કચ્છની ધરતીને ભૂકંપની જરા પણ નવાઈ નથી. 1819ની 16મી જૂને આવેલા ભૂકંપે કચ્છની આખી ભૂગોળ બદલી નાખી હતી. સિંધુ નદીનું વહેણ બદલાયું ને સાથે કચ્છનું નસીબ પણ. કચ્છડો બારે માસ બોલતાં જે મોઢું ભરાઈ જાય છે તે એ વખતના સિંધુજળનાં પ્રતાપે, તો લુપ્ત સરસ્વતીનો પણ એ કહેતીમાં યત્કિંચિત ફાળો રહ્યો હશે. ભૂકંપની એ ઊથલપાથલમાં સેંકડો ઘરો અને લોકોનો ભોગ લેવાયો. એ પછી પણ કચ્છમાં નાના મોટા અનેક ભૂકંપ 26 જાન્યુઆરી 2001 સુધી આવતા જ રહ્યા હતા. પણ આ છેલ્લા ભૂકંપની તારાજીએ ફરી કચ્છની ભૂગોળ બદલી. 1819ના ભૂકંપે ભૌતિક ભૂગોળ બદલી તો 2001ના ભૂકંપે માનવીય-સાંસ્કૃતિક ભૂગોળ બદલવાનું કામ કર્યું.
એ સમયે વાગડમાં સામખિયાળીથી નેશનલ હાઇવે 15 પર મઢીથી આઠ કિ.મી. અંદર આવેલ આધોઇમાં એટલું વ્યાપક નુકશાન થયું કે એનું એક પણ ઘર ભૂકંપની થપાટથી બચી ન શક્યું. અમે ભૂકંપના 17 વર્ષ પછી આ ગામની મુલાકાત લીધી તો એ સમયનાં ખંડેરો કંઇ કેટલીયે ચીસો સાંચવીને ઊભેલાં જોયાં. આખું ગામ થોડી લૂંટફાટને બાદ કરતાં જૈસે થે સ્થિતિમાં છે. ફરક એટલો છે કે હવે એની શેરીઓમાં બાળકો લખોટી કે ગિલીદંડે રમતાં નથી. સ્ત્રીઓનાં ગીત કે કલબલાટ સંભળાતો નથી. પુરુષોની થોડી અવરજવર એ સમયની ચહલપહલને નિર્દેશી જાય છે. મકાનો ખંડિત અને મન વિખંડિત. મંદિર-મસ્જિદના જિર્ણોદ્ધાર થયા છે.પણ માનવ મન હજી પણ એ કાળચીસ ભૂલી શકતું નથી. વેરણછેરણ પડેલ કાટમાળમાં ઊંહકારા ડૂબી ગયા છે. કોઈનું ઘર ઉજ્જડ થાય એ પણ આપણાથી જોઈ શકાતું નથી તો અહીં તો આખું ગામ ઉજ્જડ પડ્યું છે.
એક જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનના ચરણપગલાં જોયાં. આ સ્થળે લાલજી સુથારને ભગવાન સ્વામિનારાયણે નિષ્કુળાનંદ તરીકે દિક્ષિત કરેલા. એ પછી ગામમાં ભિક્ષા માગવાનું ફરમાન કર્યું. પણ લાલજી મૂંઝાણા.આ ગામ તો એની સાસરવેલ. ભગવાને ત્યાં જ ભિક્ષા લેવા કહ્યું. લાલજીને ઘર આંગણે સાધુના વેશે આવેલા જોઈ એમનાં પત્ની કંકુબાઇ પણ મૂંઝવણમાં પડ્યાં. પણ આ બધું ઘડીભર. બંનેએ આ ક્ષણ સ્વીકારી લીધી ને કંકુબાઇએ અંતકાળે ધામમાં લઈ જવાનું કહી ભિક્ષામાં બે રોટલા ને ઘી ગોળ આપ્યાં. આ સ્થળ ખંડેરો વચ્ચે એની રંગરોગાન કરેલી છત્રીને કારણે જુદું તરી આવે છે.
આધોઇની આ ખંડિત દશા પણ જો આટલી બુલંદ હોય તો એની જાહોજલાલી એ વખતે કેવી હશે! દશ હજારની વસ્તી ને અઢી હજાર જેટલાં ઘરો પડીને પાદર થઈ જાય એ પછી આંખો આંખો નથી રહેતી. મનમાં થાય એની જગ્યાએ કાચ હોત તો થોડું સહ્ય રહેત.
આજે આધોઇ ફરી ધમધમતું ગામ બની ગયું છે. ખંડિત ગામથી બે કિ.મી.દૂર મહારાષ્ટ્ર સરકારે વસાવેલ સાહુનગર જૂની પીડાને વિસારે પાડી આગળ નજર માંડી બેઠું છે. વણાટનગરના વણકરો પોતાની કલાને રાષ્ટ્રીય કક્ષાએ વિસ્તારી બેઠા છે.
આમ પણ કચ્છમાં લોકશાહીના પ્રથમ દર્શન આધોઇમાં જ થયાં હતાં. કચ્છ 4થી મે 1948માં ભારતીય સંઘમાં જોડાયું તે પહેલાં સૌરાષ્ટ્ર 15મી જાન્યુઆરી1948માં જોડાઈ ગયેલું. 15મી ફેબ્રુઆરી1948ના રોજ સૌરાષ્ટ્ર સંયુક્ત રાજ્યની રચના થઇ ત્યારે કચ્છ 1લી જૂન1948થી ધારાસભા વગરનું ક રાજ્ય બન્યું હતું. એ સમયે આધોઇ કચ્છમાં નહીં પણ મોરબી રાજ્યમાં હતું. અને સૌરાષ્ટ્ર રાજ્યમાં મોરબી પણ સમાવિષ્ટ હતું. એટલે કચ્છ કરતાં પહેલી સૌરાષ્ટ્ર બંધારણ સભાની સામાન્ય ચૂંટણીઓ યોજાયેલી. તેમાં મોરબીને ફાળે બે બેઠકો આવેલી તે પૈકી માળીયાની બેઠકમાં આધોઇનો સમાવેશ થયેલો. માળિયાવાળા અમૃતલાલ શેઠ મોરબી કુંવર કાલિકાકુમાર સામે જીતેલા. આમ આધોઇ મોરબી રાજ્યનો ભાગ હતું. એ પછી 1949-50માં અંજારના નાયબ કલેકટર હરિભાઇ છાયાએ આધોઇને કચ્છમાં ભેળવ્યું હતું.
આધોઇની ચડતીપડતીનો આલેખ એનાં મોજુદ બંને સ્વરૂપોને જોતાં અછતો નથી રહેતો.
આધોઇની એ ભૂકંપીય પીડાનું પોટલું પાંપણ પર ટાંગીને બહાર નીકળ્યા તો પગમાં ખાલી ચડી ગઇ હતી. મન પણ સૂનકારના માર્ગે ચડી ગયું હતું. પછી તો નવી વસાહતમાં પરત ફર્યા અને બજારને માણસો અને તેની વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમતી જોઈ ત્યારે થોડી ટાઢક વળી ને જાણે ભયંકર સ્વપ્નમાંથી બહાર આવ્યાનો અહેસાસ થયો.
મન થાકી ગયું હતું.મનને ધક્કો આપવા કીટલી પરથી ગરમાગરમ ચા પીધી. ને એ સાથે જ ફટફટી ઉપડી કંથકોટ તરફ. અહીંથી પંદર કિલોમીટરના અંતરે છે. શરૂઆતનો હલરા સુધીનો રસ્તો તો લીમડા ને કયાંક આંબાનાં વૃક્ષોથી હર્યોભર્યો છે. વીડી વિસ્તાર ઝાંખરાંના જંગલની યાદ અપાવી જાય છે. રણનો ક્યાંય અત્તોપત્તો જ નથી જાણે! લીલીછમ ટેકરીઓ ને પંખીલોકથી ચહકતો મલક કચ્છના મૂડી મિજાજનો દ્યોતક બની રહે છે. સડક પરથી જે ટેકરીઓની હારમાળા નજરે પડે છે ત્યાં જ આવેલું અમારું ગંતવ્ય સ્થાન. પાંચ દશ મિનિટમાં તો ફટફટી પ્હોંચી ગઇ એની ગોદમાં. હાલનું કંથકોટ પણ આ તળેટીમાં જ વસેલું છે. પણ અમારે તો જોવું હતું પેલું ટોલેમીએ જેનો ઉલ્લેખ કર્યો છે એ કંથકોટને.
આ કંથકોટ આઠમી સદીમાં કાઠીઓનું પાટનગર હતું. શ્રીકૃષ્ણપુત્ર સામ્બના વંશમાં નરપતપુત્ર સમાના વંશજ લાખા ધુરારના પત્રો મોડ અને મનાઈ સિંધમાં જામ ઉન્નડનું ખૂન કરીને મામા બાઘમ ચાવડા પાસે કચ્છમાં આવ્યાની કથા ઇતિહાસમાં ગવાતી રહી છે.
મનાઈ કચ્છની ઉત્તરે ગયો ને મોડ પહોંચ્યો અહીં કંથકોટની ટેકરીઓમાં. આ સ્થળ એને ગમી ગયું. પણ મોડને ગમ્યું એ પહેલાં તો કંથડનાથે અહીં ધૂણી ધખાવી દીધી હતી. સાત વર્ષે તો એ વાતને પણ વીતી ગયાં હતાં. બાર વર્ષની ધૂણીમાં હવે માત્ર પાંચ વર્ષ બાકી હતાં. મોડને એ જ જગ્યાએથી ગઢ બાંધવાની શરૂઆત કરવી હતી. નાથ એ જગ્યા છોડવા તૈયાર ન હતા. છેવટે બળજબરીથી એ જગ્યા મોડે ઝૂંટવી લીધી. નાથ ગુસ્સામાં ને ગુસ્સામાં આસન બગલમાં દાબીને નજીકની ગુફામાં ભરાઈ ગયા.
આ બાજુ મોડે ગઢ ચણાવવાનું ચાલુ કર્યું ને બીજી તરફ ગુફામાં નાથે કંથા(ગોદડી) સીવવાનું ચાલુ કર્યું. દિવસ આખો ચણેલો ગઢ રાત્રે નાથજી ગોદડીની સિલાઈ ઉકેલે કે તરત ધડૂમ કરતો પડી જાય. કેટલાય દિવસો સુધી આ ઘટનાક્રમ ચાલુ રહ્યો. આખરે ગઢ પૂરો ન થયો તે ન જ થયો. દરમિયાન મોડનું મૃત્યુ થયું. એ પછી એમના પુત્ર જામ સાડે ગઢ પૂર્ણ કરવાનું કામ હાથમાં લીધું. તેણે કંથડનાથના શિષ્ય ભૂસુનાથને આ સંદર્ભે કંઈક રસ્તો કરવા વિનંતી કરી.
ભૂસુનાથે સાડને સાત પોપટને પઢાવી વારાફરતી ગુફા આગળ ‘દાદા કંથડ, આદેશ’ એમ બોલવા કહ્યું. પહેલો પોપટ ગુફા આગળ આ રીતે બોલ્યો કે નાથે પૂછ્યું:કોન્? ને એના ઉત્તરમાં પઢાવેલો પોપટ બોલ્યો: જામ સાડ. આ સાંભળતાં જ ગુસ્સાયેલા નાથે કહ્યું: સાડિયા, ભસ્મ હો જા. આ પ્રમાણે સાતે સાત પોપટ બળીને ભસ્મ થઈ ગયા. આઠમી વાર સાડ ખુદ બોલવા ગયો ત્યારે ભૂસુનાથ વચ્ચે પડ્યા ને નાથને દયા કરવા વિનંતી કરી. પછી તો સાડ નાથના ચરણોતળે આળોટ્યો ને ક્ષમાયાચના કરી. ત્યારબાદ પ્રસન્ન થઈ ને નાથે ગઢ બાંધવાની આજ્ઞા આપી. ગઢ બંધાઈ રહેતા એને નામ આપવામાં આવ્યું કંથકોટ ને ગઢની ખડકીનું નામ રાખ્યું સાડ ખડકી. સાડે અહીં એક કૂવા બંધાવ્યો તે મોડ કૂવો. આજે અહીં એ વખતના કોટની એક માત્ર કોઈ નિશાની બચી હોય તો તે છે કોટનો દરવાજો. આ દરવાજા પર નગારખાનું, ચોકીઓ,ઝરુખા,મેડી, દોઢી વગેરે હાલ પણ મોજુદ છે. આ દરવાજાની બાજુમાં જ કાઠીરાજ્યના પ્રતીક સમાન સૂર્યમંદિર ઊભું હતું. પણ ભૂકંપે આ જર્જરીત ઓળખને પણ ભૂંસી નાખી છે. આસપાસના ટુકડાઓ ભવ્ય અને કલાત્મક મંદિર હોવાની ચાડી ખાતા રહે છે. અમે એ ટુકડાઓ જોઈ જોઇને કાળદેવતાની લીલાને વંદી રહ્યા છીએ. બીજું કરી પણ શું શકીએ? ત્યાં ખોડેલ સાઈન બોર્ડ અને ખંડેરનો ઢગલો જો સ્થાનિક ગોવાળ પૂંજાભાઇએ બતાવ્યા ના હોત તો અમને આ ખંડિત જાહોજલાલીનો ખ્યાલ પણ ના આવત. કદાચ મંદિર આગળ ઊભેલી પાળિયાઓની હાર અટકાવી રહી છે આ પરિસ્થિતિની પીડા પ્રગટ કરતાં આપણી સામે!
સૂર્ય મંદિરની સામે જ ભવ્ય જૈન મંદિર હતું. એની દશા પણ નામશેષ જેવી જ છે. 2001ના ભૂકંપે એક સ્તંભ પણ ઊભો રહેવો દીધો નથી. અહીં તહીં રખડે છે બધું. શિલાલેખો ધૂળ ખાય છે. આ બધાનું રક્ષણ કરવાનું આપણે ક્યા યુગે શીખીશું હે!
અહીં જ , આ જ ટેકરી પર વસેલું હતું કંથકોટ.હવે તો આ ટીંબો છે. ખોદકામ કરવામાં આવે તો કદાચ નવી હડપ્પીય સાઈટ પણ મળી આવે! હાલ તો આ ટેકરી પર કંથડનાથનું નવું મંદિર અને અખાડો છે. મેળા પણ ભરાતા રહે છે. પણ મન ભરાતું નથી.
આ ટેકરી પર કંથડનાથ રહેતા હતા તો સામે આવેલી માંગુ ભિટ્ટ એટલે કે માંગુ ધાર પર એમના માતાજી માંગુમા બિરાજમાન હતાં. તે ખરેખર તો યોગી થઈ ને નીકળી પડેલા કંથડનાથને શોધતાં શોધતાં અહીં આવેલાં. પણ કંથડનાથ પરત ન ફરતાં પોતે પણ પ્રભુની ભક્તિમાં લીન થઇ ગયાં. ત્યાં આજે મોમાઈમા અને માંગુમાનું મંદિર આ ભવ્યગાથાની યાદ આપતાં ઊભું છે. અહીં પહોંચવા કોંક્રિટની પાકી સડક છે. ચોમાસામાં અહીંથી દર્શિત થતી વાગડની ધરા જાણે કહે છે કે મારું સાચું રૂપ તો આ છે. એ જોતા ચોમાસે વાગડ ભલો એ પ્રત્યક્ષ સમજાય છે. સુંદર મજાની ટેકરી છોડતી નથી અમને. અરે યાદ આવ્યું , મૂળરાજ અને ભીમદેવ સોલંકીને પણ એણે છોડ્યા ન હતા ; તો અમે તો કઇ વાડીના મૂળા!
– જયંત ડાંગોદરા
( મિત્ર જય જોશી સાથે કરેલી રખડપટ્ટી)
( શબ્દસૃષ્ટિ: ડિસેમ્બર,૨૦૨૧માં પ્રકાશિત નિબંધ)
ખૂબ સરસ તસ્વીરો સાથે ખૂબ સરસ આલેખન….
ખૂબ સરસ તસ્વીરો સાથે ખૂબ સરસ આલેખન….
ઉત્તમ લેખ. કંથકોટની મુસાફરી ફળદાયી નીવડી.
Maja avi gaj
ખૂબ જ સરસ માહિતીસભર લેખ.
Khub saras
ખુબ સરસ.
ઐતિહાસીક અને રસપ્રદ લેખન.
હવે,લાગે છે કે તમારુ લખાણ વાંચવાની ટેવ પાડી દેશો.
Maja avi
Sir Maja aavigai 👌
ખુબજ સરસ
અદ્ભૂત
welldone
Wonderful
Thanks for the sharing
કંથકોટની કથા અને કમનીયતા કલાની
સાહેબ આપની સાથે આવ્યા હોત તો ઘણું જાણવા અને જોવા મળતું….અમિત
ખૂબ સરસ … આપડી બાજુ નું પણ.. આલેખન કરો
જયભાઇ
ખુબ સરસ ✔️….. કરછ નું માનકુવા મારુ માદરે વતન છે.મારા દાદા ૨૨ વર્ષ ની ઉંમરે સાબરકાંઠા આવ્યા હતા.
આપે કરછ નું આબેહૂબ વર્ણન કર્યું છે.
આભાર સાથે … જીતેન્દ્ર ના વંદન
વાહ…સુંદર !
વાહ…સુંદર !
વાહ..સુંદર લેખ
અદભૂત છે હો સાહેબ
શીર્ષક : "રખડપટ્ટી ના પટ્ટેથી.."
ઐતિહાસિક તથ્યો થી ભરપુર, લેખ વાંચતા દ્રશ્યો આંખ સામે ઉભરી આવે એવી ચિત્રાત્મક લેખન શૈલી ખુબ સરસ જયંતભાઈ
ઐતિહાસિક તથ્યો થી ભરપુર, લેખ વાંચતા દ્રશ્યો આંખ સામે ઉભરી આવે એવી ચિત્રાત્મક લેખન શૈલી ખુબ સરસ જયંતભાઈ
ધન્યવાદ દોસ્ત
ધન્યવાદ દોસ્ત
હા..મોજ પડી
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ
આપને રસાસ્વાદ કર્યો એ મારે મન આનંદ આનંદ
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ સાહેબ
ધન્યવાદ
ધન્યવાદ સાહેબ
હવે ક્યારેક ફરી વાગડમાં મળી જઈએ તો શક્ય બને અમિતભાઇ
હા…એ પણ ખરું
તમારો પ્રદેશ ખૂબ જ રળિયામણો છે જીતેન્દ્રભાઈ
ધન્યવાદ
ધન્યવાદ
ધન્યવાદ
આપના આશીર્વાદ સર…પ્રણામ સર
કંથકોટનું અદભુત દર્શન, ઐતિહાસિક તથ્યોથી ભરપુર લેખ.