ટ્રાન્સફરનો ઓર્ડર આવી ગયો છે એટલે વાગડને જેટલું જોવાઇ એટલું જોઈ લેવાની,જેટલું પીવાઇ એટલું પી લેવાની અને ભીતર ભરી શકાય
એટલું ભરી લેવાની વેતરણમાં પડ્યો છું. છેલ્લા બે દિવસથી રામપર વાંઢની પછીતે આવેલાં
રણમાં આંટાફેરા શરૂ કર્યા છે. મિત્રો જયભાઇ
અને મેહુલભાઇને રણમાં બાઇક ચલાવવાની ફાવટ આવી ગઈ છે એટલે નવરા પડ્યા કે
નીકળી પડ્યા રણ તરફ. ગાગોદર મોતીની હોટલે મસ્ત મીઠી ચા પી, ગોરાસર રાજબાઈ માતાના દર્શન કરી,મોર અને ઢેલના ટોળાંઓ વચ્ચેથી પસાર થતાં
પહોંચ્યા રામપર વાંઢ. આઠ દસ ખોરડાંનું ગામ. વાંઢ શબ્દ જ જોકે આ આઠ દસ ખોરડાંના
ગામનો દ્યોતક છે. અત્યારે તો દુષ્કાળની દશા પ્રવર્તે છે એટલે વસ્તી બે ચાર ખોરડાં
પૂરતી જ મર્યાદિત રહી છે. રસ્તામાં બે ચાર બાળકોને બાદ કરતાં કોઇ જ જોવા ના
મળ્યું. અને આ બાળકોને જોયા પછી જ અહીં વસ્તી હશે એવી કલ્પના કરી શક્યો. ગામની
પછવાડે જ રણ શરૂ થઈ જાય છે.
ગઈકાલે રણમાં આવેલા પણ
ધરમ ધક્કો થયેલો. અફાટ રણમાં ક્યાંય ઘુડખર જોવા ન મળ્યાં. માત્ર તેમનાં પગલાંની
છાપ અને લાદના ઢગલા સિવાય કંઇ જોવા ન મળ્યું.હા..અફાટ રણ ખરું. રેતી ખૂંદી ખૂંદીને
થાક્યા પણ નિરાશા જ હાથ
લાગી. વળી સૂરજ પણ ઢળવાની તૈયારી કરવા લાગેલો ને ઉપરથી ટાઢાબોળ પવનની ઝીંક શરૂ થઈ
ગયેલી. પાછા ફરવા સિવાય કોઈ આરો ન હતો. પણ આજ તો રોંઢા ટાણે જ નીકળી પડ્યા હતા.
જેવા રણમાં પ્રવેશ્યા કે દૂર દૂર વીસ પચ્ચીસ
કાળા ધોળા ઓળા નજરે પડ્યા. દૂરબીન માંડીને જોયું તો ઘુડખર જ. ભગાવી બાઇક એમની
સીધમાં જ. પણ જેવા નજીક પહોચું પહોચું થયા કે ભડકીને ભાગ્યા એ તો. જાય દીધે …જાય
દીધે…. અમારી સ્પીડની સાપેક્ષે જોતાં લાગ્યું કે એમની સ્પીડ કમ સે કમ સિત્તેર એંશી
કિ.મી.થી ઓછી નહીં જ હોય! વળી રેતીમાં દોડવાનું. અડધું ટાયર તો રેતીમાં જ ખૂંપીને
ચાલે. જ્યારે એમને તો ખરી પછાડી કે સ્પીડ પકડી
નહોતી! થોડા ગામ તરફ ને મોટાભાગનાં રણમાં
રચેલ મોટા પાળાની પેલી તરફના ઊંડા રણમાં!
ગામ તરફ ભાગતાં ઘુડખર થોડાંં નજીક પડ્યા એટલે દૂરબીનમાં બરાબરના પકડાયાંં. ગધેડાની જ જાત જોઈ લો.પણ આ ગધેડા મસ્ત
બદામી મેકઅપ કરેલા. પેટ ને પગ પરનો બદામી રંગ પેલા દેશી ગધેડાથી એમને વિશિષ્ટ અને
વિશેષ બનાવે. એમની ચેષ્ટાઓ કે વિશેષતાઓ જોઈને કવિશ્રી રમેશ આચાર્યનું ઘુડખર કાવ્ય
યાદ આવી ગયું-
એ દોડે ને એની ખરીમાંથી રણ ખરે,
એ રણની રૂંવાટી શું ઘાસ ચરે,
એ આકંઠ મૃગજળ પીવે,
એ પહેરવા દસે દિશાઓ સીવે.
એ કાન રાખે ઊંચા, સદા ભયભીત,
એથી એણે રણ ફરતી નથી ચણી ભીંત!
ખરતા તારાની એના પગમાં ગતિ.
એનો ન ક્યાંય રણમાં ખીલો,
એના ચાલ્યાનો ન ક્યાંય રણમાં ચીલો.
ચામડી પર જાણે મઢ્યું હોય અબરખ.
એ દોડે ને રણ થાય ચર,
એ થંભે ને રણ બની જાય અચર,
રણમાં એ તો સચરાચર;
ઘુડખર.
જેમ
જેમ નિરખતા ગયા એમ એમ પેલા સોનેરી મૃગ જેમ ખેંચતાંં ગયાં રણમાં અમને. બાઇક થાકી તો
એને પડતી મૂકી રેતીમાં ડમરી ઉડાડતા ઉડાડતા ધપ્યે જ રાખ્યું આગળને આગળ. વિશાળ રણની વચ્ચે અત્યારે માત્ર બે
જ પ્રકારના જીવ હતા. એક આ રણના ગધેડા ને બીજા અમે જુદા વરણના ગધેડા! ફરી દૂરબીન
માંડ્યું. ધરવ જ ન થાય …ધરવ જ ન થાય. એ
પણ અમારી સામે નજર માંડીને ચોકન્ના થઈને
ઊભા રહે. જેવું એમના તરફ ચાલીએ થોડું કે ભાગે. મન મૂકીને ભાગે. રેતીના
ડુંગરા કરે દોડી દોડીને. છેવટે અમેય થાક્યા. પગ
ભરાઈ આવ્યા. ધીરે ધીરે પરત પ્રયાણ કર્યું.ઘુડખરમાંથી ધ્યાન હટ્યું ત્યાં રણમાં
ઊગેલા સરુ જેવાં ઝાંખરાં પગમાં અટવાઈને કહે કે અમારા સામું કેમ નજરેય ન કરી? જુઓ
તો ખરા અમને કે રણમાં કેવા રંગ ભરીએ છીએ અમે! મેં નિરખીને જોયું તો આલ્લે લે,
આ તો ગુલાબી ગુલાબી રાયના
દાણા જેવાં ફૂલ! ને થોડાં પીળા અને ગુલાબી રંગ મિશ્રિત ટચૂકડા નખ જેવાં! વાહ વાહ
કુદરત, ક્યાં શું
ખીલવવું એ તો તારી પાસેથી જ કોઇ શીખે! ક્યાં કળકળતું રણ ને ક્યાં ફૂલની કળી!
માંડ રજા લીધી એની પાસેથી. તપી
તપીને ફાટી ગયેલું રણ આમ તો ચોમાસામાં સરોવર જેવું થઈ જાય છે. અત્યારે તો પંચકોણ,
ષટ્કોણ, અષ્ટકોણ આકારનાં પોપડાં રણની શોભામાં અભિવૃદ્ધિ
કરતાં રહે છે. રેત ખૂંદતા ખૂંદતા માંડ માંડ બાઇક પાસે
પહોંચ્યા. હાશ…હવે રણની બહાર.
આખા ભારતમાં જ નહીં પણ
વિશ્વમાં એક માત્ર ઘુડખરનું આ અભ્યારણ્ય છે. યુનેસ્કોએ એને બાયોસ્ફીયર રિઝર્વ્સ
ઠરાવ્યું છે. આ હકીકત પ્રત્યે ગૌરવાન્વિત થતાં થતાં , ગજ ગજ છાતી ફુલાવતા ફુલાવતા બહાર નીકળ્યા
ત્યારે સૂરજ પણ અમને જોઈને લાલ લાલ થઈ ગયેલો. એમને વધારે ન શરમાવતાં અમે ભળી ગયા
દૂરથી વાગતા મંદિરના ઘંટારવમાં!
બસ વાગડ તારું આ ઘર ત્યજુ
છું હવે. રણ, તારી માયામાંથી
બહાર નીકળતાં સમય લાગશે. પણ જવું તો
રહ્યું જ. તેં જેમ એક દિવસ સાદ કરીને બોલાવેલોને એમ જ પેલું મહાનગર બોલાવી રહ્યું
છે આજે. આવજે ભાઈ રણ આવજે.
– જયંત ડાંગોદરા
જય હો જયંતભાઈ
રણમાં પક્ષીઓનું નિરીક્ષણ કર્યું હતું?
અને તમે રણમાં જોયેલાં ઘુડખર કેમ ફોટામાં દેખાતાં નથી?
ખૂબ સરસ રચના
સુંદર રચના…
Ava shundar lekho nu ek prakashan kar.
Saras lekho che.
DB DANGODARA
વાહ સાહેબ
અહા!!!
સરસ અભિવ્યક્તિ
ખુબ જ સરસ લેખ આદરણીય ગુરુવર
વગર કચ્છ જોયે કચ્છ સાથે પ્રેમ થઇ જાય એવુ લખ્યુ છે, હો બાકી…
સમજો કે કચ્છ/રણ ની મલાઈ લઈને ગયા !!
"જજે ભાઈ જય, યાદ કરજે કોઈ દન !! "
આવજે ભાઈ રણ, કચ્છનું રણ અને તેનું સુંદર દર્શન.
આવજે રણ…..વાહ..
આવજે ભાઈ રણ… કેટલું તાદાત્મ્ય હોય ત્યારે આવો ઉદ્દગાર નીકળે!બધું જ સજીવન કરી આપ્યું આપે. ખૂબ ભાવસભર આલેખન… બહુ મજા આવી.
બહુ મજા આવે છે
કચ્છનું સફેદ રણ જોયું છે. રણોત્સવ વખતે ટેન્ટમાં રહેલા.રણનું સૌંદર્ય તમારા લેખમાં તાદ્દશ થાય છે.
ધન્યવાદ હિતેશભાઇ
ના…સાવ ખાલી ખમ
એવો સારો કેમેરા ન હતો .માત્ર મોબાઈલ હતો. એટલે બાઇનોક્યુલરના કાચ પર મોબાઈલ કેમેરાનો ગ્લાસ રાખી ફોટો પાડેલ. તમને મોકલું છું.
ધન્યવાદ
ખૂબ સરસ દોસ્ત…..
હા..થોડા વધારે નિબંધ થાય એટલે કરીએ કાકા
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ
કચ્છ પ્રદેશ જ એવો છે સાહેબ
ધન્યવાદ
આપ સૌ સાથે ગાળેલો સોનેરી સમય
ધન્યવાદ
ખૂબ સરસ રચના છે.
હા..લાગણીથી લથબથ કરી દે એવો પ્રદેશ છે.
ખૂબ સુંદર પ્રદેશ છે
ધન્યવાદ દોસ્ત
ધન્યવાદ
વાહ ભાઈ મસ્ત.
ભાવેશ નન્દવાના
વાહ !!
વાહ 👌
વાહ.રણ એટલે રોમાંચ.
કદાચ રણ વિશે આપના લેખ વાંચીને જ હું આપને ઓળખતો થયો છું. હું પણ આ જ રણના બીજા કાંઠાનો માણસ એટલે રણ આ પોતીકું લાગે. આ સંવેદનો સ્પર્શે.
ખૂબ અદ્ભુત..
ધન્યવાદ
આપને મજા આવી એ મારે મન આનંદનો અવસર…
Wah…..maja padi
Thanks