ઊર્મિ, લય અને વાણીને ઊંડળમાં લઇને ચાલતા ગીતના નાજુક પ્રવાહમાં જ્યારે તત્વબોધની છાંટ ભળે ત્યારે એ વલોણાંમાંથી સામાન્ય કરતાં કંઇક જૂદું જ નવનીત પ્રાપ્ત થાય છે. ગીત સ્વરૂપે આબદ્ધ થયેલું વાણીનું એ રૂપ પછી તો વાણી જેવાં અને જેટલાં જ રહસ્યોને તાગતું હોય છે. શબ્દની તૃતીય શક્તિને વરેલાં એ ગીતને પામવા માટે ચાક્ષુસ ભાષાની પેલે પાર નજર પહોંચે તો પાંખડીઓ કમળ જેમ ધીરે ધીરે ખૂલવા લાગે છે. અહીં કવિ મનહર ચરાડવાનાં એક એવાં જ ગીતને લઇને વાત માંડવી છે. પ્રસ્તુત ‘ગીત’ ( કાવ્ય સંચય -3, સં. રમણલાલ જોશી, જયંત પાઠક, પૃ. 187, પ્ર. આ. 1981, પ્ર. ગુજરાતી સાહિત્ય પરિષદ ) રમેશ – અનિલના સમાંતરકાળમાં પ્રવાહિત થયું છે. એટલે સ્વાભાવિક છે કે એમાં લયની લેલૂંબ છટાઓ ભળી હોય. પરંતુ અહીં તો લયની પ્રલંબતાએ પણ આગવું પરિણામ નિપજાવ્યું છે. નદીનાં ધસમસતાં પૂર જેમ લયના હિલ્લોળા લેતું ગીત પ્રથમ વાચને તો એની ભાવસ્ફુટતાથી ભાવકને દૂર દૂર ફંગોળી દે છે. એવું પણ અનુભવાય કે માત્ર લયની પ્રલંબતા સિદ્ધ કરવાની મથામણમાં કવિએ અત્ર તત્ર નર્યા અર્થહિન શબ્દઘૂઘરાઓ ગોઠવી દીધા છે! પણ ધીરજપૂર્વકનાં બે-ત્રણ-ચાર વારનાં વાચન પછી એવું લાગે કે દૂર દૂરથી કોઇ સુંદર પક્ષી ધીરે ધીરે નજીક આવી રહ્યું છે અને જેમ જેમ નજીક આવતું જાય છે તેમ તેમ એનાં મનમોહક રંગો દૃષ્ટિને એની સભરતાનું ભાન કરાવતા જાય છે. ખરેખર તો કાવ્યમીમાંસામાં રાજશેખર કાવ્યના પ્રકાર ગણાવતાં आद्यन्तयोः स्वादु नालिकेरपाकमिति કહીને નારિકેલ પાકની ચર્ચા કરે છે તે આ ગીત સંદર્ભે પણ લાગુ પાડી શકાય એમ છે. આ સંદર્ભે હવે આપણે સીધા ગીતમાં જ પ્રવેશ કરીએ-
હથેળીયુંના ડુંગર-ડુંગર કેડી-કેડી જંગલ-જંગલ
ખીણ-ખીણ સ્ત્રોવર-સ્ત્રોવરમાં
લીલો-લીલો બોળ થઈને છલછલ ઝલઝલ તરે
ફરે ને તરે આપણો શ્વાસ!
આખી પંક્તિ પૂરી વાંચી લઇએ ત્યાં શ્વાસ ચડી જાય એટલા લાંબા લયમાં કવિએ માનવીની સામાન્ય હથેળિયુને ડુંગર, કેડી, જંગલ, ખીણ અને સરોવરનું રૂપક આપી અખિલ જગતને એમાં સ્થાપી આપ્યું છે. વળી દ્વિરુક્તિ કરીને એ બાબત દૃઢાવી પણ આપી! હથેળીના સંપુટમાં પ્રકૃતિનાં આ તત્વો ધરીને એના પરિમાણને વિરાટ બનાવી દીધું છે. માનવીની હથેળીયુમાં રહેલું આ વિશ્વ કેવડું મોટું છે? તો બાળકની કૌતુકતાથી વાતને વિશદ કરતાં કહી આપ્યું કે ડુંગર જેટલું ઊંચું અને ખીણ જેટલું ઊંડું ! જંગલ જેવું સભર ને એમાંથી પસાર થતી કેડીયુ જેવું અનંત! ને આ બધું હોવા છતાં સરોવર જેવું તરલ છે! આ તરલતા જ જગતના પ્રાગટ્યનું કારણ છે. અને તરલ જગતમાં માનવીના શ્વાસ તરી ફરી રહ્યા છે ! પણ એ તરે છે બોળ થઇને. આ બોળ શબ્દ દ્વારા કવિએ ભાષાનો કસ ખેંચ્યો છે. ખેડૂત પાકને પિયત આપવા ધોરિયામાં પાણી ચડાવે ત્યારે ડહોળાં પાણી ઉપર તરણાં અને નિંદામણનો કચરો અવરોધ બની તરતો રહે છે. આપણા શ્વાસ પણ એ રીતે મૂળથી આપણી જાતને અલગ કરીને ભમાવ્યા કરે છે. પણ મનુષ્યને તો છલછલ અને ઝલઝલ કરવામાં આનંદ જ આવે છે. વિરાટ સાથે માનવીના શ્વાસનું વજુદેય વળી કેટલું? પણ એક વાત તો ચોક્કસ કે શ્વાસની હાજરીથી જગત લીલામય બન્યું છે. પ્રાણમય બન્યું છે.
આ શ્વાસ એટલે કે વાયુરૂપને આધાર આપવા પંચમહાભૂતો પૈકી ભૂમા અને જલનો આધાર લીધા પછી એમાં આકાશ અને પ્રકાશનો પ્રવેશ થાય છે. પ્રસ્તુત કાવ્યમાં એ ‘ભૂરાં અને પીળાં જબ્બર પંખી’નું રૂપક ધારણ કરીને રજૂઆત પામે છે.
ભૂરાં પીળાં જબ્બર પંખી સાથે ઊડયાં
ફરી ફરીને લોહી તથા દરિયાને વીંધી
ક્યાંક ઉતર્યા-ના દિવાએ દિવા કેરો
ઝાંખો-મીઠો આંખો માં અજવાસ.
શ્વાસની – પ્રાણની યાત્રા જ્યારે અજવાસ તરફની હોય ત્યારે ગમે તેવાં જબ્બર પંખીને પણ કસોટીમાંથી પસાર થવું પડે છે. પછી ભલેને આકાશ – પ્રકાશનાં લાડલાં પંખી કેમ ન હોય! એને પણ લોહી નીગળતી પીડા અને ખારા ખારા ઉસ સાત સમંદરોને પણ ઓળંગવાની તૈયારી રાખવી પડે છે. પ્રાણપંખી આ કસોટીમાંથી સાંગોપાંગ નીકળીને આતમનાં કાંઠે ઉતારો કરે ત્યારે સાતે કોઠે દીવડાઓ ઝળહળી ઊઠે છેેે. અલબત્ આ અજવાસ હોય છે ક્ષણિક, ઝાંખોપાંખો પણ મીઠાશપૂર્ણ હોય છે. આનંદમય કોષ તરફની જીવની ગતિનું અહીં સૂચન મળે છે.
પ્રાણની આ યાત્રા સ્થૂળ અને બહિર ન રહેતાં ભીતરને અજવાળતી આગળ વધે છે. અહીં હવે ‘બંધ આંખ્યુંના ઝાડ’ એટલે કે અંધકારની સ્મૃતિમાત્ર રહી જાય છે. અંધકારમાં અનેક એષણાઓથી લચી પડેલું ઝાડ હવે પાકાં અમરફળો ખેરવવાની તૈયારી કરે છે. કાવ્યની ‘ખરતાં મેળે પાકાં અમરફળો કૈં’ પંકતિ મહામૃત્યુંજય મંત્રની उर्वारुकमिव बंधनात् मृत्योर्मुक्षिय मामृतात् સાથે કેવું સાયુજ્ય રચે છે! પરિપક્વ કાંકડી આપમેળે વેલાથી છૂટી પડી જાય એમ પૂર્ણ આયુષ્ય ભોગવીને મૃત્યુના બંધનમાંથી મુક્ત થવાની વાત ‘અંત વગરનો ધોળો ફૂલ પ્રવાસ’માં કેવી અડોઅડ બેસી જાય છે!
યાદ આવે ઇ બંધ આંખ્યુંના ઝાડ ઝાડથી
મબલખ ખરતાં મેળે પાકાં અમરફળો કૈં
ખાઈ કરેલો નામ વગરના દેશ ભણી-નો
અંત વગરનો ધોળો ફૂલ પ્રવાસ!
અર્થાત્ આ પ્રવાસ કૃષ્ણપ્રબોધિત શુક્લમાર્ગે અગ્રેસર બને છે. અભય તરફનો, મૃત્યુના ઉપહાર તરફનો આ પ્રવાસ છે. અને મૃત્યુ જ જ્યારે ઉપહાર બની જાય ત્યારે અજ્ઞાનનાં ધુમ્મસને તૂટવામાં શી વાર ?
ધુમ્મસ ચીરી ઘોર પરિચય તૂટે એવો ફૂટે
પાછો ફરી ફરી આપણ મોરોનાં
કળાયલાં પીંછાંમાં ને ત્યાં ઊભરાતું
રંગાતું ઝળકે વરસેલું આકાશ!
આમ ધુમ્મસ હટે ત્યારે આપણે આપણી જાત સમક્ષ ખરા અર્થમાં પ્રગટ થતા હોઇએ છીએ. જાતને ચોંટેલીં બાહ્ય ઉપાધીઓ ખરી પડે ત્યારે વર્ષોથી વેંઢારી રાખેલો પરિચય તૂટી પડે છે. ટુકડે ટુકડા થઇને કાચની જેમ વેરાય જાય ત્યારે નવી ઓળખ આવી મળે છે. જે માત્ર ભૌતિક ઓળખ હતી તે હવે કૃષ્ણએ ધારણ કરેલાં મોરનાં પીછાં જેવી મેઘધનુષી બની રહે છે. સાત રંગનું એટલે કે સાત ચક્રોનું ભેદન થતાં જ આખું આકાશ ઝળક ઝળક વરસવા લાગે છે.આમ શ્વાસથી વેષ્ટિત આપણું અસ્તિત્વ આકાશની વિશાળતા ધારણ કરે છે. પેલાં જબ્બર પંખી સાથે પ્રાણની બરાબરી સ્થાપિત થાય છે. જાણે કે જીવનની રંગાળી મહેકી ઊઠી!.
આવું બને ત્યારે ભીતરની ઝંખનાઓનાં ચંચળ હરણાંઓ દૂર દૂર સુધી પ્રેયની શોધમાં ભટકતાં હોય છે તે હવે પાછાં ફરે છે. સોનાની શિંગડીયુથી પોતાનું અસલ સ્વરૂપ જે ઢંકાઇ ગયું હતું તેને ખેરવીને મૂળ સ્વરૂપે પ્રગટ થાય છે. ઉપનિષદ કથિત हिरणमयेनपात्रेण सत्यस्य पिहितंमुखम् પ્રમાણે નિજસ્વરૂપનો પરિચય થતાં જ અંધાર પહેલાંની સાંજની રંગીનતા ખરી પડે છે ને જાગૃતિનો ઝળઙળતો સૂરજ પછી તો ઉંબરે આવીને ધામાં નાખે છે!
નજર તણાં બહુ દૂર ગયેલાં રંગ રંગનાં
હરણાંઓની સોનાની શીંગડીયુંમાંય
સાંજ ખરીને વંટોળાતી ધસમસતી
સામી આવે કે ઉંબર સુરજ ઉગે.
આ જાગૃતિ પ્રગટતાં પગથી માથાં લગનું આખુંયે અસ્તિત્વ મઘમઘી ન ઊઠે તો જ નવાઇ! પગના તળિયે લગાવેલી મેંદી સુદ્ધાં જાગી જાય છે. કહેવાનું તાત્પર્ય એ કે જીવ સાથે જે જે પણ જોડાયેલું હોય તે તે સઘળું જાગૃત થઇ જાય છે. પછી આત્મીયતાથી ભરપૂર એવો હ્રદયનો ભીનો ભીનો છોડ ભૂરાં આકાશમાં પાંગરીને કમળ જેમ સોળે કળાએ ખીલી ઊઠે છે. અને એ ખીલવાનો મૌન રવ ફૂલમાંથી પ્રગટતી સુગંધ પેઠે રોમ રોમનાં કર્ણદ્વારે ટકોરા મારવા લાગે છે. આ જે શાંત મઘમઘતો રવ એ જ આપણાં શ્વાસની છલછલ! એ જ આપણી પ્રાણશક્તિની ઝલમલ!
ચરણોને તળિયે સૂતેલો મેંદીનો રવ જાગી
ભીનો ભીતરનો ફૂલછોડ લઈને
હળવે હળવે ઉપર આવી લહર લહરતો
રોમ રોમના કર્ણો પાસે પૂગે!
જાગૃતિનો જે છોડ કર્ણદ્વારે પુગ્યો હતો, મૌન રહીને લહર લહર લહેરાતો હતો તે હવે હોઠ પરથી સ્મિત રૂપે, મધુરભાવ રૂપે, શ્રી રૂપે આપણી ચોતરફ લહલહી ઊઠે છે. વધારે મુખરતાથી કહેવું હોય તો કશ્મીરનાં શ્રીનગર જેવું સ્વર્ગીય બનીને ગહેકી ઊઠે છે. મનુષ્યની પ્રાણશક્તિ ખૂલી જાય ત્યારે શું શું નથી થતું ! જીવનનાં બેઉં કાંઠા સભરતાથી છલકાઇ ઊઠે છે. ગીતની પ્રથમ પંક્તિમાં જે શ્વાસ બોળ રૂપે હતા તે હવે ભીતરની પ્રાણશક્તિનો પ્રવાહ બની જાય છે. અને આ દેહરૂપી કાંઠાઓ પ્રાણશક્તિના એ પ્રવાહને સ્થિતપ્રજ્ઞ બનીને જીલી રહે છે.
હોઠ હોઠથી સરી જતું શ્રીનગર આપણું
લસરી લસરી હોઠ હોઠમાં તરતું જાતું
આમતેમ મધમધતું ઝૂલી કાંઠા પર જઇ
કાંઠા જેવું ઘડીક કરતું વાસ!
પ્રાણશક્તિનો સહવાસ ઘડિક પૂરતો હોય તો પણ સુંગંધની જેમ અસ્તિત્વને મઘમઘાવી દે છે. અને આ ક્ષણિક પણ મધુરા અનુભવમાંથી બહાર આવીએ ત્યાં ફરી પેલું શ્વાસનું સરોવર છલછલતું જોવા મળે ને મનુષ્યની હથેળિયુંમાં ફરી પેલી જીવનલીલા માથું ઊંચકીને બહાર નીકળવા મથતી અનુભવાય !
હથેળીયુંના ડુંગર-ડુંગર કેડી-કેડી જંગલ-જંગલ
ખીણ-ખીણ સ્ત્રોવર-સ્ત્રોવરમ
લીલો-લીલો બોળ થઈને છલછલ ઝલઝલ તરે
ફરે ને તરે આપણો શ્વાસ!
પ્રસતુત ગીતમાં કવિએ કલ્પન – પ્રતીકના વિનિયોગથી ખૂબ અલગ અને ઊંચું નિશાન તાક્યું છે. પ્રાસ – અનુપ્રાસ – આંતરપ્રાસ દ્વારા ગીતના સ્વરૂપવિધાન સાથે એકત્વ સ્થાપીને પણ ઉફરી ગતિ પકડી છે. શબ્દની શક્તિનો પૂરેપૂરો ક્યાસ કાઢવાનું સામર્થ્ય કવિની સર્ગશક્તિનું દ્યોતક બની રહે છે. મને આ ગીત ગીતની પરંપરામાં અલગ ચીરો ચાતરીને પણ અલગાવ ધારણ કરી બેઠું હોય એવું અનુભવાય છે. એવું પણ હોય કે ભીતરના ઝળહળાટની વાત કરતાં કરતાં પોતે જ એનાં ઉદાહરણરૂપ બની જવાનું આ ગીતે અને ગીતના કવિએ મુનાસિબ માન્યું હોય !
– જયંત ડાંગોદરા
———————————————————————- ‘પદ્ય’ ના ઓક્ટોબર- ડિસેમ્બર,2020ના અંકમાં પ્રકાશિત.
સળંગ અંકઃ 8
વાહ જયંતભાઈ વાહ
વાહ. ખૂબ સરસ. અભિનંદન.
રસમય આસ્વાદ. ગીતના ભાવ અને ભાષાની પ્રવાહિતાનો સર્જનાત્મક આવિષ્કાર પ્રસ્થાપિત કરી આપ્યો.
અભિનંદન મિત્ર.રાજીપો.
વાહ…સુંદર અવલોકન
Kudart na premi ne namaste
સુંદર😍💓
સરસ આલેખન…
વાહ ખૂબ સુંદર ગીત અને અદ્ભૂત રીતે આપ ગીતના ભાવવિશ્વ ખોલી ભાવકોને રસતરબોળ કરી દીધા મઝા આવી બેઉ સર્જક ને અભિનંદન શુભેચ્છાઓ
જોરદાર
વાહ વાહ સુંદર આલેખન છે નમસ્તે સર
વાહ…ઘણા કવિને આ ગીત દુર્બોધ લાગ્યું હતું. ખૂબ સુંદર આસ્વાદ…! 👌💐
ધન્યવાદ
ધન્યવાદ સર
આપનો પ્રતિભાવ પ્રેરકબળ સમાન છે
ધન્યવાદ