ક્યારેક તો હું એવીયે પળ સુધી ગયો છું,
આંખો ઉધાર લઈને વાદળ સુધી ગયો છું.
જ્યાં મન ભરીને થોડા રંગો ભરી શકું બસ,
રસ્તામાં એક એવી અટકળ સુધી ગયો છું.
ત્યારે જ મૂર્ત પરથી પ્હોંચ્યો અમૂર્તતા પર,
ફળથી જરાક આગળ નિષ્ – ફળ સુધી ગયો છું.
સમણું જ છે હકીકત; બાકી બધું જ સમણું,
હું સત્યમાં વસેલાં એ છળ સુધી ગયો છું.
પકડી હતી કલમ તેં ને અક્ષરોય તારા,
હું તો વધી વધીને કાગળ સુધી ગયો છું.
જયંત ડાંગોદરા