બાલાશંકરથી પ્રવાહિત થયેલું ગઝલનું ઝરણું મરીઝ
સુધી આવતાંમાં તો નદીનું સ્વરૂપ ધારણ કરી લે છે. અરબી – ફારસીમાં જેનું લાલન –
પાલન થયેલું એવી ગઝલને મરીઝ અને સમકાલીન ગઝલકારોએ ગુજરાતી પારણાંમાં ઝૂલાવીને સાવ
પોતિકી બનાવી દીધી. સાકી, સુરા, સનમ જેવાં અરબી – ફારસી પ્રતીકોને ગુર્જરીમાં
ઓગાળી દઇને એની ચાલ જ બદલી નાખી. એ
પ્રતીકોની લઢણ, ભાવાભિવ્યક્તિ અને ચિંતનધારાને પોતામાં સમાવીને એનું પૃથક્કપણું જ
સમાપ્ત કરી દીધું. પારસીઓના દૂધ ભરેલા
કટોરામાં સાકર ઉમેરતાં જે મીઠાશ પ્રસરી હતી તે ગઝલમાં પણ આવી !
એ સંદર્ભમાં અહીં પ્રસ્તુત ગઝલમાં મરીઝ દ્વારા ‘સાકી’ રદ્દીફના અનુસંધાને કેવા
કેવા અવનવીન ભાવાર્થો પ્રગટ થયા છે તે બાબત પણ આશ્ચર્યનો વિષય બની રહે છે. ‘સાકી’ શબ્દનો કોશગત અર્થ તો ‘મદ્યપાન કરાવનાર કે માશુક’ એવો થાય છે. પરંતુ પ્રસ્તુત ગઝલમાં એ માત્ર
અભિધાપૂર્ણ અર્થ ન બની રહેતાં વ્યંજનાના સ્તરે પહોંચે છે અને પરમાત્માના અર્થને
ઝીલતો જોવા મળે છે. ‘માશુક’ શબ્દનો અર્થવિસ્તાર દૈહિક મર્યાદા ઓળંગીને પ્રેમલક્ષણા
ભક્તિના પરીઘને સ્પર્શતો અનુભવાય છે. અહીં
જે વાત ‘સાકી’ને સંબોધીને રજૂ કરવામાં
આવી છે તે આપણી ચિંતનધારાને ગતાનુગતિક જિંદગીની રમણાંથી ઉપર ઊઠીને એક ઉચ્ચસ્તરીય આદ્યાત્મિકતા સાથે પણ જોડી આપે
છે.
શરાબી પર આ
તારી મહેરબાની કમ નથી, સાકી,
કૃપા
એ છે નશાની સ્થિરતા કાયમ નથી, સાકી.
પોતાની જાતને શરાબી ઠરાવતાં કવિ કહે
છે હે પ્રભુ, તારી કૃપા એવી તો અપરંપાર છે
કે નશાની સ્થિતિ હંમેશ નથી રહેતી. જો એ દશા નિરંતર હોત તો હું સામાન્ય જીવન કેવી
રીતે જીવી શકત ? તારી જ મહેરબાનીને
કારણે મારો નશો ઉતરી જાય છે અને હું ફરીથી મારી સામાન્ય દશાને પામું છું. કોઇપણ વિષય ગમે તેટલો ઉત્તમ કાં ન હોય, પણ એમાં
ડૂબી જવામાં મજા નથી. મજા તો થોડીવાર તરીને કિનારા પર આવી જવામાં છે. સ્મૃતિઓ મનમાં
ઊઠ્યા કરે અને સાથે સાથે ભૂંસાયા કરે એમાં જ જીવનની રસાનુભૂતિ રહેલી છે. એ જ વાત
અહીં શરાબીના પ્રતીકથી સચોટ રીતે મૂકી આપી છે. અહીં શરાબી એટલે માત્ર સુરામાં
રમમાણ વ્યક્તિ નહીં પરંતુ જીવનરસથી ભરપૂર મનુષ્યનું પ્રતીક પણ બની રહે છે.
જીવનને રસપૂર્ણ રાખનારી સૌ વસ્તુઓ એક
પ્રકારની સુરા જ છે. તે જીવનને ધબકતું રાખે છે. આ ઉપરાંત બીજું કોઇ તત્વ હોય તો તે
આત્મતત્વ છે. આ તત્વની વ્યાખ્યા કરવા જતાં લપસી પડાય એવી સ્થિતિ છે. શાસ્ત્રો એનાં
ગુણ અને અવગુણ વિશે ઇશારા તો કરે છે, પણ તે ઇશારા મોઘમ છે. એક વત્તા એક બરાબર બે
જેવી વાત નથી. અહીં તો એક વત્તા એક બરાબર અનેક એવો જવાબ મળે છે. એ તત્વને સુરાના
પ્રતીકથી કવિ આ રીતે નિરૂપે છે:
હજારો સાલથી છે એના ગુણ –
અવગુણની ચર્ચાઓ,
સુરા કરતાં વધુ કાંઇ અહીં મોઘમ નથી, સાકી.
વળી
જેમાં આ સુરા ભરીને આપી છે તે દેહરૂપી જિંદગી કેવી છે ? એનાં ઉત્તર આપતાં કહે છે કે જાણે કોઇ દમ વગરની
સુરા જેવી છે આ જિંદગી. એને પીવાથી નથી તો કોઇ નશો ચડતો કે નથી તો કોઇ જુસ્સો ચડતો ! અને જેને પીવાથી જોમ ન આવે
તે તો એકાદ બે ઘૂંટમાં જ ગટગટાવીને પૂરી કરી શકાયને ! જિંદગી પણ કંઇક આવી જ છે.
એમાં કસ નથી. જે કાંઇ દોડાદોડી કરીને પ્રાપ્ત કર્યું છે તે સમય આવ્યે ભોગવી પણ
શકાતું નથી, ને ઉતાવળ કરવા જતાં સઘળું બેસ્વાદ બની જાય છે. અર્થાત્ જ્યારે
ભોગવવાનો સમય આવે ત્યારે જીવન જાણે જીવન જ રહેતું નથી ! છેવટે આટલું જ કહેવાનું રહે
–
જિવાતી જાય છે આ જિંદગી કેવી ઉતાવળથી,
પિવાતી જાય છે જલદી, સુરામાં દમ નથી, સાકી.
જીવન એવી સ્થિતિ પર આવીને ઊભું રહી જાય
છે કે કોઇ ગમે તેટલી કડક સુરા પીવડાવેને તોય એ દમ વગરની જ લાગે !
હા, બસ એમ જ આપણી આ જિંદગીને
કોઇને કોઇ પીતું રહે છે. ભાઇ-ભાડું, સગાંવહાલાં, મિત્રો અને પોતાના જ બીજાં અંગ
સમી પ્રિયા પણ ઘૂંટ ઘૂંટ પીતી રહે છે. જાણે જિંદગી પોતે જ શરાબમાં રૂપાંતરિત થઇ ગઇ
છે કે શું એવી દહેશત લાગવા માંડે છે. એવું બને ત્યારે સમાજ અને સુરાલય વચ્ચે ભેદ
રહેતો નથી. પછી થાય કે નશો ન ઉતરો તો સારું ! જેવો
નશો ઉતર્યો કે જીવન ખલ્લાસ ! એટલે તો કહે છે કે સુરાલય અમારા માટે સ્વર્ગ સમાન છે.
એમાંથી બહાર નીકળીને જવું તો ક્યાં જવું ? અને જે રીતે જીવનનો આ પ્રવાહ વહી રહ્યો છે તે
જોતાં તો જ્યાં પડ્યા છીએ ત્યાં જ બરાબર છીએ! વધુમાં
ઉમેરે છે કે અમે કંઇ હજરતે આદમ નથી કે જન્મથી જ પાક બની રહીએ હંમેશા !
સુરાલય સ્વર્ગ જેવું છે, અહીંથી કોણ નીકળે છે?
અમારામાં કોઇ પણ હજરતે, આદમ નથી, સાકી.
વળી આ જિંદગીની ચક્કીમાં પિસાતા પિસાતા એવી
સ્થિતિએ પહોંચી ચૂક્યા છીએ કે ગમે તેવો નશો કરવામાં આવે, પરંતુ એ નશામાં પણ એની
યાદ નથી આવતી. જે જીવનરસ પિરસે છે તે માશુકની યાદ એવી તો દુર્લભ થઇ ગઇ છે કે જાણે
ડાબા પડખે હ્રદય જ ના રહ્યું હોય એવી અનુભૂતિ થયા કરે છે. જ્યારે સ્મૃતિ નામનો
ટુકડો જ ના રહે તો ગમની તો વાત ક્યાં રહી? જાણે આપોઆપ સ્વયંમેવ સ્થિતપ્રજ્ઞતા પ્રાપ્ત થઇ
ગઇ છે ! સાકીને- પરમાત્માને ફરિયાદ કરતાં કહેવાનું મન
થાય કે કમ સે કમ યાદ તો રહેવા દે કે જેના સહારે જીવનની વિકટતામાં કંઇક અંશે પણ
રાહત મળે ! એના બદલે કેવી કરી
તેં અમારી દશા ?
નશામાં પણ ન એની યાદ આવી, એ પુરાવો છે,
હવે એ દિલ નથી સાકી, હવે એ ગમ નથી, સાકી.
અને આ બાબતે જો વધારે પડતી ફરિયાદ કરવામાં આવે તો બે ચાર
ઘૂંટ વધારે પિવડાવીને સઘળું ભૂલાવી દેવાની વેતરણ કરવામાં આવે. નશામાં ને નશામાં
ચૂપ કરી દેવામાં આવે. અને નશો જ્યારે આસમાને હોય ત્યારે પોતા સિવાય કોણ મિત્ર પણ
હોય ! આવી મિત્રો વિહોણી
સ્થિતિમાં સુખ દુઃખની વાત ક્યાં જઇને કરવી?
પરંતુ અહીં તો નાયક જ સામેથી સાકીને રજુઆત કરે છે કે ભૈ બે ચાર જામ વધુ પિવાડી
હવે ચૂપ કરી દે મને. આમ પણ ક્યાં કોઇ સાથી-સંગાથી રહ્યું છે કે ઓછું લાગે !
વધુ બે-ચાર દઇને જામ એને ચૂપ કરી દેને!
‘મરીઝ’ એવું કહે છે કે કોઇ હમદમ
નથી, સાકી.
આ રીતે સુરા અને સાકીના પ્રતીક
દ્વારા જિંદગીનાં વિવિધ પાસાંઓને આપણી સમક્ષ કવિએ ખોલી આપ્યાં છે. ‘સાકી’ રદ્દીફ દ્વારા ગઝલનાં
પ્રત્યેક શેરને એક દોરમાં પરાવીને સુંદર મોતિયન માળા ગૂંથવાનું કામ અહીં સુપેરે
પાર પાડ્યું છે. અરબી – ફારસી શબ્દોની ગૂંથણી પણ એવી નજાકત ભરી કરી છે કે એ શબ્દો
અહીં આગંતુક નથી લાગતા. એ જાણે ગુર્જરીમાળામાં દૂધમાં સાકર ભળે તેમ ભળી જાય છે ! પ્રથમ પયગંબરનો સંદર્ભ ‘હજરતે, આદમ’ કેટલી સરળતા અને સહજતાથી કવિ આ ગઝલમાં લણી લે છે
! આમ જિવાતી જિંદગીના અનુભવ સાથે અધ્યાત્મ
ચિંતનનાં સ્ફુલિંગ પણ મરીઝની આ ગઝલને રસપૂર્ણ બનાવી રહે છે.
( મરીઝોત્સવ – સંપાદકો: મોહસીન અબ્બાસ વાસી, રઈશ મનીઆર, અનિલ ચાવડા, પ્રકાશક: આર. આર. શેઠ, પ્રથમ આવૃત્તિ: ફેબ્રુઆરી 2021, મૂલ્ય: 300/- )
*****
– જયંત ડાંગોદરા
ખૂબ જ સરસ, અભિનંદન
👍 વાહ..!સરસ..🌹
Very nice
Saras👌👌
Nice
વાહ…..
મરીઝની ગઝલને ઉચિત માન આપતો આસ્વાદલેખ
ખૂબ સુંદર ..જયંતભાઈ
Wah jayantbhai khub sundar
Wah wah
Wah
રમ્ય રસાસ્વાદ કવિ. હવે તમારો બ્લોગ જામતો જાય છે. રોજ કંઇક નવું નવું લાવતા રહો અને અમને આનંદ કરાવતા રહો.
ધન્યવાદ
ધન્યવાદ
Thanks
Thanks
ધન્યવાદ.. પ્રણામ સર
ધન્યવાદ કવિ
ધન્યવાદ સર
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ… આપનો સ્નેહ એ જ આનંદ
ખૂબ સરસ આસ્વાદ થયો છે. રાજીપો મિત્ર.
આપને ગમ્યો એ મારે મન આનંદ આનંલ