદૂડી પડતી હતી. એ જ તો નર્મદા ! અત્યાર સુધી જે વિશાળ પ્રવાહ જોતા આવ્યા હતા તે અહીં બંધનાવસ્થામાં કેવો નિર્માલ્ય જણાતો હતો ! વળી બંને છેડે આવેલા વિંધ્યાચળ અને સાતપુડાની પર્વતમાળા પણ કેવી સૂક્કીભઠ્ઠ ! તડકાએ જાણે પોતાનો રંગ આ પર્વતમાળાને પણ છાંટી આપ્યો હતો ! ઓમ વ્યુપોઇન્ટ પરથી આવું નૈરાશ્યપૂર્ણ દર્શન કરી અમે સવા કિ.મી.ની ટનલમાં હાઇડ્રોપાવર સ્ટેશન પર આવી પહોંચ્યા. ગાઇડ બહેને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને મળનાર વીજળી અને પાણીના આંકડાંઓ જણાવ્યા, પણ એ આંકડાં તો કોને યાદ રહે ? એક વાત યાદ રહી કે રાજસ્થાનને માત્ર પાણી જ મળશે, વીજળી નહીં. પણ અંદરની ઇજનેરી કલાનું દર્શન ખરેખર કમાલનું હતું !
બહાર નીકળી જ્યાં ડેમ બાંધવાનું કામ ચાલતું હતું તે પાળા ઉપર આવીને ઊભા. સાતપુડા અને વિંધ્યાચળની વચ્ચે એક વિરાટ ક્રેઇન હરતી ફરતી હતી. પચ્ચીસ ટન કોંક્રિટનું વજન એ એક ફેરામાં હેરફેર કરી શકે છે ! ને એ જેના પર હરેફરે છે એ તારની જાડાય તો મારાં બાવડાં કરતાં પણ વધારે હતી ! આ પોઇન્ટ પરથી પેલા બહેને સૂરપાણેશ્વર મંદિર જ્યાં ડૂબમાં ગયું હતું તે સ્થાન બતાવ્યું, પણ દૃષ્ટિ પાણીમાં તરીને પાછી આવી ! બીજા પણ અન્ય પોઇન્ટ ભેગાભેગ જોઇ નાખ્યા. હવે ભૂખ પણ કકડીને લાગી હતી. અને એ કારણે દર્શન પણ ઝાંખપ પકડતું જતું હતું !
રોડ પર આવી એક ધાબામાં ધામા નાખ્યા. જમી પરવારીને થોડો થાક પણ અહીં જ વામકુક્ષિ કરીને ઉતારી કાઢ્યો. પછી સહેજ સૂરજ નમતાં ગરૂડેશ્વર કરોટીશ્વર મહાદેવ અને ગુરુદેવ દત્તની ધૂણી ધખાવનાર ટેંબે સ્વામીના સમાધિમંદિરે દર્શન કર્યા. સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીએ દત્ત ઉપાસનાને પ્રસારિત કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે. વળી આ સ્થળ સાથે સંકળાયેલી – ગરૂડે કરેલા ગજાસુર રાક્ષસના વધની કથા – પણ અમને આકર્ષતી હતી. એ કથા પ્રમાણે ગજાસુરને મારીને ખાધા પછી એની ખોપરી બાજુની ટેકરી પર પડી રહેલી. વરસાદમાં આ ખોપરી નર્મદામાં તણાઇને આવી. જેવો એને નર્મદાજળનો સ્પર્શ થયો કે ગજાસુરને દિવ્યદેહ મળ્યો. પછી તો એ રાક્ષસે ભગવાન શિવની ઉપાસના કરી અને ગરૂડેશ્વર મહાદેવની સ્થાપ્ના કરી. અમારે પણ દિવ્યદેહ પ્રાપ્ત કરવો હતો ! સૌએ દર્શન કરી ઘાટ પ્રતિ પ્રયાણ કર્યું. લોકો નર્મદાના છીછરા પાણીમાં છબછબિયાં કરી રહ્યા હતા. અમે પણ એ છબછબિયાંમાં મગ્ન થઇ ગયા. પણ સાંજ તરફની ગતિ અમને સુરપાણેશ્વર તરફ દોરી ગઇ.
નર્મદા બંધને કારણે સૂરપાણેશ્વરનું જે મંદિર ડૂબમાં ગયું છે તે અહીં વસંતપુર – ગોરા ગામમાં નવું બાંધ્યું છે. અમારે આ સ્થળના સાંનિધ્યમાં રાત્રી વિતાવવી હતી. એક ભાઇએ આ માટે આનંદાશ્રમે જવાની સલાહ આપી. ત્યાં ગયા. સ્વામીજીએ વ્યવસ્થા કરી આપવાનું સ્વીકાર્યું. વળી અમને આ સ્થળ અમને ખૂબ જ ગમી ગયું હતું. અહીંથી સામે જ નર્મદા કલકલ નિનાદે વહી રહી હતી. શાંતિપૂર્ણ વાતાવરણમાં આશ્રમની આભા ભળતાં અનોખું ગાંભીર્ય રચાતું હતું. સરસ વ્યવસ્થા થઇ ગઇ હતી. બાજુના ચોગાનમાં જ હિંડોળો મારી રાહ જોતો હતો. સાંજે જમીને અહીં જ રાત કાઢવી છે એવું મનોમન નક્કી કરી લીધું. પણ જ્યારે બહાર નીકળ્યો ત્યારે રાતના અગિયાર વાગી ગયા હતા.
ચાંદનીમઢ્યા બગીચામાં સૌ ગોષ્ઠિ કરી રહ્યાં હતાં. હું તેમની વચ્ચે બેસીને ઊંચે નજર કરું છું તો નિર્મળ હવામાં ભગવાન ચંદ્રમોલીશ્વરની ધજા ફરફરી રહી છે. સામેનાં બે તાડવૃક્ષો ચંદ્રને આંબવાની કોશિશમાં પડ્યાં છે. દક્ષિણમાંથી મા નર્મદનો કલનાદ આવી રહ્યો છે ને પવનની મર્મર રાત્રીને વધુ મોહક બનાવવા મથી રહી છે. અહીંથી તારનો દરવાજો ઓળંગો કે સામે જ નર્મદામાં આવી ચડો. પણ આશ્રમના નિયમ પ્રમાણે એનું ઉલ્લંઘન કરવું યોગ્ય ન લાગ્યું. તારની દિવાલ કોઇ કેદીની કોટડી જેવી થઇ પડી ! નીરની ખળખળતા છેક દ્વાર સુધી આવીને પાછી વળી જતી હતી. હાય રે નસીબ ! હવે તો ઊંઘ જ એકમાત્ર ઉપાય છે.
***
પરોઢિયે વહેલો ઊઠીને સીધો જ મૈયાના અંકમાં. રાત્રે દરવાજાની નજીક ભાસતો પ્રવાહ સ્હેજ દૂર છે. નાના નાના પથ્થરથી છલોછલ કિનારો સાવ કાળોભમ્મર દેખાય છે. ક્યાંક ક્યાંક એ પથ્થરો ઠેસ વગાડીને ગબડાવી દે એમ પણ બને. ધ્યાન દઇને પગ ના મૂકો તો મોઢાંભેર લપસી પણ પડાય ! પણ જેવા નર્મદાજળમાં પ્રવેશ કરો કે સમગ્ર ચિત્ત રેવામય બની જાય. હું ડૂબકીઓ પર ડૂબકીઓ મારું છું. જળ સાથે નાના બાળક જેમ ગેલ કરું છું. મારી સાથે યુગોથી ન્હાતા એ પથ્થરોને નીરખી રહું છું. એમને જોતાં જોતાં મને પુરાણકાલીન યોગીઓની તપશ્ચર્યાનું સ્મરણ થઇ આવે છે. આ એ જ તો નહીં હોયને ! કંકરોનું એ સૌંદર્ય મને લુભાવે છે. નાના, લિસ્સા, કાળા, ધોળા, રાખોડી, પીળાશ પડતા આ ગોળ, લંબગોળ અને અનિયમિત આકારના પથ્થરો હાથમાં પકડી પકડીને રમાડું છું. માથે ચડાવું છે. હાથમાં રહેલા આ ગોળ – લંબગોળ પથ્થર અને મસ્તક ઊંચું કરીને જળમાં પડેલા પથ્થરની જન્મદશા તો સરખી જ છે, પણ પેલા નાના બે પથ્થર મારા ઘરમંદિરમાં શંકર બની જશે ! કેવું સૌભાગ્ય !
મૈયાના જળથી સૂર્યને અર્ઘ્ય આપી પાછો ફરું છું તો કેડી પર સંન્યાસીઓનું એક વૃંદ નર્મદે હર કરતું નીકળી પડ્યું હતું. આશ્રમના કોઠારી એમને વળાવવા જઇ રહ્યા હતા. એ પરિક્રમાવાસીઓેને પ્રણામ કરી આગળ વધું છું. નર્મદે હરનો નાદ મને પણ નીકળી પડવા ઉશ્કેરે છે, પણ હું એમ ખભે ખડિયો નાખીને નીકળી શકતો નથી. મન ઉદાસ થઇ જાય છે. હું સીધો જ ચંદ્રમૌલીશ્વરના ચરણે પહોંચી જાઉં છું. હળવા થવાનું આ એકમાત્ર સ્થાન છે મારા માટે અહીં તો !
આજે અમારે ડૂબાડૂબ પુલ પર થઇને કરનાળી જવાનું છે. આ નામ આશ્ચર્ય પમાડે તેવું છે. કદાચ નીચો પુલ હોવાને કારણે વારંવાર ડૂબી જતો હશે એટલે તો આવું નામ નહીં પાડ્યું હોયને ? અહીંથી કરનાળી જવા અમે જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરતા હતા, પણ છેવટે તો રસ્તા પરનું પાટિયું જ કામ લાગ્યું !
કરનાળીમાં કુબેરભંડારીનાં દર્શન કરી ઘાટના પગથિયાં ઉતરવાનું શરૂ કર્યું. પગથિયાંની બંને બાજુ ધાર્મિક સામગ્રીનું માર્કેટ ઊભું થઇ ગયું હતું. એમની વચ્ચે આમ તેમ ઘૂમતા ઘૂમતા ઘાટ પર પહોંચ્યા તો ખબર પડી કે સ્નાન કરવું હોય તો સામે તીર જવું પડે. અહીં ક્યાય ડૂબકી મારીને સ્નાન થઇ શકે એવું નથી. હવે તો પગથિયાં ચડી – ઉતરીને થાક્યા હતા. સ્હેજેય આગળ જવાની ઇચ્છા થતી ન હતી. પણ રેવા અને ઓરસંગના રેવોરી સંગમે ન જઇ તો કેવું લાગે ? ને એમાંય કરનાળી તો દક્ષિણપ્રયાગ કહેવાય છે. વળી જ્યાં બે નદીઓનો સંગમ હોય ત્યાં ત્રીજી સરસ્વતી તો આંખો માંચીને કલ્પી જ લેવાની ! અમે હોડીમાં સરરર કરતા સંગમે પહોંચ્યા. નર્મદામાં ઓરસંગ ભળે છે એ દૃશ્યને જોતાં એવું લાગ્યું કે જાણે કોઇ વિશાળ નદીમાં ખેતરના ધોરિયાનું પાણી ભળતું ના હોય !
સંગમનો એ ત્રિકોણિયો ખાંચો બતાવીને હોડી પાછી કુબેરભંડારી આવી. ફરી ઘાટના પગથિયાનું ચઢાણ અકારું થઇ પડ્યું. વચ્ચે શ્રીઅરવિંદે જ્યાં સાધના કરેલી તે ગુફામાં પ્રવેશ્યા. પણ કોઇ તરંગોનો સ્પર્શ મને ના અનુભવાયો. જો કે મને જે ના અનુભવાય તે બીજાને પણ શક્ય ના હોય એવા મતનો હું નથી. અધ્યાત્મ તો વ્યક્તિગત અનુભૂતિનો વિષય છે. હવે પરત ફરવાનો સમય થઇ રહ્યો હતો. અમારી ગુજરાતકાંઠાની નર્મદા યાત્રા કુબેરભંડારી છોડીએ એટલે પૂર્ણતાને પામતી હતી. હવે જઇશું પાછા એ જ ઇહલોકમાં !
માત્ર પાંચ દિવસનું આ નર્મદાસાંનિધ્ય જગત ભૂલાવી દેવા સક્ષમ હોય; તો એનાં ચીરસાંનિધ્યની તો વાત જ શી ! નર્મદાજળનો સ્પર્શ થતાં જ ભીતર ભીનાશ ફરી વળે છે. સંસારના થોડા દિવસોને એમાં જબોળી પાછા ફર્યા ત્યારે નવદેહ પ્રાપ્ત થયો હોય એવી અનુભૂતિ થતી હતી.એ અનુભૂતિને નિરંતર રાખવા શું કરવું ? એના વિચારે ચડ્યો ત્યાં તો બ.ક.ઠા.એ કાનમાં હળવેથી ગુંજારવ કર્યો –
આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રૂમો નિંદ સેવ,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે,…..
*******
જયંત ડાંગોદરા
(કુમાર: એપ્રિલ, મે, જૂન -૨૦૨૧માં પ્રકાશિત નિબંધ)
વાહ સાહેબ….. નર્મદા પરિક્રમા….
વાહ…બહુ સરસ વર્ણન.ધન્યવાદ
બકુલેશ દેસાઈ
ખુબ જ સરસ
વાહ ….ખૂબ જ સરસ….
आपने तो नर्मदा मैया का साक्षात दर्शन और यात्रा ही करवा दी। बेहतरीन लेखन।
વાસ્તવિક દર્શન કરાવ્યા
ફરી યાત્રા કરી હોય એવો આનંદ👌🙏
નર્મદે હર
ધન્યવાદ સર. નર્મદે હર
નર્મદે હર
નર્મદે હર
આપનો સ્નેહ પ્રેરકબળ બની રહે છે સર.નર્મદે હર
નર્મદે હર
હા…બધું ફરી ચાક્ષુસ થયું છે
વાહ. મજા પડી.