રજાના દિવસે ઘર તરફ પ્રયાણ ન થાય તો જ નવાઈ. ને એ શક્ય ન હોય તો રણ તરફ પ્રયાણ ન થાય તો નવાઈ! મને જંગલ, ઝાડી, પહાડ ખૂંદવા ખૂબ જ ગમે. પણ રણનો પરિચય થયા પછી મારી એ યાદીમાં સહજપણે એણે પોતીકું સ્થાન બનાવી લીધું છે. એ કારણે જ જેવી રજા પડી કે નીકળી પડ્યા રણ તરફ. હું અને જય જ વળી, બીજું કોણ હોય?
ગાગોદરથી નીકળીને હાઇવે પરની હોટલમાં જ જમી લેવાનું હતું. અને પાણી પણ ત્યાંથી જ ભરી લેવાનું હતું. રણમાં જવાનું થાય ત્યારે કટકબટકની વ્યવસ્થા ન થાય તો ચાલે,પણ પાણી વગર સઘળું નદારદ. વળી ઠંડીનો ચમકારો ધૂમાડા કઢવતો હોય ત્યારે બાઇક પર સફર ખેડવાના દરેક જોખમની પણ ગણતરી કરી લેવી ઘટે. પણ અમે તો નીકળી પડ્યા એકાદ ગરમ સ્વેટરના સહારે! સૂસવાટા મારતો પવન હેલ્મેટની અંદર ઘૂસીને નખોરિયાં કરતો હતો. પલાંસવા સુધી હાઇવે હોવાથી કચ્છ તરફ આવતાં અને કચ્છથી બહાર જતાં મોટાં ભારખાનાઓ પણ ઠંડીની ઝપટમાં લેતાં રહેતાં હતાં. અને હાઇવે પર થઈને જ જવું હોય તો અમે જ્યાં જવાનું નિર્ધાર્યું હતું તે સ્થળ જીપીએસ મુજબ 205 કિ.મી. દૂર હતું. અને પલાંસવા થઈને રણ માર્ગે ચડી જઇએ તો દોઢ કલાકમાં ત્યાં ચાંપી દઇએ! માત્ર 75 કિ.મી. લ્યો! હા…હું વચ્છરાજ બેટમાં આવેલ પ્રસિદ્ધ વાછરાદાદાના સ્થાનકની વાત કરી રહ્યો છું.
રણનો માર્ગ અમારા માટે સાવ અજાણ્યો હતો. આડેસરથી મેળક બેટના રસ્તાની ખબર હતી. પણ પલાંસવાથી વચ્છરાજ બેટનું સાહસ પ્રથમવારનું હતું. હાઇવેથી ફંટાઈને પલાંસવામાં પ્રવેશ્યા. એક ભાઇને રસ્તો પૂછ્યો તો એ અજાણ હતા. આગળ પંચાયત પાસે બે ચાર જણ ઊભા હતા. ત્યાં જઇ પૂછ્યું તો એ પૈકીના એક વડીલે અમારા ચહેરાની એક એક રેખા નિરખીને જોઈ! પછી રસ્તો બતાવતાં પહેલાં ઊલટતપાસ કરતા હોય એમ પૂછ્યું: પાણી છે? હું મનોમન બોલ્યો કે પાણી છે એટલે તો જઇએ છીએ! પછી જરા પ્રકટપણે કહ્યું કે બે બોટલ લીધી છે. એણે લાગલું જ કહ્યું કે બે બોટલે ન થાય. હજી એક લઈ લો. એ સલાહ માથે ચડાવીએ ત્યાં બીજો પ્રશ્ન: હવા ભરવાનો પંપ સાથે લીધો છે? મેં વળી મનોમન કહ્યું ત્યાં અમારે થોડી પંચરની દુકાન નાખવાની હતી કે આ બધું સાથે લઈએ? હજી આવું તેવું કંઈ વિચારું ત્યાં સાથે ઊભેલા બીજા વડીલે પેલા પ્રાશ્નિકનો પરિચય આપતાં જણાવ્યું કે તેઓ વચ્છરાજ ધામના ટ્રસ્ટી છે. અહો, શું શુકન થયાં! અમે અમારી ખુશી વ્યક્ત કરીએ એ પહેલાં મોબાઈલ પર કોલ કરીને એમના પુત્ર દિનેશભાઇને આદેશ કર્યો કે આ બે જણને બેટના માર્ગે ચડાવી આવજે. પછી કહે પંચાયતથી વળશો એટલે સામે બાઇક પડેલું દેખાશે. એ મારું ઘર છે. ત્યાં અવાજ કરશો એટલે દિનેશ તમને માર્ગ બતાવી જશે.
નિ:સ્વાર્થભાવે અને પોતાની ફરજ છે એવું માનીને આદેશ કરનાર હતા વેલજીભાઇ સોલંકી. જ્યાં સુધી રણમાં નહોતા ચડ્યા ત્યાં સુધી એમની ચિંતા સમજાણી ન હતી. પણ દિનેશભાઇ પલાંસવાનો સીમાડો વટાવી સાત આઠ કિ.મી. રણની કાંધી સુધી મૂકી ગયા ત્યાં સુધીમાં અમને વેલજીભાઇની ચિંતા રજેરજ સમજાય ગઈ હતી. પ્રથમ તો દિનેશભાઇ મૂકવા ન આવત તો યોગ્ય રસ્તો મળત જ નહીં. અને જીપીએસ મેં આગળ કહ્યું તેમ મહામાર્ગ જ બતાવતો હતો. રણમાં આ મોબાઈલ નામનાં ડબલાની કોઈ જ ઉપયોગીતા ન હતી!
પલાંસવાની સીમ સાવ સૂકીભઠ્ઠ હતી. શિયાળામાં ક્યાંય રવિપાકના એંધાણ પણ જણાતાં ન હતાં. આંકડા, પીલુડી ને ગાંડો બાવળ એકબીજાની સ્પર્ધામાં ઉતર્યા હતા. રણની કાંધીએ આવીને દિનેશભાઈએ બાઇક થંભાવી.અમને કહે કે લો આ તમારી મંઝિલ. કરો ફતેહ. ને હળથી ખેડેલો ચાસ બતાવી કહ્યું કે આનો સાથ ન મૂકતા. એ છેક વચ્છરાજ સુધી લઈ જશે. અમે ખરેખર એમની સામે નતમસ્તક હતા. પેટ્રોલનો ખર્ચ દેવાની વાત કરી તો કહે ના હો…ડાડો તો તો મારી જ નાખે. આ તો ધરમ છે અમારો. અઠવાડિયામાં બે ત્રણ વખત આમ આવું છું. મને મેકણડાડાની યાદ આવી ગઈ.
હવે આગળ માત્ર રણ હતું ને અમે હતા. ચોમાસામાં દલદલથી રબરબી જાતું રણ અત્યારે કઠણ છીપરાં જેવું થઈ ગયું છે. પલાંસવાના મિત્રોએ હળથી ચાસ પાડવાની કોશિશ કરી છે પણ એકાદ બે ઈંચથી વધારે ઊંડો ચાસ કરી શક્યા નથી! જોકે રસ્તા સિવાયનું રણ ઉપર ઉપરથી તો પોચા પોચા રૂ જેવું જણાય છે પણ હકીકત જુદી છે.પવનની ઠંડી લ્હેખીઓ રણની માસૂમ રેતી સાથે ગેલ કરતી હોય એમ રમતી દેખાય છે. ઊંચા પર્વત પર વાદળ આપણને સ્પર્શીને જતાં હોય એમ અહીં રેતીના નાના સ્તરો આપણા શરીરને ગલગલિયા કરીને આગળ વહી જાય છે. નજર પડે ત્યાં સુધી શૂન્યાવકાશ તરતો દેખાય. પૃથ્વી ગોળ હોવાનું ભાન ખૂબ સહજ રીતે થઈ જાય છે. માથે આભ ને નીચે ધરતી એ કહેવત સમજવા કોઈ જાતના અર્થવિસ્તારની જરૂર પડતી નથી. ક્ષિતિજ હાથ લંબાવીએ ત્યાં નાના બાળક જેમ ખિલખિલાટ કરતું વળગી પડે છે. અસ્તિત્વની અસ્મિતા અહીં છાતી ભીંસાય જાય એટલી સન્મુખ છે. એકલતાની આરાધના કરતું રણ અગાધ બનીને ભડકાવે છે આંખને. ઝાંઝવા આંજીને ભરમાવે છે પળ પળને.
અમે પેલા ચાસના સહારે દોડી રહ્યા છીએ. મનુષ્યસૃષ્ટિના કોઈક કોઈક ઘટકો નજર સમક્ષ આવી જાય છે. કયાંક છે માત્ર પેલી નિશાનીઓ. ક્યાંક નાના થાંભલાઓ તો ક્યાંક સિમેન્ટની ખાલી ટાંકીઓ. જે મૂકેલી જણાય છે તો પાણી ભરવા માટે પણ રોજ આવડા વિરાટ રણમાં કોણ ભરે? એક જગ્યાએ શકરાબાજને રેતીમાં ખૂપી ગયેલું જોયું. નજીક જઈ તપાસ કરી તો મરી ગયેલું. મનમાં અનેક શંકા કુશંકાઓ ઉદ્ભવી પણ કોઈ નિર્ણય સુધી પહોંચી ના શક્યો. હશે કોઈ કારણો. રણની પોતાની રણનીતિ શું હોય શી ખબર?
અવકાશમાં યાત્રા કરી રહ્યાનો ભાસ થતો હતો હવે.55 કિ.મી. રણ ખુંદીને વચ્છરાજ પહોચવાની ઉત્કંઠા ચરમસીમાએ પહોંચી હતી. રેતી ઉડાડતી બાઇક જો ક્યાંક ખૂપી ગઇને રણમાં તો ખો ભૂલી જવાના છીએ.
પંચર બંચર થયું તો ખબર નહીં શું વલે થશે? વનમાં વલવલે વૈદર્ભીની જગ્યાએ રણમાં રગદોળાય રખડુ એવી શ્રૃતિ પ્રચલિત થશે. પણ આવું કાંઈ જ ન થયું. રણની મધ્યે વાછરાદાદા વાટ જોતા હોય ત્યારે રણની શું મગદૂરી કે ભટકાવે અમને!
નાની હાટડીઓ પસાર કરીને અંદર પ્રવેશ્યા તો નાનકડા દેરામાં વચ્છરાજ બિરાજ્યા છે. એક પડખે તેમના પત્ની પુનાબા અને બીજા પડખે ચારણ આઇ દેવલમા બિરાજમાન છે. સોલંકી કૂળના આ લોકદેવે ગાયોની રક્ષા કાજે સિંધના સુમરાઓ સામે લડતાં લડતાં પ્રાણ ન્યોછાવર કર્યાં છે અહીં. ધડનો ભાગ અહીં છે અને માથું અઢાર કિ.મી. દૂર ગૌખરી બેટ નામનું એક બીજું સ્થાનક છે ત્યાં પડ્યું હોવાનું મનાય છે.
આ વીર વચ્છરાજ સોલંકીએ હાથીજી બાપુ અને કેસરબાને ત્યાં બહુચરાજી પાસેના કાલરી ગામે વિ.સં. 1117ના ચૈત્ર મહિનાની સુદ સાતમના દિવસે અવતાર ધારણ કર્યો હતો. મોટાભાઈ બળરાજ પણ એવા જ વીર સપૂત હતા. ગાયોની સેવા કરવાના એક માત્ર ધ્યેય સાથે એમનું જીવન વિતતુ રહે હતું.
એક વખત ભાભીના સગાઓ એમનું માગું લઈને આવે છે. એમને જમવાનું ટાણું થાય છે ત્યારે જ એક ગાય રણમાં દલદલમાં ખૂંપી ગઈ હોવાના સમાચાર આવે છે. વચ્છરાજ ગાયને બહાર કાઢીને આવે છે ત્યાં સુધી પેલા મહેમાન ખાધા વગર બેસી રહે છે. જમવાનું ટાણું વિતી જતાં ભાભીએ મેણું માર્યું કે ગાયુની સેવા જ કરવી હોય તો પેલા સુમરાઓ જ્યાં કાયમ ગાયુને વાળી જાય છે તે વઢિયારમાં જાવ. વચ્છરાજને લાગી આવ્યું કે હવે જીવવું કે મરવું ફકત ગાયો માટે જ.
એ વખતે વઢિયારમાંથી લોલાડા જાગીરના વહીવટ માટે મામા સામંતસંગ રાઠોડ વચ્છરાજને લઈ જાય છે. ત્યાં જ રાઠોડની કુંવરી પુનાબા સાથે એમના વિવાહ ગોઠવાઈ છે. આ વખતે પણ હજી તો ત્રણ ફેરા માંડ પૂરા થયા હતા ત્યાં ગાયોને બચાવવાની હાકલ પડી. વચ્છરાજ ફેરા પડતા મૂકી ગાયોને બચાવવા સુમરાઓ સાથે જંગે ચડે છે. સૂમરાઓને મારી હઠાવી , ગાયો છોડાવી પાછા આવે છે. પણ એ ચારણ આઇ દેવલમા પોતાની વેગડ ગાય પાછી નથી આવી એ બાબતે વચ્છરાજને રાવ કરી. ફરી વચ્છરાજ સુમરાઓ પાછળ પડે છે. પણ આ વખતે એ લડતાં લડતાં શહીદ થાય છે. ધડ અને માથું અલગ અલગ જગ્યાએ પડે છે. આઇ દેવલબા ધડ મસ્તક એક કરી સજીવન કરવા અંજલિ ભરે છે ત્યાં મસ્તક બોલી ઊઠે છે કે બા મારે કાયા અમર નથી કરવી. એ સમયે પૂનાબા પણ સતી થાય છે તો આઇ દેવલબા પણ પોતાનું જીવનકાર્ય પૂરું કરે છે. તો બુંગિયો ઢોલ વગાડનાર હીરો અને સગડ બતાવનાર મોતીઓ કૂતરો તથા રતન ઘોડી પણ વચ્છરાજના ચરણોમાં પ્રાણાર્પણ કરે છે.
આવી અદ્ભુત કથા જ્યાં આકાર પામી તે વચ્છરાજ બેટ રણની વચ્ચે આવેલી એક અદ્ભુત લીલીછમ જગ્યા છે. અહીં ચોવીસે કલાક ખારાપાટની વચ્ચે કોઈ જ પ્રકારના પંપ વગર પાણી વહેતું રહે છે. સેંકડો ગાયો જાતે જ બેટમાં ચરીને સાંજે ગૌશાળામાં પાછી ફરી જાય છે. હડકાયું કૂતરું કરડ્યું હોય તો આ જગ્યાના પ્રભાવે સારું થઇ જાય છે એવું કહેવાય છે. અને ખાસ તો ચોમાસામાં ચારે તરફ પાણી પાણી જ હોય ત્યારે ચાર મહિના આ સ્થળ ચારેય બાજુથી અવરજવર વગરનો થઈ જાય છે. એ વખતે શું થતું હશે?
વધારે વિચારીશ પાછું નહીં ફરી શકાય. હજી પરત ફરતાં ફરી પાછું એટલું જ રણ કાપવાનું છે. આ વખતે કાશ ઘુડખરનો ભેટો થઈ જાય તો રણની સફરમાં ગુલાબી રંગની છટા ઉમેરાઈ જાય!
– જયંત ડાંગોદરા
સરસ. ગમ્યું.
આભાર આપનો…મને થોડું થોડું પણ આવડ્યું.