વડલો મને બહુ ગમે. ક્યારેક એની છાંયામાં આળોટવાનું મન થાય તો ક્યારેક એની વિશાળ કાયા પર ચડી ઓળકોળામણી રમવાનું. કોઇ દિવસ એવો વિચાર પણ આવી જાય કે પેલાં પંખીઓની જેમ હું પણ એના જ આશ્રયે રહી પડું. પણ જિંદગીની આપાધાપીમાં એવું કરવાનો સમય ક્યાં હવે! પરંતુ જ્યાં જ્યાં પણ એની હાજરી વર્તાય ત્યાં ત્યાં મનોમન આ બધી ક્રિડાઓ અચૂક કરી લઉં! એનાં પાંદડે પાંદડે ઘૂમી વળું ભમરી બનીને. ચડી જાઉં પોપટ બનીને ટગ ડાળે, ને સૂઇ જાઉં બગલો બનીને ઘસઘસાટ. કીડી બનીને આખાયે બ્રહ્માંડની પ્રદક્ષિણા ના કરતો હોઉં એમ આદરું આખાય વડની અદકેરી સફર! હા, મારે ક્યાં કોઇ ઠેકાણું છે કે પહોંચવાની ઉતાવળ હોય. હું તો મન સ્વરુપે જ વિલસી રહું છું વડ વડમાં.
આમ તો એ મારો બાળપણથી જ ભાઇબંધ. મોટા ભાગની બપોર છેક હમણાં સુધી એના જ સાંનિધ્યમાં ગાળેલી. એ રીતે દાદાની ભૂમિકા પણ એણે બખૂબી નિભાવી હતી. આ જ કારણે જ્યારે અંગ્રેજીના શિક્ષક વડલાને બનિયન ટ્રી ને હિન્દીના શિક્ષક બરગદ કહેતા ત્યારે આ ‘બ’ ‘બ’ના બબડાટથી માથું પાકી જતું. એક વખત તો સાહેબે વડવાઇને હિન્દીમાં શું કહેવાઇ એવું પૂછેલું ત્યારે ચાઇ કરીને ‘બરગદાઇ’ એવો જવાબ પણ આવા જ કોઇ રોષને કારણે અપાઇ ગયેલો.
કબીરવડ કે અહીં ગાંધીનગરમાં આવીને કંથારપુરના વડનું દર્શન કરું એ પહેલાં તો કંઇ કેટલાંય વરસોથી મારા ગામનો એક વિરાટ વડ મારી ચેતનામાં પલાંઠી મારીને બેસી ગયો હતો. મારી નાની નાની આંખોમાં એને રોપાઇ ગયેલો જોઇને આજે પણ હ્રદય લાલ ટેટા જેવું મસ્ત મસ્ત થઇ જાય છે. અડધાક વીઘામાં ફેલાયેલા એ વડને અમે રાણાતાનો વડલો કહેતા. ગામના ગોંદરા પાસે જ એનો મુકામ. ત્યાંથી ચાર પાંચ રાશ વા જ દૂર અમારી વિલાયતી નળિયાંવાળી નિશાળ. ને નિશાળની બારી આગળ જ લાભુ સા’બનાં બેસણાં. સવારે નિશાળે પહોંચીએ એ પહેલા રાણાતાના વડલે બે-ત્રણ હીંચકા ખાઇ લેવાના. વડવાઇ પકડીને સેલ્લારા ના ખાઇએ ત્યાં સુધી સોદરી ન વળે! ડંકો વાગે એટલે અમારો આ ગમતો ધંધો પડતો મેલી, હાંફળાં ફાંફળા દફતર ખભે ટીંગાડી, કે હોલીકોપ્ટરના પંખાની જેમ માથા પર ગોળ ગોળ ઘુમાવતા જેલમાં પ્રવેશતા હોઇએ એમ શાળમાં દાખલ થઇ જઇએ. પણ મનમાં તો એક જ રઢ હોય કે ક્યારે રિશેષ પડે ને ક્યારે વડવાઇ પકડીએ! પછી તો આખી રિશેષ વડલાના સાંનિધ્યમાં ધમાચકડી કરીએ. ક્યારેક તો રિશેષ પૂરી થઇ જાય તો પણ ચાલું રહે અમારા સેલ્લારા. લાભુસા’બ રોજની જેમ ઝીણી નજરે આ બધું નિહાળી રહ્યા હોય એની પણ સરત ન રહે. દોડાદોડી શાંત થઇ જાય, કોઇ કરતાં કોઇ દેખાય નહીં ત્યારે ક્યાંકથી કોઇની બૂમ સંભળાય કે ‘એ….યયયય, વેતીના થાવ વેતીના…તમારી ડોહી નિહાળ સાલુ થઇ ગઇ સે.’ ને એ જ પળે ફડકો બેસી જાય મનમાં. આલ્લે……લે માર્યા આતો! જેવા નિશાળમાં પ્રવેશ કરીએ કે સા’બ સજાનાં સમિધો તૈયાર કરાને બેઠા જ હોય. પ્રથમ તો બેઉં ગાલ પકડી ટેટા જેવા જ લાલ કરી નાખે. એ વખતે વડના ટેટા કરતાં ગાલનો રંગ જરા વધારે ઘાટો થઇ જાય. પછી એમાં હજી પણ થોડી કમી રહી જતી હોય એવું લાગે એટલે બંને ગાલ પર ફરી ટપટપાટી બોલાવે ને ઉપરથી કહે કે આવતી કાલે તારા બાપને બોલાવતો આવજે. ગાલ તો શું આખું શરીર ગુસ્સાથી ટેટા જેવું થઇ જાય પણ શું કરીએ? ભૂલની સજા તો ભોગવવી જ પડેને. એટલે નિશાળ છૂટે ત્યારે મજા કરાવીને સજા કરાવનારા એ વડને દફતર વડે ફટકારી ફટકારીને કોશીએ. બીજું તો શું કરી શકીએ? પણ ફરી બીજા દિવસે શાળા તરફ ઉપડીએ ત્યારે પાછા હતા એવાને એવા જ ! વડવાઇઓ પણ હાથ લાંબા કરી કરીને ફરીથી અમને પડખાંમાં લઇ લે!
ગામનો ગોંદરો પણ ત્યા જ. સવારે ગાયોનું ધણ પણ ત્યાં જ હોય અને બપોરે કામમાંથી પરવારેલ કેટલાક મોટેરાઓ પણ આ વડના છાંયડામાં જ વામકુક્ષી કરે. અમારે એટલા સમય પૂરતી કડક શિસ્ત પાળવી પડે. ન બોલાય કે ન દોડાય. એટલે જ્યારે પણ બપોરીવેળા વડલે આવીએ ત્યારે એની મોટી ડાળી પર કુદરતી રીતે બનેલી એક મોટી બખોલમાં બેઠક જમાવીએ. બે ચાર મિત્રો સાંકડ મુંકડ બેસી શકે એટલી જગ્યા તો આરામથી મળી રહે. પછી એકાદ જણ ખિસ્સામાથી હળવેકથી નિમક કાઢે, બીજો મરચું ને ત્રીજો દાતણ જેવડી વડની કુણી કુણી તાજી ડાળખીઓ તોડી લાવે. પછી મોઢેથી છાલ કાઢીને નિમક અને મરચાની ચપટીમાં બોળી બોળી ટેસથી રોંઢો કરીએ. આંખો નચાવતા જઇએ, મોઢેથી ચપચપ અવાજ કરતા જઇએ ને એ રીતે ખટ્ટમીઠી ક્ષણોને ઓર મજાની બનાવી દઇએ. ક્યારેક વડવાઇની કુંપળો પણ આ જ ક્રમમાં આરોગી લઇએ. પણ બંનેના સ્વાદમાં ફરક હો. એક ખટ્ટમીઠી ને બીજી જરાક તમતમતી. એ કુણાં કુણાં તાતણાંની મધુરપ એવી તો દાઢે વળગી છે કે હજી પણ એને ભાળું ન ભાળું તોડીને મોઢામાં મૂકી જ દઉં છું.
પેલા લાલ લાલ ટેટા તો એવા આકર્ષે કે જાણે તોડીને સીધા મોંમાં જ મૂકી દઇએ! પણ એમ કરવા જતાં તો નરી છેતરામણી જ થાય. દાંતથી ટેટો ભાંગે ન ભાંગે ત્યાં મોઢું જીવાતથી ભરાઇ જાય. થૂ થૂ કરીને માંડ મોઢું મૂળ સ્વાદમાં પાછું ફરે ત્યાં સુધીમાં જાણકાર ભાઇબંધો હસી હસીને બેવડ વળી ગયા હોય. પછી એકાદ ભાઇબંધ ખાતાં શીખવાડે. ટેટો ભાંગે નહીં એમ ફરતી ફરતી છાલ ખાઇ બતાવે. અમે પણ ઉપર ઉપરથી છાલ વછોડીએ ને પેલાં ઊંચી ડાળે બેઠેલાં પંખીડાંઓ સાથે એકાકાર બની જઇએ!
ક્યારેક રાણાતાના વડલેથી કોઇ ગુસ્સામાં આવીને તગડી મેલે તો પહોંચી જઇએ લાખાતા સરકારના વડલે. મારાં ઘરથી થોડેક દૂર વાડી વિસ્તાર શરૂ થઇ જાય. ત્યાં રામાતાના ઘરની પાછળ એક નાનકડો પણ નીચી બેઠકનો એ વડ. વડવાઇઓ બહુ નહીં પણ ડાળીઓ જમીન પર ઊભાં ઊભાં જ હાથમાં પકડાઇ જાય એવી. થડ જરા બેઠા ઘાટનું એટલે ચડ – ઉતર કરવામાં ખૂબ જ અનુકૂળ. ક્યાંક ક્યાંક દાતરડીથી છાલ ઉખેડીને પગ મૂકી શકાય એવાં પગથિયાં પણ કોરી કાઢ્યાં હતાં. ઓળકોળામણી રમતી વખતે દોટ મૂકીને નિસરણી પર ચડતા હોઇએ એ રીતે આ વડલા પર ચડી શકાય એમ હતું. આ કારણે ઓળકોળામણી માટે એના પર પસંદગી ઉતરતી. આ ઓળકોળામણી એટલે એક પ્રકારનો પકડદાવ. ફરક એટલો કે આ રમતમાં છૂપાવાનું નહીં પણ વડ પર ચડી જવાનું.
રમત રમતાં પહેલાં પેત્તિસ – દોત્તિસ કરીને કોણ દાવ આપશે એ નક્કી કરી લેવાનું. એ નક્કી થઇ જાય એટલે થડથી થોડેક દૂર એક નાનકડું કુંડાળું દોરી લેવાનું. એ કુંડાળામાં ઊભા રહીને કોઇ એક ચપળ સાથી પોતાનો એક પગ ઊંચો કરીને ગોઠણ નીચેથી દોઢ – બે ફૂટની સંધેસરાના ઝાડની દાંડી રમરમાવીને દૂર સુધી ફેંકે. દાંડી ફેંકાય એ પહેલાં બાકીના રમતવીરોએ વડલા પર ચડી જવાનું એવો વણલખ્યો નિયમ છે. વળી દાવ આપનાર ફેંકાયેલી એ દાંડીને લેવા દોડે અને પેલાં કુંડાળામાં મૂકે એ પહેલાં પેલા દાંડી ફેંકનારે પણ વડ પર ચડી જવાનું હોય. જો એ શક્ય ન બને તો પકડાઇ જવાનું અને દાવ આપવાનું જોખમ આવી પડે. જો બરાબર રીતે વડ પર ચડી જાય તો રમત આગળ વધે. દાવ આપનાર કુંડાળાની દાંડીનું રક્ષણ કરતાં કરતાં વડ પર ચડેલા મિત્રોને પકડવાનો પ્રયત્ન કરે. વડ પર ચડેલા દાંડી અડકવા ભાત ભાતનાં પેંતરાં રચે. કોઇ ડાળ પરથી કે નાનકડી વડવાઇ પરથી સરકતો આવીને જમીન પરની દાંડીને પકડવા મથે તો કોઇ ઊંચી જાડી ડાળ પર વાંદરાની જેમ ઊંધો લટકીને મોકો મળતાં સીધો જ કુંડાળા પર ખાબકે. કોઇ કોઇ આળસુના પીર ટગલી ડાળે ચડીને રમત રમી રહ્યાનો મિથ્યા આત્મસંતોષ પણ લેતા રહે. આમ રમત ચાલ્યા કરે. પકડાઇ જાય એ દાવ દીધા કરે, લોંઠકા છોકરાઓ દાવ લીધા કરે. થાકી જાય એ વડની એકાદ ડાળ પકડીને કુંપળો ઝાપટવા માંડે. આમ રમતાં રમતાં સમય ક્યાં જતો રહે એની સરત જ ન રહે. જ્યારે નાનાં ભાઇ – બહેન શોધ કરતાં કરતાં આવી ચડે ને કહે કે – ‘હાલ્ય, મા બરકે સે. વાડીએ બાપાને સા દેવા જાવોનો સે’ – ત્યારે છેક રમતનો બુખાર ઉતરે! આ રીતે રમતમાં પરોવાયા પછી સમય જાણે સ્થગિત જ થઇ ગયેલો અનુભવાતો. આઇન્સ્ટાઇનના E = mc2 ની સૌ પ્રથમ અનુભૂતિ વિજ્ઞાન ભણીએ એ પહેલાં તો આ વડદાદાએ કેવી સહજતથી કરાવી દીધી હતી!
લાખાતાના આ વડે અમને નર્યા વાનર જ બનાવી દીધા’તા. ગમે તેટલી કૂદાકૂદ કરી હોય કે ગમે તેવી ડાળે ચડીને બેઠા હોઇશું પણ ક્યારેય ગુસ્સે થઇને વડદાદાએ ધુત્કાર્યા નથી. કે નથી તો શરીરે એક ઘસરકોય પડવા દીધો. હા, એણે પોતાના ધોળા દૂધ જેવા સેરથી અમારી ચામડીને જરૂર કાળા રંગે રંગી છે. ને એ સેર જ કર્ણનાં કવચ કુંડળ જેમ એકાદ અઠવાડિયું ચામડી પર ચીટકી રહીને અમારી ઓળકોળામણીની ચાડી ખાતો રહેતો. ક્યારેક એ ઘરેણાંને ઉતરડી નાખવા નવડાવતી વખતે મા નળિયાનું ઠીકરું લઇને મંડાઇ પડતી. ઘસાઇ ઘસાઇને અંગ લાલ ટેટા જેવું થઇ જાય, આંખોમાં ઉના ઉના માછલાં તરી આવે પણ ધોળા દૂધે પાડેલી એ કાળી નિશાનીઓ ના જાય તે ના જ જાય. હા, ચૂંટણી વખતે આંગળી પર નિશાની કરવાની પેલી અવિલોપ્ય શાહી જેમ એ જાય તો પોતાની મેળે જ જાય. આમ નાગરિકશાસ્ત્રનો એકાદ પાઠ પણ ખબર ન પડે એમ ભણાય ગયો. જીવનનો એક ટુકડો આ વડના સાંનિધ્યમાં જ વિત્યો. એમણે જ અમને દાદાનું વ્હાલ આપીને મોટા કર્યા એમ કહીએ તો કશું ખોટું નથી.
આ સિવાય પણ એક વડ હતો. રામુભાનો. અમે એને ગુવાડીનો વડ કહેતા. ગુવાડીનો એટલા માટે કે એ જે જગ્યાએ હતો ત્યાં મોટેરાઓ લોટે જતા. એ વડના વિશાળ થડની બરાબર નીચે ઊંડો ખાડો હતો. સાવ અવાવરું જગ્યા. પાંદડાઓ ખરી ખરીને કુંજર બની ગયેલી આ જગ્યામાં વીંછીં-કૂંછી ને એરુંડિયાં આમથી તેમ ભટકતાં રહે. રાતે ચીબરીઓ, વડવાગોળ ને ઘટાટોપ અંધારું ધમાલ મચાવે. બગલાઓ ચરકી ચરકીને વૈતાળના આ નિવાસસ્થાનની બિહામણી ધવલતા વધારતા રહે. અધૂરામાં પૂરું તે એની બાજુમાં જ ભૂતડાદાદાની ખાંભી. ટૂંકમાં કહું તો રામુભાનો આ વડ અમારા માટે બીકાળવો હતો. ભૂલે ચૂકે પણ એ બાજુ નજર નાખવાની નહીં. પણ આ બધાં કારણોએ જ મને એક વખત ત્યાં જવા પ્રેરેલો. ખાસ તો મામાએ વિવેકાનંદના ભૂતનો ડર કાઢવાના બાળપ્રસંગની વાત કરેલી ત્યારથી આવો સોલો ચડેલો! એ વખતે એની રહસ્યમયી સૃષ્ટિ મને ગમી ગયેલી. થોડો ફડકો જરૂર મનમાં હતો પણ આખરે હિંમતનો વિજય થયેલો. એની આસપાસ જો કે ગંદકીના થર પડ્યા હતા પણ એનાં મોટાં ફાફડા જેવાં પાન, મોટા લાલચટ્ટાક ટેટા ને પેલા ખાડામાં ઉતરીને વધારે ગૂઢ બની ગયેલી વડવાઇઓએ મને નવી જ વડસૃષ્ટિનો અનુભવ કરાવેલો. એક વખત તો આ વડે મારું સ્વમાન અને ભૂખ પણ સાચવી હતી હો.
વાત એમ છે કે ગામમાં બપોરીવેળા અબુભાઇ બરફની રેકડી લઇને આવે. પાંચિયાં દશિયાંમાં છાલિયું ભરીને બરફ આપે. પૈસા ન હોય ને છાલિયું ભરીને બાજરો કે ઘઉં લઇ જાવ તોય બરફથી છાલિયું છલકાવી દે. પણ એ દિવસે ઘરેથી આમાંનું કંઇ જ ન મળ્યું. ન પાંચિયું દશિયું કે ન તો બાજરો. ને બરફ ખાવાની ઇચ્છા કહે કે મારું કામ ! તીવ્રતા હદબહારની વધી પડી. ખાસ તો ઘરે સાંભળવી પડેલી દાદીની ‘ના’ને કારણે જ આમ થયેલું. એટલે મેં નવો જ રસ્તો અપનાવ્યો. એ વખતે અબુભાઇ બરફ આપવા માટે વડ કે ખાખરાનાં પાન રાખતા. કોઇ છોકરો એ લઇ આવે તો એના બદલામાં પડિયો ભરીને બરફ આપે. મેં પણ એ જ રીત અપનાવી. ગુવાડીના વડેથી દોથો ભરીને મોટાં મોટાં પાન લઇ આવ્યો. પાન જોઇને જ અબુભાઇ રાજી. હું પણ એને રાજી જોઇને રાજી રાજી ! પડિયો ભરીને બરફ આપ્યો. પછી તો ઘરે આવીને દાદી સામે હડફ હડફ કરતાં બરફ ખાધો. દાદીએ માગ્યો પણ મેં ન જ આપ્યો. દાદી ‘ઘડહો કેવો સે જોતો, મારો પીટ્યો’ કહીને મીઠો છણકો કરી બેસી રહ્યાં. એ વખતે મને ગુવાડીનો એ વડલો ગુલાબ જેવો સુગંધીદાર લાગ્યો હતો!
આજે તો એ ગુવાડીના વડની જગ્યાએ રહેણાંક બની ગયાં છે. ને જેનો ડર લાગતો હતો એ ચીબરી, વડવાગોળ ને વીંછી-કૂંછીનું એ ઘર તો ક્યારનું ય ઊખડી ગયું છે. પેલા ભૂતડાદાદા પણ ગામેતિ થયા છે.ને રોજ કરેણ, જાસુદ ને બારમાસીનાં ફૂલોની પૂજા પામે છે. પણ ઉમાશંકરે પોતાના એક સૉનેટમાં ‘વડ’ને જે લાડ લડાવ્યાં છે –
ઊંચી કો ટેકરીના શિખર પર શિખા–શા ઊગી સૃષ્ટિક્યારે
સૌથી ઊંચા ગણાવું ગમ્યું નહિ વડને, ગામને ગોંદરે કે
તીરે ઊગે તળાવે પસરી નિજ ઘટાઘેર ગંભીર નમ્ર.
રોપી વજ્રે ઘડેલું અડગ થડ ધરામાં, ખૂંચી મૂળ ઊંડાં,
વાધે ઊંચો જરી, કે અધિક થવું ઊંચા એ ન આદર્શ એને.
પોષ્યો જે ભૂમિમાતે નિજ હ્રદય તણાં દૂધ મીઠાં પિવાડી
એને જૈ ભેટવાને ઢળી વડી વડવૈ; ફેલવાં, ને, ન ભૂલે
ડાળો, ટેટા, સુપર્ણો હસમુખ ગગને જે કૃપાવારિ વર્ષે.
– એવો એ વડ આજે ત્યાં નથીનું દુઃખ મને સતત કોતરતું રહે છે ભીતરથી. એ વાસ્તવિકતાને સ્વીકાવાનું ગજું આટઆટલાં વર્ષો પણ મારામાં નથી. મન મનાવું છું કે ભલે ન રહ્યો હોય, પરંતું એની ચેતના તો મારી રગેરગમાં વહે છેને હજી! એ આજે પણ એવો જ ઊભો છે અડિખમ. અલમસ્ત.
મેં ભલે આ કે કોઇ અન્ય વડની કંકુ છાંટીને પૂજા ના કરી હોય કે સૂતરનાં તાંતણાંની ધારાવડી આપી પ્રદક્ષિણા પણ ના કરી હોય, છતાં મારી આ વડપ્રીતિ વટસાવિત્રીનું વ્રત કરતી બહોનો કરતાં જરા પણ કમ નથી. દાદા જેટલું જ વ્હાલ કરનારા આ ત્રણ વડલાઓ મારામાં એવા તો સંગોપાયને બેઠા છે કે મારા હાથ ક્યારેક કયારેક વડવાઇ થઇ જાય છે એની પણ ખબર રહેતી નથી. આજે પણ મારો સમય એ વડવાઇઓ ઝાલીને સેલ્લારા માર્યા કરે છે.
( પરબ – નવેમ્બર,2020માં પ્રકાશિત નિબંધ )
બાળપણની યાદ આવી ગઈ
Very Nice
કુદરત સાથે રમતી નિર્દોષતા
ખુબ સરસ સાહેબ
ખુબ સરસ બાળપણની યાદો તરોતાજા થઇ ગઇ.
પ્રકૃતિનું આબેહૂબ અને શ્રેષ્ઠ વર્ણન કર્યું છે. તમારી કલમનો જાદુ પ્રકૃતિનો સાચો અનુભવ કરાવી જાય છે.
Very Nice sir
વાહ! વડ, વડ્વાઈ, વડના લાલ ટેટા, તાજી કુંપણો, ગાયોનું ધણ, વડનો છાંયડો, હિંચકા,વટ સાવિત્રી પૂજન પ્રકૃતિનું ગજબ વર્ણન.કુદરતની લીલા.
સ્પના ના વાવેતર
ફીર તેરી યાદ આવી
બાળપણની યાદ તાજી
વાહ
મને મારા ગામનાં વડની યાદ આવી ગઈ ગામની બરાબર વચ્ચે વડલાને કારણે અમારા ગામનું નામ વડલી પડ્યું હતું.ખૂબ સરસ રચના.અભિનંદન
Nice sir
ધન્યવાદ
ધન્યવાદ
વડદાદાની મોજ
વડદાદાની વિરાટ છાંયા…
ધન્યવાદ
આપનો આનંદ એ જ મારો આનંદ
વડદાદાની કૃપા
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ
આપણો સહિયારો આનંદ
ધન્યવાદ
ખૂબ સુંદર.
Jay ho Jayantbhai
🙏