સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા ( સ્પીપા ), અમદાવાદ ખાતે મારી શિક્ષણ સેવા વર્ગ – 2ની પૂર્વ સેવા તાલીમની પૂર્ણાહૂતિ થયાને હજી એકાદ અઠવાડિયું પણ નહોતું થયું. હજી તો માંડ મારી શાળાકીય રોજિંદી પ્રવૃતિઓમાં જાતને ગોઠવી રહ્યો હતો. ત્યાં એક દિવસ જિલ્લા શિક્ષણાધિકારી, ભુજની કચેરીએથી હર્ષદભાઇ ગરવાનો મીઠો ટહુકો સંભળાયોઃ ‘કેમ છો, સાહેબ? મજામાં?, કેવી તાલીમ રહી?’ વાત વાતમાં મેં તાલીમની અનુભવકથાનાં આકર્ષક દૃશ્યો ચિતરી બતાવ્યાં. મારી વાતનાં રસિક વર્ણન પરથી હોય કે કોઇ અન્ય પૂર્વધારણાથી હોય; હર્ષદભાઇએ મને વચ્ચે જ પૂછી લીધું કે ‘ફરીથી એક તાલીમમાં જવાની ઇચ્છા ખરી સાહેબ?’ અને મેં પણ – ‘મને ગમતો વિષય હોય તો જવામાં વાંધો નથી’ – જેવું નાવાંધા પ્રમાણપત્ર મૌખિક રીતે જ આપી દીધું. એ પછી એક સાંજે મેઇલબોક્ષમાં ઇડર જવા માટેનો ઇમેઇલ આવી પ્હોંચ્યો હતો વાજતે ગાજતે !
શારદીય આસો માસની સુદ ચૌદસથી વદ અષ્ટમી સુધીના દિવસો મારે ઇડરની ગોદમાં વિતાવવાના હતા. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે NEUPA – દિલ્હી અને સ્કૂલ લીડરશીપ એકેડેમી – વડોદરાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન દ્વારા રાજ્યકક્ષાનો એક શાળા નેતૃત્વવિકાસ કાર્યક્રમ ગોઠવાયો હતો. શરદના ખુશનુમા વાતાવરણમાં આવી પડેલી આ તકનો મેં સહઅભ્યાસિક પ્રવૃતિના ધોરણે લાભ લેવાનો નિર્ણય કરી લીધો હતો.
વર્ષો પહેલાના શાળાકીય પ્રવાસમાં જોયેલા ઇડરિયા ગઢનું ઝાંખું પાંખું સ્મરણ ગજવે ઘાલીને નીકળી પડ્યો ઇડર તરફ. અમદાવાદથી ઇડર તરફનો ધોરીમાર્ગ હરિયાળીથી લબાલબ હતો. ક્યાંક ડાંગરથી લ્હેરાતાં ખેતરોનો વૈભવી ઠાઠ તો ક્યાંક પાક લેવાઈ ગયા પછીનો ખાલીપો આંખે અડપલાં કરતો રહેતો હતો. આ બધું નિરખવાની રમણાંમાં; સામે રોંગ સાઇડથી એનફિલ્ડ લઇને માર માર આવતા જુવાનિયાની હડફેટે ચડતાં માંડ માંડ બચ્યો. આખા અંગમાં ફરી વળેલી ધ્રજારી ક્ષણમાં તો અડખે પડખેનાં ખેતરોમાં લ્હેરાઇ ગઇ ! હિંમતનગર બાયપાસ કરીને બાઇકને ભગાવું છું તો મગફળીનાં ખેતરોએ આંખો સામે આડફળું બાંધ્યું ! જાણે મારા સોરઠમાં ના આવી ગયો હોઉં ! પણ ડગલે પગલે આવતાં કંપાનાં પાટિયાં મને ફરી વાસ્તવ પર લાવી મૂકે. કચ્છી પાટીદારોએ પરિશ્રમનો મહિમા કરીને સ્વાયત્ત ગામની પરિકલ્પના સાકાર કરી બતાવી છે આ કંપા નિર્માણ દ્વારા. કંપો એટલે પોતાની માલિકીની જમીન પર ખેડૂતોએ બનાવેલ સાત – આઠ ઘરની કોઇ ગામસદૃશ વસાહત.
માર્ગ પર આ બધું નિરખતાં નિરખતાં ઇડરમાં પ્રવેશ કરું તે પહેલાં તો વિશાળ ભવ્ય શિલાઓ કતારબંધ ઊભી રહી ગઇ છે ઉભયબાજુ. ઇડરની પાષાણસુંદરીઓ જાણે સ્વાગત કરી રહી છે ગર્વોન્નત મસ્તકે ! ને સહેજ જ્યાં આગળ સરું છું તો ભવ્યાતિભવ્ય પાષાણોનું એક આખું નગર ઝૂલવા માંડે છે મારી પાપણો પર.
શરદના કરકરા તડકામાં ન્હાતો ન્હાતો આવી પહોંચું છું ઇડરનાં આંગણે. મહાકાલ મંદિરની ઓથે ઊભેલા ડુંગરની ગોદમાં નવા રૂપ રંગ સજીને ઊભેલું શિક્ષણધામ આવકારી રહ્યું છે મને. આ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં હવે બસ દસે દિવસ અઠ્ઠે દ્વારિકા કરીને બેસી જવાનું છે ! ઇડરની સાંસ્કૃતિક – પ્રાકૃતિક ઝાંખી કરાવતી તસવીરોથી ખચિત એની દિવાલો પ્હેલી જ નજરે મન મોહી લે છે. શિક્ષણના હાર્દને ઉજારગ કરતી સૂત્રવલિ એને વધુ ઉજ્જવલ બનાવી દે છે. એ ખેંચ્યા કરે છે મન-હૃદયને. વિલંબિત કરે છે આપણી ગતિને. એમાં ભળે છે વળી અહીં અભ્યાસ કરતી કન્યાઓનો મંજુલ ધ્વનિ ! એક સુંદર મજાની રંગોળી સર્જી છે સૌએ સાથે મળીને. આવા સુંદર મજાના પરિસરમાં રહેવાનું સદ્ભાગ્ય મળે તો કોને ના ગમે? વળી ચા-પાણી, નાસ્તો, ભોજન અને નિવાસની વ્યવસ્થા ભાર્ગવભાઇએ એટલી તો બખૂબી નિભાવી છે કે ઘરની યાદ જ ના આવે દસ દિવસ !
આવ્યો છું શાળા નેતૃત્વ વિકાસના પાઠ ભણવા પણ હૃદય સતત ઇડરની પાષાણસૃષ્ટિમાં ભમ્યા કરે છે. મનમાં થયા કરે કે ક્યારે સાંજના ચાર વાગેને ક્યારે નીકળી પડું મારા વ્હાલીડાઓને ભેટવા ! ને તાલીમ વર્ગ છૂટતાં જ નીકળી પડ્યા ઇડરિયો ગઢ જીતવા. અલબત્ એનું ખરું નામ તો ઇલ્વ દુર્ગ છે. કેવું મજાનું નામ ! બોલતાં જ હોઠમાં મીઠાસ વહેવા લાગે ! પુરાણોમાં તો એને ઇલ્વભૂમિ પણ કહી છે. એક ઉલ્લેખ પ્રમાણે ઇલ્વન અને વાતાયી નામના બે અસૂરોએ ખૂબ જ ત્રાસ ફેલાવેલો ને અગસ્ત્ય મુનિએ એ બંનેને શાપ આપીને મુક્ત કરાવેલી ભૂમિ એટલે ઇડર !
વાંકા – ચૂંકા, આડા – અવળા વળાંક લેતી બે રીક્ષાઓ અમારી ટોળીને ઉતારી ગઇ આ ભૂમિની તળેટીમાં. કમાનાકાર પ્રવેશદ્વારમાંથી પસાર થઇ આગળ વધતાં ચઢાણ માટેનો સોપાનમાર્ગ શરૂ થઇ જાય છે. નાની નાની શિલાઓ અને ગરબડિયા પાષાણોને સુંઘતાં સુંઘતાં થોડાંક પગથિયાં ચડી જઇએ; ને હાંફ ચડે, ન ચડે ત્યાં તો આપણી સમક્ષ થઇ જાય છે દોલત ભવન. ખંડેર અને કાળીમસ દીવાલો. અવાવરું ઓરડાઓ ને કાનકડિયાંઓનાં સામ્રાજ્ય વચ્ચે ગંધાય ઊઠેલું અંધારું ! કોલસા અને ખડીથી ચિતરેલી ચીતરી ચડે એવી નામાવલીઓ. ઉફ !
પણ બહારથી સહેજસાજ ડોકિયું કરતાં અજવાળાના માર્ગે આગળ વધીએ ને આ લાવા દુર્ગના બીજા છેડે પહોંચીએ કે અરવલ્લીએ પોતાના ખજાનામાં સાચવી રાખેલી અડિખમ પાષાણોની એક ભવ્યસૃષ્ટિ આપણી સમક્ષ ખડી થઇ જાય. થોડીવાર તો આંખો પલક મારવાનું ભૂલીને રહી જાય ફાટીને ફાટી જ ! ને એ જ પળે હોઠ પર ફરકવા માંડે ઉમાશંકરની પેલી કવિતા –
મુઠ્ઠી ભરીને નાખેલ
બેફામ આમતેમ
કોઇ ક્રુદ્ધ દેવે
કાળની કચ્ચરો –
અમે ઇડરિયા પથ્થરો.
અનિયમિત આકારોની એક નિયમિત સૃષ્ટિ સંયોજાતી રહે છે પળેપળ પરસ્પર ને સર્જાયા કરે છે અવનવા કોલાજ. એકબીજાને ટેકે ઊભેલા આ પથ્થરો કોઇ વિરાટ ચિત્ર દોરવા માટે ઇશ્વરે જાણે હાથમાં પકડેલા ક્રેયોન્સ ન હોય ! વળી આ સૃષ્ટિ-સૃષ્ટિની રમત રમતાં વેરાઇ પડેલી લખોટીઓનો તો કોઇ પાર જ નથી! કોઇ લખોટી નવી નક્કોર હોય એવી લાગે છે તો કોઇ કાળનાં ફીટાં ખાઇ ખાઇને ગોબાઇ ગયેલી. મનમાં એવું પણ થયા કરે છે કે કોઇ વિશાળ શિલ્પશાળાની ભીતરમાં પ્રવેશી ગયા છીએ જાણે! ઠેક ઠેકાણે ટાકણાં મારતી કુદરત નવાં નવાં શિલ્પો કોર્યે જ જાય છે. આંખના પડળ ખોલી શકો તો એ જ પાષાણોમાં હાથી, ઘોડા, ઊંટ, માછલીઓ અને વિવિધ આકારનાં ફૂલોની પણ ઝલક મળી જાય ! તો ક્યાંક કૃદ્ધ ખોપડીઓ પણ અથડાતી કુટાતી અહીં તહીં ભટકતી પડી હોય એવું ભાસે ! ખ્યાત છબીકાર અશ્વિન મહેતા માટે ઉમાશંકરે રચેલી એક કવિતાની અંતિમ પંકતિઓ કંઇક આવી છે –
અંધ કેમેરા – ચક્ષુ
જોઇ લે કંઇ કંઇ અનોખા આકાર સહુમાં,
આ પાષાણી સૃષ્ટિને નિરખતાં નિરખતાં આંખ ધરાતી જ નથી. પણ પગ હવે થાકી ગયા છે. હાંફ કહે કે મારું કામ ને મોઢું કહે કે પાણી લાવ ! ત્યાં તો સાત આઠ પગથિયાં ચડતાં અચાનક જ મહાકાળી માતાનું એક નાનકડું દેરું પ્રગટ થાય છે. નાનકડી એક ગુફામાં માતાજીની છબી સ્થાપિત કરેલી છે. આસપાસ કંકુ, ચોખા, અગરબત્તી, ધૂપ, દીપ વગેરે પૂજા સામગ્રી પડી છે. ત્યાં કીર્તનરત એક દંપતી ભક્તિભાવે અમારી તરસને સંતૃપ્ત કરે છે. એમનું આ સુખ ભીતરની દોડધામને સધિયારો આપે છે. મેં છબીને પ્રણામ કરી ભેટ ધરી તો એમણે મારા કપાળે તાણી દીધું એક લાંબુ કુમકુમ તિલક. માત્ર આટલી ચેષ્ટાથી જ મારી પ્રતિકૃતિ માતાજીના ભુવા સમાન થઇ ગઇ! મિત્રો ગમ્મત કરતાં કરતાં આશીર્વાદ માગે છે. હું સૌને જળપ્રસાદ વહેંચી; આશીર્વાદ તો શું પણ તથાસ્તુ અચૂક કહી સંભળાવું છું.
અહીં પોરો ખાવા રોકાયેલા, પણ હાલો હાલોની રટ લઇ બેઠેલા મિત્રો એમ કંઇ પોરો ખાવા દે? શ્વાસ હેઠો બેસે ન બેસે ત્યાં તો ફરી સફર શરૂ. આવી પહોંચ્યા નવગજા પીરની દરગાહે. માથું ટેકવી પ્રણામ કર્યાં ને મેદાનમાં ખાલી પડેલા હીંચકાઓ પર માર્યા દે ધનાધન સેલ્લારાઓ. એક સજ્જન પણ બાજુમાં ઝૂલતા હતા. પણ એ તો એવી શાંતિથી ઝૂલતા હતા કે જાણે ઝૂલો જ એમને ના ઝૂલાવતો હોય! પહેલાં તો એવું લાગ્યું કે હશે કોઇ દરગાહના સેવક. પણ પરિચય થતાં ખબર પડી કે તેઓ તો સુરતથી આવેલા હીરાના વેપારી છે. આગળ ઉપર આવેલી ભૂરાબાવાની ગૂફામાં થોડા દિવસથી ધ્યાનસાધના માટે પધાર્યા છે. સાંજના થોડા સમય માટે અહીં આવીને આ દરગાહની ચેતનાને પણ ભીતર ભરી લેવાનો પ્રયાસ કરે છે. દિવસ આથમવું આથમવું થાય કે પહોંચી જાય ફરી પાછા પોતાની સાધના સ્થળીએ. અમારી રખ્ખડપટ્ટીનો ઇરાદો તો અહીં આ દરગાહ સુધીનો જ હતો. ને અહીંથી જ પેલી રુઠી રાણીનું માળિયું આંખો થકી સ્પર્શી લેવાનું હતું. પણ એમણે આગ્રહ કર્યો કે આપ સૌ ભૂરાબાવાની ગૂફા સુધી તો આવો ને આવો જ. આગ્રહ જરા વધારે પડતો હતો. કેટલાક મિત્રો પાછા ફરવાની વેતરણમાં હતા પણ એમનો પ્રેમ અને સાથે એમણે આપેલી કડક મીઠી ચાની લાલચે સૌનું મન કોળ્યું. અમે સાધકભાઇની પાછળ પાછળ દોરાયા. ચાલતાં ચાલતાં કેડીની બાજુમાં એક કુંડ બતાવીને માહિતી આપી કે આમાં થતી વનસ્પતિ અને તેમાં રહેલું પાણી ચામડીના અમુક રોગોમાં અકસીર જણાયું છે. એ કુંડને વેણીવચ્છરાજ કુંડ કહે છે. કુંડ વિશેની દંતકથા પણ સંભળાવી:
હજારો વર્ષ પહેલાં અહીં વેણીવત્સરાજ નામનો રાજા રાજ્ય કરતો હતો. એમની માતા ટીહરી – ગઢવાલ પ્રદેશના શ્રીનગરના રાજાની રાણી હતી. એ રાણી જ્યારે ગર્ભવતી હતી ત્યારે એક યક્ષીરાજ તેને અહીં લઇ આવેલો. એ કારણે વેણીવત્સરાજનો જન્મ ઇડરના આ ડુંગરાઓની આ ગોદમાં થયો હતો. મોટો થઇને એ નાગ કન્યા જોડે પરણ્યો. પણ નાગ કન્યાને આ પ્રદેશ ના ગમતાં અહીંથી જતા રહેવાની જીદ પકડી. તેની જીદ આગળ વેણીવત્સરાજનું તસુભાર પણ ચાલ્યું નહીં. છેવટે એક દિવસ બંને તારંગા નજીક તોરણમાતાની ગુફામાં પ્રવેશીને પાતાળમાં અદૃશ્ય થઇ ગયાં.
કથા જેટલી મનભાવન છે, તેટલો જ મનલુભાવન આ કુંડ પણ છે. એમાંનું જળ ચોતરફથી પર્ણાચ્છાદિત છે. ઉપર ઉપરથી તો કોબીજના ગોટા ભરેલી ચોરસ ટોપલી જ લાગે ! આવા સુંદર કુંડની બાજુમાં એક તળાવ પણ છે. લખુમા નામક આ તળાવમાં પાણી તો નામમાત્રનું જ છે; પણ પાષાણોની વચ્ચે પાણી છલકતું જોઇને આંખ ઠરે છે.
માર્ગમાં વ્રજેશ્વરીમાતા, હિંગળાજમાતા, જ્વાળામાતાના મંદિરો આવે છે. મહાદેવ અને હનુમાનજી ના હોય એ તો કેમ બને? સૌને રસ્તા પરથી જ નમન કરી લઇએ છીએ. મહાદેવ વતી એક દાદીમા વળી અમારાં નમન સ્વીકારે છે પણ ખરાં! એમની આંખોમાં આતિથ્યનો ભાવ ઝગમગતો જોઇ શકાય છે, પણ હજી તો પેલા સાધકભાઇની ચા પીને વેળાસર પરત પણ ફરવાનું છે.
પથ્થરો પર પથ્થરો આવ્યે જાય છે. કોઇ રૂખડિયા બાવા જેવી ચટ્ટાનો ઘસઘસાટ ઊંઘતી હોય એમ આડી પડી છે ચોપાસ. એમની વચ્ચેથી પસાર થતાં ક્યાંક ક્યાંક ગુફાસ્થિત ધ્યાનમંદિરો પણ પોતાની હાજરી પૂરાવી લે છે. કંઇ કેટલાયે સાધકો આવી ગુફાઓમાં ભરાઈને જીવનનાં અંતિમ સત્યની ખોજ કરતા હશે. અમારા આ યજમાન પણ આવી જ એક જમાતના સભ્ય છે.
દૂરથી જે શિલાઓ નાની નાની જણાતી હતી તે હવે નજીક આવતી જાય છે તેમ તેમ મહાચટ્ટાનોમાં રૂપાંતરિત થતી જાય છે. કેટલીક તો ઉપર નજર કરીને જોવા જતાં ગડથોલિયું ખાઇ જવાઇ એટલી ઊંચી કરાડનું સ્વરૂપ ધારણ કરીને બેઠી છે. ને એ સમયે જરાક બસ નીચી નજર કરું છું તો બે પતંગિયાં સહજતાથી પોતાની જીવનલીલાને માણી રહ્યાં છે. ક્યાં આ શિલાઓ ને ક્યાં આ પતંગિયાં ! પતંગિયાંની પાંખ પર ધીમે ધીમે ઉતરતા વિરાટની શું અદ્ભુત લીલા રચાઇ હતી ! ઘાસની કુંપળો વચ્ચે ઉડાઉડ કરીને આખાયે ચિત્રને બેનમૂન બનાવી દીધું પળભરમાં તો! આ પતંગિયાં, પર્ણો ને પહાડની લીલા વચ્ચે અશ્વરૂપ ધરીને ઊભી છે બે મહા મલ જેવી શિલાઓ !
આ બે શિલાઓ વચ્ચેથી નીકળે છે ભુરાબાવાની ગુફાનો માર્ગ. પહેલી નજરે તો ત્યાં આવી કોઇ વિશાળ ગુફા હશે એવી કલ્પના પણ ના આવે ! પણ ભીસોંભીસ ઊભેલી એ ચટ્ટાનોના અતિ સાંકડા માર્ગથી ભીતર પ્રવેશો કે ઊઘડી આવે છે પેલી મહાગુફાનાં દ્વાર અને સાથોસાથ આ કાવ્યપંક્તિઓ પણ –
ભેંકાર તોતિંગ નગ્નતા
બખોલ ભરેલું મૌન
ભેખડે ઝઝૂમતી એકલતા
પીઠ પર વાયુ વરસાદના વાઘજરખ નખ – ઉઝરડા. ( ઉ. જો )
ભુરાબાવાની ગુફા તરીકે ઓળખાતી આ જગ્યા પર અત્યારે તો એ બાવાજી બિરામાન નથી, પણ અગમ – નિગમના સાધકો આજે પણ ધૂણી ધખાવીને બેઠા હોય છે. બે પથ્થર વચ્ચે નાનકડી ડોકાબારી અને જાળી જેવો દરવાજો મૂકીને મઢીનો ઓપ આપવામાં આવ્યો છે. એક ખૂણામાં બાવાજીની નાનકડી છબી ને સામે છે દિનરાત ધખતો ધૂણો. ધૂપ ધુમાડાની વચ્ચે સર્જાતાં રહે છે સતત રહસ્યનાં અવનવાં કુંડાળાં. આ કુંડાળાંમાંથી સરકીને બારીની બહાર આવેલી એક મોટી શિલા પર ગરકું છું તો અહો આશ્ચર્યમ્ ! આખું ઇડર ચશમાના કાચ પર! જાણે અરવલ્લીની ગોદમાં કલ્લોલ કરતું શિશુ ! વૈમાનિક દર્શનની કેવી અદ્ભુત અનુભૂતિ ! ત્યાં પડેલાં ઓશિકા પર માથું ટેકવીને ભીતરના જગતની યાત્રા કરવાં કરતાં મને બહારના આ ઇડરની વૈમાનિક યાત્રામાં વધારે મજા આવી.
આતિથ્ય માણીને ગુફાની બહાર આવ્યા તો ફરી એક વિશાળતા આંખે ફરકી ગઇ. મો…..ટીમસ દીવાલ ! ચીની દીવાલની નાનકડી પ્રતિકૃતિ સમાન એ દીવાલ પરથી રણમલ ચોકી સુધી પહોંચી શકાય છે. કેટલાક મિત્રો મેદાન છોડીને ભાગી છૂટ્યા છે. પણ નિવૃતિની આરે પહોંચેલા રામાભાઇ, સાહસમાં સૌથી મોર્ય રહેનારા રાજેશભાઇ અને નેહલભાઇએ હજી હામ હારી નથી. અહીં સુધી આવીએ ને રણમલ ચોકીના દર્શન ના કરીએ તો તો અમારી રસવૃત્તિને લાજી મરવાનો જ વારો આવેને ! ઉપડ્યા દીવાલને માર્ગે. ત્યાં પહોંચીને જોયું તો સુરેખ શિલ્પોની સુંદર માળા ધારણ કરીને બેઠી છે રણમલની પ્રિય ચોકી ! ઉપરના ભાગે ખંડિત છે પણ દીવાલનાં શિલ્પો તો આપણી સાથે વાતે વળગ્યાં હોય એટલાં જીવંત છે. ઇડર પર ચોતરફથી નજર રાખી શકાય તે માટે રણમલ રાવે આ ચોકીનું નિર્માણ કરાવ્યું હતું. પણ કેટલાકનું કહેવું છે કે રાવજી રાવના સરદાર રણમલની કદરદાની રૂપે આવું નામ અપાયું છે. એ જે હોય તે, પણ એની કથા ખૂબ રસિક છે.
આ રણમલ રાવજી રાવનો માનિતો સરદાર હતો. એના લગ્ન થયાં. લગ્ન થયાંના બીજા જ દિવસે એ રાવની ચાકરીમાં હાજર થઇ ગયો હતો. રાવ પણ સરદારની તાવણી કરવા માટે થઇને કહેતો નથી કે જા ભાઇ પાછો જા ને થોડાક દી પરણ્યાનો રંગ માણી લે ! રણમલ પણ એ ભૂલી જાય છે. પણ રણમલની પરણેતર એકાદ વરસનું વાણું વાતાં રાવની રાણીઓને ઉદ્દેશીને એક કાગળ લખે છે. ઇડરથી બસ્સો ગાઉં દૂર ખારી ખાવડીમાં વલવલતી એ નવોઢાએ બસ એટલું જ લખ્યું કે –
થાં દશ રણમલ ઓળગુલમાં દશ મોકલિયો
મતલબ કે મારો આ ઠપકો સાંભળીને રણમલને મારી તરફ મોકલજો. રાણીઓ સમજી ગઇ. રાવને વિનંતી કરી. પણ રાવે એક દિવસમાં જઇને તરત પાછા ફરવાની શરતે છૂટ આપી. પછી તો એવું થયું કે રણમલ રોજ રાત્રે રાવનો નવલખો ઘોડો લઇને છાનોછૂપો નીકળી પડે ને સવાર પડતાં રાવની ચાકરીમાં હાજર ! એક દિવસ ઘોડા પર ધૂળના ડાઘ જોઇ રાવને શંકા પડી. રાવે ઠાણિયા પાસેથી હકીકત જાણી. બસ તે દિવસથી રાવે રણમલને તેની પરણેતરને મળવા જવાની છૂટ તો આપી જ, પણ તેની ચાકરીની કદર રૂપે પેલી ચોકીને રણમલનું નામ આપીને અમર કરી દીધી !
રણમલની આ કથા સાથે શિલ્પોનું સૌંદર્ય માણતા માણતા પાછા ફર્યા ત્ચારે સંધ્યાની કેસરવર્ણી પીંછી શિલાઓ પર ફરવા માંડી હતી. હવે રૂઠી રાણીના માળિયે કેમ કરીને પહોંચવું ?
ટોક માથે અઘોર માનવની મેડી
રૂઠ્યાં મનનું માળિયું;
ક્યાંક આભઆધારે અભય ચોકી;
ગઢની કરાડે અધભૂંસી સાહસપગથી;
પથ્થરિયા છાતી પર રૂપકડાં મંદિર – છૂંદણાં…..
ભલે આજે અમે એ અભય ચોકીને સ્પર્શી શક્યા નથી, પણ જે પાષાણલીલાનો કેફ ચડ્યો છે આંખને….. તે તો કસુંબલ જ બની રહેવાનો. આંખના કેમેરાએ ઝડપેલી છબીઓ ક્યારેય કાળગ્રસ્ત થવાની નથી. ને થાય પણ ક્યાંથી ? જુઓ ફરી ફરીને એ જ લીલા:
ક્યાંક પડ્યા વેરવિખેર
ક્યાંક ગેબી ઢેર
કોઇ એકાક્ષ મહોરો
એકપંખ વિહંગ
ગેંડો પાડો ઊંટ
જાણે કાપાલિકની વિરાટ ખોપરી
કોઇ તપસીનું રુદ્રસિંહાસન
કોઇ અલૌકિક રુપસી….
( ઉ. જો. )
ધીરે ધીરે આખીયે પાષાણસૃષ્ટિ અંધકારમાં ઓગળતી ગઇ. ચંદિરાનો ઉજાસ એને ફરી રૂપવંતી કરે એ પહેલાં અમારે એનાં સંમોહનમાંથી બહાર નીકળી જવું હતું.
જૈન મંદિરોનું દર્શન બાકી જ રહ્યું. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવને પહોંચ્યા ત્યારે રાત્રી ઘેરાવા માંડી હતી. સપ્તપર્ણી સોળે કળાએ ખીલીને શરદની રાતને મદિર બનાવ્યે જતી હતી. માદક સુગંધથી લબાલબ પરિસર વચ્ચે એક ઝૂલો મારી રાહ જોતો ના હોય જાણે એમ સૂનમૂન પડ્યો હતો ! એ ઝૂલા પર હીંચતાં હીંચતાં શિવકુમારની એક તરજ સાંભળી લઉં છું. ને દસ દિવસના મારાં આ સુગંધી અંધારાના સાથી એવા રખેવાળને શુભરાત્રી કરી જોયા કરું છું આખી રાત પેલા પાષાણોની ભવ્ય સૃષ્ટિ !
– જયંત ડાંગોદરા
ખૂબ સરસ આલેખન……
નજર સમક્ષ ચિત્ર ઉભુ થાય તેવું સરસ લખાણ છે
Wah mitra wah…
રૂખડિયા બાવા જેવી ચટ્ટાનો… મેં પણ ઇડરની યાત્રા કરી લીધી… વાહ 👌👌👍👍
આહલાદક વણઁન
Khub saras
સુંદર અને સ-રસ, મનોહર શૈલી…
જીવન ની સચ્ચાઈ પ્રકૃતિ ની સાથે.
God bless you
wah bahuj saras picturization – maja maja padi gai…jayantbhai
Very interesting
Very very interesting
DB DANGODARA
વાહ મોજ પડી ગઈ
સ્વામી આનંદ અને કાકાસાહેબ કાલેલકર યાદ આવી જાય એવું રસપ્રદ લખાણ. અભિનંદન
સરસ વર્ણન છે.ઉમાશંકરની કવિતાઓને કારણે વધારે આકર્ષક બન્યું છે.
Vah sir,great
Very Nice, moje moj
ખુબજ સરસ, મોજ પડી ગઈ.
હું ઇડર નો છું પણ આપે જે યાત્રા કરાવી તમારી લેખન કલા થી એ અદભુત છે.
હું ઇડર નો છું પણ આપે જે યાત્રા કરાવી તમારી લેખન કલા થી એ અદભુત છે.
સ-રસ નિબંધ!
વાહ દાદા, આનંદ થઈ ગયો
વાહ દાદા, આનંદ થઈ ગયો
સરસ
Very good
Very good
સરસ……
Thanks dost
Thanks
Thanks bapu
Thanks
Thanks
Thanks..vandan
Thanks
Thanks Ingeetbhai
Thanks
Thanks… vandan kaka
Thanks
આપનો સ્નેહ પ્રોત્સાહન આપે છે.
ધન્યવાદ સર
This comment has been removed by the author.
Thanks
Thanks
Thanks
આપને ગમ્યો એ મારે માટે આનંદ
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ
વાહ ભાઈ વાહ…..એક સુંદર પ્રવાસની અનુભૂતિ…..
ધન્યવાદ કવિ
ખુબ જ સરસ.
આ વાર્તાએ ફરી પાછી શિબિરની અને ઇડરની યાદો તાજી કરાવી દીધી. તમારી વાર્તામાં અમારાં નામ નોંધીને અમને અમર બનાવવા માટે આભાર.
તમારા જેવા સાહિત્યરસિક મિત્રો હવે મળવા દુર્લભ છે.
આ જ રીતે અવારનવાર મળતા રહીશું.
રાજેશ સોરઠીયા
કચ્છ
ધન્યવાદ રાજેશભાઈ… મોજનો મેળો બસ